Ram Tari ramatadi - 1 in Gujarati Fiction Stories by Rupesh Sutariya books and stories PDF | રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1

Featured Books
Categories
Share

રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1

રામ તારી રમતડી  

 
પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૧ 
 
सरस्वती वंदना मंत्र 
 
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, 
 
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। 
 
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, 
 
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥ 
 
शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं, 
 
वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌. 
 
हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्‌, 
 
वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्‌॥ 
 
 
भुजंग स्तोत्रम् 
 
गलद्दानगंडं मिलद्भृंगषंडं 
 
चलच्चारुशुंडं जगत्त्राणशौंडम् । 
 
कनद्दंतकांडं विपद्भंगचंडं 
 
शिवप्रेमपिंडं भजे वक्रतुंडम् ॥ 
 
अनाद्यंतमाद्यं परं तत्त्वमर्थं 
 
चिदाकारमेकं तुरीयं त्वमेयम् । 
 
हरिब्रह्ममृग्यं परब्रह्मरूपं 
 
मनोवागतीतं महःशैवमीडे ॥ 
 
स्वशक्त्यादि शक्त्यंत सिंहासनस्थं 
 
मनोहारि सर्वांगरत्नोरुभूषम् । 
 
जटाहींदुगंगास्थिशम्याकमौलिं  
 
पराशक्तिमित्रं नमः पंचवक्त्रम् ॥ 
 
 
 
આર્જત નદીના કાંઠે આવેલા કંડેશ્વરીના મહાદેવ મંદિરમાં મણિરાજના ગળેથી આ શ્લોકોનું ગાન થઈ રહ્યું હતું. તેના અવાજમાં એક મધુરતા હતી. જોકે, આ મધુરતા હજુ તો એના પૂરતી જ સીમિત હતી, પરંતુ તેની આસપાસ કોઈની હયાતી હતી જે એના ગાનનું નિત્ય સાક્ષી બની રહેતું. મણિરાજ પોતે એક યુવાવસ્થામાં પ્રવેશ કરેલો અને મનમોહક રૂપ ધરાવતો બ્રાહ્મણ હતો. એક વસ્ત્રથી ધોતી બનાવી શરીરે વીંટાળેલી અને બીજાથી વક્ષસ્થળને ઢાંકેલું હતું. મહાદેવના એ મંદિરમાં બેસીને, તેમની ઉપાસના કરવી, એ એનો નિત્યક્રમ હતો. તેની ઉંમર લગભગ વીસ વર્ષથી ઉપરની, પણ એકવીસ પૂર્ણ નહિ. લાંબા કાળા એના કેશ હતા, જે શિવ-વંદના કરતી વેળાએ હંમેશા ખુલ્લા રહેતા. 
 
મંદિર આર્જત નદીના કાંઠે આવેલું હતું. નદીનું પાણી, ચોમાસાની ઋતુમાં ઉપરના પગથિયાંને સ્પર્શી જતું. જોકે કંડેશ્વર નગર પર મહાદેવની વિશિષ્ટ કૃપા વરસી હોય એમ, એ નદીના પ્રવાહમાં ઉનાળામાં પણ લાંબો તફાવત ન પડતો. જ્યાં નદીનું તળ હતું ત્યાં સુધી દાદર બનાવેલા હતા. એવા જ દાદર સામેના કાંઠે પણ હતા, જે કંડેશ્વરીના રામ મંદિરના હતા. નદી બહુ વિશાળ નહોતી એટલે રામ મંદિર સ્પષ્ટપણે નજરે ચડતું. આ સમય ઉનાળાનો હતો. પાણી નીચું ઉતર્યું હતું, પણ એટલું નહિ. હજુ જો પાણીમાં પ્રવેશ કરવામાં આવે તો ગળા સુધી નદીનું પાણી આવી જતું. 
 
રચના કંઈક એવી હતી કે પૂર્વના ગિરોમાંથી નીકળતી એ નદી દક્ષિણ તરફ જઈને, નૈઋત્ય તરફ આગળ વધતી. તેના માર્ગમાં એ મણિપુરના અનેક ગામડાઓને પાણી વહેંચતી કંડેશ્વર પહોંચતી. એ ગામડાઓને અને કંડેશ્વરને ઘણું અંતર હતું, એટલે કંડેશ્વરમાં તે ગામડાઓ કરતાં વધારે સમય અને વધારે પાણી ટકતું હતું. એથી આગળ આ નદી, પોતાનો માર્ગ ફેરવીને ગિરીનગરના જંગલમાં પ્રવેશ કરતી. જ્યાં તે ભગવાન દત્તાત્રેયનાં ગિરનારને સ્પર્શીને આગળ પશ્ચિમમાં સૌરાષ્ટ્રના સમુદ્રમાં ભળતી હતી. ગિરનારની ટેકરીઓમાં તેને મધુવંતી તરીકે ઓળખવામાં આવતી. 
 
