Sanatan Dharmni Vaato - 20 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 20 - ભારતનું અસલી સત્ય

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 20 - ભારતનું અસલી સત્ય

શું આપણી સંસ્કૃતિ ૨૨,૦૦૦ વર્ષ જૂની છે?

સંશોધક રૂપા ભાટીના સજ્જડ પુરાવાઓ દ્વારા જાણો સિંધુ લિપિનો ઉકેલ

પ્રાચીન ભારતીયોનો વૈશ્વિક વ્યાપાર અને જ્યોતિષશાસ્ત્રના બદલાયેલા સમીકરણોનું સત્ય

આપણા દેશનો ઇતિહાસ એ માત્ર રાજા-મહારાજાઓના શાસનકાળની તારીખો નથી, પણ એ માનવ ઉત્ક્રાંતિ અને જ્ઞાનનો એવો મહાસાગર છે જેની ઊંડાઈ માપવી હજી બાકી છે. આપણે વર્ષોથી શાળામાં જે ઇતિહાસ ભણ્યા છીએ, તે ઘણીવાર પશ્ચિમી દ્રષ્ટિકોણથી લખાયેલો રહ્યો છે, જે આપણી સભ્યતાને માત્ર ૫,૦૦૦ વર્ષ જૂની ગણાવે છે. પરંતુ તાજેતરમાં પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર ઇતિહાસકાર અને ગહન સંશોધક રૂપા ભાટીએ જે ખુલાસા કર્યા છે, તેણે વૈશ્વિક ઇતિહાસકારોને ફરીથી વિચારવા મજબૂર કરી દીધા છે. તેમના મતે, ભારતીય સભ્યતા અને તેની યાદો ૨૨,૦૦૦ વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે. ચાલો, આ પોડકાસ્ટમાં ચર્ચાયેલા તમામ પાસાઓને વિસ્તારપૂર્વક સમજીએ.

સિંધુ લિપિનો ઉકેલ : ઇતિહાસનો સૌથી મોટો વળાંક

દાયકાઓથી દુનિયાભરના વિદ્વાનો જે કોયડો ઉકેલવા મથી રહ્યા હતા, તે સિંધુ લિપિ વિશે રૂપા ભાટીએ મોટો દાવો કર્યો છેકે, તેમણે આ લિપિને સંપૂર્ણપણે ઉકેલી નાખી છે. તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ મંત્ર કે ધાર્મિક લખાણો નથી, પણ તે સમયના અદ્યતન વ્યાપારી વ્યવહારના પુરાવા છે.

હડપ્પા અને મોહેં-જો-દડોની મહોરો પર લખાયેલા અક્ષરો ખરેખર માલ મોકલનાર વેપારીના નામ, બંદરના નામ અને કન્ટેનર નંબર જેવી વિગતો છે. રૂપા ભાટીએ સીલ પરથી જય અને અજય જેવા શબ્દો ઉકેલ્યા છે. આશ્ચર્યની વાત એછેકે, આ શબ્દો આજે પણ અફઘાનિસ્તાનના ચોક્કસ વિસ્તારો અને ગામોના નામ તરીકે અસ્તિત્વ ધરાવે છે. જે સાબિત કરે છેકે, પ્રાચીન ભારતનું વ્યાપારી નેટવર્ક અત્યંત વિશાળ હતું અને તે છેક ઇરાક, સીરિયા અને ઇજિપ્ત સુધી ફેલાયેલું હતું.

હિમયુગનો ખોરાક : માંસાહાર અને સંરક્ષણનું સત્ય

ઋગ્વેદ અને અન્ય પ્રાચીન ગ્રંથોના આધારે રૂપા ભાટીએ એક વિવાદાસ્પદ છતાં તાર્કિક વાત કરી છે. પ્લેસ્ટોસીન એટલે કે, હિમયુગના સમયમાં જ્યારે ખેતી મર્યાદિત હતી, ત્યારે માનવીનો આહાર કેવો હતો? તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન ગ્રંથોમાં માંસ અને ચોખાના સેવનના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે.

