Ram Tari ramatadi - 3 in Gujarati Fiction Stories by Rupesh Sutariya books and stories PDF | રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 3

Featured Books
Categories
Share

રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 3


પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૩ 

 

કંડેશ્વર એટલે ગિરિનગર કે મણિનગરમાં આવેલ દેવ દત્તાત્રેયનું સંગાથ સેવતું નગર. ભારતવર્ષમાં અમૂલ્ય ગણાતું સૌરાષ્ટ્ર, તે સમયે દ્વારકાથી લઈને મધુમતી અને વલ્લભનગર સુધી વિશેષ શૈલી ધરાવતું હતું. એમાં ગિરિનગર પોતાનામાં સમાવેલ ગિરો અને તે ગિરો પર પથરાયેલી વૃક્ષમાળથી કંઈક અલગ શોભતું હતું. આ વનસ્થળી અમરાવતીથી માંડીને પ્રભાસતીર્થ સુધી ફેલાયેલી હતી, જેમાં કંડેશ્વર જેવા કેટલાય સભ્ય નગરો અને ગામડાઓ સમાયા હતા. 

આર્જતની સોબત મળતા એ આવનાર ઉનાળામાં પાણીના અખૂટ ભંડારમાં રહેતું અને તેની આસપાસની વનસ્થળી સદા લીલીછમ રહેતી. વસંતની શરૂઆતમાં તો એ દૈદિપ્યમાન થઈ જતું. આવનાર ઉનાળામાં પાણીની અછત વર્તાતા વનના અનેક પશુ-પક્ષીઓ નદીના કાંઠે આવી વસતા અને ગરમીના દિવસો ટૂંકા કરતા. 

વસંત ઋતુની શરૂઆત થયા પછી તો આ નગર જાણે સ્વર્ગ જ બની રહેતું. આવીને વસેલા પશુ-પક્ષીઓના કલરવો ચોમેર ગુંજવા લાગતા. તો વળી એની પાછળ દીપડા કે સિંહ જેવા શિકારીઓ પણ આવે એમાં શંકા નહિ. છતાં અહીં સર્વને માન મળતું. સૌરાષ્ટ્રની દેવીઓ એ પ્રાણીઓ પર અનન્ય પ્રેમ વરસાવતી. ત્યારે સસલા કે હરણ જેવા પ્રાણીને અને નાચતા મોરલાંઓને પોતાની પાસે બોલાવતી એ બાળાઓ દુષ્યંતની શકુન્તલા જેવી લાગે એમાં કોઈ શંકા ના કરી શકાય. 

અન્ય વિસ્તાર કરતાં કંડેશ્વર વધારે મોટું નગર હતું, એટલે સૌરાષ્ટ્રના મહારાજા સુરસેન તેના ઘણા માનદાતા હતા. એટલા માટે તેની આ નગર પર વિશેષ કૃપા રહેતી. ગરમીના દિવસોમાં એ પણ ઘણીવાર અહીં આવી ચડતા અને તેની શીતળતાનો આનંદ માણતા. એ માટે તેમણે એક ભવ્ય મહેલ પણ બનાવરાવ્યો હતો. 

કંડેશ્વરની શરૂઆત થોડા ટેકરાવાળા વિસ્તારમાં આવેલ સુરસેનના હવા મહેલથી થતી અને પીપળના એ વિશાળ વૃક્ષ પાસે સમાપ્ત થતી. અહીંના મકાનો પણ મહેલથી ઓછા નહીં ભાસતા. પથ્થરો અને લાકડાઓથી બનેલા પ્રત્યેક મકાન આર્યવ્રતની ભવ્યતાના સાક્ષાત દર્શન કરાવે એવા હતા. સુઘડ રીતે રચાયેલ આ નગર નદીના બંને કાંઠે પથરાયેલું હતું. ઉત્તરમાં હવા મહેલથી શરૂ કરીને દક્ષિણ-પશ્ચિમમાં નદીની સાથોસાથ થોડું વળાંક લેતું. એક બાજુ શિવ મંદિર અને સામેના કાંઠેના નગરનો છેવાડો એટલે રામ મંદિર. રામ મંદિર પણ ભવ્ય અને વિશાળ પટાંગણ ધરાવતું હતું. નગરના ધનાઢ્યો અને રાજમંત્રીઓના તહેવારોનું એ રામ મંદિરમાં વિશેષ આયોજન થતું. 

