Secrets of Kailash: An Exciting Journey - 13 in Gujarati Adventure Stories by Hardik Galiya books and stories PDF | કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 13

Featured Books
  • వేద - 12

    ముసుగు మనుషుల చేతిపై రుద్ర భైరవ యొక్క Cult of Chaos సంస్థకు...

  • తొలివలపు

    “Wrong Call”రాత్రి 9 గంటలు.హాస్టల్ రూం‌లో నిశ్శబ్దం.బయట వాన...

  • వేద - 11

    వికాస్ చెప్పిన నమ్మలేని నిజానికి బైక్ హ్యాండిల్‌ను గట్టిగా ప...

  • వేద - 10

    రుద్ర భైరవ మనుషులు అర్జున్ ను బెదిరించి వెళ్ళిన తర్వాత, వేదక...

  • వేద - 9

    ఆ తెల్లవారుజామున అర్జున్ కళ్ళు నిద్రకు నోచుకోలేదు. తన క్యాబి...

Categories
Share

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 13

    કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર

પ્રકરણ : 13 – બ્રહ્માંડનું હૃદય

     દોર્જેના કેમ્પની એ આખરી સવાર બરફીલી હતી, પણ તેમાં વિદાયની ઉષ્મા ભળેલી હતી. અમારી તાલીમ પૂરી થઈ ચૂકી હતી. અમે માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ એક નવા આકારમાં ઢળાઈ ચૂક્યા હતા. દોર્જે, નિકુંજ અને પાયલ અમને વળાવવા માટે કેમ્પની હદ સુધી આવ્યા હતા.

      દોર્જેએ મારી સામે જોયું. તેની આંખોમાં એક ગુરુનો સંતોષ હતો. તેણે પોતાના ગળામાંથી એક જૂનું, ઘસાઈ ગયેલું પરવાળાનું લોકેટ કાઢ્યું અને મારા હાથમાં મૂક્યું.

     "પ્રોફેસર," દોર્જેએ ગંભીર અવાજે કહ્યું, "તમે જ્યારે આવ્યા ત્યારે તમારામાં માત્ર જિજ્ઞાસા હતી, હવે તમારામાં સામર્થ્ય છે. આ લોકેટ મારા પિતાનું છે, જેઓ એક શેરપા હતા. એમણે આખી જિંદગી પહાડની સેવા કરી છે. આ તમને રસ્તો નહીં બતાવે, પણ જ્યારે તમે રસ્તો ભૂલી જાવ ત્યારે તમને યાદ અપાવશે કે તમે કોણ છો."

       મેં એ લોકેટને માથે લગાડ્યું. "તમારો આભાર કેવી રીતે માનું દોર્જે? તમે અમને મૃત્યુના મુખમાંથી પાછા લાવીને જીવનનો નવો અર્થ શીખવ્યો છે."

      "આભાર મારો નહીં, તમારી અંદર રહેલી આગનો માનો," દોર્જેએ વનિતા તરફ ફરીને કહ્યું. "અને યાદ રાખજો, તમારી આંતરિક શક્તિ આ પ્રોફેસરના વિજ્ઞાન કરતા મોટી છે. જ્યારે ગણિત ખૂટી પડે, ત્યારે તમારી અંતઃપ્રેરણા પર ભરોસો કરજે."

     નિકુંજ અને પાયલની આંખો ભીની હતી. જે લોકો અમને પાગલ સમજતા હતા, તેઓ આજે અમને પ્રેરણાસ્ત્રોત માનતા હતા, કારણ કે તેમના માટે અમે વિજ્ઞાનની સાથે આધ્યાત્મ જોડનારા પ્રતીક સમાન હતા. તેમને ભેટીને અમે વિદાય લીધી.

     અમે પીઠ પર રકસૅક ચડાવી અને બરફીલા ઢોળાવ પર પગ ઉપાડ્યા. પવનની દિશા અમારી પીઠ પાછળ હતી, જાણે કુદરત અમને ધક્કો મારી રહી હતી. જ્યાં સુધી દોર્જેનો હાથ દેખાતો રહ્યો ત્યાં સુધી અમે પાછળ જોતા રહ્યા, અને પછી એક વળાંક આવ્યો અને કેમ્પ દૃશ્યમાન થતો બંધ થઈ ગયો. હવે અમે અને હિમાલય—બંને એકલા હતા.

       અમે મુખ્ય ટ્રેકિંગ રૂટ પર પાછા ફર્યા. આજુબાજુ બરફના શિખરો મૌન બનીને ઊભા હતા. અમે એક મોટા સપાટ ખડક પર વિસામો લેવા બેઠા. મેં પાણીની બોટલ ખોલી અને વનિતા સામે જોયું.

        "વનિતા," મેં વાત છેડી. "હવે આપણી પાસે બે રસ્તા છે. એક રસ્તો સીધો ઉત્તર તરફ જાય છે, જે ચીનની સરહદ અને કૈલાસ તરફ લઈ જાય છે. આપણી પાસે ડાયરીમાં નકશો છે. આપણે કોઈની મદદ વગર સીધા આગળ વધી શકીએ છીએ. હવે આપણે કોઈ ગાઈડની જરૂર નથી. આપણે દોર્જેની તાલીમમાં એ સાબિત કરી દીધું છે કે આપણે ટકી શકીએ છીએ."

      વનિતાએ પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો અને મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. "અને બીજો રસ્તો?"

       "બીજો રસ્તો..." મેં ખચકાતા કહ્યું, "બીજો રસ્તો પાછળ... ક્યારે ગામ તરફ જાય છે. ગુરુંગ પાસે."

       "તમારું મન શું કહે છે?" વનિતાએ પૂછ્યું.

