દગો અને ભરોસો
દગો અને ભરોસો આ બંને શબ્દો સિક્કાની બે બાજુ છે. જ્યાં ભરોસો છે ત્યાં દગો છે. તમે જ્યાં ભરોસો કરો છો ત્યાં તમને દગો મળે છે. દગો દેવાવાળા કોઈ બહારના લોકો હોતા નથી પરંતુ આપણી નજીકના લોકો અને ખાસકરીને આપણે જેના ઉપર ખૂબ ભરોસો કરતા હોઈએ એ જ લોકો દગો દેતા હોય છે. જેના ઉપર આપણે ભરોસો કરતા હોઈએ અને એજ દગો આપે ત્યારે કોઈ પણ તૂટી જાય છે અને મન પણ સાલું દગો જેણે આપ્યો હોય એના વિશે જ વિચારતું હોય છે અને વધારે વિચારતું હોય છે. જ્યારે કોઈ આપણને મારે છે ત્યારે બાહ્ય ચોટ લાગે છે જે સમય જતા રૂઝાય જાય છે પરંતુ જે દગો આપે છે એનો ઘા દિલમાં વાગે છે જે જલ્દી રૂઝાતો નથી.
આપણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે “દુનિયાએ મને દગો દીધો છે, આ દુનિયા જાલિમ છે,” આ વાક્ય આપણો મોટામાં મોટો ભ્રમ છે. દુનિયાએ દગો દીધો એટલે શું? કોઈ પણ અજાણ્યો તમારી સાથે રમત રમી ગયો? એક અજાણ્યો કે જે તમને ઓળખતો નથી કે તમને જાણતો નથી એ તમારી સાથે કેવીરીતે દગો રમી શકે. દુનિયા ક્યારેય દગો દેતી નથી પરંતુ તમારી નજીકના અને તમે જેના ઉપર પૂરો ભરોસો કરો છો એજ લોકો દગો દેતા હોય છે. દગો આપવા માટે નજીક આવવું પડે છે. દગો આપવા માટે ખાસ બનવું પડે છે. દગો આપવાવાળો આપણો ખાસ મિત્ર હોઈ શકે કે તમે જેને તમારા જીવથી પણ વધારે પ્રેમ કરતા હો એ પ્રેમી હોય શકે કે પછી કોઈ નજીકનો સગો અથવા લોહીના સંબધવાળો કોઈ હોય શકે.
મેં એક જગ્યાએ વાંચેલું કે આ જગતમાં સહુથી ગહેરો ઘા કોઈ શસ્ત્ર નથી કરતું પરંતુ જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે કે ઘા લાગે છે એ વિશ્વાસ ઊંડો ઘા કરી જાય છે. જ્યારે આપણો વિશ્વાસ તૂટે છે ત્યારે આપણે પૂરી રીતે તૂટી જઈએ છીએ. જેની ઉપર ભરોસો કરતા હોઈએ અને એ ઘા કરીને જાય છે ત્યારે આપણને જાણે આપણું બધું લુટાઈ ગયું હોય એવું લાગે છે. આપણે આનાથી બચવા શું કરવું જોઈએ? દોસ્તો તમે થોડું વિચારશો તો આનો જવાબ તમને તમારી અંદરથી જ મળશે. જ્યાં આપણે આસક્તિ વધારે રાખીએ છીએ, જ્યાં આપણે બીજા ઉપર આધાર રાખવાનું ચાલુ કરી દઈએ છીએ અને સામેવાળાને જ્યારે લાગવા લાગે છે કે આપણે એના વગર અધૂરા છીએ ત્યારે દગો મળવાની શરુવાર થાય છે. પહેલા તો બીજા ઉપર એટલા આશક્ત ના થાવ કે એના વગર તમારાથી રહેવાય જ નહીં, અને બીજાના ભરોસે એટલા ન રહો કે એના વગર કે તમે કરી શકો નહીં! જ્યારે સામેવાળાને આવું લાગવા લાગશે ત્યારે એ તમારો ફાયદો ઉઠાવવા લાગશે અને તમારી સાથે રમવા લાગશે. એક સમય એવો આવશે કે એ તમને દગો આપીને ચાલ્યો જશે. કોઈને તમે તમારા એટલા ખાસ બનવા ના દો કે એ તમારો ફાયદો ઉઠાવે અને તમને દગો આપવાનું વિચારે સાથે જો તમને દગો આપે ત્યારે તમને પીડા ના થાય. કોઈ પણ સંબંધ બાંધો તેમાં એક લિમિટ રાખો, એણે બરાબર ઓળખો, એને બરાબર પરખો. ક્યારેક ઓળખાયેલા અને પરખાયેલા સંબંધો પણ દગો આપે છે માટે કોઈની પણ સાથે લિમિટ નક્કી કરીને રહો. તમે જેની સાથે સંબંધ રાખો છે એ તમારી જેમ એક મનુષ્ય જ છે અને એટલું યાદ રાખજો મનુષ્યનો સ્વભાવ સમય સાથે હંમેશા બદલાતો હોય છે.
