શહેરના વ્યસ્ત માર્ગો વચ્ચે આકાશને અડતી ઊંચી ઈમારતોની વચ્ચે “નીતિન ઇન્ડસ્ટ્રીઝ”નું ભવ્ય મુખ્યાલય ગૌરવથી ઊભું હતું.
આ ઈમારતની ઊંચાઈ અને તેની ચમકદાર કાચની દીવાલો શહેરના આકાશને જાણે અડીને ઊભી હોય તેમ લાગતું. અંદરથી તેના હોલમાં દરેક કર્મચારીઓની ચાલમાં એક અલગ જ ઉત્સાહ અને વ્યવસ્થા દેખાતી. આ સામ્રાજ્યના સ્થાપક હતા નીતિનભાઈ એવા ઉદ્યોગપતિ જેમણે પોતાના જીવનની શરૂઆત એક નાનકડા ગામડામાંથી કરી હતી.
તેઓ બાળપણમાં પિતાના નાના કારખાનામાં મદદ કરતા અને રાત્રે અભ્યાસ કરતા. મહેનત, શિસ્ત અને દૂરંદેશીથી તેમણે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. તેમની કંપની આજે ટેક્સટાઈલ, રિયલ એસ્ટેટ અને ફાર્મા સેક્ટરમાં અગ્રેસર હતી.
નીતિનભાઈ માટે સફળતા માત્ર પૈસા સુધી મર્યાદિત નહોતી. તેઓ હંમેશા કહેતા,
“ધન તો આવે જાય… પણ માણસની સમજ, શિસ્ત અને સંગ એ જ સાચી સંપત્તિ છે.”
તેમની એક જ દીકરી હતી આરોહી. વય ૨૪ વર્ષની. બાળપણથી જ આરોહીને વૈભવ મળ્યું હતું. તેના રૂમમાં વિદેશી ફર્નિચર, ડિઝાઈનર કપડાં અને દરેક આધુનિક સુવિધાઓ હતી. પણ તેના પિતાએ તેને ક્યારેય વૈભવમાં ડૂબવા દીધી નહોતી.
છોકરીપણાથી જ તેને સવારે વહેલા ઊઠવાની, પોતાનું બેડ બનાવવાની અને નાની નાની જવાબદારીઓ નિભાવવાની આદત પાડવામાં આવી હતી. વિદેશમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કરીને તે હાલમાં કંપનીમાં પોતાના પિતાની સાથે કામ કરતી હતી.
સમજદાર અને આત્મવિશ્વાસી હોવા છતાં એના દિલમાં એક નરમાઈ હતી. એને લોકો માટે સહાનુભૂતિ જલ્દી આવી જતી. ક્યારેક તે કંપનીના સીએસઆર પ્રોજેક્ટમાં ગરીબ બાળકોને મદદ કરવા જતી અને તેમની વાર્તાઓ સાંભળીને આંખો ભીની થઈ જતી.
એક દિવસ આરોહી પોતાની કારમાં શહેરના જૂના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. તે દિવસે ઑફિસમાંથી વહેલી નીકળી હતી કારણ કે તેને એક મીટિંગ માટે જવાનું હતું.
રસ્તા પર ભીડ હતી, વાહનોના હોર્નના અવાજ, લોકોની દોડાદોડી અને ધુમ્મસવાળી હવા વચ્ચે એક નાનકડા ખૂણે બેઠેલો એક યુવાન તેનું ધ્યાન ખેંચી ગયો. ફાટેલા અને જૂના કપડાંમાં, વાળ અસ્તવ્યસ્ત, પણ હાથમાં વાંસળી લઈને એ ધીમો અને મીઠો સૂર વગાડતો હતો.
તેનું નામ હતું રાહુલ.
એ ભીખ માંગતો હતો, પણ એની આંખોમાં કંઈક અલગ શાંતિ અને નિર્દોષતા હતી. આરોહીની કાર થોડી ક્ષણ માટે અટકી ગઈ. તેણે કારની બારી નીચે કરીને ધ્યાનથી સાંભળ્યું. વાંસળીનો સૂર એવો હતો કે વ્યસ્ત રસ્તાના અવાજ વચ્ચે પણ તે હૃદય સુધી પહોંચી જતો હતો.
આરોહીએ પૂછ્યું, “તમે આ વગાડો છો? આ ગીત કોનું છે?”
રાહુલે વાંસળી નીચે મૂકી, હળવું સ્મિત આપ્યું અને શાંત અવાજમાં કહ્યું,
“હા દીદી… આ મારું પોતાનું બનાવેલું સૂર છે. ભોજન માટે વગાડું છું… બસ એટલું જ આવડે છે.”
