સોના છીપમાં થોડી જ ક્ષણો માટે સ્મિતા બેન દેખાયા અને પછી અદ્રશ્ય થઈ ગયા, મુકુલ ની આંખ માંથી આંસુ ઓનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એ કોઈ પણ ભોગે એની મમ્મી પાસે પહોંચવા માંગતો હતો. મુકુલ ની આંખો માંથી વહેતા એક એક આંસુ જાણે મીનાક્ષી ને વિનંતી કરી રહ્યા હતા કે મને મારા મમ્મી સુધી પહોંચાડી દે.
મુકુલ ની વ્યથા એ મીનાક્ષી ને પણ વ્યથિત કરી દીધી, એની આંખ માંથી પણ આંસુ ટપકવા લાગ્યા. પોતાની માં થી દુર થવાનું દુઃખ શું હોય છે એના થી મીનાક્ષી પરિચિત હતી. મીનાક્ષી ને એના બાળપણ ના દિવસો યાદ આવી ગયા. મીનાક્ષી એ બાળપણ માંજ પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધેલી.
મીનાક્ષી ની નજરો સમક્ષ એ દૃશ્ય રમવા લાગ્યું જ્યારે એ પણ એના પિતા મહારાજ સામે આમજ રડતી અને આજીજી કરતી કે મને મારી માતા પાસે લઈ જાવ. મારે મારી માતા પાસે જવું છે, દિવસો ના દિવસો ભૂખ્યા તરસ્યા રહી ને જીદ કરેલી કે માતા પાસે લઈ જશો તો જ જમીશ. પણ ક્યાંથી લઇ જાય એના પિતા મહારાજ એને એની માતા પાસે. ધીરે ધીરે બધું ઠીક થયું, મીનાક્ષી મોટી થઈ ગઈ પણ પોતાની માં ને ગુમાવી દેવાની પીડા એના હૃદયમાં હંમેશા જળવાઈ રહી.
મીનાક્ષી એ મુકુલ સામે જોયું, મુકુલ મોં નીચું કરીને રડી રહ્યો છે, જાણે કે એ મીનાક્ષી આગળ કમજોર પાડવા નથી માંગતો પણ હાલાત એવા છે કે એ કંઈ જ કરી નથી શકતો.
મીનાક્ષી એ પોતાના બે હાથ થી બહું પ્રેમ થી મુકુલ ના ચહેરા ને ઉપર તરફ કર્યું. મુકુલ ની આંખો હજી ઢળેલી જ છે એ મીનાક્ષી ની આંખો નો સામનો કરી શકે તેમ નથી. મારી સામે જુઓ માનવ.....મીનાક્ષી મુકુલ ના ગાલ પરના આંસુ ને પોતાની કોમળ આંગળીઓ થી લૂછતાં બોલી, મારી ઉપર ભરોસો રાખો હું આપને આપના ઘર સુધી હેમખેમ પહોંચાડી દઈશ. બસ આપ હિંમત ના હારો.
મીનાક્ષી ના અવાજમાં ગજબ નો આત્મવિશ્વાસ અને દૃઢતા હતી. કંઈ રીતે આપ મારી મદદ કરશો રાજકુમારી? કાલે સવારે તમારા પિતા મહારાજ અને મંત્રી શર્કાન મને શું સજા સંભળાવશે એ કોઈને નથી ખબર. એ લોકો મને ક્યારેય માફ નહિ કરે, એ લોકો તો મને અપરાધી માને છે. મંત્રી શર્કાન મને મૃત્યુ થી ઓછી સજા તો આપવા જ નહિ દે.
મુકુલ ના હોંઠ થરથરી રહ્યા છે, એનો અવાજ ધ્રુજી રહ્યો છે અને એની આંખો રડવાને કારણે લાલ થઈ ગઈ છે. મુકુલ ના મનમાં એક અજાણ્યા ડરે કબ્જો કરી લીધો છે. જે મુકુલ મૃત્યુ ને સનાતન માની ને દેશ ના હિત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાનું પ્રણ લઈને નીકળ્યો હતો એ આજે મૃત્યુ ના વિચાર થીજ વ્યથિત થઈ રહ્યો છે.
મુકુલ ને પોતાના જીવન ની ચિંતા નથી પણ તેને ચિંતા પોતાની મમ્મી ના ભરોશા ની છે. મુકુલ સાથે જોડાયેલા તમામ લોકો ની મુકુલ ના જીવિત હોવાની આશા મુકાઈ ગઈ પણ સ્મિતા બેન ને પોતાની મમતા અને પોતાના કૃષ્ણ પર ભરોસો છે. મુકુલ ને ચિંતા એની મમ્મી ના ભારોશાની છે.
તમે ચિંતા નહી કરો બધું જ ઠીક થઈ જશે. મીનાક્ષી એ મુકુલ નો હાથ પોતાના બંને હાથ ની વચ્ચે રાખી કહ્યું, હું તમને વચન આપું છું કે તમને તમારી માતા પાસે હું હેમખેમ પહોંચાડીસ, પછી ભલે મારે એના માટે મારા પિતા મહારાજ કે મારા રાજ્ય સમક્ષ દ્રોહી થવું પડે. આપ આપના ઈશ્વર ઉપર, આપની માતાની પ્રાર્થના ઉપર ભરોસો રાખો કોઈ માર્ગ જરૂર નીકળશે.
મીનાક્ષી ના શબ્દો સાંભળી ને મુકુલ ના હૃદય ને થોડી હિંમત બંધાઈ. એ મીનાક્ષી સામે જોઈ રહ્યો....એક એવો જીવ જે માનવ તો નથી જ છતાં માનવ મન ને કેટલું ઊંડાણ થી પારખે છે, એક આગંતુક ની મદદ કરવાની આટલી તત્પરતા માણસમાં હવે નથી દેખાતી પણ હજુ એવી પણ દુનિયા છે જ્યાં ફક્ત બીજાની મદદ પ્રેમ અને કરુણા માટે કરવામાં આવે છે. મુકુલ ક્ષણવાર માટે વિચારો માં સરી પડ્યો.
હવે તમે થોડો વિશ્રામ કરો થોડી વારમાં સવાર થઈ જશે. મીનાક્ષી એ મુકુલ ને કહ્યું. એના શબ્દે શબ્દમાં મુકુલ ને પોતીકા પણા નો ભાવ વધુ ને વધુ વર્તાઈ રહ્યો છે.
કોઈક સાવ અજાણી લાગણી મુકુલ અને મીનાક્ષી ને એક બીજાની નજીક, ખૂબ નજીક લાવી રહી છે અને બંને આ વાતથી હાલ અજાણ છે.
ક્યારેક ક્યારેક પરિસ્થિતિનું સર્જન એવા પ્રકારનું થાય છે કે વ્યક્તિ એમાં થી બહાર આવવાની મથામણ માં તેની સાથે બની રહેલી બીજી ઘટના ઓથી અજાણ હોય છે.
ક્રમશઃ............