દીકરીવિદાય વખતે એક પિતાની વેદના
તું જન્મી ત્યારે મારા હાથમાંથી બધા તને છીનવી લેતા દીકરી
ત્યારે મને ક્યાં ખબર હતી કે એ તારી અર્ધી વિદાય હતી..
તું થોડીક મોટી થઈ ત્યારે તારા મિત્રો સાથે રમવા જતી દીકરી..
ત્યારે મને ક્યાં ખબર હતી કે તું મારા વગર જીવતા શીખી રહી છે..
એક પિતા તરીકે તો એજ દિવસ થી મેં તારી વિદાય જોઈ છે મારી દીકરી..
જ્યારે તારી શાળાના પ્રથમ દિવસે હું તને આંગળી પકડાવીને આવ્યો હતો..
એ દિવસે મને ક્યાં ખબર હતી કે હું મારા જ હાથે મારી દીકરી ને વિખૂટી કરી રહ્યો હતો..
દીકરી તું તો તારા મિત્રોને શાળા પરિવારમાં મસ્ત થઈ ગઈ..
અને ક્યારેક તે રમતાં.. હસતાં.. પડતાં.. તારી આંખો પણ ભીંજવી.. પણ એ સમયે ના હું તારી સાથે હતો.. કે ના તારી મમ્મી..
મારી દીકરી ધીરે ધીરે તે અમારા વિના જીવતા શીખી લીધું..
મારી દીકરી હવે તું મોટી થઈ ગઈ.. અને એજ સમય ફરીથી પાછો આવશે..
આપણા બાગનું ફૂલ હવે આ બાગ છોડી ને ચાલ્યું જશે..
હવે એ સુગંધ નહીં રહે.
તું હવે એક નવા બાગમાં ઉછરીશ.. ત્યાં તારી સુગંધ ફેલાવીશ.. અને એ બાગને મહેકતો કરીશ..
દીકરી તું હવે તારા સાસરીએ જઈશ અને ત્યાં તારા પતિ અને પરિવારમાં મસ્ત બનીશ..
ત્યાં પણ કોઈ વાર તારી આંખો ભીંજાશે અને ત્યાં પણ ના હું હોઈશ કે ના તારી મમ્મી..
ત્યાં તારી જીંદગી ના બધા જ વિષયો તારે જાતે જ ભણવાના છે અને પરીક્ષા આપવાની છે.. ત્યાં પણ તારે અવ્વલ થવાનું છે..
તું પહેલો નંબર લાવીશને બેટા..?? મને વચન આપ!!
- હીર