પતંગિયાની પાંખો પકડી
સુગંધ આજે ક્યાં ક્યાં રખડી!
આંધણ મૂક્યું અજવાળાંનું;
પેટાવીને સૂરજ-સગડી
તારલિયાનો વાંક નહોતો;
રાત અમસ્તી વાતમાં ઝઘડી
સરવરજળમાં સ્નાન કરી ને
કલરવ રમતો ફેરફૂદરડી
પવન ઘડીભર પોરો ખાતો;
પર્ણ વગાડે છે વાંસલડી
મેઘધનુએ તીર ચલાવ્યાં;
વીંધાઈ ગઈ મૃગ-વાદલડી
સૂરજને પટકી ધરતી પર;
ઝાકળ મલકે મૂછો મરડી
તડકો રમવા ખૂબ મનાવે;
છાયા રે' છે અતડી અતડી
વૃક્ષે વેલીને ચૂમીને
'લવ યૂ' કહીને બાથમાં ભરડી
દરિયા બેઠા ઘડિયા લખવા;
ઝરણાં શીખે છે બારખડી
'પરેશ' સઘળું અતિ સુંદર, પણ-
સૌથી સુંદર છે સોનલડી
-પરેશ કળસરિયા