ઇતિહાસનું મહામંથન : શ્રીકૃષ્ણનો ૧૦૮ વર્ષનો જીવનકાળ
શ્રીકૃષ્ણનું અસ્તિત્વ અને દ્વારકાનું વૈજ્ઞાનિક સત્ય
શું આપણે ૭૫૦૦ વર્ષ જૂના જીવંત ઇતિહાસને ભૂલી ગયા છીએ?
ભારતીય સંસ્કૃતિમાં શ્રીકૃષ્ણ માત્ર એક દેવતા નથી, પણ એ આપણી રાષ્ટ્રીય ઓળખ અને ઇતિહાસનું સૌથી તેજસ્વી પ્રતીક છે. આધુનિક શિક્ષણ પદ્ધતિ આપણને એવું શીખવે છેકે, રામાયણ અને મહાભારત માત્ર માયથોલોજી એટલે કે કાલ્પનિક કથાઓ છે. પરંતુ, શું એ શક્ય છેકે, હજારો વર્ષો સુધી એક આખો દેશ કોઈ કલ્પનાને આટલી શ્રદ્ધાથી વળગી રહે? તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર હેરિટેજ એક્સપર્ટ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા સંશોધક નિલેશ ઓકએ શ્રીકૃષ્ણ વિશે જે પુરાવા રજૂ કર્યા છે, તેણે વિશ્વભરના ઇતિહાસકારોને ફરીથી વિચારવા મજબૂર કરી દીધા છે. આ લેખમાં આપણે શ્રીકૃષ્ણના જીવનના અણસ્પર્શ્યા પાસાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીશું.
શ્રીકૃષ્ણનો અસલી જીવનકાળ: ૧૦૮ વર્ષની સફર
નિલેશ ઓકે મહાભારત, હરિવંશ પુરાણ અને ભાગવત પુરાણના ડેટાને આધુનિક એસ્ટ્રોનોમી સોફ્ટવેર વોયેજર ૪.૫ સાથે જોડીને શ્રીકૃષ્ણની સચોટ ટાઈમલાઈન તૈયાર કરી છે. તેમના મતે શ્રીકૃષ્ણનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૬૩૩ (5633 બીસીઇ) ના વર્ષમાં થયો હતો. જ્યારે શ્રીકૃષ્ણએ કંસનો વધ કર્યો ત્યારે તેઓની આયુ માત્ર ૧૧ જ વર્ષ હતી. આ તથ્ય ભાગવત પુરાણના શ્લોકોમાં પણ લખાયેલું છેકે, બલરામ અને કૃષ્ણને ૧૧ વર્ષ સુધી છુપાવીને રાખવામાં આવ્યા હતા.
તેમને વધુ તથ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ઈ.સ. પૂર્વે ૫૫૬૧માં કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, ત્યારે શ્રીકૃષ્ણ અને અર્જુન બંનેની ઉંમર આશરે ૭૧થી ૭૨ વર્ષ હતી. આપણે ઘણીવાર તેમને ૨૦-૩૦ વર્ષના યુવાનો તરીકે કલ્પીએ છીએ, પણ વાસ્તવમાં તેઓ પરિપક્વ અને અનુભવી યોદ્ધાઓ હતા. યુદ્ધના ૩૬ વર્ષ પછી, એટલે કે ઈ.સ. પૂર્વે ૫૫૨૫માં શ્રીકૃષ્ણએ ૧૦૮ વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે, મધ્વાચાર્યએ પણ તેમના ગ્રંથોમાં કૃષ્ણનું આયુષ્ય ૧૦૭-૧૦૮ વર્ષ જ જણાવ્યું છે.
ખગોળીય સાબિતી : આકાશમાં છુપાયેલો ઇતિહાસ
નિલેશ ઓકે જણાવ્યું હતું કે, પૃથ્વી પરના પુરાવાઓ સાથે છેડછાડ થઈ શકે, પણ આકાશી પુરાવા ક્યારેય ખોટા હોતા નથી. હરિવંશ પુરાણમાં ઉલ્લેખ છેકે, કંસ વધ વખતે આકાશમાં એક ભયાનક ધૂમકેતુ દેખાયો હતો જેણે આકાશના ૧૩ નક્ષત્રોને ઢાંકી દીધા હતા. આટલો વિશાળ ધૂમકેતુ હજારો વર્ષોમાં એકાદ વાર જ દેખાય છે. નિલેશ ઓકના સોફ્ટવેર મુજબ, આ ઘટના બરાબર ૨૨ માર્ચ, ૫૬૨૨ બીસીઇના રોજ આકાશમાં ઘટી હતી.