તેના સ્મિતમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ દુઃખ નહોતું. આરોહીને એ દિવસે કંઈક અલગ લાગ્યું. તેણે તેને કેટલાક રૂપિયા આપ્યા અને આગળ વધી ગઈ. પણ એ સૂર અને એ હળવું સ્મિત એના મનમાં રહી ગયું.
બીજા દિવસે તે ફરી તે જ રસ્તે પસાર થઈ. આ વખતે તેણે કાર થોડી દૂર પાર્ક કરી અને રાહુલ પાસે આવી. તેણે તેને ચા અને નાસ્તો આપ્યો. રાહુલે આભાર માન્યો અને થોડી વાત કરી.
ધીમે ધીમે આ મુલાકાતો નિયમિત બની ગઈ. આરોહી રોજ તે જ રસ્તે આવવા લાગી. ક્યારેક તે રાહુલને નવા કપડાં લાવી આપતી, ક્યારેક તેની સાથે લાંબી વાતો કરતી.
રાહુલ પોતાના જીવનની વાર્તા કહેતો. તે કહેતો કે તેના પિતા એક નાના ગામમાં મજૂરી કરતા હતા. માતા ઘરે રહીને સીવણ કામ કરતી. રાહુલને વાંસળી વગાડવાનો શોખ બાળપણથી હતો, પણ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તે અભ્યાસ અધૂરો છોડીને શહેર આવ્યો.
અહીં તેને કોઈ તક મળી નહીં. ક્યારેક રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે, ક્યારેક રસ્તા પર વાંસળી વગાડીને તે પોતાનું ગુજરાન ચલાવતો. તેની આંખોમાં દુઃખ હતું, પણ ક્યારેય ફરિયાદ નહોતી.
આરોહીને લાગ્યું કે દુનિયાએ આ માણસ સાથે ખરેખર અન્યાય કર્યો છે. તેના દિલમાં રાહુલ માટે સહાનુભૂતિ વધતી ગઈ. ધીમે ધીમે એ સમજ્યા વગર જ રાહુલ તરફ ખેંચાતી ગઈ. તેને લાગતું કે રાહુલના દિલમાં એક સારી આત્મા છે જેને ફક્ત તકની જરૂર છે.
એક સાંજે આરોહી ઘરે આવી અને પોતાના પિતા નીતિનભાઈને સીધું કહી દીધું,
“પપ્પા, હું રાહુલ સાથે લગ્ન કરવા માંગું છું.”
ઘરના મોટા ડ્રોઈંગ રૂમમાં થોડી ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. નીતિનભાઈની પત્ની પણ આ સાંભળીને આશ્ચર્ય પામી ગઈ.
નીતિનભાઈએ ગુસ્સો ન કર્યો. તેઓ માત્ર દીકરીને ધ્યાનથી જોઈ રહ્યા. તેમની આંખોમાં ચિંતા અને પ્રેમ બંને હતા. તેમણે ધીમેથી પૂછ્યું,
“બેટા, તને ખાતરી છે? તેં બધું વિચારી લીધું છે?”
“હા પપ્પા. તે ગરીબ છે… પણ દિલનો ખૂબ સારો છે. તેની આંખોમાં નિર્દોષતા છે. હું તેને તક આપવા માંગું છું,” આરોહીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.
નીતિનભાઈ થોડું સ્મિત કર્યા, પણ એ સ્મિતમાં ઊંડી ચિંતા છુપાયેલી હતી. તેમણે શાંત અવાજમાં કહ્યું,
“બેટા, દિલનો સારો હોવો ખૂબ જરૂરી છે… પણ જીવન ફક્ત દિલથી નથી ચાલતું. જીવનમાં સ્તર, જવાબદારી અને વિચારધારા પણ મહત્વની છે.”
આરોહી થોડી અડગ બની અને બોલી,
“પપ્પા, તમે ફક્ત પૈસા અને સ્થિતિ જ જોઈ રહ્યા છો. પ્રેમમાં આ બધું મહત્વનું નથી.”
નીતિનભાઈએ માથું ધીરેથી હલાવ્યું અને કહ્યું,
“ના બેટા, હું પૈસા નથી જોતો… હું જીવન જોઈ રહ્યો છું. ચાલ, હું તને એક સરળ ઉદાહરણ આપું.”
તેમણે આરોહીને બેસવા કહ્યું અને વાત આગળ વધારી,
“માન કે તારા માટે બે પ્રસ્તાવ આવે એક રિક્ષા ચલાવનારનો અને એક પાયલટનો. રિક્ષાવાળો હોવામાં ક્યારેય ખોટું નથી. તે પણ મહેનત કરે છે અને પોતાનું ઘર ચલાવે છે. પણ એનું ભણતર, એની શિસ્ત, એની ભાષા અને એનો આખો માહોલ એ બધું એની જીવનશૈલી પ્રમાણે જ હશે.”