      મેં મારી બેગમાંથી નિકોલાઈની ડાયરી કાઢી અને તેના પાના ફેરવવા લાગ્યો. "જો વનિતા, મારી તાર્કિક બુદ્ધિ કહે છે કે ગુરુંગ પાસે પાછા જવાનો કોઈ અર્થ નથી. એ માણસે આપણને અપમાનિત કરીને કાઢી મૂક્યા હતા. એણે આપણી ક્ષમતા પર શક કર્યો હતો. હવે આપણી પાસે તાકાત છે, આપણે તેને સાબિત કરવા જવાની શું જરૂર? આપણે સીધા મિશન પર ફોકસ કરવું જોઈએ. સમય ઓછો છે અને રસ્તો લાંબો છે. જો આપણે ગુરુંગ પાસે જઈશું તો ફરીથી તેની મરજીના ગુલામ બની જઈશું. કદાચ તે ફરી કોઈ બહાનું કાઢીને ના પાડી દે."
મેં નકશા પર આંગળી ફેરવી. "આ જો, અહીંથી એક શોર્ટકટ છે જે આપણને સીધા 'હિલ્સા' બોર્ડર તરફ લઈ જશે. આપણે શા માટે કોઈ વૃદ્ધ માણસના અહંકારને પોષવા પાછા જઈએ?"

     વનિતા થોડીવાર ચૂપ રહી. તે પવનમાં ઉડતી બરફની રજકણોને જોઈ રહી હતી. પછી તેણે મારી આંખોમાં જોયું. તેની નજર શાંત પણ ભેદી હતી.

      "હાર્દિક, દોર્જેએ હમણાં જ શું કહ્યું? 'જ્યારે ગણિત ખૂટી પડે ત્યારે અંતઃપ્રેરણા પર ભરોસો કરજે.' તમારું વિજ્ઞાન કહે છે કે આપણે તૈયાર છીએ, પણ મારું મન કહે છે કે આપણે હજી અધૂરા છીએ."

      "અધૂરા? આપણે ૩૬ કલાક ભૂખ્યા રહીને પહાડ ચડ્યા છીએ!" હું થોડો અકળાયો.

     "શારીરિક રીતે પૂરા છીએ, પણ આત્મિક રીતે?" વનિતાએ દલીલ કરી. "યાદ કરો ગુરુંગના શબ્દો. તેણે કહ્યું હતું: 'પહાડની સેવા કરવી હોય તો અંદર આવો.' તેણે આપણને એટલા માટે કાઢ્યા હતા કારણ કે આપણે ત્યારે 'ટૂરિસ્ટ' હતા, આપણે આપણા અહંકાર અને તર્ક સાથે ગયા હતા. આજે આપણે બદલાઈ ગયા છીએ. જો આપણે સીધા કૈલાસ જઈશું, તો એ ચોરીછૂપીથી ઘૂસવા જેવું થશે. પણ જો ગુરુંગ આપણને લઈ જશે, તો એ 'પરવાનગી' સાથેનો પ્રવેશ હશે."

      "પણ એણે ના પાડી તો?" મને હજી શંકા હતી.

      "તો આપણે ફરી પ્રયત્ન કરીશું," વનિતા મક્કમ હતી. "તમે જ કહેતા હતા ને કે કૈલાસના રહસ્યો જાણવા માટે કોઈ ચાવી જોઈએ. મને લાગે છે કે ગુરુંગ એ ચાવી છે. નિકોલાઈની ડાયરી આપણને રસ્તો બતાવશે, પણ એ રસ્તા પર આવતા ખતરાઓ સામે લડવાનું જ્ઞાન તો ગુરુંગ પાસે જ છે. તે ત્યાંનો રક્ષક છે. રક્ષકની રજા વગર ગર્ભગૃહમાં પ્રવેશ ન કરાય, હાર્દિક."

     તેની દલીલમાં વજન હતું. હું જાણતો હતો કે કૈલાસ કોઈ સામાન્ય પર્વત નથી. ત્યાં ભૌતિક નિયમો બદલાઈ જાય છે. નિકોલાઈની ડાયરીમાં લખેલા ચેતવણીના શબ્દો મને યાદ આવ્યા— 'મિરર ઓફ ટાઈમ'. શું અમે એકલા હાથે એનો સામનો કરી શકીશું?

     "તારી વાત સાચી છે," મેં અંતે સ્વીકાર્યું. મારો અહંકાર ઓગળી ગયો. "આપણે માત્ર શરીર મજબૂત કર્યું છે, પણ રસ્તાની સમજ તો ગુરુંગ પાસે જ છે. આપણે અભિમન્યુ બનીને કોઠામાં નથી ઘૂસવું, અર્જુન બનીને જવું છે. કૃષ્ણ જેવા સારથિની જરૂર પડશે."

    "તો નક્કી?" વનિતાએ સ્મિત કર્યું.

     "નક્કી. આપણે પાછા ક્યારે જઈએ છીએ. ગુરુંગ પાસે."
અમે નીચે ઉતરવાનું શરૂ કર્યું. પોખરા થઈને ફરી પાછા ક્યારે જવા માટે વાહન શોધવું પડે તેમ હતું. અમે બરફીલા રસ્તાઓ ઉતરીને મુખ્ય હાઈવે પર આવ્યા. ત્યાંથી અમને એક ખખડધજ જીપ મળી જે પોખરા તરફ જતી હતી. જીપમાં અમે બેઠા.

      પોખરા પહોંચીને અમે ક્યારે ગામ તરફ જતી એક 'શેરિંગ જીપ' શોધી. આ જીપમાં સ્થાનિક લોકો, શાકભાજીના કોથળા અને મરઘાં-બતકાં ભરેલા હતા. અમારી પાસે હવે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટની અપેક્ષા નહોતી. અમે પાછળની સીટ પર, સામાનની વચ્ચે સંકોચાઈને બેઠા.

      જીપમાં અમારી બાજુમાં એક વૃદ્ધ સજ્જન બેઠા હતા. તેમનો દેખાવ તેજસ્વી હતો. તેમણે ભગવા રંગનું સાદું વસ્ત્ર પહેર્યું હતું, પણ તેઓ કોઈ પરંપરાગત સાધુ જેવા નહોતા લાગતા. તેમના ચહેરા પર સફેદ દાઢી હતી અને આંખોમાં એક અજબ પ્રકારની મસ્તી હતી. કપાળ પર ચંદનનું તિલક હતું અને હાથમાં એક લાકડાની લાકડી હતી.
રસ્તાના આંચકાઓ વચ્ચે જીપ આગળ વધી રહી હતી. તે સાધુ થોડીવાર અમારી સામે જોઈ રહ્યા.