આપણે જન્માષ્ટમી સપ્ટેમ્બર (ચોમાસા)માં ઉજવીએ છીએ, પણ નિલેશ ઓકના મતે તે સમયે શ્રાવણ માસ ઉનાળાની શરૂઆતમાં હતો. પૃથ્વીની ધરી દર ૨૦૦૦ વર્ષે ૧ મહિનો પાછળ ખસે છે. ૭૫૦૦ વર્ષમાં આ તફાવત ૪ મહિનાનો થઈ ગયો છે. આ જ કારણ છેકે, વાસુદેવ જ્યારે કૃષ્ણને લઈને યમુના ઓળંગતા હતા, ત્યારે તે ચોમાસું નહીં પણ ઉનાળો હતો, અને નદીમાં પૂર નહીં પણ સૂકા છાણ પર ચાલવાના વર્ણનો મળે છે.
દ્વારકાનું રહસ્ય: મુળ દ્વારકા અને જળમગ્ન નગરી
નિલેશ ઓકે દ્વારકા વિશે સૌથી મોટો ધડાકો કર્યો છે. આપણે અત્યારે જે દ્વારકા જોઈએ છીએ તે પ્રાચીન દ્વારકાની યાદમાં બનેલું મંદિર છે, પણ શ્રીકૃષ્ણની અસલી દ્વારવતી દરિયામાં ડૂબેલી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ પાસેના દરિયામાં એક ટાપુ પર અસલી દ્વારકા હતી, જેનું નામ કુશસ્થલી હતું. ગ્રેહામ હેનકોક જેવા વૈશ્વિક સંશોધકોએ પણ આ જગ્યાએ જળમગ્ન અવશેષોની પુષ્ટિ કરી છે.
શ્રી કૃષ્ણએ શા માટે મથુરા છોડ્યું? આ પ્રશ્નનો જવાબ આપતા નિલેશ ઓકે જણાવ્યું હતું કે, મથુરામાં જરાસંઘના ૧૭ વાર આક્રમણોને કારણે યાદવ કુળની સુરક્ષા જોખમમાં હતી. શ્રીકૃષ્ણએ જોયું કે યમુના અને ગંગાના વ્યાપારી માર્ગ પર જરાસંઘનો અંકુશ છે. તેથી તેમણે વ્યાપારિક સમૃદ્ધિ અને સુરક્ષા માટે યાદવોને પશ્ચિમ કિનારે દ્વારકા સ્થળાંતર કરાવ્યું, જે એક ઇન્ટેલિજન્ટ સ્ટેટક્રાફ્ટ (રાજનીતિ) નું ઉદાહરણ છે. ઈ.સ. પૂર્વે ૫૫૨૫માં જ્યારે શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો, ત્યારે જ પૃથ્વી પર સમુદ્રનું સ્તર વધવાને કારણે આખી દ્વારકા ડૂબી ગઈ હતી.
ભીમ અને યાદવ કુળનું સત્ય: પરંપરાગત ભ્રમનું ખંડન
નિલેશ ઓકે ભીમ અને યાદવો વિશે કેટલીક ક્રાંતિકારી વાતો કહી છે. તેમના મતે આપણે ભીમને માત્ર એક ગદાધારી પહેલવાન તરીકે જ ઓળખીએ છીએ, પણ મહાભારતમાં ભીમ અત્યંત બુદ્ધિશાળી અને રાજનીતિનો જાણકાર છે. તે ઘણીવાર શ્રીકૃષ્ણના નિર્ણયોને અર્જુન કરતા પણ પહેલા સમજી જતો હતો.
