અનોખી સફર
પ્રકરણ-42
ધર્મેશભાઈએ ચા પીધી..પછી આમતેમ જોયું.. વીરબાળાબહેનને પૂછ્યું “ વિશ્વા ક્યાં છે? સવારથી હું
પરવારી વાડામાં ગાયને નીર નાખ્યું..ચા પીધી..એ ક્યાંય દેખાઈ નથી..સવાર સવારમાં ક્યાં ગઈ છે? આજે વાડીએ એનું કશું કામ નથી..વાડીએ તો સવારથી ગઈ નથી ને? વીરબાળા બહેન જવાબ આપવા ગયા ત્યાં દીગુભાઈને ઘરમાં આવતા જોયા..બોલ્યાં“ આવો આવો દીગુભાઈ..ચા તૈયાર જ છે વિશ્વાનાં પાપાએ હમણાંજ પીધી..બેસો.બેસો. “ દીગુભાઈએ કહ્યું“ ચા તો હું પીને આવ્યો છું રમલીએ સારી બનાવી હતી..હું..તો..ત્યાં.. “
ધર્મેશભાઈ કહે“ હું હમણાંજ પૂછવા જતો હતો તમારું .. ને તમે આવ્યા..” દીગુભાઈ કહે“ હું ખાસ પૂછવાજ આવ્યો કે સોહુ સવારે વહેલો બાઈક લઈને ફરવા નીકળી ગયો છે..એ એકલો ગયો કે સાથે દીકરી…વિશ્વા ગઈ છે? આમ એકદમ સવારથી બન્ને નીકળી ગયાં છે? “ વીરબાળાબહેન કહે“ હાં એ લોકો સાથેજ ગયા છે આજે વિશ્વા મને પૂછીનેજ ગઈ છે..મને પૂછેલું..માં અમે જઈએ ? સવારે વહેલા જઈશું તો ડુંગર ચઢી શકીશું..માઁનાં દર્શન થાય..પછી તડકો માથે ચઢી જાય છે..સોહુએ મને કાલે પૂછેલું કે દર્શન
કરવા જઈશું? મેં હા પાડી હતી.. તમારે કાલે યશોદાકાકીને ત્યાં મોડું થયેલું એટલે હમણાં પૂછ્યું...”
દીગુભાઈએ ધર્મેશભાઈ સામે જોયું અને બોલ્યા “ કશો વાંધો નથી..પછી ગઈકાલની વાત પરોવી બોલ્યા
“ પશાકાકાએ મને જવાબદારી સોંપી છે એનો હું નિભાવ કરીશ..આવખતે ભૂતકાળ પરિવર્તિત ના થાય..મન ઊંચા ના થાય એની કાળજી લઈશ..” ધર્મેશભાઈ મોઘમ ચૂપ રહ્યા..વીરબાળાબહેન સામે જોયું.. વીરબાળાબહેને.ચહેરો ઊંચો કરી પુરા આત્મવિશ્વાશથી દીગુભાઈ અને ધર્મેશભાઈ સામે જોયું અને બોલ્યા..” મને ભૂતકાળમાં કોઈ રસજ નથી મને વર્તમાન અને મારી દીકરીના ભવિષ્યમાંજ રસ છે.. એનું જીવન કોઈની જીદ કે અભિમાનમાં.. ઊંચનીચમાં રોળાઈ ના જાય..બરબાદ ના થાય બસ..એ ખુબ સંવેદનશીલ અને લાગણીવાળી છે..દિલથી વિચારે છે..લાગણી સામે મનનો વિચારજ નથી કરતી.એટલેજ મને બીક લાગેછે..અને હવે વહેણથી વહેણના જળ ભળી ગયાં છે હવે કોઈ કાળે જુદા થાય એમ નથી.”
