🌫️ પુસ્તકનું રહસ્ય 📚
પ્રકરણ ૨: વિસ્મૃતિની તીવ્રતા અને રહસ્યમય ચેતના
આરવ, જૂના વિભાગની એક ખૂણાની ખુરશીમાં, સંપૂર્ણપણે પુસ્તકના પ્રભાવમાં હતો. તેણે હવે પુસ્તકને ફક્ત એક ભૌતિક વસ્તુ તરીકે નહીં, પણ એક જીવંત એન્ટિટી તરીકે જોવાનું શરૂ કર્યું હતું.
જેમ જેમ આરવ પુસ્તકના પાના ઉથલાવતો ગયો, તેમ તેમ તેની આસપાસનું વાતાવરણ વધુ ધૂંધળું અને રહસ્યમય થતું ગયું. તે ક્ષણે તેને એવું લાગ્યું કે તેના કાનમાં એક ધીમો ગણગણાટ સંભળાઈ રહ્યો છે, જે કોઈ ભાષામાં નહોતો, પરંતુ આંતરિક ચેતનાના સ્તરે વાત કરી રહ્યો હતો.
પુસ્તક વાંચતા, આરવની સામાન્ય જ્ઞાનેન્દ્રિયો બદલાઈ રહી હતી. તેની આંખોની સામે અક્ષરો નાચતા હોય તેવું લાગ્યું. જાણે પુસ્તક પ્રકાશ રે લાવતું હોય, ક્યારેક તો પાના પરની શાહી જાણે પીગળીને ફરીથી અંકિત થતી હોય તેમ ભાસતું. જ્યારે પુસ્તક વાંચતા કોઈ કથનનો અર્થ ન સમજાતો ત્યારે તે આસપાસ જોઈ લેતો આશ્ચર્ય સાથે તેને કોઈ અસામાન્ય અવાજ બધું સમજાવતો અને સંભળાવતો હોય તેવું લાગતું,
તેણે જોયું કે તેની યાદશક્તિ અસામાન્ય રીતે વધી ગઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં વાંચેલા બધા જ જટિલ વિષયોની માહિતી તેના મગજમાં સ્વયંભૂ ગોઠવાવા લાગી. આ તર્કથી પરની ઘટના હતી.
તાર્કિક આરવ સતત તેના મનને સવાલ કરી રહ્યો હતો: 'શું પુસ્તક મારા મગજમાં કોઈ રાસાયણિક પ્રતિક્રિયા પેદા કરી રહ્યું છે, કે પછી આ ખરેખર કોઈ અલૌકિક શક્તિ છે?' ના ના ના.. હોય તેવું મનને સમજાવી વળી પાછું વળી પાછો પુસ્તક વાંચવા લાગતો.
પુસ્તકના મધ્ય ભાગમાં, તેને એક પ્રકરણ મળ્યું જે સંપૂર્ણપણે અજ્ઞાત લિપિમાં લખાયેલું હતું. આ લિપિ સંસ્કૃત કે પાલી જેવી પ્રાચીન ભારતીય લિપિ જેવી લાગતી હતી, પણ તેના પ્રતીકો વધુ ગોળાકાર અને જટિલ હતા, જાણે કોઈ પ્રાચીન સંસ્કૃતિના ગુપ્ત સંકેતો હોય.