      "ક્યાં જઈ રહ્યા છો, બાળકો?" તે સાધુએ શુદ્ધ હિન્દીમાં પૂછ્યું. તેમનો અવાજ પહાડી ઝરણા જેવો ખળખળતો હતો.

     "ક્યારે ગામ," મેં કહ્યું. "અને ત્યાંથી આગળ... ઈશ્વરની મરજી. તમે ક્યાં જઈ રહ્યા છો?"

      સાધુ હસ્યા. "ઈશ્વરની મરજી તો હંમેશા હોય જ છે, આપણી તૈયારી હોવી જોઈએ. મારું નામ સ્વામી સત્યાનંદ છે. હું મુક્તિનાથ દર્શન કરીને પાછો ફરી રહ્યો છું અને હવે માનસરોવર તરફ જઈ રહ્યો છું."

       "એટલે તમે કૈલાસ જાવ છો?" વનિતાએ કુતૂહલથી પૂછ્યું.

      "હા," સ્વામીજીએ કહ્યું. "વર્ષોથી જાઉં છું."

      "તમને ત્યાં કેવો અનુભવ થાય છે?" મેં પૂછ્યું.

      "દર વખતે કૈલાસ નવો લાગે છે. તમે અનુભવ કરજો," એ સાધુ થોડીવાર મૌન રહી બોલ્યા.

      મેં તક ઝડપી લીધી. એક જિજ્ઞાસુ તરીકે મેં પૂછ્યું, "સ્વામીજી, એક પ્રશ્ન પૂછું? હું ભૂગોળનો શિક્ષક છું અને થોડું વિજ્ઞાન પણ જાણું છું. દુનિયાભરમાં આટલા બધા પર્વતો છે, એવરેસ્ટ સૌથી ઊંચો છે, તો પછી કૈલાસ જ કેમ આટલો મહત્વનો? કેમ બધા ધર્મો ત્યાં જ ખેંચાય છે?"

       જીપ એક વળાંક પર ઝૂકી. સ્વામીજીએ બારી બહાર દેખાતા પહાડો સામે જોયું અને પછી મારી સામે. તેમની આંખોમાં જ્ઞાનનો સાગર હતો.

       "બેટા, ઊંચાઈ એવરેસ્ટની ભલે વધારે હોય, પણ ગહેરાઈ કૈલાસની વધારે છે," સ્વામીજીએ રહસ્યમય સ્મિત સાથે શરૂઆત કરી. "તારું વિજ્ઞાન જેને ‘કેન્દ્ર’ કહે છે, તેને જ અમે 'મેરુદંડ' કહીએ છીએ. આ દુનિયામાં કૈલાસ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં ચાર મહાન શ્રદ્ધાઓ એકઠી થાય છે, છતાં તેમના રસ્તા અલગ છે. સાંભળ."તેમણે લાકડાની લાકડીથી જીપના ફ્લોર પર એક બિંદુ દોરવાનો અભિનય કર્યો.

      "પહેલા જૈન ધર્મની વાત કરીએ. જૈનો માટે આ 'અષ્ટાપદ' છે. તેઓ માને છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવને અહીં જ મોક્ષ મળ્યો હતો. તેમના માટે આ ત્યાગ અને નિર્વાણનું શિખર છે."

    "મહારાજ, તમે હમણાં જૈન ધર્મ અને 'અષ્ટાપદ' નો ઉલ્લેખ કર્યો હતો. શું જૈન ધર્મમાં આ પર્વતનું મહત્વ માત્ર મોક્ષ પૂરતું જ સીમિત છે કે તેની પાછળ પણ કોઈ વિજ્ઞાન છે?"વનિતાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું 

     "દીકરી, જૈન દર્શનમાં કૈલાસનું સ્થાન અદ્વિતીય છે. તમે જેને બરફનો પહાડ જુઓ છો, જૈન શાસ્ત્રો તેને 'અદ્રશ્ય સિદ્ધિનું કેન્દ્ર' માને છે."

      તેમણે આગળ સમજાવતા કહ્યું, "આ પર્વતને 'અષ્ટાપદ' કહેવા પાછળ બહુ ગહન રહસ્ય છે. 'અષ્ટ' એટલે આઠ. આ માત્ર આઠ પગથિયાંની વાત નથી, પણ આત્માને બાંધતા 'આઠ કર્મો' ની વાત છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય... આવા આઠ પ્રકારના અત્યંત કઠિન કર્મોને જે તોડી શકે, તે જ અહીંથી સિદ્ધિ પામે છે."

      "આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં આ યુગના પ્રથમ તીર્થંકર, ભગવાન આદિનાથ (ઋષભદેવ) એ હજારો વર્ષોની કઠોર તપસ્યા પછી નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે તેમણે અહીં દેહ છોડ્યો, ત્યારે તેમની સાથે દસ હજાર મુનિઓ પણ મોક્ષે ગયા હતા. વિચારો, એકસાથે આટલી પ્રચંડ ચેતનાઓ જ્યાં મુક્ત થઈ હોય, ત્યાંનું વાતાવરણ કેવું ઊર્જાવાન હશે!"
મહારાજનો અવાજ હવે એક અલગ જ ભાવવિશ્વમાં જઈ રહ્યો હતો.
 
     "અને તમને એક રોમાંચક વાત કહું? જૈન ગ્રંથો કહે છે કે ભગવાન ઋષભદેવના પુત્ર, ભરત ચક્રવર્તી—જેમના નામ પરથી આ દેશનું નામ 'ભારત' પડ્યું—તેમણે પોતાના પિતાની સ્મૃતિમાં અહીં 'સિંહ-નિષદ' નામનું એક ભવ્ય મંદિર બનાવ્યું હતું."

     "મંદિર?" મેં આશ્ચર્યથી પૂછ્યું, "આ બરફમાં?"