દીગુભાઈએ કહ્યું“ ભૂતકાળમાં બાપુજી જીવતા હતા..એમનાં એ સમયમાં એમની સામે ખોટું શું સાચું પણ સામે નહોતું બોલાતું .મારી સ્થિતિ વિવશ હતી અને યજ્ઞેશ…” પછી નિસાસો નાખી બોલ્યા “ પહેલેથીજ એ મહત્વકાંક્ષી અને ગણત્રીવાળો..ઠીક છે હવે હું છું કહેવા વાળો..” ધર્મેશભાઈ કહે..” મારી વિશ્વાનું ભાગ્ય તમને સોંપ્યું દીગુભાઈ..અને હું કેમ એવું કહું છું કારણકે એ છોકરી હવે વાળ્યે પાછી નહીં વળે…એક ભવમાં બેભવ નહીં કરે ભલે હજી લગ્નની વાત કોરાણે છે..અમે સાવ સામાન્ય માણસો છીએ દીગુભાઈ..” વીરબાળા બહેને દીગુભાઈ સામે જોયું અને બોલ્યા..’ યશોદા મારી ખાસ સખી છે..એ સાક્ષી છે..મારી બધી વાત હું ભૂલી ચુકી છું ધર્મેશ જેવા
ધર્મદેવ..ને વરી છું હું નિશ્ચિંત છું સુખી છું..મારી દીકરી કોઈની ઓશિયાળી છે નહીં.. થશે નહીં..યશોદાએ સોહમ અને વિશ્વાને મારી જેમ સાથે રમતા મોટા થતા જોયા છે..એણે કેટલાક સમયથી એ બન્નેને વધુ નિકટ આવતા જોયા છે..એમનેમ વાળ ધોળા નથી થયા..મને એણે બોલાવી ચેતવી હતી..કે ભૂતકાળ પુનરાવર્તન ના
કરે..ધ્યાન રાખજે… સામે યજ્ઞેશ અને એનો છોકરો છે જેના પર ભરોસો કદી નહીં મુકાય…”
દીગુભાઈએ વીરબાળાબહેન સામે જોઈ કહ્યું“ ધર્મેશ મારા ભાઈ જેવો છે..એટલે તું ભાભી થાય પણ..મારી
બહેન જેવી પણ છું એટલે મારો બેઉ બાજુ સબંધ છે..વિશ્વાનું હું કદી અહિત નહીં થવા દઉં..એ મારી પણ દીકરી જેવી છે.. સોહુ મારો દીકરો છે..મારા દિલની નજીક છે..મને એના પર પૂરો ભરોસો છે..એ યજ્ઞેશનો દીકરો છે જરૂર..પણ યજ્ઞેશ નથી..ખુબજ સંવેદનશીલ છે વિશ્વા જેવોજ..એ વિશ્વાને કદી દગો નહીં આપે એની ખાતરી હું આપું છું.. આ વખતે મુંબઈ ગયા પછી હું યોગ્ય સમય જોઈને યજ્ઞેશ અને કુસુમ બન્નેને કાને આ છોકરાઓ એકબીજાને પસંદ કરે છે એ વાત નાખી દઈશ..એમાં મને એલોકોનો સાચો તાગ મળી જશેજ. હું સોહુ સાથે પણ વાત કરી લઈશ.. બન્ને છોકરાઓને આપણે શીખ આપવાની.. ભલે કહું સમજુજ છે એ લોકો તોય..કે..મર્યાદા..સીમાનું ધ્યાન રાખે..વીરબાળા બહેન કહે“ મારી વિશ્વા પર મને ખુબ વિશ્વાશ છે ખુબ..એ છોકરી ક્યારેય હદ નહીં વટાવે.. એની અમારી ઈજ્જત આબરૂનું ખુબ ધ્યાન રાખશેજ.. જો કોઈ ભૂલમાંય ચૂક થઇ તો કદી મને મોં નહીં બતાવે..ક્યાં કૂવો પૂરશે ક્યાં પર્વતથી નીચે પડી જીવ આપી દેશે..” એમ બોલતા બોલતા એમના આંખમાં પાણી આવી ગયા..બોલ્યા..ધર્મેશ તમે જુઓને કોઈ ફળિયામાં આવ્યું લાગે છે કોણ છે? “ ધર્મેશભાઈ જેવા બહાર ગયા વીરબાળાબહેને દીગુભાઈની નજીક જઈને કહ્યું..” તમને શું કહું શું છુપાવું?? મારી માંને જ્યારે બધી ખબર પડી
ગયેલી..અને યજ્ઞેશે મને ધુત્કારી કાઢી.. તરછોડી.. માં મને કહે તારું મોં કાળું કર અહીંથી..નિકળ મારા ઘરમાંથી છિનાળ.. મારું આ કૂળનું નામ બોળ્યું..પેલો છોકરો જાત..એણે જાત..સંસ્કાર..શરમ છોડી ખંખેરી જતો રહ્યો..એલોકો પૈસાવાળા એમનું સમાજમાં બધું દબાઈ જાય કોઈ કશુંના બોલે કે ખોતરે.. ખોદે.. તું હવે શું કરીશ બોલ..વીરા.. હું શું કરીશ.?”
