"આપણું સત્ય..."

ઘણા માણસોને નાની નાની વાતોમાં બહાના બનાવવાની અથવા ખોટું બોલવાની આદત હોય છે.આ આદત ધીમે ધીમે જીવનનો એક ભાગ બની જાય છે. એવો ભાગ જ્યાં નજર ફેરવતા આપણને માત્ર ને માત્ર અસત્યો જ જોવા મળે છે. આપણને ખ્યાલ નથી હોતો પણ આપણે દિવસભરમાં એટલા અસત્યો બોલીએ છીએ કે એની ગણતરી કરવી અઘરી થઈ જાય છે. ઘણા લોકો એમ માનતા હોય છે કે પરિસ્થિતિ મુજબ બહાનું બનાવવું એ અસત્ય નથી પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે, "સત્યને છુપાવી રાખવું એ અસત્ય બોલવા બરાબર છે."

સત્ય એ વિશ્વાસ સાથે જોડાયેલી બાબત છે. કોઈ વ્યક્તિ જ્યારે આપણી આંખોમાં જોઈને વાત કરે છે ત્યારે એ આપણી પાસેથી સત્યની અપેક્ષા રાખતો હોય છે. કદાચ આ બાબતે આપણે ઘણા સ્વાર્થી છીએ. કારણકે આપણે ભલે અસત્યોનો ઢગલો લઈને બેઠા હોઈએ પણ સામે વાળો આપણી સામે માત્ર સત્ય જ બોલે એવી મોટી આશા રાખતા હોઈએ છીએ. હકીકતમાં તો આપણે આપણા હૃદય પાસે સત્યની આશા રાખવી જોઈએ. જીવનનું સૌથી મોટું સત્ય પણ એ જ છે કે, રાતે આંખ બંધ કરીને, આખા દિવસને યાદ કરીને, હૃદય પર હાથ મુકીને, આપણી પોતાની જાતને કહેવું કે, "મારાથી આજે કઈ ખોટું નથી થયું દોસ્ત..." આપણે પોતે આપણા સત્યનો સ્વીકાર કરતા શીખીએ તો ઘણું છે. માણસ સત્ય બોલતા અચકાતો હોય છે, એનું એક કારણ એ પણ છે કે, સત્યનો સ્વીકાર થતો નથી. આપણે ખોટી વાતોથી એટલા ટેવાઈ ગયા છીએ કે કોઈ ભૂલથી સત્ય કહી દે તો આપણને એ અસત્ય લાગવા લાગે છે.

એ વાત પણ સ્વીકારવી રહી કે, આપણે કોઈ એટલા મહાન નથી કે જીંદગીભર માત્ર ને માત્ર સત્ય જ બોલી શકીએ. અસત્યની માયાજાળમાં દરેકે પસાર થવું જ પડે છે પણ અસત્યને જીવવનો ભાગ બનાવી દેવાથી આપણે પોતે પણ અસત્ય જેટલા નાના અને અવિશ્વસનીય બની જતા હોઈએ છીએ. કમ સે કમ આપણી પોતાની જાત સાથે સત્ય બોલતા શીખીએ તો ઘણું છે. એમ પણ સત્ય આજે નહિ તો આવતી કાલે બહાર આવવાનું જ છે. સત્યને રસ્તા ખોજવા નથી પડતા એ એની રીતે રસ્તો બનાવીને સૌની સામે આવી જ જતું હોય છે. તો તમારો શુ વિચાર છે સત્ય કે અસત્ય...!!

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

તુમ્હારે મહલ ચૌબારે, યહીં રહ જાયેંગે સારે
અકડ કિસ બાત કિ પ્યારે, એ સર ફિર ભી ઝુકાના હૈ
ભલા કીજે ભલા હોગા, બુરા કીજે બુરા હોગા
વો લિખ લિખ કે કયા હોગા,યહીં સબ કુછ ચુકાના હૈ
સજન રે જૂઠ મત બોલો,ખુદા કે પાસ જાના હે

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111757274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now