જ્યારથી હું સંબંધો વિશે સમજતો થયો ત્યારથી હંમેશા મારું એવું અવલોકન રહ્યું છે કે મહદઅંશે કોઈને પોતાના કહેવામાં ગર્વ અનુભવતા માણસો જાણે અજાણે સામેની વ્યક્તિ પાસેથી થતા કે થનારા લાભને જ ધ્યાનમાં રાખી એમના વચ્ચેના સંબંધનું મૂલ્ય આપણને એમના શબ્દોમાં કહેતા હોય છે. જેટલી શબ્દોમાં ઉષ્મા વધુ એટલો સ્વાર્થ કે લાભ વધુ. આજકાલ સંબંધો જરૂરિયાત મુજબ બંધાય તો છે પણ એટલીજ સરળતાથી તૂટે છે. શું સંબંધો માત્ર પોતાના લાભ પૂરતા જ સીમિત રહેશે? ક્યારેક તો એવુ સ્પષ્ટ દેખાતું હોય છે કે સંબંધને કોઈપણ નામ આપ્યું હોય કે કહેવાતા સમાજમાં નક્કી કરેલા સંબંધ હોય પણ એ કેટલું ટકશે એ એકબીજાને થતા લાભ કે જરૂરિયાત મુજબ એ સંબંધનું આયુષ નક્કી થતું હોય. સાચો સંબંધ આજે ક્યાંય જોવા જ નથી મળતો. હા સંબંધ નું સ્થાન આજે સ્વાર્થી સંબંધે છીનવી જ લીધું છે. લોહીનો સંબંધ પણ સ્વાર્થના સંબંધ સાથે મળી ના ગયો હોય! સંબંધ ને અલગ કરી વાંચીએ તો એવું કહી શકાય કે બંને છેડે થી સમાન રીતે બંધાયેલો લાગણીનો બંધ (પુલ) કે જેના ઉપર બંને વ્યકિત કોઈજ પ્રકારના લાભ ના પ્રલોભન વગર આંખો બંધ કરી એકબીજા સુધી સહજતાથી પહોંચી શકે.