દૃઢ નિશ્ચય એવો શબ્દ છે જે તમારી જિંદગી બદલી નાખે છે. તમે કઈ કરવા માંગો છો અને એના વિષે તમે તમારા મનમાં અને હૃદયમાં દ્રઢ નિશ્ચય કરો છો તો તમને એ કરતા કોઈ રોકી શકતું નથી કે તમને એ ક્ષેત્રમાં સફળ થતા કોઈ અટકાવી શકતું નથી. આપણા દેશમાં અનેક પડકારો છે છતાં લોકો સફળ થઈને આગળ વધે છે. આ બધું મોટે ભાગે દૃઢ નિશ્ચયનો જ પ્રતાપ છે. તમારી સામે જે પડકારો આવે છે કે હોય છે એ પડકારોને પાર ત્યારે જ કરી શકો જ્યારે તમારા ઈરાદા સો ટકા પાકા હોય અને તમારા મનમાં અને હૃદયમાં તમે આત્મવિશ્વાસથી ભરેલા હોવ! મેં એક જગ્યાએ વાંચેલું કે “તમે સપના જોઈ શકો છો તો એને સાચા પણ કરી શકો છો.” આપણે આને સમજીએ.
આપણામાંથી ઘણા લોકો સપના જોતા હશે. કોઈ રાત્રે સપના જોતા હશે તો કોઈ દિવસના દિવાસ્વપ્ન જોતા હશે. સપના જોવા કોઈ ખોટી વસ્તુ નથી પરંતુ જો તમે સપના જુવો છો અને ફક્ત જોઈને આનંદ માણો છો એ ખોટી વસ્તુ છે. તમે સપના જોઈને એ સપના સાકાર કરવા કડી મહેનત કરો છો અને મનમાં નક્કી કરો છો કે મારે મારા જોયેલા સપના પૂરા કરવા જ છે તો તમે એ સપના પૂરા કરી શકવાના છો, બાકી તમે પેલા શેખચલ્લી વિશે સાંભળ્યું હશે! આ શેખચલ્લી મોટા મોટા સપના જોતો હતો અને એમાંથી આનંદ પ્રાપ્ત કરતો હતો પરંતુ આ સપના પૂરા કરવા કઈ કરતો નહતો, એટલે જ એ ગરીબ હતો. ખાસ કરીને યુવા વર્ગને મોટા મોટા સપના જોવા જોઈએ અને એને સાકાર કરવા મહેનત કરવી જોઈએ. જો તમે સપના નહીં જોવો તો તમને એ પ્રાપ્ત કરવાની પ્રેરણા નહીં મળે. સ્વામી વિવેકાનંદ કહેતા, “ક્યારેય પોતાને કમજોર ના સમજો.” આ વાક્યને મનમાં અંકિત કરી લો અને આગળ વધો.
તમારામાંથી ઘણા પેરા ઓલિમ્પિક જોતા હશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા લોકોને કઈ ને કઈ ડિસેબિલિટી હોય છે છતાં આ લોકો વિશ્વની મોટામાં મોટી સ્પર્ધામાં ભાગ લે છે! આનું કારણ ખબર છે? આનું કારણ એ છે કે એની જે નબળાઈ છે એને આ લોકોએ પોતાના દૃઢ નિશ્ચયથી પોતાની તાકાત બનાવી દીધી છે. આ લોકો પોતાની નબળાઈને બહાનું બનાવીને કોઈ ખૂણામાં બેસી રહ્યા નથી પરંતુ મનમાં દૃઢ નિશ્ચય કરીને આ નબળાઈને તાકાત બનાવી અને વિશ્વફલક ઉપર આગળ વધ્યા છે. દૃઢ નિશ્ચય એવી તાકાત છે જે તમને એક ઇંધણ આપે છે. તમારા શરીરમાં મનોવૈજ્ઞાનિક શક્તિનો સંચાર કરાવે છે. તમને કઈ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. તમારામાં અપાર શક્તિ લાવે છે.
