adhuri varta no ant in Gujarati Women Focused by Rupen Patel books and stories PDF | અધૂરી વાર્તાનો અંત - પ્રકરણ 3

Featured Books
Categories
Share

અધૂરી વાર્તાનો અંત - પ્રકરણ 3


પ્રકરણ ૩: સ્ટાફ રૂમનો ખુલાસો

બપોરના બે વાગ્યા હતા. આર્ટસ ફેકલ્ટીના જૂના સ્ટાફ રૂમમાં લાકડાના ટેબલો પર પુસ્તકોના ઢગલા પડ્યા હતા. રૂમના ખૂણામાં ટેબલ ફેન ધીમા અવાજે ફરી રહ્યો હતો. પ્રોફેસર શાસ્ત્રી સર ચશ્મા નાક પર ચડાવીને ગંભીરતાથી કોઈ પેપર ચેક કરી રહ્યા હતા. તેઓ આખી યુનિવર્સિટીમાં પોતાના કડક સ્વભાવ અને સાહિત્યના ઊંડા જ્ઞાન માટે જાણીતા હતા.

આરોહી, સોહમ અને મીરાં ધીમા પગલે અંદર પ્રવેશ્યા. આરોહીના હાથમાં ૧૯૯૫નું એ જૂનું મેગેઝિન હતું.

"સર, નમસ્તે... થોડી વાત કરવી હતી," સોહમે અવાજ નમ્ર રાખતા કહ્યું.

શાસ્ત્રી સરે માથું ઊંચું કર્યું. "આવો સોહમ. શું આ વખતે પણ કૉલેજ મેગેઝિન માટે બજેટ ઓછું પડ્યું છે?" તેમણે હળવા સ્મિત સાથે પૂછ્યું.

"ના સર, આ વખતે અમે કોઈ બજેટ માટે નથી આવ્યા. પણ અમારી યુનિવર્સિટીના એક બહુ જૂના સ્ટુડન્ટ વિશે જાણવા આવ્યા છીએ," આરોહીએ હિંમત કરીને મેગેઝિન પ્રોફેસરના ટેબલ પર મૂક્યું અને વસુધા મહેતાના ફોટા તરફ આંગળી ચીંધી. "સર, તમે ૧૯૯૪માં વસુધા મહેતાને ઓળખતા હતા?"

વસુધાનું નામ સાંભળતા જ પ્રોફેસર શાસ્ત્રીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. પેપર ચેક કરતી તેમની પેન હાથમાંથી ટેબલ પર પડી ગઈ. તેમણે ચશ્મા ઉતાર્યા અને ત્રણેય વિદ્યાર્થીઓ સામે આશ્ચર્યથી જોયું.

"તમને વસુધા વિશે ક્યાંથી ખબર પડી?" શાસ્ત્રી સરનો અવાજ ગંભીર થઈ ગયો હતો.

આરોહીએ લાઈબ્રેરીની એ જૂની ચોપડી કાઢી અને છેલ્લા પાના પર લખાયેલી અધૂરી શોર્ટ સ્ટોરી બતાવી. "સર, આ વાર્તા વસુધાએ લખી હતી. આટલી અદ્ભુત વાર્તા તેમણે અધૂરી કેમ છોડી દીધી? તેઓ અત્યારે ક્યાં છે?"

શાસ્ત્રી સર ઊભા થયા અને બારી પાસે જઈને ઊભા રહી ગયા. બહાર પેવેલિયન રોડ પર પવનના કારણે ગુલમોહરના ફૂલો ખરી રહ્યા હતા. થોડી ક્ષણોની શાંતિ પછી તેઓ પાછા ફર્યા.

"વસુધા મારી લાઈફની સૌથી તેજસ્વી અને હોશિયાર સ્ટુડન્ટ હતી," શાસ્ત્રી સરે ઊંડો શ્વાસ લીધો. "તેની કલમમાં એવો જાદુ હતો કે જે વાંચે તે મંત્રમુગ્ધ થઈ જાય. પણ આ વાર્તા અધૂરી નથી રહી ગઈ... તે ક્યારેય પૂરી થઈ જ ન શકી."

"કેમ સર? શું થયું હતું?" મીરાંથી રહેવાયું નહીં એટલે તેણે વવચ્ચેથી જ પૂછી લીધું.

"૧૯૯૫ના ફેબ્રુઆરી મહિનામાં, કૉલેજના છેલ્લા વર્ષમાં વસુધાના ઘરેથી તેના પર દબાણ આવ્યું. તેના પિતા તેને આગળ ભણાવવા નહોતા માંગતા અને વડોદરાથી દૂર એક નાના ગામમાં તેના લગ્ન નક્કી કરી દીધા હતા. વસુધા આ કૅમ્પસ છોડવા નહોતી માંગતી, તેને મોટી લેખિકા બનવું હતું. પણ સમાજ અને પરિવાર સામે તે હારી ગઈ. જે દિવસે તે છેલ્લીવાર કૉલેજ આવી, તે બહુ રડી હતી. તેણે આ લાઈબ્રેરીની બુકમાં પોતાની છેલ્લી વાર્તા લખવાનું શરૂ કર્યું હતું, પણ અધવચ્ચે જ તેના પિતા તેને લેવા આવી ગયા અને તેને અધૂરી મૂકીને હંમેશાં માટે આ કૅમ્પસ છોડવું પડ્યું."

આરોહી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેને લાગ્યું જાણે આ વાર્તા વસુધાની નહીં, પણ તેની પોતાની જિંદગી સાથે જોડાયેલી હતી. તે પણ તો એક નાના ગામમાંથી સપના લઈને આવી હતી.

"સર, પણ વસુધા મેડમ અત્યારે ક્યાં છે?" સોહમે ઉત્સુકતાથી પૂછ્યું.

શાસ્ત્રી સરે આરોહીની આંખોમાં જોયું અને એક એવો ખુલાસો કર્યો જેણે ત્રણેયના હોશ ઉડાવી દીધા.

"વસુધા અત્યારે ક્યાંય દૂર નથી. તે આપણી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન છે! હા, લગ્નના થોડા વર્ષો પછી તેના પતિનું અવસાન થયું અને તે પોતાના પગ પર ઊભા રહેવા પાછી બરોડા આવી ગઈ. પણ તેણે ક્યારેય પાછી કલમ હાથમાં ન લીધી. પોતાની અધૂરી વાર્તાની જેમ, તેણે પોતાનું સાહિત્યનું સપનું પણ ત્યાં જ દફનાવી દીધું."

આરોહીના હાથ ધ્રૂજવા લાગ્યા. હોસ્ટેલના જે વોર્ડન મેડમને તે રોજ કડક સિક્યોરિટી રાખતા અને ગુસ્સામાં જોતી હતી, તે જ વાસ્તવમાં એ સુંદર વાર્તાની લેખિકા વસુધા હતી!