જેમ રાષ્ટ્રધ્વજ કાપડનો એક ટૂકડો માત્ર નથી, તેનાં રંગોમાં અને અશોકચક્રમાં ભારત દેશની સંપૂર્ણ ઓળખ દ્રશ્યમાન થાય છે. આ જ રીતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' એ માત્ર સરદાર પટેલની પ્રતિમા માત્ર નથી, તેનાથી સવિશેષ ઘણું છે.
અંગ્રેજી શાસનનાં દમન સામે નિ:શસ્ત્ર, નિ:સહાય ખેડૂતોમાં લડવાનું ખમીર પેદા કરનાર વીર પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.
કોઈ હાથમાં ન લે એવા પેચીદા કેસ પણ હાથમાં લઈ જીતી બતાવતા સરદાર ધારત તો આજીવન વકીલાત કરી દોમ દોમ સાહ્યબી ભોગવી શકત અને તેનાં સંતાનો મણીબેન અને ડાહ્યાભાઈ પાસે પણ અઢળક સંપતિ હોત. પણ આ તો રહ્યા વીર સરદાર. ગીતાનાં ઉપદેશોને જાણે પચાવી ગયા હોય તેમ બધો વૈભવ દેશ માટે છોડી દીધો. પોતાનું કર્મ જાણ્યું, નિભાવ્યું. કર્મનાં સિદ્ધાંતને પચાવી જાણ્યો.
આઝાદ હિંદુસ્તાનનાં 562 રજવાડાઓને યેનકેન પ્રકારે એક છત્ર -ભારતસંઘ નીચે લાવવાનું દુષ્કર કાર્ય, અનહોનીને હોની કરનાર વીર પુરુષ એટલે સરદાર પટેલ.
આખી જિંદગી અકિંચન રહ્યા. પ્રજાનાં પૈસાનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા રહ્યા. તેમની આખા દેશમાં કોઈ સ્થાવર મિલકત પર તેમનું આધિપત્ય ન હતુ, પરંતુ સમગ્ર રાષ્ટ્રનાં તે અધિપતિ બની ગયા. રાષ્ટ્રની એકતા માટે વિરલ કાર્ય કરનાર સરદાર પટેલે હસતા હસતા પ્રધાનમંત્રીનાં પદનો ત્યાગ કરી દીધો. અનાસક્તિ યોગનું આથી વિશેષ ઉદાહરણ બીજું ક્યું હોય ? એક પદ છોડીને તેઓ રાષ્ટ્રનાં કરોડો હૃદયનાં શહેનશાહ બની ગયા.
આવા વિરલ વ્યક્તિત્વ, અદ્વિતિય લોહપુરુષની પ્રતિમાની ઊંચાઈ પણ વિશ્વમાં ઊંચી જ હોવી જોઈએ.
- Ravi Kumar Sitapara