ન્યુજર્સીના સ્ટેનફોર્ડ ગ્રાઉન્ડમાં પાછલા આઠેક કલાકથી દીકરાની પાછા આવવા રાહ જોતા વૃદ્ધ કરસનદાસની આસપાસ વૉક માટે આવેલા કેટલાક વૃદ્ધો સાથે વાત કરતાં કરસનદાસે જણાવ્યું,"મારો સુધીર સવારથી મને અહીં મૂકી 'ગ્યો છે અને મારો ફોન વારંવાર રોંગ નંબર કહી મૂકી દે છે..!" આગળ પૂછતાં જાણવા મળ્યુ કે વતનની બધી મિલકત વેચી તેના પૈસા દીકરાએ લઇ લીધા અને તેની વિદેશી વહુ સાથે પણ કરસનદાસ આવ્યા તે પંદર દા'ડાથી કંકાસ ચાલે છે. આ જાણી બીજા એક વૃદ્ધ બોલ્યા,"ભાઈ હવે તમારો દીકરો તમારો ફોન નહીં ઉઠાવે...ચાલો અમારી ભેગા...તમને ફરી તમારા વતન જવા કાંઈ વ્યવસ્થા કરીએ..!"
રડતી આંખે કરસનદાસ વતનના મિત્રોના શબ્દ યાદ કરે છે,"આ તારો દીકરો તને નહીં સાચવે..!" ફરી કરેલા કોલમાં કરસનદાસના પરિચિત અવાજે કહ્યું,"રોંગ નંબર..!" તે સમજી ગયા કે તેમનો દીકરો રોંગ નંબર જ સાબિત થ્યો..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)