પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૨
કંડેશ્વરથી બહાર, નદીના કિનારા પાસે પીપળનું એક વિશાળ વૃક્ષ હતું. શિવ મંદિર એટલે કંડેશ્વરની હદ ગણાતી, જ્યાં રહેણાંક વિસ્તાર સમાપ્ત થઈ જતો. એક બે, એકલસૂડા મકાનો હતા. એ વટાવીને તુરંત જ પીપળનું આ વૃક્ષ આવતું. ખીણ જેવા આકારે આર્જતે પોતે જ કોતરણ કરેલ કિનારો હતો. એમાં પ્રવેશવા માટે અહીં દાદર જેવા આકારની ક્રમવાર કુદરતી કોતરણી પાણીએ કરી હતી. પીપળ સિવાય અન્ય પણ નાના-મોટા વૃક્ષો હતા, પણ એ ખાસ્સા ઊંચા નહોતા. છતાં તમામ સાથે મળીને એક કુદરતી સજાવટ બનાવતા હતા.
શિવ મંદિરથી નજીક હોવાથી મણિરાજ અને ચામવક અવારનવાર આ વૃક્ષ પાસે આવતા. મધ્યાહ્નનો સમય હતો. કંડેશ્વર સૂર્યના વધી રહેલા તાપમાં આરામ ફરમાવી રહ્યું હતું. એવે ટાણે ચામવક અને મણિરાજ બંને એ પીપળ વૃક્ષ પાસે આવેલા હતા. પીપળના થડ પાસે શિલાઓ પડેલી હતી, જેના પર ચામવક બેઠો હતો. તેનો ચહેરો હતાશા અને ક્રોધ એમ મિશ્ર ભાવ ભરેલો હતો. ફૂલેલા નાકના નસકોરા વારંવાર નાના અને મોટા થતા હતા. એક હાથનો પાછળ શિલાનો ટેકો લીધો હતો, એક પગ નીચે અને એક વાળીને શિલા પર રાખેલો હતો. તેનો બીજો હાથ લંબાવીને વળેલા એ પગ પર રાખેલો હતો. તેનું અંગવસ્ત્ર ખભાથી શિલા સુધી પથરાયેલું હતું.
સામે મણિરાજ પાણી પાસે ઉભેલો હતો. નીચે જમીન પરથી અનેક કાંકરીઓ ઉઠાવી, તેને એક એક કરીને નદીના પાણીમાં ફેંકી રહ્યો હતો. ચામવક ઘણા સમયથી તેને જોઈ રહ્યો હતો. હવે તે થાક્યો હતો. એટલે બરાડીને એ બોલ્યો, "મણિરાજ, તું હવે મધુવંતીનું અપમાન કરવાનું બંધ કરીશ?"
મણિરાજ જાણતો હતો કે ચામવકને એની કરતૂતથી ક્રોધ ચડે છે. સાથે તેને એ પણ જાણ હતી કે ચામવકના ક્રોધનું કારણ માત્ર મધુવંતીના પાણીનું થતું અપમાન નહોતું. તેની વાતને બેધ્યાન કરી પોતાના હાથમાં રહેલી બીજી કાંકરી તેણે પાણીમાં ફેંકી. ચામવક તેને માત્ર જોઈ રહ્યો. તેના હાથમાં રહેલી તમામ કાંકરીઓ ખતમ થઈ ગઈ, એટલે નવી કાંકરી વીણવા એ નીચે નમ્યો.
ચામવક ફરી ક્રોધમાં બરાડ્યો, "બસ હવે. આ પાંચમી વાર તું કાંકરા વીણે છે. એ દીપશિખા તને માન નથી આપતી, તો એનો બદલો આર્જતના પાણીનું અપમાન કરીને નહિ લે!"
