Jalpari ni Prem Kahaani - 1 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 1

મુકુલ ધીરે ધીરે પગથિયાં ચડી રહ્યો હતો. એના પગ ને જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આગળ વધવા નથી દેતી એને પાછળ તરફ ખેંચી રહી હોય તેવું એને મહેસૂસ થઈ રહ્યું હતું. સવાર સાંજ દસ દસ કિલોમીટર દોડનાર મુક્લના પગ આજે માંડ વીસ પગથિયાં નો દાદર ચડતા ભારે થઈ ગયા. એના શ્વાસ એને ભારે થઈ ગયા હોય તેમ લાગ્યું. આખરે એ ઘણાં શ્રમ પછી છેક ઉપરના પગથિયે પહોંચ્યો.


બે ચાર ડગલાં માંડ ભર્યા ત્યાં એની મંજિલ સામે હતી. એણે એક રૂમ ના બંધ દરવાજા ને નોક કરવા હાથ ઊંચો કર્યો પણ તેનો હાથ ત્યાંજ અટકી ગયો. થોડી વાર માટે એ ત્યાંજ સ્તબ્ધ થઈ ને ઉભો રહી ગયો. એની હિંમત નોતી થતી કે એ દરવાજાની અંદર પ્રવેશ કરે. જાણે કે આ દરવાજો કોઈ ઓરડાનો નહીં પણ કોઈ અજાણી રહસ્યમય, તિલશ્મી દુનિયાનો ના હોય.


એ પાછો ફર્યો, એણે અંદર ના જવું એવો વિચાર કર્યો. એણે બે ચાર ડગલાં પાછા ભર્યા અને પહેલા પગથિયાં ઉપર ઉતરવા માટે પગ ઊંચો કર્યો ત્યાંજ એનો પગ અટકી ગયો. એણે એક ઊંડો શ્વાસ ભર્યો અને મનમાં ને મનમાં કંઇક નિશ્ચય કર્યો અને તે હિંમત કરી પાછો વળ્યો અને ફરી થી પેલા ઓરડાના દરવાજે આવ્યો. કંઇક પણ વિચાર્યા વગર અને એક પણ સેકંડ અટક્યા વિના એ બે આંગળી થી દરવાજા ઉપર નોક કરવા ગયો ત્યાં હાથનો હળવો ધક્કો વાગતા દરવાજો સહેજ ખુલ્યો.


અંદર એક ઊંચા આસન પર ગુરુજી બેઠા છે અને બરોબર એમના ચરણ ની લગોલગ નીચે કૃષ્ણકાંત રાયચંદ અને તેમના પત્ની સ્મિતા બેન રાયચંદ બે હાથ જોડી ચિંતાતુર થઈ ને બેઠા છે.


આ કૃષ્ણકાંત એટલે રાજ્ય ના નહિ પણ સમગ્ર દેશના અબજોપતિ માં જેમની ગણના થાય છે એવા એક મોટા ગજા ના કદાવર અને વિશ્વના ફલક ઉપર જાણીતા બિઝનેસ આઈકોન અને રાયચંદ ઇન્ડટ્રીઝના માલિક.


કૃષ્ણકાંત રાયચંદ એટલે ઇન્ડસ્ટ્રીઝ માં ખુબ ઊંચું નામ. શરીરે કદાવર, તીખો ચહેરો, બહું ઓછું બોલવાની આદત, સ્વભાવે કડક પણ દાન ધર્મમાં બહું માને. ભલભલા ની આંખો એમની આગળ ઝૂકી જાય અને ગમે તેવા ચમરબંધી ને પણ એમની સામે એક શબ્દ કાઢતા દસ વાર વિચાર કરવો પડે એવું એમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ.


આજે ગુરુજી ની સામે જે બે હાથ જોડીને, ચિંતાતુર થઈ ને બેઠા છે એ કોઈ મોટા બિઝનેસ મેન નહિ પણ કેવળ એક પિતા છે. જ્યારે વાત પોતાના સંતાન નાં હિત અને રક્ષણ ની હોય ત્યારે ભલભલી હસ્તીઓ પણ નમી જતી હોય છે.