તે સમયે લોકો અનેક પ્રાણીઓનો આહાર લેતા, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં હાથીનું માંસ ખાવાનું સખત રીતે વર્જિત હતું. રૂપા ભાટીના જણાવ્યા મુજબ, આ જ એક કારણ છેકે, આજે સમગ્ર વિશ્વમાંથી હાથીની અન્ય પ્રજાતિઓ જેમ કે સીરિયન હાથી લુપ્ત થઈ ગઈ, કારણ કે અન્ય સંસ્કૃતિઓમાં તેના માસનો ઉપયોગ ખાવા માટે કરવામાં આવતો હતો. જ્યારે ભારતમાં તેને માન આપવામાં આવતું હતું, તેથી જ આજે પણ ભારત અને તેની આસપાસ હાથીઓ જીવંત છે.

જનીનવિજ્ઞાન : વિશ્વના ગોરા લોકો ભારતીય વંશના?

જનીનવિજ્ઞાનના આધારે રૂપા ભાટીએ એક ક્રાંતિકારી તથ્ય રજૂ કર્યું છે. વિશ્વમાં આજે જે ગોરી ત્વચા ધરાવતા લોકો છે, તેમના પૂર્વજો ૩૦,૦૦૦ વર્ષ પહેલાં દક્ષિણ એશિયા એટલે કે ભારતીય ઉપખંડમાં વસતા હતા. સ્થળાંતર દરમિયાન આ જનીનો સમગ્ર વિશ્વમાં ફેલાયા.

એટલું જ નહીં, મહારાષ્ટ્રના કોંકણના અમુક લોકો અને ઉત્તર ભારતીયોના જનીનોમાં લીલી આંખો અને ભૂરી આંખોની જે વિશેષતા જોવા મળે છે, તે સાબિત કરે છે કે ભારતમાંથી જ લોકોએ યુરોપ અને રશિયા તરફ સ્થળાંતર કર્યું હતું. આપણે કોઈ બહારથી આવેલા લોકો નથી, પણ આપણે જ વિશ્વભરમાં સંસ્કૃતિ ફેલાવનાર લોકો છીએ.

જ્યોતિષશાસ્ત્રનું બદલાતું ગણિત : કુંભ રાશિનો નવો યુગ

ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના અતૂટ જોડાણ વિશે રૂપા ભાટીએ અત્યંત મહત્વની વાત કરી છે. પૃથ્વી પોતાની ધરી પર સતત નમતી રહે છે, જેના કારણે હજારો વર્ષોમાં આકાશી નક્ષત્રોની સ્થિતિ બદલાય છે.

મેષથી કુંભ તરફ

આપણે આજે પણ પરંપરાગત રીતે મેષ રાશિને પ્રથમ ગણીએ છીએ, પણ વાસ્તવમાં ખગોળશાસ્ત્રીય રીતે હવે કુંભ રાશિ પ્રથમ સ્થાને આવી ગઈ છે. આ બદલાવથી જ્યોતિષીય ગણતરીઓ અને મોક્ષના સ્થાનના આધિપત્યમાં મોટો ફેરફાર આવ્યો છે.

શનિનો પ્રભાવ

અત્યારે આપણે શનિના પ્રભાવ હેઠળના સંધિકાળમાં છીએ. શનિ મશીનરી, લોખંડ અને અદ્યતન ટેકનોલોજીનો સ્વામી છે. રૂપા ભાટીના મતે, આગામી ૨૦૦૦ વર્ષોમાં માનવજાત મશીનો, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં અકલ્પનીય સિદ્ધિઓ મેળવશે અને કદાચ અન્ય ગ્રહો પર વસવાટ પણ શક્ય બનશે.

યંગર ડ્રાયસ : લુપ્ત થયેલી ટેકનોલોજીનું કારણ

ઘણીવાર આપણને પ્રશ્ન થાય છેકે, જો રામાયણ કે મહાભારતમાં વિમાન અને દિવ્યાસ્ત્રો હતા, તો તે ટેકનોલોજી ક્યાં ગઈ? રૂપા ભાટી આ પાછળ વિજ્ઞાનમાં જાણીતી યંગર ડ્રાયસ ઘટનાને જવાબદાર માને છે. આશરે ૧૨,૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર ભયાનક ઉલ્કાપાત થયો હતો, જેના કારણે મહાપ્રલય આવ્યો અને પૃથ્વીનું તાપમાન અચાનક બદલાઈ ગયું.