“જ્યારે પાયલટ વર્ષો સુધી સખત તાલીમ લે છે, શિસ્તમાં રહે છે અને પોતાની દરેક ક્રિયા માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. એક નાની ભૂલ તેના માટે સૈંકડો જીવને જોખમમાં મૂકી શકે છે.”
નીતિનભાઈએ આગળ કહ્યું,
“રિક્ષાવાળો ક્યારેક ગુસ્સે થઈને ગાળો બોલે તો કોઈને નવાઈ ન લાગે. પણ પાયલટ જો એવી રીતે વર્તે તો તે તરત નોકરી ગુમાવે. કારણ કે તેની જવાબદારી ઘણી મોટી છે.
બેટા, હું તને પૈસા નથી સમજાવતો… હું તને ‘સ્તર’ સમજાવું છું વિચારનું સ્તર, જવાબદારીનું સ્તર અને જીવન જીવવાની રીત.”
તેમણે થોડી ક્ષણ શાંતિ રાખી અને પછી એક મહત્વની વાત કહી,
“ખાનદાની માણસને હંમેશા પોતાના ખાનદાનની આબરૂની ચિંતા રહે છે. તે દરેક પગલું વિચારીને ભરે છે કારણ કે તેને ખબર હોય છે કે તેના વર્તનથી માત્ર તે નહીં, પણ આખું પરિવાર અને તેની ઓળખ અસર પામે છે.
પણ જેને કોઈ મજબૂત ખાનદાન નથી, તેને પોતાની આબરૂની પણ ખાસ પડી નથી હોતી. તે પોતે જેવો હોય એવા જ પ્રકારના લોકોને આસપાસ એકઠા કરે છે.”
આ શબ્દો આરોહીના મનમાં ઊંડે ઉતર્યા. તે થોડી વિચારમાં પડી ગઈ, પણ હજુ તે અંતિમ નિર્ણય સુધી પહોંચી નહોતી.
નીતિનભાઈએ આગળ કહ્યું,
“ગરીબ હોવું ક્યારેય ખોટું નથી… પણ ભીખારી માનસિકતા ખોટી છે. જે વ્યક્તિ હંમેશા માંગે છે એ ક્યારેય બનાવતો નથી. અને જે બનાવતો નથી એ સંબંધમાં પણ ફક્ત લેતો રહે છે.
જો કોઈ અચાનક ઊંચા સ્થાને પહોંચે અને અંદરથી તૈયાર ન હોય તો તે સ્થાનનો ઉપયોગ વિકાસ માટે નહીં પણ પોતાના શોખ પૂરા કરવા માટે કરે છે. સંબંધમાં પણ એવું જ થાય છે.”
આરોહીએ ધીમેથી પૂછ્યું, “પણ પપ્પા… પ્રેમ? પ્રેમ તો બધું બદલી શકે છે ને?”
નીતિનભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા,
“સાચો પ્રેમ તને મજબૂત બનાવે છે… તને ઊંચો ઉઠાવે છે. જો કોઈ સંબંધ તને થકવી દે, તને ખાલી કરે તો એ પ્રેમ નથી, એ માત્ર લાગણી છે.”
થોડા દિવસો પછી નીતિનભાઈએ એક નિર્ણય લીધો. તેમણે આરોહીને કહ્યું,
“એક અઠવાડિયા માટે તું રાહુલ ને આપણા ગેસ્ટ હાઉસમાં રહી જાવ. હું કશું નહીં કહું… ફક્ત તું પોતે જોઈ લે અને અનુભવ કર.”
આરોહી તૈયાર થઈ ગઈ. તેણે રાહુલને આ વાત કહી. રાહુલને પણ આ તક મળવાથી આનંદ થયો.
ગેસ્ટ હાઉસ શહેરથી થોડે દૂર એક શાંત જગ્યાએ હતું. ત્યાં બગીચો, સ્વિમિંગ પુલ અને આરામદાયક વાતાવરણ હતું.
શરૂઆતમાં બધું સારું લાગતું હતું. આરોહી અને રાહુલ સાથે વાતો કરતા, હસતા અને એકબીજાની વાર્તાઓ સાંભળતા. રાહુલ વાંસળી વગાડતો અને આરોહી તેને સાંભળીને આનંદ માણતી.
પણ ધીમે ધીમે સત્ય સામે આવવા લાગ્યું.