આરવે તે લિપિને સમજવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પરંતુ, લિપિની બરાબર નીચે, ખૂબ જ ઝાંખી શાહીમાં, ગુજરાતી ભાષામાં તેનો અસ્પષ્ટ અને સંક્ષિપ્ત ભાવાર્થ લખેલો હતો, જાણે કોઈએ ઉતાવળમાં તે રહસ્યને ઉકેલીને પોતાના શબ્દોમાં પકડવાનો પ્રયાસ કર્યો હોય
અનુવાદ કંઈક આવો હતો,
..."સર્વ સ્મૃતિઓનો પ્રવાહ કાળમાં વહે છે. શુદ્ધ ચેતના દ્વારા તું કાળના પ્રવાહને પાર કરી શકે છે. ભૂતકાળને જોઈ શકાય છે અને આવનારું ભવિષ્ય એક ખુલ્લું પાનું છે, જે યોગ્ય કર્મ દ્વારા બદલી શકાય છે. આ પુસ્તક માર્ગદર્શક છે, પણ યાદ રાખ – કિંમત તો તારે જ ચૂકવવી પડશે. કિંમત તારો તર્ક, તારા સંબંધો અને અંતે... તારું સ્વયં હશે. જો તું કિંમત નહીં ચૂકવે, તો 'વિસ્મૃતિ' તારું અસ્તિત્વ ભૂંસી નાખશે." જાણે આ શબ્દો તેના મન મગજની ઉપર ખૂબ ઊંડી અસર પાડી રહ્યા હોય તેવું તેના લાગ્યું.
>
'વિસ્મૃતિ.' ? આરવને લાગ્યું કે આજ પુસ્તકનું નામ હશે.
'ભૂતકાળ બદલવાની રીતો...' 'કિંમત ચૂકવવી પડશે...' 'તારું સ્વયં હશે...'
આ વાંચીને આરવના શરીરમાં એક સનસનાટી પસાર થઈ ગઈ. તર્કએ બૂમ પાડી, "આ બધું બકવાસ છે, કોઈ પુસ્તક માંથી થોડું થઈ શકે ?" પણ મનનો એક ભાગ, જે હવે તર્કથી મુક્ત થવા લાગ્યો હતો, તે વિશ્વાસ કરવા લાગ્યો. તે ભાગ સ્વીકારતો કે હા, શક્ય છે ! થઈ શકે તેણે ધ્યાનથી જોયું તો લિપિના વિભાગો બે ભાગમાં વહેંચાયેલા હતા – એકમાં 'કાળના દરવાજા' અને બીજામાં 'કર્મનો ત્યાગ' વિશે અસ્પષ્ટ ઉલ્લેખ કરતો હતો.
જ્યારથી આ પુસ્તક આરવના જીવનમાં આવ્યું, ત્યારથી તેના જીવનમાં અલગ બદલાવો આવવા લાગ્યા.
ક્યારેક રાત્રે પણ તેને એવું લાગતું કે પુસ્તક તેને બોલાવી રહ્યું છે. જો તે વાંચવાનું બંધ કરીને બીજું કંઈ કરતો, તો પુસ્તક તરફથી એક અદ્રશ્ય, ચુંબકીય ખેંચાણ મહેસૂસ થતું, જાણે કોઈ સૂક્ષ્મ અવાજ કહી રહ્યો હોય: 'ખોલ મને, હજી ઘણું બાકી છે. તારું સત્ય મારી અંદર છુપાયેલું છે.' તેના સ્વપ્ન પણ એ પુસ્તકો પર આધારિત થઈ ગયા હતા પુસ્તક જાણે પ્રકાશ ફેલાવી રહ્યું હોય દૂરથી તે પુસ્તકની નજીક જઈ રહ્યો હોય એવું લાગતું.
તે તેના મિત્રો અને પરિચિતોથી દૂર રહેવા લાગ્યો. તે લાઇબ્રેરીમાં સૌથી પહેલા આવતો અને છેલ્લે જતો, તેનું આખું ધ્યાન માત્ર 'વિસ્મૃતિ' પર હતું. તેની પરીક્ષાની તૈયારી ગૌણ બની ગઈ હતી. જાણે તેનું કર્મ હવે આ પુસ્તક આધારિત થઈ ગયું હતું.
