લઘુકથા ....
--------------
"એઠું"
----------------
"મમ્મા... પ્લીઝ,
દાદા ભેગું જમવા દે ને...
ઉહુ. ઉહુ.. "
"મારો લાલુ સમજુ છેને..!
દાદા ભેગું ન જમાય...
દાદાનું એઠું થયું હોય ને..?
દાદાના ગળામાં
ફિલ્ટર થઈને આવેલ ડૂમો
આંખને બદલે
બોખલા હોઠ વચ્ચેથી
હાસ્યરૂપે વહી ગયો...!!
" દાદા...!
તમારી જોડે
સુઈ જાઉ..?
વાર્તા કરશોને..? "
દાદાના હકાર પહેલા જ..
લાલુ....
દાદાની બીમારી
તારામાં આવી જાય કે નહી...?
જીદ ન કર નહિતર
પપ્પા વઢશે હો...!
દાદાની ચશ્માં ચડેલી
મોતિયાવાળી આંખોમાં
વધુ ધૂંધળાશ આવી ગઈ...
.....લાલુની ફરિયાદ પછી
ડોકટરને બતાવ્યું,
નિદાન...
બન્ને કિડની નબળી... !!!
.....કુટુંબમાંથી કોઈ ડોનેટ કરે તો..
થોડા મહિના પછી
લાલો બિલકુલ તંદુરસ્ત હતો,
દાદાની...
*" એઠી" કિડની મેળવીને....*