મુકુલ દરવાજાની બહાર જ થોભી ગયો અને અંદર ચાલી રહેલા વાર્તાલાપ ને કાન દઈ ને સાંભળવા લાગ્યો.


કૃષ્ણકાંત તમે નાહક ચિંતા કરી રહ્યા છો એને એની રીતે જે કરવા માંગે છે એ કરવા દો. જુઓ માતા પિતા એ સંતાન ને આ દુનિયામાં લાવવા માટે માધ્યમ છે, સંતાનનાં માલિક નથી અને તમે તો આટલા મોટા ગજાના બિઝનેસ મેન છો સમજદાર છો આપને મારે શું કહેવાનું હોય?


ગુરુજી આજે આપની સામે કેવળ એક ચિંતાતુર પિતા બેઠો છે. કૃષ્ણકાંતએ વિનમ્રતા પૂર્વક ગુરુજી ની વાત નો ઉત્તર આપ્યો.


હું સમજી શકું છું આપની વાત ને પણ તમારે તમારા દીકરાની વાત, એના સપના અને એના ધ્યેય ને પણ માન આપવું જોઈએ. પણ ગુરુજી એને આવો નિર્ણય લેવાની ક્યાં જરૂર છે? આટલો મોટો જમાવેલો બિઝનેસ છે અને એ? કૃષ્ણકાંત નો અવાજ સહેજ રૂંધાયો એ આગળ બોલી ના શક્યા.



ગુરુજી એ નીચા નમી કૃષ્ણકાંત ના ખભે હાથ મૂકી એમને આશ્વાશન આપતા કહ્યું, તમારે તો ગૌરવ લેવું જોઈએ કે આપના ઘરે મુકુલ જેવા દીકરા એ જન્મ લીધો છે. એની સમજણ, વ્યવહાર કુશળતા, અને વડીલો પ્રત્યેનો આદર અનન્ય છે અને એણે જે આ નિર્ણય લીધો છે એતો સરાહનીય છે બાકી મોટા ઘરના છોકરાઓ માં સંસ્કાર અને સમજણ ની અપેક્ષા આજના વખતમાં તો લીમડા ઉપર કેરી ના ફળની આશા કર્યા બરોબર છે.


મુકુલ દરવાજાની બહાર ઊભો રહી ને પોતાના વિષયમાં થઈ રહેલી વાત ને સાંભળી રહ્યો છે.


ગુરુજી મેં આપને એટલા માટે તેડાવ્યા કે આપ આવી મુકુલ ને એનો નિર્ણય બદલવા સમજાવો પરંતુ આપ એનો પક્ષ લઈને મનેજ સમજાવી રહ્યા છો. કૃષ્ણકાંત ના સ્વરમાં ગુરુજીને નારાજગી સ્પષ્ટ દેખાઈ.


આ મારો આટલો મોટો જમાવેલો ધંધો બિઝનેસ એનું શું? ક્યાં આટલો મોટો અબજો કરોડનો બિઝનેસ અને ક્યાં એક નાનકડી કોસ્ટ ગાર્ડ ની નોકરી. મારો દીકરો કૃષ્ણકાંત રાયચંદ નો દીકરો સરકારી નોકરી કરશે? અ ને એ પણ એવી નોકરી જ્યાં ડગલે ને પગલે જીવનું જોખમ હોય?


ગુરુજી પથ્થર એટલા દેવ, હોમ હવન, અને કંઈ કેટલા સાધુ સંતો અને આપ જેવા તેજસ્વી ગુરુઓ ના આશિષ ફળ્યા ત્યારે મારા ઘરે મુકુલ નો જન્મ થયો હતો અને એ વ્હાલ સોયા દીકરાને હું જાણી જોઈ ને મોત ના મોઢામાં જવા દઉં? ના ના એ મારા થી નહિ થાય.


ક્રમશઃ..........