દુનિયા પાસે જે દરિયો છે,
વહેતી નદિઓનો રદિયો છે !
ઘાટ ઘડ્યો છે જેણે તારો,
કેવો રંગીલો કડિયો છે !
આવ,હૃદયનું ઉદ્ઘાટન છે,
લાભ થશે,શુભ ચોઘડિયો છે !
ઢળતા વેંત બધું ખોઈ દો,
ખભ્ભો જાદુઈ તકિયો છે !
વિશ્વ કહે છે ચુંબન જેને,
હોઠોનો મીઠો કજિયો છે !
પ્રશ્ન પરણશે ઉત્તર સાથે,
આજે મંગલ અવસરિયો છે !
ભાગ્ય લખ્યું છે જેણે મારું,
એ નક્કી અણઘડ લહિયો છે !
કાગળ પર નાચે છે મિસરા,
ટેબલ પર ખાલી ખડિયો છે !
વૃક્ષ ઊગે છે જેની ડાળે,
વ્યાસે વાવેલો ઠળિયો છે.
-જિગર.ફરાદિવાલા