મધુવંતી નદી પર બંને કાંઠે પથરાયેલ નગરને જોડતો એક કાષ્ઠ સેતુ બંધાયેલો હતો. આ કાષ્ઠ સેતુનું નિર્માણ પણ મહારાજ સુરસેન દ્વારા કરાવાયું હતું. એ સેતુ નગરની વચ્ચોવચ હતો, જેથી કંડેશ્વર શિવ મંદિરથી ત્યાં જવા માટે નગરની મધ્યમાં જવું પડતું હતું. 

લાંબી કતારોમાં ગોઠવાયેલા ગૃહો, તેમના વિશાળ આંગણ અને ફરતે ફેલાયેલી વનમાળથી એ સ્વર્ગ જેવું રૂડું લાગતું. ટેકરાવાળી જગ્યામાં બંધાયેલા મહેલનું સ્થાન નક્કી એ રીતે જ કરવામાં આવ્યું હતું, જેથી એ મહેલની અટારીમાંથી સમગ્ર નગર અને વનરાઈના દર્શન થાય. નગરના દરેક ઘરને મહેલથી જોઈ શકાતું હતું. મહેલમાંથી જોવામાં, કોઈ ચિત્રકારે કલ્પીને બનાવેલ કુદરતની ખીલેલ કળાને ચિત્રમાં કેદ કરી હોય એવું દૃશ્ય ખડું થતું. જોકે મહેલ પણ સમગ્ર નગરમાંથી દૃશ્યમાન હતો. 

આ નગરની દેખરેખ રાખવાની જવાબદારી નિભાવતા ત્યાંના પંચકુળ સોમચંદ્ર પણ ઓછા ઉતરે એમ નહોતા. મહારાજનો પડ્યો બોલ ઝીલનારા સોમચંદ્ર માટે નગરને માન હતું. ગિરીનગરના સામંત આદિત્યની સાથે તેમની નિત્ય મંત્રણા થતી અને તે પણ અવારનવાર આ નગરની મુલાકાતે આવતા. 

નગરમાં સોમચંદ્રની બોલબાલા હતી. નગરના પંચકુળ હોવાને નાતે, એક રાજા કરતા તેનું ઓછું માન નહોતું. ગરીબો પર અને જરૂરિયાતવાળા લોકો પર એની અમી દૃષ્ટિ અને ન્યાયપ્રિયતા મનમુગ્ધ કરનારા હતા. એથી જ એ કંડેશ્વરનાં લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ થયા હતા. જોકે, આ સિક્કાની એક બાજુ હતી. બીજી બાજુ, એ પોતે ધનાઢ્ય થયા એનું કારણ કરમાંથી કરાયેલી ચોરી અને રાજકીય કામ કરવામાં લોકો પાસેથી ઉઘરાવેલ દ્રવ્યએ ઘણો મહાન ભાગ ભજવેલો. 

વ્યાપારીઓ માટે આમ કરવું પણ જરૂરી બની રહેતું. દેશ-વિદેશ અને અનેક રજવાડામાં પોતાનો વ્યાપાર પાથરી બેઠેલા વ્યાપારીઓને, અન્યત્ર આવવા કે જવા માટે અને પોતાના માલની સુરક્ષા માટે અવારનવાર રાજકીય કામ પડતું. જો એ સોમચંદ્ર સાથે સાઠગાંઠ ના રાખે તો વ્યાપાર કરતા રાજકીય કામમાં વધારે સમય વેડફાઈ જતો. ભારતવર્ષનો પશ્ચિમનો છેડો હોવાથી ઉત્તર અને પૂર્વ દિશામાં વ્યાપાર કરવા જવું કે પછી પશ્ચિમમાં પ્રભાસક્ષેત્ર જવું એ મૂંઝવણ હતી. આથી એનું પ્રભાસક્ષેત્રનું રાજકીય કામ સોમચંદ્ર દ્રવ્યના બદલામાં કરી લેતા અને વ્યાપારીઓ અન્ય ક્ષેત્રે વ્યાપાર અર્થે જઈ શકતા. 

આ તકનો લાભ લેવામાં એ જરા જેટલી પણ ચૂક ન કરતા. ધનાઢ્યોને ખંખેરવા એ હવે એને રાસ આવી ગયેલું હતું અને તેઓને પણ સોમચંદ્રની પ્રવૃત્તિની જાણકારી હતી. માટે કોઈને કંઈ કહેવું ના પડતું અને દરેક કાર્ય આપોઆપ જ થઈ જતું. પોતાના લાભાર્થે ધનાઢ્યો અને વ્યાપારીઓ તેને દ્રવ્ય દેતા અને સોમચંદ્ર એની કાળજી લેતાં. જોકે સોમચંદ્રની આ પ્રવૃત્તિની ગણ્યા-ગાંઠ્યા ધનિકો અને વ્યાપારીઓ સિવાય કોઈને જાણ નહોતી. માટે અન્ય પરિવારોમાં તો સોમચંદ્રની જય જયકાર થતી. 