“ એ આખીરાત ..બે દિવસ રાતના અમે ખાધું પીધું..ના ઊંઘ્યાં ના બોલ્યા બસ રડતાં રહ્યા..બીજે
દિવસે રાત્રે હળવેથી હું નીકળી જવા ઉભી થઇ..આજે મોત વહાલું કરી માંને લાંછનમાંથી છોડાવું..આવું શ્રાપ
બનેલું જીવન હું ક્યાં સુધી..કેવી રીતે જીવીશ ? પણ.. યજ્ઞેશને મારો વિચારજ ના આવ્યો ? મારુ શું થશે એવું પણ ના વિચાર્યું ? બાપ સામે ઝૂકી ગયો પણ ના અમારો પ્રેમ યાદ રહ્યો ના એ કોઈ અંગત પળોની જવાબદારી સ્વીકારી મને બેજીવની કરીને તરછોડી દીધી..હું હવે જીવ આપી માંને..અને માં ઉઠી ગઈ..બોલી “ એય છોડી..ખબરદાર..બહાર નીકળી છે તો..આપણે આ ઘર..ખોરડું.ફળિયું છોડી દઈશું.. હું તને સારો છોકરો ગોતી પરણાવી દઈશ..ભલે તને ગાળો દઉં હું તારી માં છું..એ કાયરને કુદરત જોશે.. ખબરદાર ફરી મરવાનો વિચાર કર્યો છે તે…આ કાળી રાતે કાળા પડછાયા એકબીજામાં ભળી જશે અસ્તિત્વ ઓગળી જશે દુનિયા પણ આમજ
ભૂલી જશે અને એ કટારનું કાળું મોં તું ફરી જોઇશ નહીં..મારો શ્રાપ નક્કામો નહીં જાય છોકરી..માં ખુબ ગુસ્સામાં બોલી રહી હતી.” હું બોલી પડી..” માં બસ કર હવે વધુના બોલીશ સૌ સૌના કર્મ અને એવા નસીબ ભોગવશે પણ તું કોઈ ઋણ ના બાંધ અને હું કેટલું રડી હતી..” ત્યાં ધર્મેશભાઈ ઘર તરફ આવતા જોઈ વીરબાળાબહેન દીગુભાઈને કહ્યું..” પછી વાત..જે ભેદ કહેવો હતો એતો પેટમાંજ હતો અને એમાંજ રહ્યો..” એમ કહી આંસુસારતા રસોડા તરફ દોડી ગયા..ધર્મેશભાઈ કહે.. “ વીરા..ઓ વીરા..કોઈ નહીં પેલો રાજુ હતો…એ પમ્પ રીપેર કરીને વાડીના રૂમે મૂકી આવ્યો છે.. બે દિવસમાં છઁટ્કાવ કરવાનો છે હું દવાઓ આણી આપીશ..ઠીક છે પણ તું ક્યાં ગઈ ? “
દીગુભાઈ ભારે હૈયે પેટનો..એ સમયનો ભેદ જાણ્યા વિના શૂન્ય મનસક્ય ઉભા રહ્યા..વિચારમાં પડી ગયાં…
વધુઆવતા અંકે. પ્રકરણ-43 અનોખી સફર..