વેલેન્ટાઇન વગરનો વેલેન્ટાઇન ડે !
એકલા રહી ગયેલા અને એકલા થઈ ગયેલા તમામને વેલેન્ટાઇન ડેનો ડર લાગતો હોય છે કારણકે એ દિવસે જો ગમતી વ્યક્તિ આપણી સાથે હોય જ નહિ, તો શેની ઉજવણી ? વેલેન્ટાઇન ડે એ પ્રેમનો વાર્ષિકોત્સવ છે. આખું વર્ષ આપણી અંદર ચુપચાપ પાંગરેલા પ્રેમને સ્ટેજ પર ચડાવી, શણગારીને અભિવ્યક્ત કરવાનો એ વિધિવત સાંસ્કૃતિક કાર્યક્રમ છે. પણ એ દિવસે જે વ્યક્તિ સૌથી મહત્વની છે, એ જ ગેરહાજર હોય તો ?
ચાલે યાર, તો ય ઉજવી લેવાનો. બહુ સિમ્પલ લોજીક છે. દર વર્ષે આપણે આપણો જન્મ દિવસ ઉજવીએ છીએ પણ actually દર વર્ષે આપણે જન્મ લેતા નથી. વર્ષો પહેલા એક વાર જન્મી ગયાની ઘટનાને દર વર્ષે યાદ કરીને આપણે જન્મ દિવસ ઉજવતા હોઈએ છીએ. કેટલીક ઘટનાઓ જ એટલી સુંદર હોય છે કે જે એકવાર થયા પછી આજીવન જીવાડવા માટે પૂરતી હોય છે. આપણા જન્મ ઉપરાંત બીજી આવી ઘટના કોઈ હોય તો એ પ્રેમ છે.
ભૂતકાળમાં ગમે ત્યારે એક વાર થયેલો પ્રેમ આપણા દરેક વેલેન્ટાઇન ડેને વર્થ બનાવવા માટે પૂરતો છે. નવા ચહેરાઓની નજીક આવીને એ ચહેરાઓમાં આપણે અનેકવાર આપણા જુના અને ખોવાયેલા પ્રેમને શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેના ઘરની દીવાલો સુધી પહોંચી નથી શક્યા, એની ફેસબુક વોલ પર આંટા મારીને આપણે સંતોષ અનુભવી લઈએ છીએ. ગમતી વ્યક્તિના મેસેન્જરમાં રહેલા ‘active now’ના ટપકાનો લીલો રંગ આપણામાં વસંત ઉગાડવા માટે પૂરતો હોય છે.
પ્રેમ એ ત્રિપગી દોડ નથી જેમાં બંનેના પગ કાયમ બંધાયેલા જ હોવા જોઈએ. છુટા પડવું એ પ્રેમનું પરિણામ નહિ, પ્રેમની જરૂરીયાત છે. ગમતી વ્યક્તિના અભાવવાળા મોકળા મેદાનમાં પ્રેમ વધારે મજબૂત રીતે વિસ્તરતો હોય છે.
જે નંબર પરથી ક્યારેય ફોન નથી આવવાનો એવી જાણ થાય છે પછી જ એ વ્યક્તિના ફોનની સૌથી વધારે પ્રતીક્ષા હોય છે. પ્રેમ કરવાના પરિણામો ગંભીર આવી શકે છે, એ જાણતા હોવા છતાં પણ આપણે પ્રેમમાં પડીએ છીએ કારણકે ક્યારેક પરિણામની ચિંતા કરતા પરાક્રમનો આનંદ વધારે હોય છે. એમ તો જીવનનું પરિણામ મૃત્યુ જ છે એ જાણવા છતાં પણ આપણે મોજમાં જીવી લઈએ છીએ.
ગમતી વ્યક્તિનો DP જોઈને જો ધબકારાઓ પણ અનિયમિત થઈ જતા હોય તો ગમતી વ્યક્તિ સાથેની મુલાકાત કેવી રીતે નિયમિત હોય શકે ?
એ ગમતી વ્યક્તિની ગેરહાજરીને અને એના પ્રત્યે હજુપણ આપણામાં અકબંધ રહેલી પ્રેમની હાજરીને વેલેન્ટાઇનના દિવસે ઉજવી લેવાની. એનો DP જોઈને કેક કાપી નાખવાની. કોને ખબર ? એ વ્યક્તિ પણ આપણો DP જોઈને કેક કાપતી હોય !