પ્રકરણ ૪: વોર્ડન ઓફિસનો સામનો
સાંજનો સમય હતો. ગર્લ્સ હોસ્ટેલના મેઈન ગેટ પાસે આવેલી ઓફિસની બહાર આરોહીના પગ ધ્રૂજી રહ્યા હતા. ઓફિસની નેમપ્લેટ પર મોટા અક્ષરે લખ્યું હતું – ‘વસુધા મહેતા (ચીફ વોર્ડન)’. હોસ્ટેલની બધી છોકરીઓ વસુધા મેડમના કડક સ્વભાવ અને શિસ્તથી ડરતી હતી. કોઈને અંદાજો પણ નહોતો કે આ ગંભીર ચહેરા પાછળ એક સંવેદનશીલ લેખિકા છુપાયેલી છે.
સોહમ અને મીરાં ઓફિસની બારીની બહાર ઝાડીઓ પાછળ છુપાઈને આરોહીને હિંમત આપી રહ્યા હતા. સોહમે ઈશારાથી કહ્યું, "જા આરોહી, ડર્યા વગર અંદર જા!"
આરોહીએ ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખખડાવ્યો . "મેડમ, કમ ઇન?"
ટેબલ પર ફાઈલો જોઈ રહેલા વસુધા મેડમે ચશ્માની ઉપરથી તીખી નજરે જોયું. "હા, આવો આરોહી. કૉલેજનો ટાઈમ પૂરો થઈ ગયો છે, અત્યારે શું કામ છે? કોઈ પ્રોબ્લેમ છે હોસ્ટેલમાં?"
"ના મેડમ, હોસ્ટેલનો કોઈ પ્રોબ્લેમ નથી," આરોહીએ ટેબલ નજીક જઈને પોતાના થેલામાંથી લાઈબ્રેરીનું એ જૂનું પુસ્તક કાઢ્યું. "મારે તમને આ બતાવવું હતું."
વસુધા મેડમે કંટાળા સાથે પુસ્તક હાથમાં લીધું. પણ જેવું તેમણે પુસ્તકનું કવર અને તેના પાછળના પાના પર પેન્સિલથી લખાયેલા અક્ષરો જોયા, તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ત્રીસ વર્ષ જૂની યાદો વંટોળની જેમ તેમની આંખો સામે તરી આવી. પેન્સિલથી લખાયેલી એ અધૂરી વાર્તા વસુધાના ભૂતકાળની ચીસ જેવી હતી.
તેમણે પુસ્તક બંધ કરીને આરોહી તરફ ધકેલી દીધું.
"આ... આ પુસ્તક તને ક્યાંથી મળ્યું?" વસુધા મેડમનો અવાજ જે હંમેશાં કડક રહેતો, તે આજે ગદ્ગદિત થઈ ગયો. તેમની આંખોમાં વર્ષોનો ભરાયેલો ડૂમો અચાનક સપાટી પર આવી ગયો હતો.
"હંસા મહેતા લાઈબ્રેરીમાંથી, મેડમ," આરોહીએ નમ્રતાથી કહ્યું. "શાસ્ત્રી સરે મને બધું જ જણાવ્યું. મેડમ, આ વાર્તા અદ્ભુત છે. ૧૯૯૦ના દાયકાનું બરોડા કૅમ્પસ, એ સપના... તમે આ વાર્તા કેમ અધૂરી છોડી દીધી?"
વસુધા મેડમ ઊભા થયા અને ઓફિસની બારી બહાર જોવા લાગ્યા. તેમના ચહેરા પર એક લાચારી અને વર્ષો જૂનું દર્દ હતું.
"આરોહી, તું હજુ બહુ નાની છે, તું એ સમયની મજબૂરી નહીં સમજી શકે," વસુધા મેડમે ભારે અવાજે પોતાની કેદ થયેલી લાગણીઓને મુક્ત કરતા કહ્યું. "૧૯૯૦ના એ દાયકામાં એક છોકરી માટે ઘરની બહાર નીકળીને ભણવું એ જ બહુ મોટી વાત હતી. મારા પિતાએ મને બરોડા ભણવા મોકલી એ જ એમની ઉદારતા હતી. પણ જેવી એમને ખબર પડી કે હું વાર્તાઓ લખું છું અને મેગેઝિન એડિટર બનીને સ્ટેજ પર જાઉં છું, એમના રૂઢિચુસ્ત વિચારો જાગી ગયા. સમાજના ડરે અને લોકાપવાદના ભયે એમના પર એવો કબ્જો કર્યો કે તેમણે રાતોરાત મારું ભણતર રોકી દીધું."