     "હા," મહારાજે દ્રઢતાથી કહ્યું. "એ કોઈ સામાન્ય મંદિર નહોતું. કહેવાય છે કે તે મંદિર સુવર્ણ અને કિંમતી રત્નોથી મઢેલું હતું. તેમાં ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ સ્થાપિત હતી. પણ કાળક્રમે મનુષ્યોની દાનત બગડવા લાગી, લોભ વધવા લાગ્યો. તેથી દેવતાઓએ એ સુવર્ણ મંદિરને બરફની જાડી ચાદર નીચે ઢાંકી દીધું. આજે પણ ઘણા સાધકો માને છે કે જો કોઈ સાચો તપસ્વી આવે, તો બરફની નીચે દબાયેલું એ દિવ્ય મંદિર તેને દેખાઈ શકે છે."

     તેમણે વનિતા સામે જોઈને કહ્યું, "જૈન ધર્મ માને છે કે કૈલાસ એટલે કે અષ્ટાપદ, એ પૃથ્વી પરનું એકમાત્ર એવું સ્થાન છે જે સીધું 'સિદ્ધશિલા' (મોક્ષનું સ્થાન) સાથે જોડાયેલું છે. અહીંથી મુક્ત થયેલો આત્મા કોઈ પણ અટકાવ વગર બ્રહ્માંડની પેલે પાર જઈ શકે છે. અહીં ગુરુત્વાકર્ષણ માત્ર શરીરનું જ નહીં, પણ કર્મોનું પણ ઘટી જાય છે."
"એટલે જ," મહારાજે નિષ્કર્ષ આપતા કહ્યું, "જ્યારે કોઈ જૈન મુનિ અહીં આવે છે, ત્યારે તે પર્વત ચડવા નથી આવતો, પણ પોતાના આંતરિક શત્રુઓને—ક્રોધ, માન, માયા અને લોભને—હરાવવા આવે છે. આ પહાડ અહંકાર ઓગાળવાની ભઠ્ઠી છે, પ્રોફેસર."

      આ સાંભળીને મને લાગ્યું કે કૈલાસ માત્ર ભૂગોળનો ટુકડો નથી, પણ માનવજાતના આધ્યાત્મિક ઇતિહાસનું સૌથી મોટું સંગ્રહાલય છે.

      તેમણે આગળ કહ્યું, "બીજા છે બૌદ્ધો. તેમના માટે કૈલાસ 'કાંગ રિમ્પોચે' છે. તેઓ માને છે કે અહીં 'ચક્રસંવર' દેવતા બિરાજે છે જે પરમ આનંદનું સ્વરૂપ છે."

જૈન ધર્મના 'અષ્ટાપદ' અને ઋષભદેવની વાત સાંભળીને અમે મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બહાર જીપ ચાલતા પાછળ ધૂળની ડમરીઓ ઉડતી હતી અને ઠંડો પવન પણ લાગતો હતો,જીપમાં લોકોનો કોલાહલ પણ અવિરત ચાલુ હતો. છતાં પણ મહારાજની વાણીએ અમારા મનમાં એક અલગ જ શાંતિ સ્થાપી દીધી હતી.

     મેં પૂછ્યું, "મહારાજ, આપણે જૈન ધર્મની વાત કરી, પણ આ આખો વિસ્તાર તો બૌદ્ધ સંસ્કૃતિથી ઘેરાયેલો છે. શું બૌદ્ધ લામાઓ પણ આ પર્વતને એટલું જ મહત્વ આપે છે?"

      સાધુ મહારાજે હકારમાં માથું ધુણાવ્યું. તેમની આંખોમાં એક ઊંડી સમજણ હતી. "પ્રોફેસર, બૌદ્ધ ધર્મમાં તો કૈલાસનું સ્થાન કલ્પનાતીત છે. તમે જેને પથ્થરનું શિખર માનો છો, તેને બૌદ્ધ લામાઓ 'કાંગ રિન્પોચે' કહે છે."

     "કાંગ રિન્પોચે?" વનિતાએ પૂછ્યું.

    "હા," મહારાજે સમજાવ્યું, "તિબેટિયન ભાષામાં તેનો અર્થ થાય છે— 'બરફનું બહુમૂલ્ય રત્ન.' બૌદ્ધ શાસ્ત્રો મુજબ કૈલાસ એ માત્ર પહાડ નથી, પણ આખા બ્રહ્માંડનું 'મંડાલા' છે."

     તેમણે લાકડી વડે નીચે એક વર્તુળ દોર્યું અને તેના કેન્દ્રમાં બિંદુ કર્યું. "મંડલા એટલે બ્રહ્માંડની ડિઝાઈન, તેનું કેન્દ્ર. બૌદ્ધો માને છે કે કૈલાસ એક દિવ્ય કમળ સમાન છે અને તેની ચારેય દિશાઓમાંથી ચાર મહાન નદીઓ—સિંધુ, બ્રહ્મપુત્રા, સતલજ અને કરનાલી—નીકળે છે, જે અડધા એશિયાને જીવન પૂરું પાડે છે."

      મહારાજે અવાજ સહેજ ધીમો કરીને એક રહસ્ય ખોલ્યું, "બૌદ્ધ માન્યતા છે કે કૈલાસના શિખર પર ભગવાન બુદ્ધનું સૌથી ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ 'ચક્રસંવર' અથવા તિબેટિયન ભાષામાં 'ડેમચોક' વાસ કરે છે."

     "ઉગ્ર સ્વરૂપ?" મને આશ્ચર્ય થયું. "બુદ્ધ તો શાંતિ અને કરુણાના પ્રતીક છે ને?"

     સાધુ મહારાજ ગંભીરતાથી હસ્યા. "બેટા, શાંતિ ત્યારે જ આવે જ્યારે અંદરનું યુદ્ધ પૂરું થાય. 'ડેમચોક' એ અજ્ઞાન અને અહંકારનો નાશ કરનારું સ્વરૂપ છે. બૌદ્ધ સાધકો અહીં 'કોરા' (પરિક્રમા) કરવા આવે છે. તેઓ માને છે કે ૧૦૮ વાર પરિક્રમા કરવાથી આ જ જન્મમાં 'નિર્વાણ' મળી જાય છે."

     પછી મહારાજે એક બહુ જ રસપ્રદ દંતકથા કહી, જે વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજાવતી હતી.

