Our will and patience! in Gujarati Motivational Stories by Hitesh books and stories PDF | આપણી મરજી અને ધીરજ!

The Author
Featured Books
Categories
Share

આપણી મરજી અને ધીરજ!


આપણે એટલે કે મનુષ્ય જાતિ પોતાને જીવસૃષ્ટિની ટોચે સમજીએ છીએ અને પોતાને ખૂબ જ જ્ઞાની સમજીએ છીએ. આપણે ગમે તેટલા જ્ઞાની હોઈએ, વિચક્ષણ બુદ્ધિના હોઈએ અને સમજુ હોઈએ છતાં આપણે આપણી રીતે આ સમાજમાં જીવી શકતા નથી કે આપણી ઇચ્છા શક્તિ પ્રમાણે આપણી સમજણ શક્તિ પ્રમાણે આપણે વર્તી શકતા નથી. આપણે આપણી બીઝી અને પ્રવૃતિથી ભરેલી જિંદગીમાં આપણી ઇચ્છા પ્રમાણે ધીરજ પણ રાખી શકતા નથી. આપણી આજુબાજુ એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે કે  આપણે ધીરજ રાખવા જઈએ છીએ ત્યારે બીજાની મરજીથી ચાલીએ છીએ અને એની મરજી પ્રમાણે આપણે ધીરજ રાખી શકતા નથી.

મહાભારતમાં કર્ણને જ જોઈલો, કર્ણના પાત્રને મહાભારતમાં ખૂબ સમજુ અને જ્ઞાની માનવામાં આવે છે પરંતુ એણે એના જ્ઞાન પ્રમાણે અને એની સમજણ શક્તિ પ્રમાણે ક્યાં જીવન વ્યતીત કર્યું હતું! એની સામે સંજોગો એવા ઊભા થયા હતા કે એણે એની સમજણ શક્તિ સામે કોમ્પ્રોમાઈઝ કરવું પડ્યું હતું. આપણે ગમે તેટલું વિચારીએ, સમજીએ કે જ્ઞાનની વાતો કરીએ પરંતુ આપણે બીજા શું કહેશે, આપણો સમાજ શું કહેશે એનો વિચાર કરીને જે આપણી મરજી હોય એવું જીવન જીવી શકતા નથી કે એવી ધીરજ રાખી શકતા નથી.

અત્યારની હાડમારી ભરેલી જિંદગીમાં આપણે ધીરજ તો સાવ ગુમાવી દીધી છે અને આપણામાં વિચારવાની શક્તિ જ રહી નથી. એમાંય આપણા જીવનમાં એઆઈએ એટ્રી કરી છે પછી તો આપણા મગજને આપણે કષ્ટ આપવાનું જ છોડી દીધું છે. કઈ હોય કે તરત આપણે એઆઈને પૂછી લઈએ છીએ.

આપણે બસ પ્રવૃત પ્રવૃત અને પ્રવૃત જ રહીએ છીએ એનાથી આપણે ધીરજ સાવ ગુમાવી દીધી છે. અત્યારે રીલનો જમાનો આવી ગયો છે. લોકોને બધું ટૂંકમાં જોઈએ છીએ. મેં એક જગ્યાએ વાંચેલું કે દક્ષિણ કોરિયામાં ફક્ત એક મિનિટનું નાટક આવ્યું છે. ત્યાં એક મિનિટમાં આખું નાટક ભજવાયું છે અને એ યુવાવર્ગમાં ખૂબ લોકપ્રિય થયું છે. આજે આપણે આપણા સંતાનોને કોઈ લાંબો વિડિઓ કે મૂવી જોવાનું કહેશું તો તરત કહેશે કે “આટલું લાંબું એક જગ્યાએ બેસવાની મારામાં હવે શક્તિ નથી!” આપણી આવી વૃતિને કારણે આપણે ધીરજ રાખી શકતા નથી કે બરાબર વિચારી શકતા નથી એટલે આપણે બસ દોડ્યા જ કરીએ છીએ અને આપણી દોડવાની દિશા એક હોતી નથી. ધીરજના અભાવને લીધે એ દિશા વારંવાર બદલાય છે. આપણી અંદર કોઈ અજાણ્યો ઉન્માદ એટલો છે કે એને લીધે આપણે દિશાવિહીન દોડયેજ જઈએ છીએ. જીવનમાં ઉન્માદ હોય તો જ જીવવાની મજા આવે પરંતુ જો એ ઉન્માદને સાચી દિશા ના મળે તો એનું શું પ્રયોજન છે? આપણા જીવનનું શું પ્રયોજન છે એ જાણ્યા કે સમજ્યા વગર આપણે કોઈ પણ દિશામાં દોડ્યે જ જઈએ છીએ. આપણે ક્યાં પંથ ઉપર છીએ, એ બરાબર કપાય છે કે નહીં એ જોયા વગર દોડ્યે જ જઈએ છીએ. તમારામાં જો ધીરજ હશે તો તમે ધીરજ ધરીને કોઈ એક રસ્તો પકડીને ચાલવા પ્રેરાશો અને તમને કોઈને કોઈ મંજિલ મળશે જ પરંતુ જો ધીરજ નહીં ધરો તો તમારી દિશા સતત બદલાતી રહેશે અને તમે ફક્ત દોડ્યે જ જશો.

