ગઝલ-નુમા સચ્ચાઈ....
એક સ્ત્રી વ્હેલી ઊઠે, સ્વતંત્રતા ના નામ પર;
ને ખભે ઘર લઇ ઘૂમે સ્વતંત્રતા ના નામ પર !!
વાત એની કોઈ સાંભળવા નહીં માંગે ને એ,
સાદ દઇ દે એક બૂમે સ્વતંત્રતા ના નામ પર !!
ચોટ લાગે કોઇને પણ લોહી તો એનું બળે,
આંસુ એના ખુદ લૂછે સ્વતંત્રતા ના નામ પર !!
એક ઘર છોડીને એ આવી ગઈ બીજા ઘરે,
પારકી થાપણ રૂપે સ્વતંત્રતા ના નામ પર !!
નામ, સરનામું ય તો બદલાઇ જાતું હોય છે,
સ્ત્રી હયાતી ને ઝૂરે સ્વતંત્રતા ના નામ પર !!
રોજ સ્ટવ પર એના અરમાનોનું એ આંધણ મૂકે,
આગ થી સપના ધૂએ સ્વતંત્રતા ના નામ પર !!
આંખ ખૂલી ત્યારથી તે રાખ માં જઈને ઠરી,
ત્યાં સુધી હરપળ મૂએ, સ્વતંત્રતા ના નામ પર !!
સ્ત્રી અને પત્ની વિશે ની સૌ રમૂજો બાદ શું,
બે સવાલો સ્ત્રી પૂછે ?? - સ્વતંત્રતા ના નામ પર...
પ્હાડ, રણ, દરિયો, ઝરણ, આનંદ, ગમ, રુદન, મરણ;
ચાર ભીંતોના ખૂણે, સ્વતંત્રતા ના નામ પર !!
રાહ એ જોવી રહી કે , આત્મ-શ્રધ્ધા થી હવે;
ખુદ ની આંખે જગ જૂએ , સ્વતંત્રતા ના નામ પર !!
- દિવ્યા મોદી.
Divya Rajesh Modi