     "તમને ખબર છે બૌદ્ધ ધર્મ કૈલાસ પર કેવી રીતે સ્થાપિત થયો?" મહારાજે પૂછ્યું. "સદીઓ પહેલાં, મહાન બૌદ્ધ યોગી મિલા રેપા અને તે સમયના તિબેટના સ્થાનિક 'બોન' ધર્મના જાદુગર નારો બોન-ચુંગ વચ્ચે શરત લાગી હતી કે કૈલાસનો સાચો માલિક કોણ? શરત એ હતી કે જે પોતાની શક્તિથી કૈલાસની ટોચ પર પહેલા પહોંચશે, તે જીતશે."
અમે શ્વાસ રોકીને સાંભળી રહ્યા હતા.

      "જાદુગર નારો બોન-ચુંગ પોતાના જાદુઈ ડમરુ પર બેસીને આકાશમાર્ગે ઝડપથી ઉપર ઉડવા લાગ્યો," મહારાજે ચિત્રાત્મક રીતે વર્ણન કર્યું. "જ્યારે મિલા રેપા તો નીચે શાંતિથી ધ્યાનમાં બેસી રહ્યા હતા. બધાને લાગ્યું કે મિલા રેપા હારી ગયા. જાદુગર શિખરની નજીક પહોંચવા જ આવ્યો હતો, ત્યાં સૂર્ય ઉગ્યો."

       મહારાજની આંખો ચમકી ઉઠી. "જેવું સૂર્યનું પહેલું કિરણ કૈલાસની ટોચ પર પડ્યું, મિલા રેપાએ આંખ ખોલી અને તેઓ સૂર્યના એ કિરણ પર સવાર થઈને પલકારામાં સીધા ટોચ પર પહોંચી ગયા! જાદુગર ત્યાં પહોંચે તે પહેલાં તો મિલા રેપા ત્યાં બિરાજમાન હતા."

     "આ ચમત્કાર હતો?" વનિતાએ પૂછ્યું.

     "ના, આ સંદેશ હતો," મહારાજે અમારા બંને સામે જોઈને કહ્યું. "જાદુગર એટલે 'અહંકાર' અને 'પ્રયત્ન', જ્યારે મિલા રેપા એટલે 'સમર્પણ' અને 'જ્ઞાન'. કૈલાસને જીતવા માટે બળ કે તંત્રની નહીં, પણ પ્રકાશની જરૂર પડે છે. મિલા રેપા ટોચ પર પહોંચનારા એકમાત્ર માનવી હતા, છતાં તેમણે પાછા આવીને કહ્યું કે—'આ પવિત્ર શાંતિને કોઈના પગલાંથી ડહોળવી ન જોઈએ.' ત્યારથી બૌદ્ધો પણ શિખર પર ચડતા નથી, માત્ર દૂરથી વંદન કરે છે."

     મહારાજની વાત પૂરી થઈ ત્યારે મને સમજાયું કે અમે પણ પેલા જાદુગરની જેમ 'સાધનો' અને 'નકશા' લઈને કૈલાસ જીતવા નીકળ્યા હતા, પણ જરૂર તો મિલા રેપા જેવા 'સમર્પણ' ની હતી. કદાચ એટલે જ ગુરુંગે અમને પાછા કાઢ્યા હતા.

     "અને હિન્દુ ધર્મ?" વનિતાએ પૂછ્યું.

      સ્વામીજીનો ચહેરો ચમકી ઉઠ્યો. "આપણા માટે, સનાતન ધર્મ માટે, કૈલાસ એ સાક્ષાત 'શિવ' છે. શિવ એટલે કોઈ વ્યક્તિ નહીં, પણ 'આદિયોગી'. જેમ આપણા શરીરમાં કરોડરજ્જુ હોય જેના પર આખું શરીર ટકેલું છે, બસ તેમ જ આ કૈલાસ પૃથ્વીનો આધારસ્તંભ છે. આ એ બિંદુ છે જ્યાં ભૌતિક જગત પૂરું થાય છે અને દિવ્ય જગતની શરૂઆત થાય છે. અહીં ધરતી અને આકાશનું મિલન થાય છે."

      તેમણે આગળ કહ્યું, "તમે જોયું હશે કે બીજા પર્વતો પર લોકો ચડી શકે છે, પણ કૈલાસ પર? ના. કારણ કે હિન્દુ ધર્મ માટે આ પથ્થર નથી, સાક્ષાત 'સ્વયંભૂ લિંગ' છે. આપણે શિવના મસ્તક પર પગ નથી મૂકતા, ચરણમાં બેસીએ છીએ. કૈલાસને જીતવાનો નથી હોતો, ત્યાં તો અહંકાર હારી જાય તો જ શિવ મળે."

      "અહંકાર હારી જાય?" મેં વચ્ચે પૂછ્યું.

      "હા," સાધુ મહારાજે સમજાવ્યું, "કૈલાસની તળેટીમાં બે સરોવર છે. એક 'રાક્ષસ તાલ' – જેનું પાણી ખારું છે અને તોફાની છે, એ આપણો 'અહંકાર' છે. બીજું 'માનસરોવર' – જે શાંત અને મીઠું છે, એ આપણું 'શુદ્ધ મન' છે. શિવને પામવા માટે પહેલાં રાક્ષસ તાલ જેવા અહંકારને છોડીને માનસરોવર જેવા નિર્મળ થવું પડે."

       સ્વામીજીએ થોડી ક્ષણ વિરામ લીધો અને રહસ્યમય રીતે કહ્યું, "અને તમને ખબર છે? ત્યાં સમય પણ થંભી જાય છે. ત્યાં ગયા પછી મનુષ્યને સમજાય છે કે ભૂતકાળ અને ભવિષ્ય જેવું કશું હોતું જ નથી, માત્ર 'વર્તમાન' હોય છે. સનાતન સત્ય."

       વનિતાએ મારી સામે જોયું. અમે બંને સમજી ગયા કે સ્વામીજી શું કહી રહ્યા હતા. દોર્જેની તાલીમ અને ગુરુંગનો અસ્વીકાર—બધું જ અમને આ 'લાયકાત' કેળવવા માટે જ હતું.

      "તો શું અમે લાયક છીએ?" વનિતાએ પૂછ્યું.