તેના શબ્દો સાંભળી મણિરાજે એક શ્વાસ છોડ્યો અને હાથમાં લીધેલા બે-ચાર કાંકરા મુઠ્ઠીમાં બંધ કર્યા. તે થોડો ઉપર આવીને ચામવકની બાજુની શિલા પર બેઠો. તેના ચહેરા પર તેની ઉદાસીનતા સુસ્પષ્ટ હતી. ચામવકે સીધા બેસતા પૂછ્યું, "મને તો ખબર પણ ના રહી. કાલે આપણે બંને સાથે જ હતા, તો તે દીપશિખા સામે તારા પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ક્યારે?"
ઘડીવાર એ જમીન તરફ મીટ માંડી બેઠો રહ્યો. ચામવક તેના જવાબની રાહ જોતો હતો. તેણે એક નજર ચામવક તરફ કરી પછી બોલ્યો, "કાલે સાંજે."
"ગઈ કાલે?"
"હા." માથું ધુણાવતા મણિરાજ બોલ્યો. ચામવકે ચકિત થતા પૂછ્યું, "કાલે સાંજે તો આખું નગર શિવ આરાધના કરી રહ્યું હતું. શિવરાત્રિના ઉત્સવમાં અર્ધરાત્રિ સુધી બધા દેવાલયમાં હતા. પછી તું અને દીપશિખા મળ્યા કેવી રીતે?"
"એને જાણ હતી કે હું એની સાથે શું વાત કરવાનો છું! એટલે એ જાતે જ આવી હતી."
ચામવકના આશ્ચર્યમાં વધારો થયો. તેણે ફરી પ્રશ્ન કર્યો, "જાતે આવી હતી એટલે? તેને ખબર હતી કે તું એની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનો છે! છતાં એ... ગઈ કાલે શિવ મંદિરમાં આખું નગર શિવપર્વ ઉજવી રહ્યું હતું. એનો ડર રાખ્યા વગર એ તને એકાંતમાં મળવા માટે આવી હતી?"
મણિરાજ ઉભો થયો. હાથમાં રહેલા કાંકરાઓને એ પોતાની મુઠ્ઠીમાં ચોળી રહ્યો હતો. તેના ફરકતા હોઠ સાથે એ બોલ્યો, "પૂજા સમયે ચિરૂપાક્ષજીએ મને સામગ્રી લેવા એના ઘેર મોકલ્યો હતો. તેને જાણ હતી કે ચિરૂપાક્ષજી મને જ મોકલવાના છે. એટલે જાણી જોઈને એ નીચે નહોતી ઉતરી. મને પણ એનો અંદાજો હતો. એટલે જ્યારે હું ત્યાં ગયો ત્યારે એ મારી રાહ જોઈને જ બેઠી હતી."
"હમ્મ... તો એ વખતે તે તારા દિલની વાત એની સામે રાખી?"
"હા." હકારમાં માથું ધુણાવી મણિરાજ બોલ્યો. ચામવક વિચારમાં પડ્યો, પછી પૂછ્યું, "કેટલામી વાર?"
મણિરાજ જાણે કંઈ સમજ્યો ના હોય એમ તેની સામે જોઈ રહ્યો. તેણે ફરી પૂછ્યું, "કેટલામી વખત તે તારા પ્રેમનો એની સામે ઢંઢેરો પીટ્યો?"
એક ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, "પાંચમી વખત." ચામવક ઉભો થઈ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, "અને આજે પાંચમી વખત તેણે તારા પ્રેમને નકારી કાઢ્યો. કાલે તે પ્રસ્તાવ મૂક્યો ત્યારે એ કંઈ નહોતી બોલી?"
"ના. દર વખતની જેમ એ માત્ર સાંભળ્યા કરી."
નિસાસો નાખતા ચામવક બોલ્યો, "શિવ... શિવ... શિવ.... મને તો નથી તું સમજાતો કે નથી દીપશિખા સમજાતી. જો એના મનમાં કંઈ ના હોત, તો આ રીતે તને રાહ ના જોવરાવે. એ તુરંત તને ના કહી દે. એનો અર્થ એમ છે કે એના મનમાં લાગણી છે પણ છુપી. એટલે વિચાર કરી કરીને તને એક-બે દિવસ પછી આ રીતે અપમાન કરતા સંદેશ મોકલે છે. મણિરાજ, માનસમાં એકવાર કે બે વાર અપમાન સહન કરવાની શક્તિ હોય. એ વારંવાર તારું અપમાન કરે છે, તારા પ્રેમનો અસ્વીકાર કરે છે. છતાં તું એનાથી દૂર કેમ નથી થતો? તારી લાગણીને એ છિન્ન-ભિન્ન કરી રહી છે. તું કેમ નથી કરતો?"