આવી જ એક સાંજે, જ્યારે બહાર સૂર્ય આથમવા લાગ્યો હતો લાઇબ્રેરી ની અંદર એક શાંત સાંજનું વાતાવરણ આકાર લઈ રહ્યું હતું ત્યારે લાઇબ્રેરીના મોટા હોલમાં આછી રોશની હતી, ત્યા જ એક દિવ્ય સૌંદર્યએ પ્રવેશ કર્યો, દૂરથી જ લાગી રહ્યું હતું કે કંઈક અલૌકિક છે,
તે યુવતીનું નામ અજ્ઞાત હતું. તે જાણે આ ધૂળવાળા અને જૂના વાતાવરણમાં એક તાજી હવાની લહેર હતી. તેણે આછા ગુલાબી રંગનો, સાદો, સુતરાઉ પોશાક પહેર્યો હતો. તેના લાંબા, ઘેરા વાળ મુક્તપણે તેની પીઠ પર લહેરાતા હતા, જે ઠંડી હવામાં સહેજ ફરકતા. તેનો ચહેરો ખૂબ જ માસૂમ અને તેજસ્વી હતો. તેની આંખોમાં એક અજબ શાંતિ અને રહસ્ય છુપાયેલું હતું, જાણે તેણે જીવનના ગહન સત્યો જોયા હોય. તેના હોઠ પરનું સ્મિત એટલું મધુર હતું કે જોનારને ક્ષણભર માટે પોતાની તકલીફો ભૂલી જવાનું મન થાય. તે એક પરીકથાનું પાત્ર હોય તેવું લાગતી હતી.
તે છોકરીએ કુતુહલવશ લાઇબ્રેરીના મુખ્ય હોલમાં એકવાર નજર ફેરવી, અને તેની નજર સીધી જૂના વિભાગમાં બેઠેલા આરવ પર અટકી ગઈ જાણે તે તેને શોધતી હોય, તે સીધી તેના ટેબલ પાસે આવી.
"માફ કરજો," તેનો અવાજ મધુર અને ધીમો હતો, જાણે સિતારનો અવાજ. જાણે કોઈ મધુર ઘંટડી રણકતી હોય "તમે જે પુસ્તક વાંચો છો... એ 'વિસ્મૃતિ' છે, નહીં?"
આરવને આશ્ચર્ય થયું, આરવે આશ્ચર્ય સાથે પુસ્તક બંધ કરીને તેનું મુખ્ય કવર જોયું કારણ કે પુસ્તક પર કોઈ નામ નહોતું. તેના મનમાં તર્ક જાગ્યો: 'શું તે કોઈ જૂની વાચક હશે કે હાલ વાંચતી હશે?'
"મને તેનું નામ ખબર નથી, પણ... હા, એ જ છે," આરવે ગૂંચવણ અને આશ્ચર્ય સાથે કહ્યું.
ધીરેથી છોકરીએ તેના તરફ જોયું. તેની નજર આરવના મુખ અને આરવની આંખોમાં નહીં, પણ સિદ્ધિ તેના આત્મામાં ડોકિયું કરતી હોય તેવું લાગ્યું. "હું ઘણા સમયથી જોઉં છું, તમે આ જ પુસ્તક વાંચો છો. તમને આ પુસ્તક વાંચતા કેવો અનુભવ થાય છે?" આરવ જે મૂંઝવણ ઘણા દિવસથી અનુભવતો હતો અને તે મૂંઝવણ માત્ર તેની અંદર હતી પરંતુ અત્યારે આરવને પ્રથમ વાર કોઈકને તેના મનની વાત કહેવાની તીવ્ર ઇચ્છા થઈ. આરવી આંખો બંધ કરીને કહ્યું "એક અજબ શાંતિ, એક અલગ પ્રકારની લાગણી. અને ક્યારેક તો એવું લાગે છે કે પુસ્તક જાણે જીવતું હોય!"
ચહેરા પરની લટને કાન પાછળ નાખતા છોકરી હસી પડી અને આશ્ચર્યજનક આખો સાથે બોલી. "હા... એવું જ થાય છે. એ પુસ્તક જેને બોલાવે, તેને આવું જ લાગે."તેના અવાજ ની અંદર એક આશ્ચર્ય હતું, જે આરવને ખૂબ ગમી ગયું,
આ પહેલી મુલાકાત આરવના જીવનમાં એક એવો વળાંક લઈને આવી, જેણે તેનું બાકીનું જીવન તર્ક અને ભ્રમની વચ્ચે ગૂંચવી દીધું.