      સ્વામીજીએ વનિતાના માથે હાથ મૂક્યો. "દીકરી, જે પ્રશ્ન પૂછે છે તે જ લાયક હોય છે. જેને એમ વહેમ હોય કે 'હું લાયક છું', તે ક્યારેય પહોંચી શકતો નથી. તમારી આંખોમાં મેં એક તરસ જોઈ છે. તમે પ્રવાસી નથી, તમે યાત્રી છો. પ્રવાસી ફરવા જાય છે, યાત્રી બદલવા જાય છે."

      વાતોના પ્રવાહમાં સમય ક્યાં વીતી ગયો ખબર જ ન પડી. ત્યાં જ ડ્રાઈવરે બૂમ પાડી, "તાતોપાની વાળા ઉતરવા આવો!"

        આ સાંભળી સાધુ મહારાજ પોતાની ઝોળી લઈને ઊભા થયા. તાતોપાની જંગલની વચ્ચે આવેલું એક નાનકડું સ્થળ હતું, જ્યાંથી આગળ ખોપરા ડાંડાનું ચઢાણ શરૂ થતું હતું. મહારાજને ઉતરતા જોઈને મેં અને વનિતાએ એકબીજા સામે જોયું. અમારી આંખો મળી અને વગર બોલ્યે નિર્ણય લેવાઈ ગયો. ગુરુંગ પાસે તો પછી પણ જવાશે, પણ આવો સત્સંગ ફરી નહીં મળે.

      અમે અમારી બેગો ઉઠાવી અને મહારાજની પાછળ પાછળ જીપમાંથી ઉતરી ગયા. જીપ ધૂળ ઉડાડતી આગળ નીકળી ગઈ અને અમે તાતોપાનીની નીરવ શાંતિમાં આવી ગયા. આસપાસ બકરવાલના નેસડા અને ગાઢ જંગલ હતું.

      મહારાજ સહેજ મલક્યા, જાણે તેમને ખબર જ હતી કે અમે તેમની સાથે આવવાના છીએ. તેમણે લાકડીના ટેકે જંગલની કેડી પર ચાલવાનું શરૂ કર્યું અને કહ્યું, "ચાલો, મારો મઠ અહીં નજીકમાં જ છે."

        અમે તેમની સાથે ચાલતા ચાલતા જંગલમાં પ્રવેશ્યા. તાતોપાનીના ઉષ્ણ ઝરણાંઓની હૂંફ જેવી ઓસરી, ત્યાં જ પ્રકૃતિએ પોતાનું રૌદ્ર અને ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું. સભ્યતાનો કોલાહલ પાછળ રહી ગયો અને સામે ઊભું હતું—એક આદિમ, અવાવરું અને નિબિડ અરણ્ય. અહીંના વૃક્ષો કેવળ વનસ્પતિ નહોતા, પણ જાણે સદીઓ પુરાણા કોઈ મહાકાય ચોકીદારો હતા. ગગનચૂંબી દેવદાર અને ચીડના વૃક્ષો આકાશને આંબવાની હોડમાં એવા તો ગીચોગીચ ઉભા હતા કે મધ્યાહ્ન સૂર્યના કિરણોને પણ ધરતીને ચુંબવા માટે સંઘર્ષ કરવો પડતો. દિવસના પહોરમાં પણ ત્યાં સંધ્યાકાળ જેવો અંધકાર અને ભેજવાળી ઠંડક પ્રસરેલી રહેતી.

       એક તરફ પાતાળ જેવી ઉંડી ખીણમાં વહેતી કાલી ગંડકી નદીનો ભયાનક ગર્જનાદ સંભળાતો હતો, જાણે તે પર્વતોનું કાળજુ ચીરીને દોડી રહી હોય. તો બીજી તરફ, પર્વતની ટોચ પરથી ઉતરતું ધુમ્મસ જંગલને પોતાની સફેદ ચાદરમાં લપેટી લેતું હતું. પવનના સુસવાટા જ્યારે વૃક્ષોની ઘટાઓમાંથી પસાર થતા, ત્યારે એક વિચિત્ર સીસોટી જેવો અવાજ ગુંજી ઉઠતો. દરેક વળાંક પર એવું લાગતું હતું કે જાણે આ જંગલ કોઈ ગૂઢ રહસ્ય છુપાવીને બેઠું છે.

       અમે સૂકા પાંદડા પર ચાલતા હતા ત્યારે વનિતાએ ફરી પૂછ્યું, "મહારાજ, તમે હિન્દુ અને બૌદ્ધ ધર્મની વાત કરી, પણ શું આ પર્વત બીજા કોઈ ધર્મમાં પણ પૂજાય છે?"

       ચાલતા ચાલતા મહારાજે પાછળ ફરીને જોયું અને કહ્યું, "હા બેટા, જૈન ધર્મ માટે તો આ મુક્તિનું ધામ છે. જૈન શાસ્ત્રો કૈલાસને 'અષ્ટપદ' તરીકે ઓળખે છે. અષ્ટ એટલે આઠ અને પદ એટલે ડગલાં. માન્યતા છે કે આ પર્વત પર આઠ પગથિયાં છે જે સીધા મોક્ષ તરફ લઈ જાય છે. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવજીએ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું."

         વાતો કરતા કરતા અમે એક ખુલ્લી જગ્યાએ આવી પહોંચ્યા. સામે લાકડા અને પથ્થરથી બનેલો એક શાંત આશ્રમ દેખાતો હતો. મહારાજે આશ્રમ તરફ ઈશારો કરતા સમાપન કર્યું, "જોયું બાળકો? પહાડ એક જ છે, પણ દ્રષ્ટિ અલગ છે. કોઈને શિવ દેખાય, કોઈને બુદ્ધ તો કોઈને ઋષભદેવ. પણ બધાનો સાર એક જ છે - શૂન્ય થઈને અનંતમાં ભળી જવું."

