જીવન ના હકાર ની કવિતા
મળ્યું છે જીવન, એમાં જ જીવી લેવું, બીજું શું ?
મ્રુત્યુ નું ક્યાં કંઈ નક્કી, બેફીકર જીવી જવું, બીજું શું?
માબાપ ની પસંદગી, એ ક્યાં આપણા હાથ ની વાત છે,
જ્યાં જન્મ મળ્યો, ત્યાં જીવી લેવું, બીજું શું?
આપણે ક્યાં કહ્યું કે આટલું ને આમ ભણાવો અમને,
જેટલું ભણવા મળે, ભણી લેવું, બીજું શું?
આપણે રહ્યાં શિશુ, ક્યાંથી સલાહ અપાય માબાપને,
જેમ ઉછરવા મળે, ઉછરી લેવું, બીજું શું?
પ્રેમ પણ ક્યારે, ક્યાં, કેમ થઈ જાય, કોને ખબર?
સ્વર્ગમાં થી જે છે નક્કી, ત્યાં પરણી જવું, બીજું શું?
ખાલી હાથે આવ્યાં, ખાલી હાથે જવાનું, છે એ નક્કી,
વચ્ચે ની દોડધામમાં, કીર્તિ કમાઈ જવું, બીજું શું?
પદ, પ્રતિષ્ઠા, પૈસો, બધું અહીં જ રહી જવાનું,
મળે જો સારા કાર્યો કરવા, કરી જવું, બીજું શું?
આમ તો, ધાર્યું ક્યાં કદી કોઈનું પણ થાય છે,
જે માગ્યું, તે મળે, તો ઉજવી લેવું, બીજું શું?
કર્મનું ભાથું બાંધી રહ્યા છીએ કે છે ગયા જન્મનું આ,
ભાગ્યમાં હોય તેટલું, ભોગવી લેવું, બીજું શું?
મરજી ક્યાં ચાલવાની છે, મારી કે તમારી,
જયારે, જ્યાં, જેવું મ્રુત્યુ આવે, મરી જવું, બીજું શું?
મુખવાસ:
આમ તો, બધા કરે છે, સીધી જ ઉઠાંતરી,
તેમ છતાં, કોઇ ક્રેડીટ આપે, તો ખુશ થવું, બીજું શું?
----મોક્ષેશ શાહ.