તમે દૃઢ નિશ્ચય કરીને આગળ વધશો ત્યારે અમુક પરિબળોનું ધ્યાન પણ રાખજો, આ પરિબળોને કારણે તમે નાસીપાસ થતા નહીં.
પરિબળ એક, સમય..
દોસ્તો તમે કઈ પ્રાપ્ત કરવા આગળ વધો છો તો સમયની કદર કરતા શીખજો. વહી ગયેલો સમય પાછો આવતો નથી અને તમારી પાસે જે સમય છે એ પણ પર્યાપ્ત નથી. તમને લાગશે કે મારી પાસે તો સમય સમય જ છે પરંતુ તમે જેમ જેમ આગળ વધશો એમ એમ સમય તમને ઓછો પડતો જશે. જો તમારે સમયનો સાચો ઉપયોગ કરવો હોય તો તમારા દિવસના કરવાના કાર્યોની નોંધ રાખો અને એની રૂપરેખા તૈયાર કરો એટલે કે કર્મબંધ લખી એની યાદી બનાવો અને તમારા સમય પ્રમાણે એને ગોઠવો. તમે આવું કરશો તો તમે સમયનું સારું મેનેજમેન્ટ કરી શકશો. શક્ય હોય તો રાત્રે સૂતા પહેલા આગલા દિવસમાં શું શું કરવાનું છે એ નક્કી કરી એની યાદી બનાવી લો જેથી બીજે દિવસે ઊઠીને એની યાદી બનાવવામાં સમય અને શક્તિની બરબાદી ના થાય.
બીજું પરિબળ છે નોંધ કરવી..
દોસ્તો તમે કઈ કરવા નીકળો છો તો એની નોંધ કરતા રહો. તમે કોઈ મિટિંગમાં જાવ છો કે કોઈ મહાન અને સફળ વ્યક્તિ સાથે વાત કરો છો તો એ વાતના મુદ્દા કે મિટિંગમાં મુદ્દા જો તમે તમારી ડાયરી કે મોબાઈલ કે પછી લેપટોપમાં નોંધાતા જશો તો તમને પાછળથી કામ આવશે. પાછળથી તમને એ યાદ ના પણ આવે અથવા પાછળથી યાદ કરવામાં તમારે તમારું મગજ ખૂબ કસવું પડે કે પછી તમે પાછળથી યાદ કરો તો દરેક મુદ્દા યાદ ના પણ આવે અને કોઈ મહત્વના મુદ્દા જ ભૂલાઈ જાય! આની જગ્યાએ જો તમે નોંધ કરવાની ટેવ રાખશો તો એ તમારું હાથવગું રહેશે અને પાછળથી એને યાદ કરવા સમય વેડફવો નહીં પડે. પેલી કહેવત છે ને, “લખેલું વંચાય” એટલે જો તમે ક્યાંય નોંધેલું હશે તો તમે એનો સરળતાથી ઉપયોગ કરી શકશો.
ત્રીજું પરિબળ છે કહેવાતા લોકો..