આ ઘટનામાં અદ્યતન જ્ઞાન ધરાવતા લોકો, લાઈબ્રેરીઓ અને મશીનરીઓ નષ્ટ થઈ ગઈ. બચેલી માનવ વસ્તીએ ફરીથી શૂન્યથી એટલે કે પથ્થર યુગથી શરૂઆત કરવી પડી. આ એક પ્રકારનું ગ્લોબલ રીબૂટ હતું. આ જ કારણ છે કે આપણી પ્રાચીન ટેકનોલોજીની સ્મૃતિઓ માત્ર ગ્રંથોમાં રહી ગઈ અને ભૌતિક પુરાવાઓ નષ્ટ થયા.

વૈશ્વિક જોડાણ : મેસોપોટેમિયા અને ભારતીય દેવતાઓ

ઇરાકની પ્રાચીન મેસોપોટેમિયન સભ્યતા અને ભારત વચ્ચે માત્ર વ્યાપારી જ નહીં, પણ સાંસ્કૃતિક સંબંધો પણ હતા. રૂપા ભાટી જણાવે છેકે, મેસોપોટેમિયામાં જેમને અનુનાકી દેવતા માનવામાં આવે છે, તે વાસ્તવમાં ઋગ્વેદના અનુ અને દ્રુહ્યુ કુળના લોકોના વંશજો હોઈ શકે છે જેઓ ભારત છોડીને ત્યાં વસ્યા હતા. ઋગ્વેદમાં અસુર શબ્દનો અર્થ અત્યંત શક્તિશાળી થતો હતો, જે સમય જતાં રાક્ષસના અર્થમાં બદલાઈ ગયો. મેસોપોટેમિયામાં આજે પણ અશુર નામનું સ્થળ મોજૂદ છે.

તમિલ સંસ્કૃતિ અને સોમરસનું રહસ્ય

દક્ષિણ ભારતની તમિલ સંસ્કૃતિ વિશે રૂપા ભાટીએ કહ્યું હતું કે, તમિલ લોકો ભારતના સૌથી જૂના નિવાસીઓ હોવાના પુરાવા છે. પુમપુહારના દરિયામાં મળેલા ૧૦,૦૦૦ વર્ષ જૂના બંદરોના અવશેષો સાબિત કરે છે કે તે સમયે પણ આપણી પાસે દરિયાઈ નેવિગેશનનું જ્ઞાન હતું.

વધુમાં, તેમણે સોમરસ વિશેની ભ્રમણાઓ દૂર કરતા જણાવ્યું હતું કે, તે કોઈ નશો નહોતો. સોમરસ એ આધ્યાત્મિક જાગૃતિ માટેનું એક અમૃત હતું. સોમ પ્લાન્ટ હિમાલયના મૂજવત પર્વત પરથી લાવવામાં આવતો હતો. તેને શુદ્ધ કરવાની પદ્ધતિઓ અને તેના આધ્યાત્મિક પ્રભાવો વિશે ઋગ્વેદના નવમા મંડળમાં વિસ્તૃત વર્ણન છે.

વારસાની નવી ઓળખ

રૂપા ભાટીનો પોડકાસ્ટ આપણને શીખવે છેકે, આપણે આપણી ઓળખ પશ્ચિમી લેખકોની આંખે જોવાનું બંધ કરવું પડશે. આપણા વેદો, લુપ્ત થયેલી લિપિઓ અને આપણા ડીએનએમાં આપણો સાચો ઇતિહાસ છુપાયેલો છે. આધુનિક વિજ્ઞાન અને ડીએનએ ટેસ્ટિંગની મદદથી જ્યારે આપણે આ સત્યોને તપાસીએ છીએ, ત્યારે ભારતવર્ષની ભવ્યતા વધુ તેજસ્વી બનીને બહાર આવે છે. આજના યુવા વર્ગ માટે આ માત્ર ઇતિહાસ નથી, પણ આત્મગૌરવની શોધ છે.