નિર્મળ અને શુદ્ધ, એક લયમાં વહેતી આર્જત નદીમાં વહેલી સવારે સ્નાન કર્યા પછી મણિરાજ શિવમંદિરમાં પ્રવેશતો અને નિત્ય આ સ્તુતિનું પઠન અને ગાયન કરતો. મંદિરના પૂજારી ચિરૂપાક્ષ તેના વિદ્યાદાતા હતા. ચિરૂપાક્ષનું ઘર મંદિરની પાછળ હતું. તેના ગવાક્ષમાંથી સંપૂર્ણ મંદિર અને તેની પરસાળ દ્રશ્યમાન હતી. એકબાજુ નદીના નીર હતા તો બીજી બાજુ સુંદર બનાવેલો બગીચો. મંદિરની પાછળ ચિરૂપાક્ષનું ઘર હતું અને તેમાં જવા આવવા માટે એક નાનકડો દ્વાર મુકેલો હતો. શિવાલયની સામે અમુક ખંડો બનાવેલા હતા. એ ઓરડામાં જ મણિરાજનો તેના મિત્ર ચામવક સાથે નિવાસ હતો. મણિરાજ ચિરૂપાક્ષના મિત્રનો પુત્ર હતો. એકલ રહેતા મણિરાજના ચિરૂપાક્ષ આશ્રયદાતા પણ હતા. 
 
ભુજંગ સ્તોત્રનું ગાન કરી રહેલ મણિરાજની પાછળથી ચિરૂપાક્ષએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. ભગવાન શિવને પુષ્પોનું અર્પણ કરી મણિરાજે પ્રણામ કર્યા. ચિરૂપાક્ષ તેની બાજુમાં ઊભા રહ્યા. મણિરાજની ગાયિકીના એકમાત્ર સાક્ષી તે મંદ હાસ્ય વિખેરી રહ્યા હતા. પ્રૌઢ ચિરૂપાક્ષ, નિત્ય તેને ગાયન કરતા અને સાહિત્યની દુનિયામાં આગળ જતા જોઈને ખુશ થતા. ઈશ્વરને પ્રણામ કરી મણિરાજે પોતાની પૂજાની થાળી હાથમાં લીધી અને ઊભા થઈ ચિરૂપાક્ષને વંદન કર્યા. 
 
"નમસ્તે ચિરૂપાક્ષજી! હું પૂજામાં લીન હતો. તમે ક્યારે આવ્યા એનો મને ખ્યાલ જ ના રહ્યો." આદરથી મણિરાજ બોલ્યો. ચિરૂપાક્ષએ હસીને તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, "તું જ્યારે ભુજંગ ગાન કરી રહ્યો હતો ત્યારે જ હું આવી ગયો હતો. તને ગાન કરતા સાંભળી હું અંદર આવ્યો." 
 
થોડું હસીને મણિરાજ બોલ્યો, "બે દિવસમાં થોડું થોડું ફાવ્યું છે. ભુજંગ છંદમાં હું હજુ કાચો છું." 
 
એક હાથ બહાર તરફ કરતા તેણે જવાનું સૂચન કર્યું. હકારમાં માથું હલાવીને મણિરાજ આગળ ચાલ્યો. એક મિત્રની જેમ એના ખભા પર હાથ રાખી ચિરૂપાક્ષ તેની સાથે સાથે ચાલી રહ્યા હતા. પરસાળમાંથી મંદિરના દાદર ઉતરતા એ કહી રહ્યા, "તું બે દિવસમાં જ આટલું સરસ ગાન કરવા લાગ્યો છે, એ જ તારા માટે મોટી ઉપલબ્ધિ છે. તે ઘણા બધા છંદોને કંઠસ્થ કરી લીધા છે. ભુજંગી પણ બે-ચાર દિવસમાં તારા કંઠે બેસી જશે." 
 
દાદર ઉતરીને મંદિરની ડાબી બાજુ એક તુલસીનો ક્યારો બનાવેલો હતો. એ ક્યારો કેડ  સમો ઊંચો હતો. તેની પાળી પર અમુક ગ્રંથો રાખ્યા હતા. તેને લઈને મણિરાજના હાથમાં આપતા એ બોલ્યા, "લે બેટા." 
 
"ગુરુજી આ?..." મણિરાજ અસમંજસતાથી પૂછી રહ્યો. ચિરૂપાક્ષએ કહ્યું, "આ અમુક ગ્રંથો છે. મારી પાસે પડ્યા હતા. થયું કે તું આને વાંચીશ તો ઘણો ફાયદો થશે. દીપશિખાને મેં પૂછ્યું કે એને હમણાં જરૂર ના હોય તો હું તને આપું. તો એણે કહ્યું કે એ થોડા સમય પછી વાંચશે." વાત કરતા તેની નજર જમીન તરફ ગઈ. પોતે જાણે ગર્વની લાગણી અનુભવી રહ્યો હતો. તે તુલસીના ક્યારા તરફ ફર્યો. 
 