આ કહેવાતા લોકો એટલે કોણ? આ કહેવાતા લોકો એટલે આપણી આજુબાજુ અને આપણી આસપાસના જે લોકો રહે છે એ લોકો! તમને અને મને જજ કરતા લોકો. તમે જ્યારે દૃઢ નિશ્ચય કરીને આગળ વધવાનો પ્રયત્ન કરો છો કે કઈ અલગ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે આપણા જીવનમાં આવતા લોકોમાંથી ઘણા લોકો એવા હશે જે તમને અને મને હતોત્સાહ કરવા લાગશે. “આ તું શું કરે છે? આ તને શોભતું હશે? આ તારાથી થતું હશે? આમાં કઈ નથી! આનાથી કઈ નહીં થાય! આવી રીતે તો કઈ આગળ વધાય!” આવા વાક્યો અને બીજા ઘણા એવા વાક્યો તમે સાંભળતા હશો કે જેનાથી જીવનમાં હતાશા આવી જાય છે. દોસ્તો આવા વાક્યો તમને અસર કરવા જોઈએ નહીં. આવા વાક્યોને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવા જોઈએ. બે કાન વચ્ચે ભગવાને જે મગજ આપ્યું છે એને ફિલ્ટર બનાવો. આ ફિલ્ટરમાંથી એવા જ મેસેજને ફિલ્ટર કરો જે તમારા કામના હોય. મેં હમણાં જ ફેસબુકમાં એક વ્યક્તિની પોસ્ટ વાંચેલી. એમાં એણે લખ્યું હતું કે “આજે ફેસબુકમાંથી મારી પહેલી કમાણી થઈ છે, લોકો કહેતા હતા કે વિડિઓ મુકવાથી કઈ કમાણી થતી હશે! આ બધા ધતિંગ મૂક પરંતુ જુવો આજે મને આવક થઈ.”
દોસ્તો આ ભાઈની પોસ્ટ મને બહુ ગમી. આ ભાઈને લોકોએ કેટલો હતોત્સાહ કર્યો હશે કે એણે આવું લખવું પડ્યું. એણે લખીને એવા લોકોને જવાબ આપ્યો કે જે લોકો પોતે તો કઈ કરતા નથી પરંતુ બીજાને પણ કઈ કરવા દેતા નથી. દોસ્તો આવા લોકોને બોલવા દો. આવા લોકો બોલે ત્યારે તમે કઈ બોલો નહીં. સમય એનું કામ કરશે. તમારી સફળતા અને સમય જ એનો જવાબ આપી દેશે, ત્યારે આજ લોકો તમારી પાછળ ડોટ મૂકશે અને તમને સન્માનિત કરશે.
ચોથું પરિબળ આત્મવિશ્વાસ…
દોસ્તો દૃઢ નિશ્ચય શબ્દમાં જ આત્મવિશ્વાસ છુપાયેલો છે. તમે જ્યારે દૃઢ નિશ્ચય કરો છો એ આત્મવિશ્વાસથી જ કરો છો પરંતુ તમે જ્યારે આગળ વધો છો ત્યારે તમારી સામે એવા કેટલાય પરિબળો આવશે જે તમારા આત્મવિશ્વાસને ડગાવી દેશે. તમારે આ આત્મવિશ્વાસને ડગવા દેવાનો નથી. પરિસ્થિતિનો સામનો આત્મવિશ્વાસથી કરવાનો છે. જો તમારામાં ખૂબ આત્મવિશ્વાસ હશે તો તમે પરિસ્થિતિનો સામનો આસાનીથી કરી શકશો. જો તમારો આત્મવિશ્વાસ ડગ્યો તો તમારો દ્રઢ નિશ્ચય પણ ડગી જશે. આત્મવિશ્વાસ એ એવી તાકાત છે, જે તમારી પાસે કંઈ નથી ત્યારે પણ તમને આગળ વધવાની હિંમત આપે છે. પૈસા, ઓળખ, ડિગ્રી આ બધું પછી આવે છે, પણ આત્મવિશ્વાસ પહેલા આવે છે. આખી દુનિયા તમને ના કહે ત્યારે પણ, જો તમે પોતાને “હા” કહો તો જીત ત્યાંથી શરૂ થાય છે.
દોસ્તો સપના બધા જુવે છે પરંતુ દ્રઢ નિશ્ચયવાળા લોકો જ એને સાકર કરી શકે છે. દૃઢ નિશ્ચય એ એવો દીવો છે, જે તોફાનમાં પણ બુઝાતો નથી. પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, જો નિશ્ચય મજબૂત હોય તો રસ્તો આપમેળે બનતો જાય છે.
અસ્તુ.