"કઈ રીતે કરું ચામવક? તેને પહેલીવાર જોઈ ત્યારથી જ તેણે મારા હૃદયમાં જગ્યા કરી છે. દીપશિખાએ મારા મન માત્રને નહિ, અપિતુ મારા અંતરાત્માને સ્પર્શી છે. હું ઈચ્છવા છતાં નથી છોડી શકતો. નથી એના વિચાર હટાવી શકતો. અથવા એ મારુ અપમાન કરે, કે પ્રેમનો અસ્વીકાર કરે, એમ છતાં એના પ્રેમમાં નથી ઉણપ આણી શકતો." એક જ શ્વાસમાં તે બોલી ગયો. પછી એક ઊંડો શ્વાસ લીધો અને ચામવકના ખભે હાથ રાખી ઉમેર્યું, "હું ઈચ્છવા છતાં એને મારાથી અલગ નથી કરી શકતો."
ચામવક એને સમજાવતા હળવાશથી બોલ્યો, "એક હકીકતનો સ્વીકાર કરી લે મણિરાજ. જોયેલા સપના કે લગાવેલા અનુમાન મિથ્યા હોઈ શકે છે અને હકીકત એ અનુમાનથી અલગ હોય. તું દીપશિખાને પ્રેમ કરે છે અને એના સપના જુએ છે એ તારું મિથ્યા છે. હકીકત એ છે કે દીપશિખા તને પ્રેમ નથી કરતી. એમ છતાં જો તું એને ન ભૂલી શકે તો એક નીતિ અપનાવ. એ ગુરુપુત્રી છે. તું એના સપના નહિ સેવી શકે એમ સમજીને ભૂલી જા."
"હું બધું જાણું છું ચામવક. પરંતુ મારો પ્રેમ નથી જાણતો કે એ કોણ છે? હું ગમે એમ કરું છતાં એને મારા મનમાંથી નહિ ભૂંસી શકું. કદાચ એને જ પ્રેમ કહેવાતો હશે. પ્રેમ કોઈ દિવસ ભૂલી નથી શકાતો અને એ ભૂલવા જેવો છે પણ નહિ! એ તો એક મધુર લાગણી છે જે સતત હૃદયના તારને વગાડ્યા કરે છે. બસ એમાં ક્યારેય વિયોગ ના થવો જોઈએ."
ચામવક થોડો ઉગ્ર થઈ કહેવા લાગ્યો, "આ અઘરું છે મને ખબર છે. તું તારી આંખ આડા કાન કરી રહ્યો છે. એ જાણવા છતાં કે દીપશિખા તને શું કામ ના કહે છે, તું એને છોડવા તૈયાર નથી. દીપશિખા તારી સાથે રમત રમી રહી છે અને તું એને અંજરઅંદાજ કરે છે. એક હકીકત એ પણ છે કે એની પાછળ તું તારું બધું ત્યાગી રહ્યો છે. ભાનમાં આવી જા મણિરાજ. તારું હિત એમાં જ છે કે તું એને છોડી તારે માર્ગે આગળ વધ. નહિ તો તારું જીવન બરબાદ થઈ જશે. તું કવિ નહિ, મૂર્ખ બનીને રહી જઈશ."
ચામવક ત્યાંથી ચાલતો થયો. મણિરાજને એનું કથન ના ગમ્યું. તેણે પોતાના હાથમાં રહેલા કાંકરાઓ જમીન પર ફેંક્યા અને પોતે તે શિલાઓ પર બેસી ગયો.