આપણું જીવન શું છે? આપણું જીવન કેવું હોવું હોઈએ? ખાવું પીવું, મોજ મજા કરવી, આપણા લાભ માટે જીવવું અને એની સતત ગણતરી કરવી એ જીવન છે કે પછી ડાહ્યા બનીને જીવીને આપણી નીતિ રીતિનું ચુસ્ત પાલન કરવું એ જીવન છે! આ જગત ઉપર અવતરેલું દરેક પ્રાણી એની રીતે જીવવા સ્વતંત્ર છે પરંતુ આપણે મનુષ્ય શું આપણી રીતે જીવવા સ્વાતંત્ર છીએ? આપણી ઉપર કોઈના ને કોઈના વિચારોનો પ્રભાવ હોય છે, આપણી ઉપર સામાજિક બંધનોનો ભાર હોય છે અને આપણી ઉપર નિયમોની ભરનાર હોય છે. આ બધું હોવું જરૂરી છે. આ બધું હશે તોજ આપણી સમાજ વ્યવસ્થા અને દેશની વ્યવસ્થા જળવાય છે પરંતુ આપણે આ બધાના ભાર નીચે એટલા દબાયેલા છીએ કે જેના લીધે આપણે સરખી રીતે જીવી શકતા નથી.
આપણે ત્યાં કોઈ આદર્શવાદી જીવન જીવતો હશે ત્યારે આપણે તરત કહેશું કે “આવી રીતે જીવવું એ કોઈ જીવન છે! આવું લલ્લુની જેમ જીવતું હશે!” અને આપણે બિન્દાસ રીતે જીવીએ તો પણ કહેનાર તો બોલવાના છે કે “ સાલાને કઈ લાજ શરમ જેવું છે કે નહીં!” તમે આ રીતે જીવશો તો પણ સાંભળવું પડશે અને બીજી રીતે જીવશો તો પણ સાંભળવું પડશે તો શું આપણે કઈ પણ કર્યા વિના જીવવું જોઈએ?
તમારા મનમાં તમારા વિચારો પ્રત્યે કે સમાજના કે પછી દેશના નિયમો પ્રતિ બળવો આવે છે તો પણ તમે કઈ કરી શકતા નથી કારણ કે આપણે બધા અંદરથી ડરપોક છીએ. સમાજની કે દેશની વાત જવા દો તમારી નજીકના લોકો તમારી સાથે ખોટું કરે છે કે તમને હર્ટ કરે છે ત્યારે પણ અમુક સમયે આપણે એની સામે બોલી શકતા નથી કારણ કે આપણી અંદર એક પ્રકારનો ડર છુપાયેલો હોય છે, “હું કઈ બોલીશ તો લોકો શું કહેશે? એણે આવું કર્યું અને હું એની સામે કઈ કરીશ તો લોકો શું વિચારશે! સારું નહીં લાગે!” આ બીજાને સારું નહીં લાગે એમાં આપણે આપણા જીવનમાં કેટ કેટલું કોમ્પ્રોમાઈઝ કરતા હોઈશું! વિદેશની સંસ્કૃતિની આપણે ટીકા કરતા હોઈશું પરંતુ મને ત્યાંની એક વાત સરસ ગમે છે, ત્યાં લોકો ખૂબ પ્રેક્ટિકલ છે 'નથી ફાવતું તો છૂટા પડી જાવ, તમે કઈ બોલો છો કે કઈ કરો છો તો તરત રિએક્શન મળી જાય છે’ જ્યારે આપણે ત્યાં આવું નથી.
આપણે બીજાને સારું દેખાડવા માટે જીવીએ છીએ. બીજો શું કહેશે એ વિચારીને આપણી ઈચ્છાઓને મારી નાખીએ છીએ. આપણે ક્યારેય આપણી ઈચ્છાઓને માન આપતા નથી.
અત્યારે ખાસ કરીને જે લોકો ચાલીસ ઉપરના છે એ લોકો આ રીતે જ જીવતા હશે. એને નાનપણથી જ સમાજની બીક કે સરકારની બીક આપીને જ મોટા કર્યા છે, આ લોકો નાના હતા ત્યારે એને રડવાનો પણ અધિકાર નહતો, આ લોકો જ્યારે રડતા ત્યારે એને કહેવામાં આવતું “રડવાનું બંધ કર નહીંતર પોલીસ આવશે” આવી બીક એને નાનપણથી આપવામાં આવતી હતી. આવી નાની નાની બીક સાથે ઉછરેલો બાળક મોટો થઈને ક્યારેય કોઈ સામે બોલી શકવાનો નથી. મને આજની ઝેન ઝી પેઢી બહુ ગમે છે, ભલે આ પેઢી અત્યારે બહુ વગોવાયેલી છે પરંતુ એના વિચારો સ્પષ્ટ છે, એને શું કરવું એ સ્પષ્ટ છે.