        આ મઠ લાકડાના મોટા લઠ્ઠાઓ અને કાળા પથ્થરોને એકબીજા સાથે ગોઠવીને બનાવવામાં આવ્યો હતો. તેની છત પર પહાડી પથ્થરની તકતીઓ ઢાળેલી હતી. આશ્રમના આંગણામાં જંગલી ગુલાબ અને ગલગોટાના છોડ પવનમાં ઝૂલી રહ્યા હતા. પ્રવેશદ્વાર પર પાંચ રંગની નાની-નાની બૌદ્ધ ધજાઓ ફરકી રહી હતી.

      મહારાજે લાકડાનો દરવાજો ખોલ્યો અને અમને અંદર આવવા ઈશારો કર્યો. "પધારો, આ ફકીરની ઝૂંપડીમાં તમારું સ્વાગત છે."

     અમે જેવો અંદર પગ મૂક્યો, બહારની ટાઢ અચાનક ગાયબ થઈ ગઈ અને એક અનોખી હૂંફનો અનુભવ થયો. અંદરનો ઓરડો ઓછો પ્રકાશિત હતો, પણ મધ્યમાં સળગતી ધૂણી આખા ઓરડાને કેસરી પ્રકાશથી ભરી રહી હતી. હવામાં લોબાન અને જડીબુટ્ટીઓ બળવાની એક મીઠી અને માદક સુગંધ ફેલાયેલી હતી. એક ખૂણામાં વાઘના ચામડા જેવું આસન હતું અને તેની પાછળ એક નાનકડી પાટલી પર શિવનું ત્રિશૂળ, બુદ્ધની મૂર્તિ અને મોરપિચ્છ એકસાથે મુકેલા હતા.
મહારાજે અમને ધૂણીની નજીક પાથરેલા ગરમ ધાબળા પર બેસવા કહ્યું અને એક માટીના વાસણમાંથી ગરમ ઉકાળો કાઢીને આપ્યો. ગરમ ઉકાળાનો ઘૂંટડો ભરતા વનિતાની નજર દીવાલ પર દોરેલા એક વિચિત્ર પ્રતીક પર પડી. તે સ્વસ્તિક જેવું હતું, પણ આપણા હિન્દુ સ્વસ્તિક કરતાં સહેજ અલગ અને ઊંધું હતું.

      વનિતાએ પૂછ્યું, "મહારાજ, શિવ, બુદ્ધ અને ઋષભદેવની વાત તો સમજાઈ, પણ આ ચિન્હ શેનું છે? આ તો ઊંધું છે!"
સાધુ મહારાજના ચહેરા પર એક ગૂઢ સ્મિત ફરી વળ્યું. તેમણે ધૂણીમાં એક લાકડું સરખું કરતા કહ્યું, "બેટા, તેં બહુ ઝીણી નજર કરી. લોકો હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ વિશે જાણે છે, પણ કૈલાસનો સૌથી જૂનો અને મૂળ રક્ષક ધર્મ તો 'બોન પા' છે. તિબેટમાં બૌદ્ધ ધર્મ આવ્યો તે પહેલાં ત્યાં આ 'બોન' ધર્મ હતો."

     "તેઓ ઊંધું સ્વસ્તિક કેમ વાપરે છે?" મેં પૂછ્યું.

       મહારાજનો અવાજ હવે વધુ ગંભીર અને ભારી થઈ ગયો હતો. "કારણ કે તેમનું માનવું છે કે શક્તિ મેળવવા માટે પ્રવાહની સાથે નહીં, પણ પ્રવાહની સામે તરવું પડે. તેઓ માને છે કે જો મૂળ સ્ત્રોત સુધી પહોંચવું હોય તો સમયના ચક્રને ઊંધું ફેરવવું પડે. તેમના માટે કૈલાસ એ બ્રહ્માંડનું 'પાવર હાઉસ' છે અને ઊંધી પરિક્રમા કરીને તેઓ એ ઊર્જાને પોતાનામાં સમાવે છે."

        મહારાજે ઉકાળાનો ખાલી વાટકો નીચે મૂક્યો અને કહ્યું, "આ દુનિયાનું એકમાત્ર એવું તીર્થ છે બાળકો, જ્યાં અલગ-અલગ ધર્મના લોકો એકસાથે ચાલે છે. કોઈ જમણે ચાલે છે તો કોઈ ડાબે, કોઈ શિવને શોધે છે તો કોઈ શૂન્યને... પણ બધાની નજર તો પેલા બરફીલા શિખર પર જ હોય છે."

       મઠની અંદરના એ ગરમ વાતાવરણમાં અને બહારના ઠંડા પવન વચ્ચે, સાધુ મહારાજે અમને કૈલાસનું ચોથું અને સૌથી અજાણ્યું પાસું બતાવ્યું હતું. અમને લાગ્યું કે આ પર્વત કોઈ સામાન્ય ભૂગોળનો ભાગ નથી, પણ હજારો વર્ષોના રહસ્યો સાચવીને બેઠેલો એક જીવંત ગ્રંથ છે.

      હજુ અમે આ વાતોના પ્રભાવમાં હતા ત્યાં જ બહારથી કોઈકનો ભારે અવાજ આવ્યો, જાણે કોઈ સાધુ મહારાજને બોલાવી રહ્યું હોય.
સાધુ મહારાજે અમને ચૂપ રહેવા ઈશારો કર્યો અને પોતાના આસન પરથી ઊભા થયા. તેમણે ભારે લાકડાનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાની સાથે જ બહારથી ઠંડા પવનનું એક ભયાનક સૂસવાટું અંદર ધસી આવ્યું, જેનાથી ધૂણીની જ્વાળાઓ પણ એક પળ માટે ફફડી ઉઠી.

       દરવાજામાં એક ભીમકાય પડછાયો ઊભો હતો. એ એક સ્થાનિક શેરપા હતો. તેનો ચહેરો સૂર્યના તાપથી તામ્રવર્ણો થઈ ગયો હતો અને આંખો ઝીણી પણ તેજસ્વી હતી. તેના ખભા પર બરફની સફેદ રજકણો જામેલી હતી અને શ્વાસ લેતી વખતે તેના મોંમાંથી વરાળ નીકળી રહી હતી.

      "બાબાજી! મોસમ બગડ ગ્યો હૈ!" શેરપાએ પોતાની પહાડી હિન્દી મિશ્રિત ભાષામાં હાંફતા હાંફતા કહ્યું.