કોઈ પણ માણસ તમારા જીવનમાં હોય એના વિશે તમારા મનમાં એવી ધારણા ના બાંધો કે એ “મારી સાથે ક્યારેય ખોટું કે ખરાબ કરી શકે નહીં” જ્યાં આવી ધારણા બંધાય છે ત્યાં દર્દ વધારે મળે છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે મનુષ્યનો સ્વભાવ સમય સાથે બદલાય છે, મનુષ્યની લાલચ સમય સાથે બદલાય છે. સમય બદલાય અને સાથે સામેવાળાની વૃતિ બદલાઈ તો એ મનુષ્ય તમારી સાથે કઈ પણ કરી શકે છે. જ્યારે દગો કોઈ આપે છે ત્યારે આપનારને તો કઈ થતું નથી પરંતુ જેની સાથે દગો થયો હોય એ તૂટી જાય છે. માટે તમારે તૂટવું ના હોઈ તો કોઈ પણ વ્યક્તિ સાથે એટલા ના ગૂંથાવ કે એની ઉપર એટલો ભરોસો ના કરો કે એ વ્યક્તિ તમારો લાભ લઈને તમને તરછોડીને ચાલ્યો જાય. કોઈ તમારી સાથે રમત રમી જાય ત્યારે “એ તો એનો સ્વભાવ છે, એની પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય!” આવું હળવું વિચારીને એ વ્યક્તિને ભૂલી જવામાં જ સાર છે. તમે એના વિશે વધારે વિચારશો એટલું તમને વધારે દુઃખ થશે.
તમારો પાર્ટનર કે જેની ઉપર ખૂબ ભરોસો કરતા હતા એ બીજા માટે તમને છોડીને જતો રહ્યો હોય, તમારો ધંધા ભાગીદાર કે જે થોડા પૈસા માટે તમારી સાથે દગો રમી ગયો હોય, જેની સાથે તમે તમારા જીવનની સારી ક્ષણો વિતાવી હોય એવો મિત્ર એના સ્વાર્થ માટે તમારી સાથે કઈ કરી ગયો હોય કે પછી લોહીના સંબંધ કે જેની ઉપર આંધળો વિશ્વાસ કર્યો હોય એ જો તમારી સાથે વિશ્વાસઘાત કરીને ચાલ્યો જાય ત્યારે આવા લોકો પાછળ જીવન બરબાદ કરવાનો કોઈ મતલબ નથી. આવા લોકો માટે તમે તમારો જેટલો સમય બરબાદ કરશો એટલા તમે પાછળ રહી જશો. આવા લોકો એનું કામ કરીને જતા રહે છે અને તમને રડતા છોડીને ચાલ્યા જાય છે. આવા લોકો પાછળ રડવાનું છોડી એમાંથી કઈ શીખી આગળની જિંદગી જીવવાનું ચાલુ કરી દો.
આપણે જ્યારે આપણી સાથે સંકળાયેલા લોકો પાસેથી વધારે ઉમ્મીદ લગાવીને બેસીએ છીએ ત્યારે પણ આપણી સાથે દગો થયો હોય એવું લાગ્યા કરે છે. “મે એની સાથે આવું કર્યું તો એણે પણ મારી સાથે એવું જ કરવું જોઈએ” આવું જ્યારે આપણે મનમાં બાંધી લઈએ છીએ ત્યારે દુઃખ મળવાની શરૂવાત થાય છે. તમે જે કર્યું એ તમારી પરિસ્થિતિ પ્રમાણે અને તમારા સમય પ્રમાણે કર્યું હતું. જ્યારે તમે એવી જ અપેક્ષા સામેવાળા પ્રત્યે રાખો છો ત્યારે એનો સમય જુદો હોય છે અને એની પરિસ્થિતિ પણ જુદી હોય છે, એ તમારી અપેક્ષામાં ખરો ઊતરતો નથી અને તમને એવું લાગે છે કે મેં એના માટે ભોગ આપ્યો પરંતુ એને મારી સાથે એવું ના કરીને દગો આપ્યો. કઈ આપીને એની સામે લેવાની અપેક્ષા રાખો છો ત્યારે તમારી સાથે દગો થયો હોય એવી ભાવના તમારામાં આવે છે અને તમને દુઃખની લાગણી થાય છે. માટે આવી ભાવના મનમાંથી કાઢી કોઈ પાસે અપેક્ષા રાખવાનું બંધ કરી તમારી શક્તિ પ્રમાણે તમારી સાથેના લોકો સાથે વર્તો.