એ ક્ષણે મણિરાજે મંદિરની પાછળ રહેલા તેમના ઘર તરફ નજર કરી. પૂર્વાભિમુખ મંદિરની પાછળ દક્ષિણમાં મુખ વાળું ચિરૂપાક્ષનું ઘર હતું. તેનો પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં હતો અને તેની ઉપર મેડીએ બેઠક ખંડ હતો અને દીપશિખાનો ઓરડો હતો. એ બંને સ્થળેથી બહાર આવી શકાય એ રીતે ગવાક્ષ બનેલો હતો. જ્યાંથી ઘરની સામેની શેરી અને મંદિર બંન્ને જોઈ શકાતા. મણિરાજે એ ગવાક્ષ તરફ નજર કરી. માત્ર એક આંખ દેખાય, એટલું દીપશિખાનું મુખ ત્યાંથી ડોકિયું કરી રહ્યું હતું. મણિરાજે જોયું કે એ માત્ર એને જ જોઈ રહી છે. 
 
ચિરૂપાક્ષએ પોતાના કથનમાં ઉમેર્યું, "મને એ વાતે ગર્વ થાય છે દીકરા, કે તારા જેવો શિષ્ય અને દીપશિખા જેવી દીકરી મળી. હું રચનાકાર બનવાના સપના સેવતો હતો. પણ કદાચ મારા હાથમાં એટલી તાકાત નહોતી કે એ કલમ ઉઠાવી શકે. હું થોડી ઘણી કવિતાઓ લખી જાણું છું બસ. છતાં સાહિત્ય પ્રત્યે મારો જે પ્રેમ છે એનાથી મને લાગતું હતું કે કંડેશ્વર જેવા નગરમાં કોઈ હશે ખરું? કે જે સાહિત્યમાં રસ દાખવે. ને જો, ભગવાને મને મારા જ ઘરમાં મારી દીકરી અને તારા જેવો શિષ્ય સોંપ્યો, જેને સાહિત્યમાં રસ છે. દીપશિખા મા વિહોણી થઈ પછી તો મેં સાહિત્યની વાતો માંડી જ વાળેલી. તમે બંને ન હોત, તો હું તો મારા ગ્રંથોને ક્યારેયનો આ આર્જતના પાણીમાં સમાવી દેત." 
 
મણિરાજ ગવાક્ષ તરફ જોઈ રહ્યો હતો. તેને જોતા દીપશિખાએ એક હાથ બહાર કાઢ્યો. ચિરૂપાક્ષ મણિરાજ તરફ ફર્યા, કે તેણે પોતાના હાથમાં રહેલો સંદેશ પત્ર મંદિરના પરિસરમાં ફેંક્યો. મણિરાજે ચિરૂપાક્ષની વાતનો જવાબ વાળતા કહ્યું, "ભગવાનને પણ તમારા સાહિત્ય પ્રેમની કદર હશે, એટલે જ તેમણે તમને દીપશિખા જેવી દીકરી આપી છે. આ અમારું સૌભાગ્ય છે કે તમે અમને સાહિત્યનો માર્ગ ચીંધી રહ્યા છો. હું આ ગ્રંથોની પ્રતિલિપિ બનાવી તમને પરત સોંપી દઈશ." 
 
ચિરૂપાક્ષએ હસીને તેના ખભા પર હાથ રાખ્યો અને "સારું..." કહેતા એ પોતાના ઘર તરફ જતા રહ્યા. એના ગયા પછી મણિરાજે એ ગ્રંથોને ફરી તુલસીના ક્યારે રાખ્યા અને દીપશિખાના ફેંકેલા સંદેશા તરફ ગયો. ચારેય પાસ નજર કરીને ચકાસ્યું કે કોઈની નજર તો નથીને! કોઈ નજરે ના ચડતા તેણે એનો સંદેશ લીધો અને ગવાક્ષ તરફ જોયું. દીપશિખા તેની નજર મળતા અંદર જતી રહી. એણે પત્ર ખોલ્યો. 
 
લખ્યું હતું, "મણિરાજ. હું તને ફરીથી સમજાવું છું. તને મારા પ્રત્યે લાગણી છે એનું હું માન રાખું છું. તું સારો માણસ છે. પણ આપણો મેળ અશક્ય છે. હું તારી સાથે જવા નથી માંગતી. તું વારંવાર તારા પ્રેમનો મારી સામે પ્રસ્તાવ ના રાખ. મારા સપના જોવાનું છોડી દે મણિરાજ. એમાં જ આપણું ભલું છે." 
 
મણિરાજનું મન એનો સંદેશો વાંચીને ખિન્ન થઈ ગયું. તેણે ફરીથી ગવાક્ષ તરફ નજર કરી. તે ખાલીખમ હતો. પોતે એ સંદેશો સંકેલ્યો, તુલસી ક્યારા પાસે રાખેલા એ ગ્રંથોને હાથમાં લીધા અને પોતાના ઓરડા તરફ ચાલી ગયો.