હું દેશને વેચું નહીં ,
હું વેશને વેચું નહીં
રાષ્ટ્રના જયઘોષના
સંદેશને વેચું નહીં
જે ફરે છે દુશ્મનોને વેચવા ફિરાકમાં,
લાગ જોઇ બેઠા છે એ એક તકની તાકમાં
પણ ડરે છે દેશના સોદાગરો આજે હજી
જેમ ફફડે છે શૃગાલો, સિંહ કેરી ધાકમાં
દેશના બહાદૂર જવાનો
પ્રાણ ન્યોચ્છાવર કરે
એ પૂજા પ્રસાદની
હું શેષને વેચું નહીં.
હું દેશને વેચું નહીં
મૂલ્ય ને કિંમતની વચ્ચે ફેર ના જે જાણતા
એમને માટે તો છે આ દેશ તરણા તુલ્યનો
જેમને માટે આ માટી માત્ર મુઠ્ઠી ધૂળ છે
વ્યર્થ છે સમજાવવાનું, અર્થ શું અમૂલ્યનો ?
અસ્મિતાનો વારસો
સદીઓથી જ્યાં અકબંધ છે.
હું કદી એ મેડીને,
રવેશને વેચું નહીં
હું દેશને વેચું નહીં.
- તુષાર શુક્લ