તેમણે એક ઠંડો શ્વાસ લીધો અને આગળ ચલાવ્યું, "એક રાતે મારા પિતા લાઈબ્રેરીની બુક મારા હાથમાં જોઈને ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સાહિત્યને સમયનો બગાડ અને છોકરીઓ માટે કલંક ગણાવ્યું. મારા સપના, મારી આઝાદી અને મારી કલમ બધું જ એ કાગળ પર અટકી ગયું, કારણ કે મારે મારા પરિવારની આબરૂ ખાતર વડોદરાથી દૂર એક અજાણ્યા ગામમાં લગ્ન કરવા પડ્યા. જિંદગી ક્યારેય આપણી વાર્તાઓ પ્રમાણે નથી ચાલતી, આરોહી. જ્યારે સમાજ અને જવાબદારીઓ સામે આવે, ત્યારે સપનાની કલમ આપોઆપ હાથમાંથી છૂટી જાય છે. મેં મારી જિંદગીની વાર્તા ક્યારનીય અધૂરી છોડી દીધી છે. હવે આ બધું વાગોળવાનો કોઈ અર્થ નથી. તું આ પુસ્તક લાઈબ્રેરીમાં પાછું જમા કરાવી દે."
આરોહીએ ધીમેથી પૂછ્યું,
"મેડમ... આ વાર્તામાં શું હતું તે આપને યાદ છે?"
વસુધા મેડમ થોડું હસ્યાં. એ હાસ્યમાં વર્ષોનું દર્દ છુપાયેલું હતું.
"એ એક છોકરીની વાર્તા હતી, આરોહી. તેનું નામ હતું 'નૈના'."
"નૈના?" આરોહીએ ઉત્સુકતાથી પૂછ્યું.
"હા. નૈના એક નાના ગામમાંથી બરોડા ભણવા આવી હતી. તેને લેખિકા બનવું હતું. તેને લાગતું હતું કે શબ્દો દુનિયા બદલી શકે છે. પણ ઘરે તેના માટે પહેલેથી જ એક અલગ જિંદગી લખાઈ ચૂકી હતી."
વસુધા મેડમની આંખો ભીની થઈ ગઈ.
"વાર્તાના અંતમાં નૈનાના પિતા તેને લેવા કૉલેજ આવવાના હતા. નૈના પાસે બે રસ્તા હતા. એક રસ્તો તેના સપનાઓ તરફ જતો હતો અને બીજો પરિવારની ઇચ્છા તરફ."
"પછી?" આરોહીએ આતુરતાથી પૂછ્યું.
"પછી... હું ક્યારેય લખી જ ન શકી કે નૈનાએ કયો રસ્તો પસંદ કર્યો."
"કારણ કે એ નૈના તમે જ હતા..." આરોહીના મોઢેથી અનાયાસ નીકળી ગયું.
વસુધા મેડમે જવાબ ન આપ્યો.પણ તેમની આંખોએ બધું કહી દીધું.
આરોહી એક ડગલું આગળ વધી. આજે તેનામાં ગામડાની એ ગભરાયેલી છોકરી નહોતી, પણ એક લિટરેચરની સાચી સ્ટુડન્ટ બોલી રહી હતી. "ના મેડમ! જિંદગી અધૂરી હોઈ શકે, પણ સાહિત્ય ક્યારેય અધૂરું ન રહેવું જોઈએ. તમે ભલે કલમ છોડી દીધી, પણ આ કૅમ્પસે તમારા અક્ષરોને સાચવી રાખ્યા છે. યુનિવર્સિટીના કૅમ્પસ મેગેઝિન ‘ધ કૅમ્પસ વોઈસ’માં આ વખતે અમે આ વાર્તા છાપવાના છીએ."
"શું?!" વસુધા મેડમ ચોંકી ગયા.
બરાબર એ જ સમયે સોહમ અને મીરાં પણ ઓફિસની અંદર આવી ગયા. સોહમે આગળ આવીને કહ્યું, "હા મેડમ. આરોહી સાચું કહી રહી છે. અમે આ વાર્તા છાપીશું, પણ એક શરતે... આ વાર્તાનો અંત તમે જાતે લખશો. આ કૅમ્પસ તમારા સપનાનો અંત જોવા નથી માંગતું, પણ તમારી વાર્તાની નવી શરૂઆત જોવા માંગે છે."
મીરાંએ વસુધા મેડમના હાથમાં એક નવી પેન મૂકી.
વસુધા મેડમ ક્યારેય આટલા લાચાર નહોતા દેખાયા. તેઓ એ ત્રણ વિદ્યાર્થીઓ સામે જોઈ રહ્યા, જેઓ તેમને તેમનો ખોવાયેલો ભૂતકાળ પાછો આપવા આવ્યા હતા. ઓફિસમાં થોડી ક્ષણો માટે ભારે શાંતિ પથરાઈ ગઈ.