સ્વપ્ન અને હકીકત નો સામનો 2
અર્પિત અને રુદ્રાનો પ્રેમ કોઈ ફિલ્મી ગાજવીજથી ભરેલો નહોતો; તે બે લોકોની શાંતિપૂર્ણ સમજણમાંથી જન્મેલો સંબંધ હતો.
બન્ને ભણવામાં તેજસ્વી — અર્પિતે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી માસ્ટર શરૂ કર્યું અને UPSC ની તૈયારી પણ આગળ વધારી રહ્યો હતો.
રૂદ્રા પણ પોતાના અભ્યાસમાં એ જ ઉત્સાહથી આગળ વધી, અને ગ્રેજ્યુએશન સુધી પહોંચી.
બંધ બારણાં પાછળની ઘણી કાળજી છતાં, એક દિવસ વાત તેમના ઘરના કાન સુધી પહોંચી ગઈ.
જબ્બર ધબકારા ભરેલી એક સાંજે રૂદ્રાએ અચાનક અર્પિતને કહ્યું:
“અપણે કેટલું પણ ધ્યાન રાખ્યું, હવે પપ્પા ને બધી ખબર પડી ગઈ છે… અને તેઓ મારા માટે છોકરા જોવા લાગ્યા છે. મારી અને મોટી બહેન બન્નેના સાથે જ લગ્ન કરવાની તેમની ઈચ્છા છે. તું કંઈક કર… તારા ઘરે વાત કર… કોઈ સોલ્યુશન લાવી શકાય એવું.”
આ વાત સાંભળીને અર્પિત સાવ સુનમુન થઈ ગયો.
થોડો સમય ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો:
“રુદ્રા… હું હજી સેટ થયો નથી. હું કમાતો નથી. આ સમયે પપ્પા સામે કંઈ કહેવાની મારી પાસે હિંમત નથી… પરંતુ જો તું તૈયાર હો તો આપણે ભાગી ને લગ્ન કરી શકીએ. મારી પાસે ત્રણ ડિગ્રી છે, ખાનગી નોકરી મળી જશે. UPSC છોડીને જોબ કરી લઈશ. તને દુ:ખી થવા નહિ દઉં.”
રૂદ્રાએ શાંત સ્વરે કહ્યું:
“ના અર્પિત… માતા પિતાના હૃદયને દુભાવીને આપણે ક્યારેય ખુશ રહી શકીએ? તારે તારા પપ્પા ને ઘરે મોકલવા પડશે. તેના વગર આ વાત શક્ય નથી.”
અર્પિતના અંદર જાણે બે લોકો લડી રહ્યા હતા— એક, જેને રુદ્રાને ગુમાવવી ન હતી અને બે, જે પોતાના પિતા સામે એક શબ્દ બોલવાની હિંમત નહોતો કરી શકતો.
તેના પિતા સામે બોલવું તેના માટે સરળ નહોતું; વર્ષોથી તેમની કડકતા સામે ઊભા રહેવાનો વિચાર પણ કંપારી લાવતો હતો.
બીજી તરફ, રુદ્રાના પિતા, જે સરકારી અધિકારી હતા, મુત્સદી સ્વભાવ ધરાવતા, તેમણે અર્પિતના પિતાને પોતાની ઓફિસમાં બોલાવ્યા.
શબ્દોમાં નરમાઈ હતી, પરંતુ અંદર આડકતરી કડક ચેતવણી છુપાયેલી:
“તમારા છોકરાને સમજાવી દો. આ સંબંધ અમે આગળ વધારી શકતા નથી.”
આ વાત અર્પિતના ઘર સુધી આવી, અને સાથે જ એક અજાણી નિરસતા પણ.
આ બધામાં અર્પિતનું મન UPSC માંથી ભટકી ગયું.
પ્રિલીમ્સ અને મેઇન્સ બંને તે પાસ કરી ચૂક્યો હતો, પરંતુ ઈન્ટરવ્યૂ માટેની તૈયારીમાં મન લાગ્યું જ નહિ.
પરિણામ — થોડાક માર્કથી UPSC રહી ગયું.
રુદ્રાના ઘરે meanwhile નિર્ણયો ઝડપથી બદલાઈ રહ્યા હતા.
તેની સગાઈ નક્કી થઈ ગઈ અને પછી માત્ર એક મહિને જ લગ્નની તારીખ.
લગ્ન પહેલાંના પંદર દિવસ…
રૂદ્રાએ અર્પિતને અંતિમવાર મળવાનું નક્કી કર્યું.
તે બગીચામાં આવી, અને અર્પિત સામે બેસતા જ એ રડી પડી.
શબ્દો તૂટતા હતાં, પણ ભાવનાઓ સ્પષ્ટ હતી:
“અર્પિત… હું તારી સાથે જીવન જીવવા માંગતી હતી, મન ભરીને જીવવા માંગતી હતી. પરંતુ કદાચ કુદરતને એ મંજૂર નહોતું. જો આવતો જન્મ હોય, તો હું પહેલી જ વેળાએ ભગવાન પાસે તને માંગીશ.”
બંને વચ્ચે સાવ ચુપકીદી છવાઈ ગઈ.
“પણ એક વચન આપ— હવે આપણે એકબીજાને મળવાનો પ્રયાસ નહીં કરીએ.
રસ્તામાં મળીએ તો પણ… અજાણ્યા બની જઈશું.”
અર્પિતે રુદ્રાની આંખોમાં જોયું.
આ માંગણી અર્પિત ના હૃદયને ફાડી નાખતી હતી, છતાં તેની ખુશી માટે તેણે માથું હલાવ્યું.
તે ઘેર જઈને અંતિમ વાર પોતાના પિતા પાસે પૂછે છે:
“પપ્પા… અર્પિતમાં શું ખામી છે?”
તેના પિતા સ્પષ્ટ બોલ્યા:
“છોકરો હજી બેકાર છે. તેના ઘરમાં પરિસ્થિતિ સામાન્ય છે. જો તે કોઈ સરકારી નોકરીમાં હોત અથવા સારા ધંધામાં હોત, તો હું ના નો પાડત અને હવે તું આડું અવળું બોલશે— તો મારું અને તારી માં નું મરેલું મુખ જ જોવું પડશે.”
રૂદ્રાએ વાત આગળ ન વધારી.
માતા પિતાના નિર્ણયને અંતિમ ગણ્યો.
અને પોતાના પિતા પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કરી લીધા.
જીવનનું કેટલું અજબ સંયોગ.
લગ્નના માત્ર એક મહિના પછી સ્ટાફ સિલેક્શન કમિશનનું પરિણામ આવ્યું.
અર્પિત ઇન્કમ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે પસંદ થયો.
નિમણૂક પત્ર હાથમાં આવ્યો પરંતુ જે હાથમાં તે પત્ર રાખવા જેટલી ખુશીની ઈચ્છા હતી, એ હાથ હવે તેની પાસે નહોતાં.
“એક રસ્તો તે પસંદ કર્યો,
એક રસ્તે હું ચાલ્યો.
સમયે જે પાનું ફેરવ્યું,
એમાં આપણું નામ સાથે હતું
પણ અધૂરું.
તારા માટે કોઈ રોષ નથી,
માત્ર એક શાંત પ્રાર્થના છે કે..,
તું જ્યાં પણ રહે,
તારી આજુબાજુ શાંતિ જ ફુલતી રહે.
અને હું…
જે લખાણ તારી સાથે પૂરુ થવાનું હતું,
તેને હવે હૃદયમાં જ સાચવી રાખીશ.”
સંપૂર્ણ