જુઓને આ કિંમતી ઘરેણું મારું….
મમ્મીની ટકોરોનાં મોતી જડેલું 'ને,
પપ્પાનાં વ્હાલના પાણી ચડેલું 'ને,
દોસ્તોના સાથની ડોરે ઘડેલું ..
જુઓને આ કિંમતી ઘરેણું મારું….
જાદુઈ એવું કે મારી સાથે વધતું જાય,
હું દિવસે વધું ને એ બમણું થાય,
જુઓને આ કિંમતી ઘરેણું મારું….
મારા દરેક બોલમાં એ છલકાય ,
ને મારા સ્મિતમાં એ વહેતું જાય,
વળી ક્યારેક બીજાનેય પ્રેરતું જાય..
એવું આ કિંમતી ઘરેણું મારું….
જિંદગી જો ચાલે તાલ -બે-તાલ,
ગિરવે મૂક્યું એને ઠેક-ઠેકાણ..
વર્ષોનાં વાણામાં ખૂબ આવ્યું કામ,
એના જ તાન માં સર થાય સહુ મુકામ..
એવું આ કિંમતી ઘરેણું મારું….
મૂકાઈ જાય જો ક્યારેક આડા હાથે,
તો ચાલ્યા કરુ (પ્રભુ) તું જ સહારે...
એવું આ કિંમતી ઘરેણું મારું….
મારાં જેવું જુઓ સૌની પાસ,
નજર દોડાવો અંતર માં ખાસ,
ઘરેણું એ નામે આત્મવિશ્વાસ...
સાચવજો કરુ છું આ મીઠી પહેલ...
એના વગર નહિ બંધાય સપનાં ના મહેલ...