આપણે આપણા જીવનમાં ગણિતને ખૂબ મહત્વ આપીએ છીએ અને ગણતરી પૂર્વક આગળ વધીએ છીએ. આપણે આપણા જીવનમાં સરવાળા અને બાદબાકી બરાબરના કરીએ છીએ પરંતુ ફક્ત આપણા નફા નુકશાન માટે! આપણા જીવન માટે નહીં! આપણા જીવનને સમજીને જો સાચી રીતે આપણે સરવાળા બાદબાકી કરવા લાગીએ તો આપણે ધીરજને આત્મસાત કરી શકીએ છીએ અને ધીરજથી જીવી શકીએ છીએ. આપણું મન એક ઘોડા જેવું છે, જો એને લગામ આપવામાં આવે તો એ સાચી દિશામાં જશે પરંતુ એને બે લગામ કરવામાં આવે તો આપણી કાબુમા રહેતું નથી, એનો કાબુ બીજાના હાથમાં જતો રહે છે.

ડો ગ્યાનવત્સલ સ્વામીજીને સાંભળવા બહુ ગમે છે એકવાર એણે એક સરસ વાત કહેલી, એક સેલ્સમેનને એના ઇન્ટરવ્યુમાં સરસ સવાલ કરવામાં આવ્યો, “તમે પ્રોડક્ટ વહેંચવા માટે કોઈ ગ્રાહકની કેટલીવાર મુલાકાત લઈ શકો છો? પેલા સેલ્સમેને સરસ જવાબ આપેલો, “આ અમારા બંનેમાંથી કોનું મૃત્યુ પહેલું થાય એની ઉપર નિર્ભર રહે છે.” આ જવાબ ઉપરથી એ સેલ્સમેનને તરત નોકરી મળી ગઈ. કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ પણ વસ્તુમાં કે તમારે કોઈ કરવા જેવું કાર્ય હોય એમાં ધીરજ ગુમાવો નહીં, જ્યાં સુધી સફળ નહીં થાવ ત્યાં સુધી એને કર્યે જ રાખો.

આજકાલ યુટ્યુબનું ચલણ ખૂબ વધ્યું છે. આ લખનાર પણ યુટ્યુબ ઉપર છે. યુટ્યુબમાં જે નવા નવા લોકો છે એ અમુક પ્રકારના વિડિઓ જોતા હોય છે. આવા વીડિયોમાં વિડિઓ બનાવવાવાળા કહેતા હોય છે કે “વધારેમાં વધારે છ મહિના સમય આપો, જો છ મહિનામાં સફળતા ના મળે તો યુટ્યુબ છોડી દો.” ભાઈ જો છ મહિનામાં એમ સફળતા મળી જતી હોય તો તો બધા સફળ તરત થઈ જાય, કોઈ મહેનત કરે જ નહીં. સફળતા મેળવવા માટેની કોઈ સમય મર્યાદા હોતી નથી, ગમે ત્યારે ગમે તે સમયે સફળતા મળે છે.