આપણું મન ઝાકઝમાળથી તરત અંજાય જાય એ રીતે આપણાને મોટા કર્યા છે. તમે કોઈ મહેલ જોશો અને તમને એમાં જવાની ઈચ્છા થશે છતાં તમને ત્યાં જવાની બીક લાગશે, પરંતુ એની સામે કોઈ ઝૂંપડી કે કાચું મકાન જોશો ત્યારે તમે એની અંદર તરત ડોકિયું કરવા ચાલ્યા જશો ત્યારે તમને કોઈ બીક નહીં લાગે. જ્યાં ઝાકઝમાળ છે, જ્યાં પૈસા છે ત્યાં તમને બીક લાગવાની છે. તમને ગરીબાઈની બીક લાગશે પરંતુ ગરીબની બીક ક્યારેય નહીં લાગે. આપણા જીવનનો ઉદ્દેશ જ પૈસા છે. આપણો ઉછેર જ એ રીતે થયો છે. પૈસા જીવનમાં જરૂરી છે, જીવન નિર્વાહમાં જરૂરી છે પરંતુ એ આપણી ઉપર એટલા હાવી થઈ ગયા છે કે અમુક લોકોને એના માટે ક્યાં અટકવું અને કેટલું કમાવવું એ જ નક્કી નથી.
આપણું જીવન હંમેશા સુખને કેન્દ્રમાં રાખીને જીવાય એ રીતે આપણને કેળવવામાં આવ્યા છે. આ સુખની વ્યાખ્યા સમજવામાં પણ આપણે આપણા જીવનમાં ઘણી બાંધછોડ કરતા હોઈશું. આપણા જીવનમાં સુખની વ્યાખ્યા જ્યાં આવે ત્યાં સત્તાની વ્યાખ્યા પણ આવે છે, જ્યાં સત્તાની વ્યાખ્યા આવે ત્યાં પૈસા અને બળની વ્યાખ્યા પણ આવે છે. આ સુખની એક વ્યાખ્યાની શોધમાં આપણે આપણા જીવનમાં કેટલી વ્યાખ્યાઓ ઊભી કરી દીધી છે અને એને લીધે આપણા જીવનમાં આપણે કેટલી બાંધછોડ કરી દીધી છે! પાછું તમને કે મને ખાલી સુખ મળે એ પણ ગમતું નથી. કોઈ પણ વસ્તુનો જીવનમાં અતિરેક થાય ત્યારે એ અબખે પડી જાય છે. જો આપણા જીવનમાં ફક્ત સુખ જ મળે તો પછી એનો અતિરેક થઈ જાય છે અને આપણે એનાથી બોર થઈ જઈએ છીએ.
સુખની સાથે દુઃખની વ્યાખ્યા પણ આપણે સમજીશું તો દુઃખ સામે લડવાની આપણામાં તાકાત આવશે પરંતુ આપણને દુઃખની વ્યાખ્યા સમજાવાતી જ નથી. દુઃખની વ્યાખ્યા સમજાવાતી નથી માટે આપણે હંમેશા સુખની પાછળ જ ભાગીએ છીએ અને એના માટે આપણે આપણા જીવ સાથે ઘણી બાંધછોડ કરીએ છીએ. જીવનમાં દુઃખ આવશે એ વિચારીને આપણે આપણી અંદર આવેલા વિચારો સામે બળવો કરી શકતા નથી કે આપણી સાથે કોઈ ખોટું કરે એની સામે આપણે બોલી શકતા નથી. આપણે આવું કઈ કરવા જઈએ ત્યારે આપણું મન આપણને તરત ટપારશે “આવું કરીશ તો તેવું થશે અને કઈ થશે તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ!” આ મુશ્કેલી એટલે દુઃખ, આપણે આ દુઃખમાં ના મુકાઈએ એટલે એના ડરથી આપણે કઈ બોલી શકતા નથી.
