Quotes by પ્રશાંત સોમાણી in Bitesapp read free

પ્રશાંત સોમાણી

પ્રશાંત સોમાણી

@somaniprashant115gma
(25)

.

.

વિચારું છું, મને ફરિયાદ શાની છે,
પ્રણયનાં દર્દની પ્યારી કહાની છે.

નયન ભીના કદી તારા નહીં થાયે,
મહોબ્બતમાં તને આપી જબાની છે.

હવે તકદીરમાં તું આવ જલ્દીથી,
અમારા હાથમાં તારી નિશાની છે.

તમે આવો અગાસીમાં ને લાગે કે,
બગીચામાં અસર તાજી હવાની છે.

“પ્રશાંત” જલ્દી બધા કામો પતાવી લે,
સમય વીતે જવાની તો જવાની છે.

......પ્રશાંત સોમાણી

Read More

બે નજર ટકરાઈ જાશે તો ઘણું,
એ જરા શરમાઈ જાશે તો ઘણું.

એ ભલે બોલે નહી મારા વિષે,
હોઠ બે મલકાઈ જાશે તો ઘણું.

“હું નહી હોઉં છતાં ચાલી જશે”
આટલું સમજાઈ જાશે તો ઘણું.

જીવવા આથી વધુ શું જોઈએ?
શ્વાસ બે સચવાઈ જાશે તો ઘણું.

એટલે હું વૃક્ષનું સિંચન કરું,
પાંદડું હરખાઈ જાશે તો ઘણું.

બસ વધારે કોઈ ઈચ્છા છે નહી,
બાહમાં જકડાઈ જાશે તો ઘણું.

રાત પડતા એ વિચારું છું પ્રશાંત,
વાયદો જળવાઈ જાશે તો ઘણું.

...પ્રશાંત સોમાણી

Read More

.

આંખના ઈશારે એ અટકી ગયા.
હું કશું બોલ્યો નહીં , સમજી ગયા.

હા, પ્રણય વરસાદનાં ચાતક અમે,
બુંદ પીવા રાત દી' તરસી ગયા.

સાંજ છે, વરસાદ છે, સંગાથ છે,
જોઈએ બીજું શું, લ્યો ઉઘડી ગયા.

કોણ દેખે છે, કશી પંચાત શું?
બંને હૈયા પ્રેમથી વળગી ગયાં .

એક સાંજે મેહુલો ગાજ્યો પ્રશાંત,
પ્રેમ પંખી મન મુકી વરસી ગયાં.

...પ્રશાંત સોમાણી

Read More

ઉપરથી સૌ માનવી બહુ શાંત દેખાય છે,
પણ કાળજામાં સતત કલ્પાંત દેખાય છે.

ઉડતા પતંગો ગયા, ફુગ્ગા ઉડે છે હવે,
ઉજવાતી આજે નવી સંક્રાંત દેખાય છે.

ભગવાને આપ્યું હતું માનવને પણ એક દિલ,
એમાં કરેલા હવે સો પ્રાંત દેખાય છે.

સાચ્ચે મજા આવવા લાગી હવે તો મને,
તારી ગઝલમાં કશું ઉત્ક્રાંત દેખાય છે.

ચિંતા નહીં કોઈની કરશે હવે થી પ્રશાંત,
ભાંગ્યો ભરમ , દૃશ્યથી ઉપરાંત દેખાય છે.

-પ્રશાંત સોમાણી

Read More

બંધ છે આંખો છતાં બોલી નજર,
રાહ તારી નીરખે મારી નજર.

આયનો શરમાઈ જાતો જોઈને,
એટલી મોહક હતી એની નજર.

એ નજરથી આ નજર હટતી નથી,
નેહ નીતરતી પછી ચાહી નજર.

એ નશા બાબત નહીં બોલી શકું,
જામ છોડી મેં ફ-કત પીધી નજર.

સામસામે છો મળી શકતા નથી,
"કેમ છો પૂછી" તમે રાખી નજર.

હું ઘવાયો છું વગર હથિયારથી,
કેટલી કાતિલ હતી ત્રાંસી નજર.

કયાંક મારી તો નજર ના લાગી જાય,
તું ઉતારી લે જરા તારી નજર.

બે નજર મળતાં અમે તો એક થ્યા,
માનવો આભાર ઓ પ્યારી નજર.

જે નજરમાં રાખતા'તા ને પ્રશાંત,
એમનાથી ફેરવી લીધી નજર.

....પ્રશાંત સોમાણી

Read More

કામયાબી પામવા ચારે તરફ,
કર પ્રયાસો આગવા ચારે તરફ.

શબ્દથી પણ યુધ્ધ તો જીતી શકાય,
તીર શાને તાકવા ચારે તરફ?

મુક્ત થાવાને મથું છું, પણ જુઓ,
લોક બેઠા બાંધવા ચારે તરફ.

જાતને ઓળખવી છે, તો કહું ઉપાય,
આયના બસ રાખવા ચારે તરફ.

આપણા તો આપણા રે'શે પ્રશાંત,
પારકા પણ ચાહવા ચારે તરફ.

...પ્રશાંત સોમાણી

Read More

યાર સાવ ખોટી વાતમાં તું આવતો નહીં,
એમના દિમાગથી કદીયે દોડતો નહીં.

લાભ એમનો થતો હશે તો ચાહશે તને,
ભાવ પૂછશે પછી, વિચાર રાખતો નહીં.

એ બધા કરે તને મનાવવા મથામણો,
રાઝ મનમાં રાખજે કદીયે ખોલતો નહીં.

જે નથી કરી શક્યો કદીયે પ્રેમ જાતને,
એમને સવાલ પ્રેમના તું પૂછતો નહીં.

પ્રેમની દુકાનમાં હતું લખેલ પાટિયું,
રોકડાનો ધંધો છે ઉધાર માંગતો નહીં.

.....પ્રશાંત સોમાણી

Read More