રાહુલમાં શિસ્તનો અભાવ હતો. તે સવારે વહેલા ઊઠતો નહીં. કામ પ્રત્યે કોઈ ગંભીરતા નહોતી. જ્યારે આરોહીએ તેને કહ્યું કે તેને કંપનીમાં કોઈ નાનું કામ આપી શકે છે તો તેણે હસીને કહી દીધું,
“જ્યારે તારા પાસે બધું છે તો મને શું કામ કરવું? તું જ મને બધું આપી દે.”
એક દિવસ ગેસ્ટ હાઉસના સ્ટાફ સાથે એણે નાની વાત પર ઉંચા અવાજે ઝગડો કર્યો. તેનો ગુસ્સો જલ્દી બહાર આવી જતો. રાત્રે તે મોડે સુધી મોબાઈલમાં વીડિયો જોતો અને સવારે ઊઠવામાં ઢીલ કરતો.
આરોહીને આ બધું જોઈને અજીબ લાગવા માંડ્યું. તેને સમજાયું કે આ સમસ્યા ફક્ત ગરીબીની નથી, પણ વિચારધારા અને જીવનશૈલીની તથા તેના ઉચ્છેર ની છે.
એક સાંજે તે બાલ્કનીમાં ઉભી હતી અને આકાશ તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતાં. નીતિનભાઈ ત્યાં આવ્યા અને ધીમેથી પૂછ્યું,
“સમજી ગઈ બેટા?”
આરોહીએ માથું નીચું કરીને કહ્યું,
“હા પપ્પા… મેં પરિસ્થિતિ જોઈ, માણસ નથી જોયો. મને લાગતું હતું કે પ્રેમ બધું બદલી નાખશે, પણ હવે સમજાયું કે પ્રેમ સાથે સમજ અને સ્તર પણ જરૂરી છે.”
નીતિનભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવતાં કહ્યું,
“બેટા, સંબંધ બાંધતા પહેલા એક પ્રશ્ન પૂછ આ માણસ તારા સાથે ચાલશે કે તારા પર જીવશે? સાચો સંબંધ બંનેને મજબૂત બનાવે છે, એકને ખાલી નથી કરતો.”
આરોહીએ માથું ઝુકાવ્યું અને આંસુ લૂછ્યાં.
આગલા દિવસે તેણે રાહુલને શાંતિથી કહ્યું,
“તમે ખરાબ નથી… પણ આપણે એક રસ્તા પર નથી. તમારે પોતાની જિંદગી બનાવવી પડશે. હું તમને મદદ કરી શકું છું, પણ તમારે પ્રયત્ન કરવો પડશે.”
રાહુલે કંઈક કહેવા માંડ્યું, પણ આરોહીએ શાંતિથી વાત પૂરી કરી.
સમય પસાર થયો.
આરોહી હવે વધુ મજબૂત, વધુ સમજદાર અને વધુ પરિપક્વ બની ગઈ. તે કંપનીમાં વધુ જવાબદારીઓ લેવા લાગી. તે સંબંધો ફક્ત દિલથી નહીં, પણ સમજ, સ્તર અને માનસિકતાથી પણ પસંદ કરતી હતી.
એક દિવસ નીતિનભાઈ ઑફિસની બારીમાંથી આરોહીને જોઈ રહ્યા હતા. તે કર્મચારીઓ સાથે વાત કરી રહી હતી આત્મવિશ્વાસથી ભરેલી, સંતુલિત અને પરિપક્વ.
તેમણે મનમાં કહ્યું,
“હવે મારી દીકરી સાચા અર્થમાં મારી વારસદાર બની ગઈ. તેને માત્ર પૈસા નહીં, પણ જીવનનું સાચું સ્તર સમજાઈ ગયું છે.”
આરોહીએ પણ આ અનુભવ પછી જીવનમાં ઘણું બદલાવ્યું. તે હવે લોકોને મદદ કરતી હતી, પણ તેમને તક આપતી હતી જેથી તેઓ પોતે પ્રયત્ન કરે. તેને સમજાયું કે સાચો પ્રેમ અને સાચો સંબંધ બંનેને ઊંચો ઉઠાવે છે, નીચે નથી લાવતો.
નીતિનભાઈ અને આરોહીનો આ સંબંધ પણ વધુ મજબૂત બન્યો. તેમણે દીકરીને જીવનના મહત્વના પાઠ સમજાવ્યા અને આરોહીએ તેને હૃદયથી સ્વીકાર્યા.
જીવનમાં કેટલીક વાતો દિલથી નહીં, સમજથી પસંદ કરવી પડે છે. અને આ સમજ જ સાચી સફળતા અને સુખનું મૂળ છે.