પાલવ (તારા આ પાલવનો વિરહ...)
"મા" તારા આ પાલવનો વિરહ
મને સાલે છે...
પણ, શું કરું ? આ મોટાઈની પદવી
મને ખાળે છે !
વધારે પડતાં ભારથી તીવ્ર સ્પર્ધામાં લાગી,
જ્યારે પણ હતાશામાં આ મન ડૂબે છે...
ત્યારે મારું મન હજી પણ તને જ ઝંખે છે !
"મા" તારા આ પાલવનો વિરહ...
સંસારના વ્યવહાર વિચારમાં વિહરતા,
જ્યારે કોઈ પણ ઠોકર તનમનને લાગે છે,
ત્યારે મારું હૃદય હજી તને જ પોકારે છે !
"મા" તારા આ પાલવનો વિરહ...
સમાચાર હોય જો ખુશીનાં, તો...
તને વહેંચવા મારું મન ભાગે છે !
પણ, બીજા સંબંધમાં ગુથાએલો આ જીવ... ક્યાંક પાછો પડે છે ! તોય...
મારી નજર તો તારા આશીર્વાદને શોધે છે !
"મા" તારા આ પાલવનો વિરહ...
ભલે ને ખાતો પકવાન દેશવિદેશના, તોય...
મારી જીભલડી તારા હાથનો સ્વાદ માંગે છે...
પણ, પછી નવા સંસારમાં વહેંચાયેલો આ દીકરો ચૂપ થઈને રહી જાય છે !
"મા" તારા આ પાલવ નો વિરહ...
સૂવું છે મારે પણ ! તારી ગોદમાં,
તારા પાલવની હૂંફ ફરી મહેસૂસ કરવી છે, પણ...
શું કરું ? આ મોટાઈની પદવી મને ખાળે છે !
"મા" તારા આ પાલવનો વિરહ...
ગુજરાતી રસધારા સ્પર્ધામાં મારી આ રચનાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું...