" ટહુકી જવાનાં "
બે ઘૂંટ અમરતના તો, બે ઘૂંટ ઝહેરના પી જવાનાં.
જિંદગી મળી છે તો હસતાં હસતાં જીવી જવાનાં.
ઠેર ઠેર ભલે ફાટી ગયું હોય આ જીવન પહેરણ,
એક આસ્થાના થીગડાએ એને સીવી જવાનાં.
અંકિત થઈ જઈશું સદા માટે તમારાં મનડા પર,
સ્મરણની તમ હૃદય પર એવી ભાત ભરી જવાનાં.
પાનખરને પણ માણતાં શીખી લીધું વસંત માફક,
શ્વાસની સૂકી એક ડાળ પર પણ ટહુકી જવાનાં.
જીવન પણ કંઈક એ રીતે જીવી જઈશું "વ્યોમ"
કે અમારા મૃત્યુ પર તો શત્રુઓ પણ રડી જવાનાં.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.