ધરો આઠમ...
ગુજરાતનો એક તહેવાર.. આ દિવસે ધરોની પૂજા કરવામાં આવે. આ દિવસે ખાસ ફણગાવેલા મગ અને ચોખાના લાડવા બનવવામાં આવે. ચોખાના લાડવા મને ખૂબ જ ભાવતા.. મમ્મી આગળની રાત્રે મગ પલાળી એક કપડામાં ઊંચે બાંધી દેતી. બીજા દિવસે સવારે ધરોની પૂજા કરવામાં આવતી. ચોખાના લાડવા અને મગ ધરોને અર્પણ કરવામાં આવતા. ધરોને પણ માતાનો દરજ્જો મળેલ છે. ધરો માતાની પૂજા કરી બપોરે દાળ ભાત શાક લાડુનું જમણ થતું. મારા ગામથી 2 કિ. મી. અંતરે આવેલું ગામ જ્યાં ધરો આઠમના દિવસે મેળો ભરાતો. નાના હતાં ત્યારે બે પાંચ રૂપિયા લઈ સવારથી મેળે જતાં.. ખૂબ મઝા કરતા...બે રૂપિયામાં તો જાણે આખો મેળો ખરીદી લીધાનો આનંદ મળતો. પણ હવે બાળપણ સાથે એ ઉમંગ એ ઉત્સાહ પણ ચાલ્યો ગયો.
આ ધરો આઠમનો દિવસ મારા માટે એક કારણથી ખાસ છે. આ ધરો આઠમના દિવસે જ મારો જન્મ થયો હતો. તિથિ પ્રમાણે. અને નાનો હતો ત્યારે મારા નાના કહેતા કે 'તારો જનમ થયો એટલે બધા ચોખાના લાડવા બનાવે.' અને હું એ વાત સાંભળી ખૂબ જ ખુશ થતો. મિત્રોને પણ કહેતો અને ગર્વ લેતો. મોટાભાગના તહેવારોમાં ઘઉંના લાડુ બને પણ ધરો આઠમ જ એક એવો તહેવાર છે કે આ દિવસે ચોખાના લાડુ બને.
આજે આ પ્રસંગ એટલા માટે યાદ આવ્યો કે લાડુ બનાવવા માટે માવાની જરૂર પડે. અને આજે હું એ માવો લેવા માટે ભઠ્ઠા ઉપર ગયો.
ગામડામાં એકદમ શુદ્ધ.. ભેળસેળ વગરનો માવો પણ મળે. ઘણીવાર માવો બનાવતા જોયા પણ આજે આ માવો બનાવતા કેમેરામાં પણ કેદ કરી લીધું.