સનાતન રહસ્યમંજરી : ભગવાન વિષ્ણુનું બ્રહ્માંડ અને દશાવતારનું મનોવિજ્ઞાન
શું આપણા અવતારોમાં માનવ ઉત્ક્રાંતિનો નકશો છુપાયેલો છે?
યુવા સંશોધક વિનય વારાણસી સાથેના મતે જાણો વિષ્ણુના ૭ શક્તિશાળી અવતારોના ગૂઢ અર્થ
ભારતવર્ષની ધરતી પર સનાતન ધર્મ માત્ર પરંપરા નથી, પણ તે અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાનું એક ગહન વિજ્ઞાન છે. આ વિજ્ઞાનમાં ભગવાન વિષ્ણુને પાલનહાર કહેવામાં આવ્યા છે. વિષ્ણુ એટલે એ શક્તિ જે સમગ્ર બ્રહ્માંડને એકસૂત્રે બાંધી રાખે છે. તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર સંસ્કૃતિના ગાઢ અભ્યાસુ વિનય વારાણસીએ વિષ્ણુના બ્રહ્માંડ અને તેમના અવતારો વિશે જે અદભૂત વાતો કરી છે, તે સાંભળીને આધુનિક પેઢીને પોતાની સંસ્કૃતિ પ્રત્યે એક નવો જ ગૌરવવંતો દ્રષ્ટિકોણ મળશે. ચાલો, આજના આ વિશેષ લેખમાં આપણે વિષ્ણુના રહસ્યમય લોકની યાત્રા કરીએ.
વિષ્ણુ: અનંત વિસ્તરણ અને ચેતનાનો સંગમ
વિષ્ણુ શબ્દ સંસ્કૃતના વિશ્વમ અને વ્યાપ્તમ શબ્દો પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે એવી ચેતના જે સતત ફેલાઈ રહી છે, વિસ્તરી રહી છે. આધુનિક વિજ્ઞાન કહે છેકે, બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે, આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં આ જ સત્યને વિષ્ણુ નામ આપ્યું હતું. ક્ષીરસાગરમાં શેષનાગ પર પોઢેલા વિષ્ણુ વાસ્તવમાં પોટેન્શિયલ એનર્જીનું પ્રતીક છે. તેમના શ્યામ કે વાદળી રંગ વિશે વિનય વારાણસી કહે છે કે, જેમ સમુદ્ર તેની ઊંડાઈને કારણે વાદળી દેખાય છે, તેમ વિષ્ણુ તેમના ચરિત્ર અને અસ્તિત્વની ગહનતાને કારણે શ્યામ છે.
દશાવતાર: ઉત્ક્રાંતિ અને રક્ષણની સાત શ્રેણીઓ
આ પોડકાસ્ટમાં મત્સ્યથી લઈને પરશુરામ સુધીના સાત અવતારોની ઊંડી ચર્ચા કરવામાં આવી છે. આ અવતારો માત્ર વાર્તાઓ નથી, પણ તે પૃથ્વી પર જીવનના વિકાસનો ક્રમ પણ દર્શાવે છે.
ભગવાન વિષ્ણુનો સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર એટલે કે માછલીનો અવતાર હતો. તેના વિષે જણાવતા વિનય વારાણસીએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રલય આવ્યો અને પૃથ્વી જળમગ્ન થઈ રહી હતી, ત્યારે ભગવાને માછલીનું રૂપ લઈને વેદવિદ્યા અને સૃષ્ટિના બીજની રક્ષા કરી. આ અવતાર આપણને શીખવે છેકે, જો તમે શરણાગતિ સ્વીકારો તો ઈશ્વર જ પ્રલયમાં તમારી નૌકા બને છે.