જ્યારે કોઈ દગો આપે છે ત્યારે એવું માનવું કે એ એના ચહેરા ઉપરથી એનો નકાબ ઊતરી રહ્યો છે. એણે સમારી સામે જે મહોરું પહેર્યું હતું એ આજે ઉતરી ગયું છે અને આજે એ તમારી સામે છે એજ સાચો વ્યક્તિ તમારી સામે છે. એણે જિંદગીના રંગમંચ ઉપર નાટક ભજવવાનું બંધ કર્યું છે અને એ એની અસલની ભૂમિકામાં આવી ગયો છે. જ્યારે કોઈ તમારી સામે નકાબ ઊતરે છે ત્યારે દુઃખી થવાને બદલે ભગવાનનો આભાર માનવો જોઈએ કે એણે તમારું જાજુ નુકશાન થાય એ પહેલાં એના ચહેરા ઉપર જે મહોરું પહેર્યું હતું એ ઉતારી લીધું અને તમે જાજા નુકસાનથી બચી ગયા. જો એણે થોડું મોડું એનું મહોરું ઉતાર્યું હોત તો આજના કરતા ત્યારે તમને વધારે દુઃખ થયું હોત પરંતુ આજે તમને ઓછું દુઃખ થયું છે માટે પ્રભુનો આભાર માની એનાથી દૂર થઈ બધું ભૂલી આગળ વધો.
દગાને એક ગરણીની જેમ જુવો. ગરણી જેમ કચરો ગાળીને ચોખ્ખી વસ્તુ તમારી સામે રાખે છે એમ દગો જ્યારે તમને કોઈ આપે છે ત્યારે તમે એ વ્યક્તિને તમારી જિંદગીમાંથી કાઢી નાખો છો, એ પછી તમે આવા લોકોને ઓળખવા લાગો છો અને હવે પછી આવા લોકો તમારી જિંદગીમાં આવે નહીં એનું ધ્યાન રાખો છો. દગો વધારે અઘરો એટલા માટે લાગે છે કે આપણે આપણી આજુબાજુ એક પ્રકારનો ભ્રમ ઉભો કરેલો હોય છે. એ ભ્રમ તૂટે છે ત્યારે આપણને આપણી સાથે દગો થયો હોય એવું લાગે છે.
જ્યારે આપણી સાથે દગો થાય છે ત્યારે અમુક કિસ્સામાં આપણે આપણી જાતને જ દોષ દેતા હોઈએ છીએ, “મેં પસંદગીમાં થાપ ખાધી, મારી કિસ્મત જ આવી છે, મને જ આવું મળે છે!” આવું તમે તમારી જાત સાથે કરશો તો તમે સામેવાળી વ્યક્તિને ક્યારેય ઓળખતા શીખશો નહીં. જો તમે સામેવાળી વ્યક્તિને ઓળખતા નહીં શીખો તો ફરી તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ આવી જશે જે ફરી તમારી સાથે રમત રમી જશે, માટે તમારી સાથે આવું કઈ થાય ત્યારે તમારી જાતને દોષ દેવાને બદલે સામેવાળાને બરાબર ઓળખો. તમે તો તમારી જગ્યાએ સાચા જ છો સામેવાળું પાત્ર જ ખરાબ હતું એટલે તમને દગો મળ્યો.
દોસ્તો જ્યારે કોઈ તમારી સાથે દગો રમે ત્યારે તમે એને તમારી જિંદગીમાંથી કાઢી નાખો. મનને એવું કહો કે “જા તું અત્યારથી મારાથી આઝાદ છો અને હું તારાથી આઝાદ છું” આવું કરવાથી મનને શાંતિ મળશે. બાકી જો એને પકડી રાખશો કે એના વિશે જ વિચાર્યે રાખશો તો તમારું મન એના તરફ ખેંચશે અને તમને ક્યારેય શાંતિ નહીં મળે. મનથી એ વ્યક્તિનો બોજ કે એ વ્યક્તિની યાદો કાઢી નાખો. એ વ્યક્તિ તમારી જિંદગીનો ક્યારેક હિસ્સો હતો એ પણ ભૂલી જાવ. બધું ભૂલી આગળ વધો.
અસ્તુ.