જિંદગીની રુક્ષતાથી બેખબર.
બાળકો જીવી શકે છે તરબતર.
જાત આખી વેચવા કાઢી અમેં
ત્યારે વેચાતું લીધું છે એક ઘર.
ચાલ કોઈ વૃક્ષને પણ પાળીએ
કેટલું વેરાન છે તારું નગર.
એમને પણ પ્રેમ થાવો જોઈએ.
એકલો હું કેમ જાગુ રાતભર
માર્ગ ખુદ થઈ જાય મંઝીલ આપણી.
આ સફરમાં તું રહે જો હમસફર.
એ ગમે તેવો ભલે હો આદમી
કેમ ખોટો હું કહું જોયા વગર
સત્ય કહેવાનો ઈરાદો મેં કર્યો
એ પછી વિચલીત રહ્યા મારા અધર.
એક પીડિતા કણસતી ર'ય ગઈ
ચેનથી સૂતું રહ્યું આખું નગર
વાતે વાતે ટોકમાં મારા હૃદય
છાનું માનું તુંય તારું કામ કર
નીત નવો કકળાટ ભીતર હોય છે.
સ્વીટ હોઉસનું હો બાહર પોસ્ટર
જીવવાની સે'જ પણ ઇચ્છા નથી.
એ છતાં ચાલે નહીં જીવ્યા વગર.
પ્રેમ એવો દોસ્તો એહસાસ છે.
જે બધા સમજી શકે બોલ્યા વગર
મહેબુબ સોનાલીયા