બીજો અવતાર કૂર્મ અવતાર એટલે કે કાચબાનો હતો. જેના વિશે વિનય વારાણસીએ જણાવ્યું હતું કે, સમુદ્ર મંથન સમયે જ્યારે મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો, ત્યારે કાચબાના રૂપે ભગવાને તેને પીઠ પર આધાર આપ્યો. સાધનામાં આ અવતાર સ્થિરતાનું પ્રતીક છે. જ્યારે ત્રીજો અવતાર વરાહ અવતાર એટલે કે જંગલી ભૂંડનો હતો. જેના વિષે વિનય વારાણસીએ જણાવ્યું હતું કે, પૃથ્વી જ્યારે દરિયામાં ખોવાઈ ગઈ હતી, ત્યારે ભગવાને વરાહ સ્વરૂપે તેને પોતાના દાંત પર ઉઠાવી લીધી. દક્ષિણ ભારતમાં વરાહ સ્વામીની પૂજા અત્યંત લોકપ્રિય છે. જો કોઈને જમીન કે પ્રોપર્ટીને લગતી સમસ્યા હોય, તો વરાહ સ્વામીની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તેઓ ધરતીના રક્ષક છે.
ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નરસિંહ અવતાર હતો, જેનું શરીર અડધું સિંહ અને અડધું માનવનું હતું. જેના વિષે વિનય વારાણસીએ જણાવ્યું હતું કે, આ અવતાર તાત્કાલિક રક્ષણનું પ્રતીક છે. પ્રહલાદની અતૂટ શ્રદ્ધાને કારણે ભગવાને સ્તંભમાંથી પ્રગટ થઈને હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો. વિનય વધુમાં જણાવે છેકે, જો કોઈનું અકાળ મૃત્યુ કે અકસ્માત થવાનો ભય હોય, તો નરસિંહ ઉપાસના તેને ટાળી શકે છે. જ્યારે પાંચમો અવતાર વામન એટલે કે નાનકડા બ્રાહ્મણનો હતો. જેના વિષે વિનય વારાણસીએ જણાવ્યું હતું કે, બલિ રાજાના અહંકારને તોડવા ભગવાને નાનકડું રૂપ લીધું અને ત્રણ ડગલામાં ત્રણેય લોક માપી લીધા. આ અવતાર શીખવે છે કે સાધનામાં જ્યારે શક્તિ આવે ત્યારે અહંકાર ન આવવો જોઈએ. ભગવાન વિષ્ણુના અવતારમાં ભગવાન પરશુરામનો પણ સમાવેશ થાય છે. જેઓ ઋષિ યોદ્ધા હતા. જેમના વિષે વિનય વારાણસીએ જણાવ્યું હતું કે, પૃથ્વીને અત્યાચારી રાજાઓથી મુક્ત કરવા ભગવાને ૨૧ વખત પૃથ્વીને નક્ષત્રિય કરી હતી. તેઓ આવેશ અવતાર છે અને આજે પણ ચિરંજીવી તરીકે આપણી વચ્ચે છે તેવી માન્યતા છે.
સાધનાનો આરંભ: શિસ્ત અને ઉર્જાવાન સ્થાનો
ઘણા લોકો પૂછે છેકે, ભક્તિની શરૂઆત કેવી રીતે કરવી? જેના જવાબમાં સંશોધક વિનય વારાણસીએ અદભૂત માર્ગદર્શન આપ્યું છે. તેમને જણાવ્યું હતું કે, સાધના એટલે માત્ર મંદિરમાં બેસવું નહીં, પણ આખા દિવસ દરમિયાન તે દિવ્ય ભાવને જાળવી રાખવો. જો તમારે કૃષ્ણની સાધના શરૂ કરવી હોય તો વૃંદાવનની રજ (ધૂળ)માં આળોટો, હનુમાનજીની ઉર્જાનો અનુભવ કરવો હોય તો કેળાની વાડીમાં જાવ (કારણ કે હનુમાનજીનો કાયમી વાસ કદલી વનમાં છે). જ્યારે નરસિંહ ભગવાન માટે આંધ્રપ્રદેશનું અહોબિલમ શ્રેષ્ઠ સ્થાન છે.
