આ પાર્થ છે........ "હતો"
પત્ની, પરિવાર, પિતા અને પ્રથમ પ્રાયોરિટીમાં એની સરકારી નોકરી!
8મી માર્ચે લ્યુકેમિયા ડિટેક્ટ થયો, 18મી માર્ચે પાર્થ નહોતો.
આખું જગત જ્યારે વુમન્સ ડે ઉજવતું હતું ત્યારે એની પત્ની સાચા અર્થમાં એમ્પાવરમેન્ટની સ્ટ્રગલ કરી રહી હતી.
51 વર્ષનો પાર્થ જતો રહેશે એવી કોઈને ખબર નહોતી.
આપણને પણ ખબર નથી હોતી, આપણી રિટર્ન ટિકિટની તારીખ ક્યારે કન્ફર્મ થઈ જશે એની.
જે પુરુષો પોતાની પત્નીને પોતાની ફાઇનાન્સની વિગતો નથી જણાવતા... બેન્કની સ્લીપ ભરતા નથી શીખવતા, મેડિક્લેઈમની પોલિસી કે વીમાની વિગતો નથી કહેતા એ લાંબું જીવે છે એવું તો નથી!
જે સ્ત્રીઓ પોતાના પતિને ગરમ રોટલી ખવડાવે છે, થાળી પીરસી આપે છે, એમનો ટુવાલ બાથરુમમાં લટકાવે છે ને મોજાં હાથમાં આપે છે એ પણ આ બધું કરવા માટે જીવશે જ એવું નક્કી નથી...
સમય બદલાયો છે.
જો સાચે જ આપણા જીવનસાથીને પ્રેમ કરતાં હોઈએ તો એને થોડાક સ્વતંત્ર કરવાનો પ્રયત્ન કરજો. એને થોડુંક શીખવજો, પોતાનું કામ જાતે કરવા દેજો...
પત્નીને ડ્રાઈવિંગ લાઇસન્સ અપાવવું, કોઈક નાનકડો વ્યવસાય કે નોકરી કરવા દેવી કે પછી પતિને થોડુંક રાંધતાં શીખવવું, એની કઈ વસ્તુ, ક્યાં છે એ જાતે લેતાં શીખવવું... હવે સાચા પ્રેમની આ એક નવી વ્યાખ્યા છે.
એક બીજા પર એટલા બધા આધારિત નહીં રહેવાનું કે જીવનસાથીના ગયા પછી ઝુરાપો જ જીવનનું સત્ય થઈ જાય.
પાર્થ તો ગયો...
જાગૃતિએ જીવવાનું છે, ખુશ રહેવાનું છે, બાળકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, એમના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે અને એમને પાર્થની ખોટ ન પડે એવો પ્રયાસ કરવાનો છે... પાર્થના માતા-પિતાને સાચવવાના છે, એમની જીવનસંધ્યાના સમયે એમણે નવેસરથી દીકરા વગર જીવતા શીખવાનું છે. આવા સમયે હારી જવાથી નહીં ચાલે.
લડવું પડશે, ટકવું પડશે અને ...
"જીતવું કમ્પલ્સરી છે"...કાજલ ઓઝા વૈદ્ય