એવું કહેવાયું છે કે મદિરા, સ્ત્રી અને ધન, આ ત્રણેયને કોઈ પાસે જવું નથી પડતું. માણસ પોતે જ એના તરફ ખેંચાઈ આવે છે. આ ત્રણેયની આદત સેવતા લોકો પોતાની મતિથી નહિ, પણ તેની મતિથી ચાલે છે. એટલે નશાના ટેવાઈ ગયેલા લોકો નશા માટે નીચ કૃત્ય કરે છે. સ્ત્રેણ બનેલા સ્ત્રીને આધીન રહે છે અને ધનની લાલચ રાખનારા ધનવાનોની ચાકરી અને ગુલામી કરે છે. 

કંડેશ્વરનાં ધનિકો સોમચંદ્રને દેવ તુલ્ય ગણાવી તેને માન આપવા અને તેનો આદર સત્કાર કરવા કહેતા અને તમામ નગર એમ જ કરતું. કોઈ મનથી તો કોઈ પોતાના લાભ માટે ધનિકોના કહેવા પર. આથી પરિસ્થિતિ એવી બની ગયેલી કે નગરમાં સોમચંદ્ર અને તેનો પરિવાર ઉત્તમ ગણાવા લાગ્યા હતા. તે જે દક્ષતા દાખવે એની પ્રશંસા થતી હતી. 

એવી જ રીતે ચિરૂપાક્ષજીનું ઘર પણ આ નગરમાં ઉત્તમ ઘરોમાંનું એક હતું. કેમ ના હોય! મહારાજ સુરસેનની તેના પર પણ અનન્ય કૃપાદૃષ્ટિ હતી. મહારાજ જ્યારે પણ આ નગરમાં આવતા, ત્યારે ચિરૂપાક્ષજીને પોતાના ગુરુ ગણી એની સંગત કરતા. 

એક મેડી દ્વારા રચાયેલ એમનું ઘર પણ અત્યંત સુઘડ હતું. નદીના ડાબા ભાગ પર રહેલા નગરની મધ્યમાંથી એક મુખ્ય માર્ગ પસાર થતો જે સીધો શિવ મંદિર સુધી જતો. એ માર્ગ મંદિરે પૂર્ણ થતો અને ત્યાંથી મંદિરમાં પ્રવેશ થતો. એ માર્ગ મંદિરની પૂર્વમાં હતો, જેના ઉત્તર ભાગે ચિરૂપાક્ષજીનું નિવાસ સ્થાન હતું. આથી એમનું ઘર મંદિરની પાછળ પડતું. 

એક ભવ્ય પ્રવેશદ્વાર હતો. એમાંથી પ્રવેશ કરતા ઘરની પડસાળ આવતી. પડસાળની સામે બે ઓરડા હતા અને તેની સામે પડસાળમાં બેઠકની વ્યવસ્થા કરાયેલી હતી. પ્રવેશદ્વારની ઉપર જ મેડી બંધાયેલી હતી જ્યાં દીપશિખાનો કક્ષ હતો. બેઠકખંડ અને દીપશિખાના કક્ષનો ગવાક્ષ નગરના ધોરીમાર્ગે ખૂલતો. મેડી ઉપરના બેઠકખંડમાં એક ઝૂલો રખાયેલો હતો. તો તેની બગલમાંથી એક અટારી દ્વારા સામેના મકાનની ખુલ્લી છત પર જવાય તેવી વ્યવસ્થા હતી. 

નાનકડું, છતાં એ ઘર અતિ ભવ્ય કહી શકાય એવું હતું. આ ઘરને આ રીતે બનાવવાની યુક્તિ ચિરૂપાક્ષજીના ધર્મપત્ની અમલિકાદેવીની હતી. લગ્ન બાદ તેમની યુક્તિ પ્રમાણે બનાવાયેલ આ ગૃહના એક-એક ખૂણાને તેમણે પોતાના હાથે સજાવ્યો હતો. માટે આ ગૃહની એક-એક વસ્તુમાં ચિરૂપાક્ષજીને અમલિકાદેવીની પ્રતીતિ થતી હતી. તેમના સ્વર્ગ સિધાવ્યા પછી પણ તેને આ ઘરમાં તેની હયાતી હોવાનો આભાસ થતો રહેતો.