     સાધુ મહારાજે તેને અંદર ખેંચી લીધો અને દરવાજો બંધ કર્યો. "શાંત થઈ જા. અંદર આવીને બેસ."

      તે અંદર આવ્યો અને ધૂણી પાસે હાથ શેકવા લાગ્યો. અચાનક તેની નજર મારા અને વનિતા પર પડી. અમને જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ.

     "અરે! યહાં ટૂરિસ્ટ? ઇતની રાત કો?" તેણે આશ્ચર્ય અને ચિંતાથી સાધુ સામે જોયું. "બાબાજી, ખોપરા ડાંડા ઉપર કાળાં ડિબાંગ વાદળો ઘેરાયા છે. બરફનું તોફાન આવવાની તૈયારી છે. આ લોકોને અહીંથી પાછા મોકલવા પણ હવે શક્ય નથી અને ઉપર જવું તો મોતને આમંત્રણ આપવા જેવું છે."

     વનિતાના ચહેરા પર ગભરાટ ફરી વળ્યો. તેણે મારો હાથ પકડી લીધો. "આપણે ફસાઈ ગયા?" તેણે ધીમા અવાજે પૂછ્યું.

      સાધુ મહારાજે તેને પેલો ગરમ ઉકાળો આપ્યો અને શાંતિથી હસ્યા. "જે મહેમાન મારા મઠમાં હોય, તેની ચિંતા પ્રકૃતિ પોતે કરે છે. આજની રાત મહાદેવની ઈચ્છા હશે કે આ બાળકો અહીં જ રોકાય."

      આગંતુકે થોડીવાર અમને તાકીને જોયું, પછી સહેજ હળવો થયો. તેણે પોતાની બરફવાળી ટોપી ઉતારી અને મારી સામે જોઈને બોલ્યો, "તમે નસીબદાર છો સાહેબ. જો તમે દસ મિનિટ પણ મોડા પડ્યા હોત અને રસ્તામાં હોત, તો બરફના તોફાનમાં રસ્તો ભૂલી ગયા હોત. તાતોપાનીથી આગળનો રસ્તો દગો દેતા વાર નથી લગાડતો."

      બહાર પવનનો અવાજ હવે ડરામણો થઈ રહ્યો હતો. સૂસવાટાના અવાજ સાથે આખો મઠ ધ્રૂજતો હતો. પણ અંદર સાધુ મહારાજની હાજરી અને ધૂણીની ઉષ્મા એક અજબ સુરક્ષા આપી રહી હતી. મહારાજે ચિમટો ઉપાડ્યો અને ધૂણીમાં એક સુગંધી લાકડું નાખ્યું.

      "જોયું બાળકો? આપણે હમણાં જ કૈલાસની વાત કરતા હતા ને? પહાડનો મિજાજ પણ કૈલાસના શિવ જેવો છે. ક્યારેક ભોળાનાથ બનીને શાંત થઈ જાય, તો ક્યારેક રુદ્ર બનીને તાંડવ કરે."

     વનિતાએ ડરતા ડરતા પૂછ્યું, "તો મહારાજ, શું આખી રાત તોફાન ચાલશે?"

      મહારાજે આંખો બંધ કરી, જાણે પવનની ગતિ માપતા હોય. "ચિંતા ન કર બેટા. આ તો પહાડનો શ્વાસ છે. થોડીવારમાં શાંત થઈ જશે. પણ હા, હવે તમારે આજની રાત અહીં આ ફકીરની ઝૂંપડીમાં જ કાઢવી પડશે. ભાઈ, તારી પાસે જે કંઇ ખાવાનુ હોય તે કાઢ, અતિથિ ભૂખ્યા ન સૂવે."

      તેણે પોતાના થેલામાંથી અખરોટ અને જરદાળુ કાઢ્યા. આગંતુક, હું અને વનિતા - અમે ત્રણ ધૂણીની ફરતે ગોઠવાઈ ગયા. બહાર તોફાન હતું, પણ અંદર એક અનોખો પરિવાર બની ગયો હતો.

       અમને ભૂખ્યાને ભોજન આપનાર વ્યક્તિનું નામ પણ અમને ખબર નહોતી. "તમારું નામ જણાવશો?" મેં તે આગંતુકને પૂછ્યું.

     "તાશીનોર્બુ." તેણે અખરોટ ફોડતા કહ્યું, "સાહેબ, બાબાજીને કૈલાસની વાત કરતા સાંભળ્યા છે? હું ખુદ શેરપા છું, આખી જિંદગી પહાડો ખૂંદ્યા છે, પણ જેવી વાતો બાબાજી જાણે છે, એવી મેં કોઈ લામા પાસે પણ નથી સાંભળી."

     મેં ઉત્સુકતાથી પૂછ્યું, "એટલે? તાશીનોર્બુ ભાઈ, તમે ક્યારેય કંઈ વિચિત્ર જોયું છે આ પહાડોમાં?"

     તાશીનોર્બુનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે ધીમા અવાજે કહ્યું, "સાહેબ, આ જંગલો અને ઉપરના શિખરો પર એવું ઘણું છે જે તમારી દુનિયા માનશે નહીં. મેં મારી સગી આંખે 'યેતિ' (હિમમાનવ) ના પગલાં જોયા છે... અને ક્યારેક રાત્રે પર્વત પરથી વિચિત્ર પ્રકાશ નીકળતો પણ જોયો છે."

      સાધુ મહારાજે તાશીનોર્બુને અટકાવ્યો નહીં, બસ મંદ મંદ હસતા રહ્યા. વનિતા હવે ડરને બદલે રોમાંચ અનુભવી રહી હતી. તેણે પૂછ્યું, "શું ખરેખર?"

       સાધુ મહારાજે મારી સામે જોયું અને કહ્યું, "રાત લાંબી છે અને તોફાન હજુ ચાલુ છે. જો તમારી ઈચ્છા હોય, તો હું તમને કૈલાસ અને આ હિમાલયનું એક એવું રહસ્ય કહું, જે વિજ્ઞાન અને શ્રદ્ધાની સીમારેખા પર છે. બોલો, સાંભળવું છે?"
***