દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે,
તને ભીંજાવું ગમશે કે કેમ ?’
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
પ્રેમ એક અદભુત ભાવ છે.નથી હોતા એના સૂત્રો કે નથી હોતા એના નીતિનિયમો.....પ્રેમ કરવાના ન હોય કારણ...
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
ગમવાના ના હોય કોઈ કારણો...અને નહોય એના પરિબળો.
કલાપીની રાણી તો રમાં હતી.એની સાથે આવેલી નાનકડી બાલિકા શોભના પ્રત્યે કલાપીનો પ્રથમ વાત્સલ્ય ભાવ હતો.શોભના જેમ જેમ યુવાન બનતી ગઈ તેમ કલાપીનો આ ભાવ પ્રણયમાં પરિવર્તિત થયો.
કલાપી પતિધર્મ અને પ્રેમીધર્મ વચ્ચે એવા હિજરાય...પીસાયા એમાંથી કેકરાવ જન્મ્યો...
આવી જ એક વાત આજે મારે કરવી છે.
પાઠક સાહેબ એક કોલેજમાં પ્રિન્સિપાલ.એ પોતે પણ મોટા સાક્ષર અને વિવેચક.
એમના એક મિત્ર હતા સાહિત્યકાર.જેમના ઘેર આ પાઠક સાહેબ બેસવા જાય. સાહિત્યનો સત્સંગ થાય.
જે મિત્ર હતા એમની એક દીકરી હતી.
નામ હતું એનું રોમા.
પાઠક સાહેબને મન આ દીકરી સમાન હતી.કારણ કે પાઠક સાહેબની ઉમર રોમાથી ડબલ હતી.પાઠક સાહેબ તો પરણિત હતા.સંતાનો પણ હતા.એમનો સુખી સંસાર હતો.
રોમા કોલેજમાં ભણતી.અંગ્રેજી એનો વિષય હતો.પાઠક સાહેબ પણ અંગ્રેજીનાં વિદ્વાન હતા.રોમા હવે યૌવનમાં પ્રવેશી ચુકી હતી.એને વસંતના વાયરા લાગી ચુક્યા હતા.
રોમા હવે પાઠક સાહેબને જુદી રીતે જોવા લાગી.એની નજરમાં જે ભાવ જન્મ્યા હતા એ પાઠક સાહેબ સમજી ચુક્યા હતા.બંનેનું સાનિધ્ય એમને પ્રણય તરફ લઈ ગયું.
હવે રોમા PHD થઈ ગઈ હતી.રોમાને હવે એ જ કોલેજમાં પ્રોફેસરની જોબ મળી જ્યાં પાઠક સાહેબ આચાર્ય હતા.
પ્રેમ ક્યાં છૂપો રહે...
પાઠક અને રોમા ના સંબંધને કોઈ નામ ન હતું.
જોકે રોમા પણ પાઠક સાહેબ સાથેના સંબંધનો જગ જાહેર સ્વીકાર કરતી.શહેર ...કોલેજ....એમના વિદ્યાર્થીઓ...પરિચિતો...સમાજમાં આ સંબંધ ચર્ચાઈ ચુક્યો હતો.
કોલેજમાં વિદ્યાર્થીઓ બોર્ડ પર પાઠક સાહેબ અને રોમાનું નામ લખાય....આવી ઘટનાઓને એમને પી જવી પડી.56 વર્ષે પાઠક સાહેબનું અવસાન થઈ જાય છે.
રોમા આ કોલેજમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ એક આશ્રમમાં જતી રહે છે.ત્યાં એક જનક સાથે પરિચયમાં આવે છે.બંને લગ્ન સંબંધે જોડાય છે.ત્યારે રોમા 52 વર્ષની થઈ ચૂકી હતી.
ચાર પાંચ વર્ષ બરાબર ચાલે છે એમનું દામ્પત્ય જીવન.પછી બંને વચ્ચે તિરાડ પડે છે.તિરાડમાં પાણી ભરાતું ગયું.
કુદરત પણ એક ડગલું આગળ ચાલી અને જનક પણ આ દુનિયા છોડી ચાલ્યો ગયો એક બીમારીમાં...
આજે 60ની થવા આવી રોમા....
જિંદગીના લેખાજોખા નો હિસાબ માંડે છે.
પોતે પાઠક સાહેબ સાથેના સંબંધોને સ્વીકાર્યા
એ સંબંધને કઈ નામ ન આપ્યું....
બસ એ સંબંધ એમની સાથે પાઠક સાહેબ જીવ્યા ત્યાં સુધી નિભાવ્યો...એનો એક હાશકારો હતો.
આવા સંબંધો આપણા ભારતીય સમાજમાં હંમેશા નિંદનીય જ બને છે.
છતાં પ્રેમના ગણિતને એની કઈ પડી નથી હોતી....