jalpari ni prem kahani - 31 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 31

Featured Books
Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 31

મીનાક્ષી ના હાથમાં રહેલ સોનેરી છીપ માંથી નીકળતા પ્રકાશથી મુકુલ ની આંખો અંજાઈ ગઈ,એની આંખો સામે અંધકાર છવાઈ ગયો. મીનાક્ષીએ તે છીપ ને સૈયા ઉપર મૂકી પોતાના બે હાથ થી ઢાંકી દીધું પણ એની આંગળીઓ વચ્ચે ની જગ્યા માંથી પ્રકાશ હજુ પણ આવી રહ્યો હતો.  


        આ શું છે રાજકુમારી મીનાક્ષી?  અને એમાંથી આટલી બધી રોશની કેમ નીકળી રહી છે? એવું લાગે છે કે જાણે તમારા હાથમાં પૂર્ણિમા નો પૂર્ણ ચંદ્ર છે અને એનો જે પ્રકાશ આખા જગત માં અંધારી રાતમાં અજવાશ આપે છે એ ફક્ત અહીં લાવી દેવાયો છે.


       આ સોના છીપ છે. આ અમારા કુળદેવી માદરી દેવી નો આશીર્વાદ છે. અચ્છા, પણ તમે એને અહીં મારી સામે કેમ લાવ્યા છો? હું આ છીપ માંથી નીકળતા પ્રકાશ થી અંધ થઈ જઈશ. મુકુલ થોડા અણગમા સાથે છિન્ન અવાજમાં બોલ્યો.


       મીનાક્ષીએ ઝડપથી એ છીપ ને ખોલ્યું, છીપ ખુલતાની સાથે જ એનો તમામ પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો. હવે તમે આંખ ખોલો મીનાક્ષીએ કહ્યું. મુકુલે ધીરે ધીરે આંખ ખોલી , થોડી ક્ષણો બાદ તેને દેખાવ લાગ્યું.  


       આ છીપ તો ખાલી છે રાજકુમારી મીનાક્ષી, એમાં નાતો મોતી છે નાતો બીજું કઈ તો આ છીપમાં વિશેષ શું છે જેને તમે તમારા કુળદેવી નો આશીર્વાદ કહો છો? શાંત   થાવ, માનવો નો સ્વભાવ આટલો ઉતાવળિયો કેમ હોય છે, અને એમને દરેક વાત માં તથ્ય, પુરાવા, લાભ, એટલું જ કેમ અપેક્ષિત હોય છે? મીનાક્ષી મુકુલ સામે જોઈ કટાક્ષ માં બોલી.


       મુકુલ નો ચહેરો ઝાંખો પડી ગયો, એને પોતાના શબ્દો ઉપર થોડો ક્ષોભ થયો. મીનાક્ષી ની વાત તો સાચી છે, માણસ હંમેશા દરેક વાત કે વસ્તુમાં લાભ શોધે છે. માણસ ને હર એક વાતનું તથ્ય અને પુરાવા જોઈએ છે. આજનો માણસ ફક્ત સ્વાર્થ અને તર્ક વિતર્કો થી ભરપુર છે. લાગણી, સંવેદના, પરમાર્થ, મદદ, દયા, પ્રેમ આ બધું તો જાણે હવે એક કલ્પના કે ફેન્ટસી બની ગયું છે.


       મીનાક્ષી ના કટાક્ષે મુકુલ ને ગહન વિચારમાં નાખી દીધો. શું થયું, ક્યાં ખોવાઈ ગયા, ક્યાં પ્રદેશ ના ભ્રમણમાં નીકળી ગયા? મીનાક્ષી એ હસતાં હસતાં મુકુલ ને પૂછ્યું. મારા પૃથ્વીલોક ના ભ્રમણમાં બીજે ક્યાં જવાનો. મુકુલે પણ હસતાં હસતાં જવાબ આપ્યો. ધીરે ધીરે મુકુલ અને મીનાક્ષી એક બીજા સાથે સહજ થઈ રહ્યા છે.


       આ છીપ બહું વિશેષ છે. મીનાક્ષી ફરીથી છીપ સામે ધ્યાન દોરતાં બોલી. આ  સોના છીપ તમારી સમક્ષ તમારા કોઈ એક સ્વજન જેને જોવાની તમે ઈચ્છા કરો એને તમને દૃશ્યમાન કરાવી શકે છે.  શું તમે સત્ય બોલી રહ્યા છો રાજકુમારી મીનાક્ષી? મુકુલ ના અવાજમાં આશ્ચર્ય અને ઉત્સુકતા બંને છે.


       હા, આમતો આ છીપ નો ઉપયોગ અમારા રાજ્ય માં ફક્ત ને ફક્ત સમુદ્રી દૈત્ય અને જાદુગર પિરાન ઉપર નજર રાખવા માટે જ થાય છે અને એજ કારણે મારા પિતા મહારાજે અમારા કુળદેવી માદરી ને પ્રસન્ન કરી એમની પાસેથી આશીર્વાદ રૂપે આ સોના છીપ મેળવ્યું હતું, પણ આજે પ્રથમ વાર એનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ ને જોવા માટે કરવામાં આવશે.


       હું આ સોના છીપ ની મદદ થી તમારા કોઈ એક સ્વજન ને તમને દૃશ્યમાન કરાવી શકું છું. તમે જેની ઈચ્છા કરો તે એક વ્યક્તિ ને આ સોના છીપમાં જોઈ શકશો. મમ્મી, હું મારા મમ્મી ને જોવા માંગુ છું રાજકુમારી મીનાક્ષી. હજું તો મીનાક્ષી પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ મુકુલે જવાબ આપી દીધો.


       મીનાક્ષી એ મુકુલ સામે જોયું, કોઈ નવજાત શિશુ ભૂખ લાગવાથી વલખાં મારી જેમ માં ને શોધે તેવી જ રીતે મુકુલ પોતાની માં ને જોવા વલખી રહ્યો હતો.  ખબર નહિ પણ કેમ મુકુલ ની દરેક વાત મીનાક્ષી ને મુકુલ ની વધારે નજીક લઈ જઈ રહી હતી.


       મીનાક્ષીએ પોતાની આંખો બંધ કરી મનમાં કંઇક ગણગણવા લાગી અને પછી આંખ ખોલી પોતાના હાથ ને છીપ સામે હલાવ્યો અને અચાનક એક ચમત્કાર થયો. એ છીપમાં મુકુલ ના મમ્મી દેખાયાં, સ્મિતા બહેન ભગવાન નાં મંદિર સામે બેઠા હતા અને પોતાના બે હાથ જોડી ભગવાન ને વિનંતી કરી રહ્યા હતાં, હે પ્રભુ, હે ઠાકુરજી મેં આખી જિંદગી તમારું નામ જપ્યું છે, તમારી સેવા પૂજા કરી છે એનું ફળ મારા દીકરા ને મળજો. મારો મુકુલ જ્યાં હોય ત્યાં એને સુરક્ષિત રાખજો અને એની રક્ષા કરજો. 


       અચાનક છીપ માં મુકુલ ના મમ્મી દેખાતાં બંધ થઈ ગયાં. મમ્મી...મમ્મી... મુકુલ  છીપ માં હાથ ફેરવી આમ તેમ શોધવા લાગ્યો,એની આંખો માં આંસુ ની નદીઓ જાણે બે કાંઠે વહેવા લાગી. એણે મીનાક્ષી સામે જોયું. મુકુલ  ની આંખો જાણે મીનાક્ષી ને આજીજી કરી રહી છે કે,મને મારા મમ્મી સુધી પહોંચાડી દે.


                               ક્રમશઃ.................