વિષ્ણુ અને શક્તિ: અદ્વૈત સંબંધ
વિનય વારાણસીએ પૉડકાસ્ટમાં જણાવ્યું છેકે, સનાતન ધર્મમાં વિષ્ણુ અને દેવી શક્તિ વચ્ચે અત્યંત ગાઢ સંબંધ છે. વિષ્ણુની બહેન જ શક્તિ છે. દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજીને કેટલાક લોકો શિવ માને છે, કેટલાક શક્તિ માને છે, અને કેટલાક વિષ્ણુ. હકીકતમાં તેઓ દત્તાત્રેય જેવું જ એક સમન્વિત સ્વરૂપ છે. રામ અને પાર્વતીનો જન્મદિવસ એક જ તિથિએ આવે છે, જે સાબિત કરે છે કે પુરુષ સ્વરૂપે તે વિષ્ણુ છે અને સ્ત્રી સ્વરૂપે તે શક્તિ છે.
જ્યોતિષ અને નવગ્રહ નિવારણ
વિનય વારાણસીએ એક ગૂઢ રહસ્ય ખોલ્યું કે વિષ્ણુના અવતારો નવ ગ્રહો સાથે જોડાયેલા છે. રામ અવતાર સૂર્ય સાથે, કૃષ્ણ ચંદ્ર સાથે, નરસિંહ મંગળ સાથે અને વરાહ રાહુ સાથે જોડાયેલા છે. જો તમારા જન્માક્ષરમાં કોઈ ગ્રહ નબળો હોય, તો તે સંબંધિત અવતારની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. કૃષ્ણ અવતાર એવો છે જે નવે-નવ ગ્રહોના દોષોને દૂર કરવાની શક્તિ ધરાવે છે.
દક્ષિણ ભારતના વણઉકેલ્યા રહસ્યો
પોડકાસ્ટમાં વિનય વારાણસીએ દક્ષિણ ભારતના મંદિરોની ઉર્જા વિશે વિશેષ ચર્ચા કરી હતી. ચિદમ્બરમ (નટરાજ મંદિર) જે પૃથ્વીનું જિયોમેગ્નેટિક સેન્ટર માનવામાં આવે છે, ત્યાં શિવ અને વિષ્ણુ બંનેની ઉર્જા એકાકાર થાય છે. કાશી એવું સ્થાન છે જેને ભગવાને પ્રલય સમયે પણ પોતાના ત્રિશૂળ પર ટકાવી રાખવાનો વાયદો કર્યો છે.
નિષ્કર્ષ: અનુભૂતિનો ઉત્સવ
ભગવાન વિષ્ણુના આ બ્રહ્માંડની યાત્રા આપણને એ જ શીખવે છે કે પરમાત્મા કોઈ દૂર આકાશમાં બેઠેલી વ્યક્તિ નથી, પણ આપણી અંદર રહેલી ચેતના છે. ભલે તે ધ્રુવ જેવા પાંચ વર્ષના બાળક માટે હોય કે ગજેન્દ્ર જેવા હાથી માટે, ઈશ્વર હંમેશા ક્ષિપ્ર પ્રસાદ એટલે કે તાત્કાલિક ફળ આપનાર છે, માત્ર આપણો પોકાર સાચો હોવો જોઈએ. વિષ્ણુના અવતારો આપણને જીવનના દરેક તબક્કા - સંકટ, સ્થિરતા, અહંકારનો ત્યાગ અને નૈતિકતા-માં કેવી રીતે વર્તવું તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપે છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં જો આપણે રોજ ૧૦ મિનિટ પણ વિષ્ણુના આ સ્વરૂપોનું ધ્યાન ધરીએ, તો જીવનમાં ક્યારેય આધારહીનતાનો અનુભવ નહીં થાય.