આપણા જીવનમાં બાંધછોડ કરીએ છીએ એના લીધે જ આપણી ઉપર જે વિચારોએ કબજો જમાવવો ના જોઈએ કે જે ખોટા રાજનેતા આપણી ઉપર ના હોવા જોઈએ એ છે. આને લીધે સિસ્ટમ સામે લડવાની તાકાત પણ આપણે ગુમાવી દીધી છે. આપણી ઉપર એના વિચારો થોપનારને ખબર છે કે આપણે અંદરથી ડરપોક છીએ, આપણે અંદર અંદર બળીશું પરંતુ આપણી અંદરની બળતરા આપણે ક્યારેય બહાર લાવી નહીં શકીએ. આનો જ આ લોકો લાભ લઈ જાય છે અને એના વિચારો આપણી ઉપર થોપી જાય છે.
બીજાના વિચારોનું, બીજાના વર્તનનું આપણા વિચારો ઉપર અને આપણા વર્તન ઉપર એટલું આક્રમણ છે કે જેને લીધે આપણે ઘણા દબાયેલા છીએ. આપણી સંસ્કૃતિની રચના જ એવી રીતે થઈ છે અને આપણી ઉપર એ વિચારો નાખી દીધા છે કે આપણે કોઈની સામે થવાનું નહીં, કોઈ આપણી સામે લડવા આવે તો જ લડવું બાકી ચૂપચાપ તમાશો જોવો. આપણે તમાશબીન બની ગયા છીએ. આપણી આજુબાજુ કોઈની ઉપર જુલમ થાય ત્યારે આપણે તમાશો જોવા ઊભા રહી જઈએ છીએ, એ થતા જુલમ સામે લડવાની આપણને બીક લાગે છે. એટલે જ તો અત્યારે જગતના યુધ્ધ થઈ રહ્યા છે.
આપણે જીવવા માટે સ્વાતંત્ર છીએ પરંતુ આપણે મનથી સ્વતંત્ર નથી. આપણું મન ભલે આપણી પાસે હોય અને આપણે ભલે એવું કહેતા હોઈએ કે મનને કોઈ સીમા હોતી નથી એ ગમે ત્યાં પહોંચી જાય છે પરંતુ આપણા મન ઉપર બીજાના વિચારોનો કાબુ છે અને આપણા મન ઉપર આપણા ઉછેરનો કાબુ છે. મનુષ્ય જીવવા માટે સ્વાતંત્ર છે પરંતુ એ એના વિચારો માટે કે વર્તન માટે નથી. આપણે બંધિયાર પાણીની જેમ બંધિયાર થઈ ગયા છીએ, આપણે એક ઘરેડમાં જીવવા ટેવાઈ ગયા છીએ કારણ કે આપણી વિચારવાની શક્તિ જ એવી છે. આપણે અંદરથી છટપટાઈ રહ્યા છીએ પરંતુ એને બહાર લાવી શકતા નથી. આપણે માનીને છીએ કે આપણે સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ પરંતુ આ આપણો એક મોટો ભ્રમ છે અને આ એક આપણી આપણા મન સાથેની મોટી છેતરપિંડી છે.
આપણા વિચારો ઉપર બીજાના વિચારોનું આક્રમણ ઘણી વાર શાંતિથી થઈ જાય છે એની આપણને ખબર પણ પડતી નથી. લોકો શું કહેશે, સમાજ શું વિચારે છે, અથવા બીજાની અપેક્ષાઓ શું છે… આ બધું ધીમે ધીમે આપણા પોતાના વિચારોને દબાવી દે છે. દરેક માણસ પાસે પોતાનું વિચારોનું આકાશ હોય છે, પરંતુ જ્યારે આપણે સતત બીજાના મતને વધારે મહત્વ આપીએ છીએ ત્યારે એ આકાશ સીમિત થવા લાગે છે. પરિણામે આપણે આપણા દિલની નહીં, પણ બીજાની ઇચ્છા મુજબ જીવવા લાગીએ છીએ.
બીજાની સલાહ સાંભળવી ખરાબ નથી, પરંતુ એનાથી પોતાની સમજ ગુમાવી દેવી ખોટું છે. કારણ કે આખરે જીવન આપણું છે, અને નિર્ણય પણ આપણો જ હોવો જોઈએ. બીજાના વિચારો માર્ગ બતાવી શકે, પરંતુ ચાલવાનું કામ તમારે જ કરવાનું છે. જ્યારે તમે તમારી અંદરના અવાજને સાંભળવાનું શીખી જશો, ત્યારે લોકોની ટીકા તમને રોકી નહીં શકે. દરેકને ખુશ રાખવું શક્ય નથી, પરંતુ પોતાને સાચું રાખવું ખૂબ જ જરૂરી છે.
અસ્તુ.