રાક્ષસ કોણ હતા? તે પ્રશ્નનો જવાબ અપાતા નિલેશ ઓકે જણાવ્યું હતું કે, ભીમની પત્ની હદિમ્બા રાક્ષસ કુળની હતી. નિલેશ ઓક સમજાવે છેકે, તે કોઈ શારીરિક વિકૃતિ નહોતી, પણ તે સમયની એક શક્તિશાળી જનજાતિ હતી. ભીમે તેમની સાથે લગ્ન કરીને તેમને સામાજિક રીતે મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું હતું.
તેમને ઉમેર્યું હતું કે, દ્વારકા અત્યંત સમૃદ્ધ હતી, પણ સમૃદ્ધિ સાથે યાદવોમાં અહંકાર, મદ અને વ્યસન વધ્યા હતા. શ્રીકૃષ્ણએ જોયું કે જો આ કુળ પૃથ્વી પર રહેશે તો તેઓ અનૈતિકતા ફેલાવશે. તેથી ગાંધારીના શ્રાપના બહાને તેમણે પોતાના જ કુળનો નાશ થવા દીધો જેથી એક નવું અને શુદ્ધ યુગ શરૂ થઈ શકે.
શ્રીકૃષ્ણ: માત્ર ભગવાન નહીં, એક વૈશ્વિક જગદ્ગુરુ
શ્રીકૃષ્ણએ ગીતા દ્વારા જે મુરારી માર્ગ બતાવ્યો છે તે આધુનિક મેનેજમેન્ટ માટે શ્રેષ્ઠ છે. નિલેશ ઓક સમજાવે છેકે, જ્યારે દુનિયા હા કે ના ના દ્વંદ્વમાં ફસાયેલી હોય, ત્યારે શ્રીકૃષ્ણ ત્રીજો માર્ગ બતાવે છે. જેમ કે, શ્રદ્ધા, જ્ઞાન અને જિજ્ઞાસાનો સમન્વય. જગદ્ગુરુ હોવા છતાં શ્રીકૃષ્ણ પોતે સાંદીપનિ ઋષિ અને ઘોર આંગિરસના શિષ્ય હતા. તેમણે મહાદેવ પાસેથી પણ દીક્ષા લીધી હતી. આ દર્શાવે છેકે, જ્ઞાન મેળવવા માટે વિનમ્રતા અને શીખવાની વૃત્તિ કેટલી જરૂરી છે.
વૈશ્વિક કનેક્શન: ઇજિપ્ત અને મેક્સિકો સુધી ભારતનો પ્રભાવ
નિલેશ ઓકે આશ્ચર્યજનક માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય સભ્યતા છેક ઇજિપ્ત અને મેક્સિકો સુધી ફેલાયેલી હતી. ઇજિપ્તના રાજાઓના નામ રામેસીસ હતા અને ત્યાંના ૩૪૧ રાજાઓની વંશાવળી ૧૪,૦૦૦ વર્ષ જૂના ઇતિહાસ તરફ લઈ જાય છે, જે રામાયણના સમય સાથે મેળ ખાય છે. તેવી જ રીતે મેક્સિકોની માયા સંસ્કૃતિ અને સૂર્ય સિદ્ધાંતના રચયિતા મયાસુર વચ્ચે પણ ઊંડું જોડાણ હોઈ શકે છે.
નિષ્કર્ષ: જાગૃત ભારતનો શંખનાદ
નિલેશ ઓકનો આ પોડકાસ્ટ આપણને એક જ સંદેશ આપે છેકે, આપણા ઇતિહાસને પશ્ચિમી દ્રષ્ટિકોણ કે પૂર્વગ્રહોથી જોવાનું બંધ કરો. આપણી પાસે એવા પુરાવા છે જે વિશ્વની કોઈ સભ્યતા પાસે નથી. શ્રીકૃષ્ણ એ માત્ર શ્રદ્ધાનો વિષય નથી, પણ એ આપણા ગૌરવશાળી અને વૈજ્ઞાનિક ભૂતકાળનું જીવંત સત્ય છે. જો આપણે ફરીથી જગતગુરુ બનવું હોય, તો આપણે આપણી પરંપરાઓને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને ઉકેલવી પડશે.