એકલવાયું જીવન જીવતા ડૉ.આદર્શ શાહ હોસ્પિટલમાં વૉલેટમાં પત્ની સંધ્યાનો ફોટો જોઈ સાવ ગુમસુમ બની રહ્યાં.
"મારે મારો વંશ ચલાવનાર દીકરો જ જોઈએ...આ પથ્થરની કોઈ જરુર...." આદર્શની વાત અધવચ્ચે કાપતાં સંધ્યા બોલી, "ખબરદાર મારી દીકરીને પથ્થર કહ્યું તો..!"
"તો નીકળ મારા ઘરેથી...જોઉં કેમ કરી ઉછેરે છે તું આને...!" ગુસ્સે ભરાયેલા આદર્શને શું બોલી રહ્યાં તેનું ભાન ના હતું.
"કાંઈ વાંધો નહીં... ભેંસના શિંગડા ભેંસને ભારે ના પડે..!" છેલ્લા શબ્દો બોલી સંધ્યા નવજાત દીકરીને લઈ કાયમ માટે ચાલી ગઈ.
આજે દસ વર્ષ પછી હોસ્પિટલના કમ્પાઉન્ડરની પત્નીને ત્યાં ફરી દીકરી આવતા ડૉ.આદર્શ બોલ્યા,"આ તમારે પાંચમી દીકરી જ આવી...કેમ કરી પૂરું કરશો..?"
"ના સાહેબ, ભેંસના શિંગડા ભેંસને ભારે ના પડે..!" અભણ કમ્પાઉન્ડરના આ બોલાયેલા શબ્દો ડૉ.આદર્શનું હ્રદય ચીરી ગયા.!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)