એક ભાઈએ શહેરમાં જમીન લીધી. શહેર વિકસી રહ્યું હતું માટે એ ભાઈને એમ કે જમીનમાં હું રોકાણ કરીશ તો મને એનું સારું વળતર મળશે. એ ભાઈએ એક વર્ષ રાહ જોઈ, બે વર્ષ રાહ જોઈ પરંતુ એની જમીનનો જોઈએ એવો ભાવ વધ્યો નહીં. એ ભાઈની ધીરજ ખૂટી ગઈ. એ ભાઈએ જે ભાવમાં જમીન લીધી હતી એજ ભાવમાં જમીન વહેંચી દીધી. હવે બન્યું એવું કે એ ભાઈએ જમીન વહેંચી એના છ મહિના પછી એની જમીન જે બાજુ હતી ત્યાં કોઈ સરકારી પ્રોજેક્ટ આવ્યો અને જમીનના ભાવ ઊંચકાઈ ગયા. એ ભાઈએ જેને જમીન વહેંચી એને ત્રણ થી ચાર ગણા ભાવ મળ્યા. પેલા ભાઈએ જો થોડી ધીરજ રાખી હોત તો આજે માલામાલ થઈ ગયા હોત, ફક્ત છ મહિના માટે એ ધીરજ રાખી શક્યા નહીં.

આજના ઝડપી જમાનામાં આપણે આપણી સમજણ શક્તિ પ્રમાણે કે આપણી ધીરજ પ્રમાણે જીવી શકતા નથી કે આપણાથી જિવાતું નથી કારણ કે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે તમને કે મને કોઈ પણ વસ્તુ તાત્કાલિક કે તરત મળી જાય. મેં આગળ કહ્યું પ્રમાણે આ જમાનો રીલનો છે. એક મિનિટમાં કામ પૂરું થતું હોય તો પછી લાંબુ કેમ ખેંચવું! 

આપણે સમજીએ છીએ અને આપણને જ્ઞાન પણ છે કે જે ધીરજ નથી ગુમાવતો એ આગળ જતા કઈ ને કઈ પામે છે પરંતુ આપણે એવું કરી શકતા નથી કે કરવા દેવામાં આવતું નથી. આપણે મહેનત કરતા હોઈએ છીએ અને બરાબર સફળ થતા નથી ત્યારે કહેવાવાળા ઘણા મળતા હોય છે કે “એમાં શું રાખ્યું છે! આવું તો કરાતું કશે! એમાં તો કઈ નથી! બીજું કઈ હાથમાં લે.” અને બીજું ઘણું કહેતા હોય છે. આપણે બીજાના કહેવાથી આપણા લક્ષમાંથી ભટકી જઈએ છીએ. બીજા આપણી ઉપર એટલા હાવી થઈ જાય છે કે આપણું લક્ષ આપણી સામે હોય તો પણ દેખાતું નથી.

આપણે આપણી ઇચ્છા પ્રમાણે કે પાણી ધીરજ પ્રમાણે જીવી શકતા નથી. પ્રવૃતિ અને નિવૃતિ વચ્ચે અટવાયેલો માનવી એની ઈચ્છા પ્રમાણે પ્રવૃતિ પણ કરી શકતો નથી કે એની ઈચ્છા પ્રમાણે નિવૃતિ પણ લઈ શકતો નથી. કાતો તમને વહેલા પ્રવૃત કરવામાં આવે છે અથવા મોડા નિવૃત કરવામાં આવે છે. જીવન જીવવાની કળા કે રીત આપણા હાથમાં જ છે પરંતુ એને આપણે સમજી શકતા નથી અને જો આપણે સમજતા હોઈએ ત્યારે લોકો તમને કે મને સમજવા દેતા નથી. જીવન જીવવું એ મનુષ્યનું પ્રાથમિક કર્તવ્ય છે, જીવસૃષ્ટિને આગળ વધારવી એ આપણું મુખ્ય કર્તવ્ય છે પરંતુ આપણા આ કર્તવ્યને પણ આપણે કે આપણી આજુબાજુના લોકો સારી રીતે નિભાવવા દેતા નથી.

અસ્તુ.