એક સસલીએ પાડી કાં ચીસ ?
એને સમજાતું કે અમથી આ અંકલજી આપે છે કેડબરી કીસ;
એને તો સપનામાં આવે પતંગિયાં ને ચોકલેટી વૃક્ષોનાં ગાડાં,
ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જોયા ઉઘાડા.
પીળી ને પચરક પીળાએ જ્યાં ઓળંગ્યું આભ, ચડયા ડૂસકે સીમાડા !
મંદિરનાં, મસ્જિદનાં, દેવળનાં, દેરાનાં સળગ્યાં ના એક્કે રુંવાડાં ?
ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ,
એક સસલીએ પાડી કાં ચીસ ?
રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલઘૂમ પથરાયો પાકો,
ડોરેમોન, નોબીતા થથરીને કહેતા, 'આ પરીઓને પાંખોથી ઢાંકો'
'દુષ્કર્મ' વાંચીને ફાટી ગ્યા દરિયા એ જળમાં લ્યો કઇ પાથી ટાંકો ?
પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઇશ્વરનો ઊતરી ગ્યો ફાંકો.
કહાન હવે ધારો અવતાર, અહીં રોજ જુઓ પાંચાલી પૂરી પચીસ,
એક સસલીએ પાડી કાં ચીસ ?
- કવિયત્રી રક્ષા શુક્લજી