Chandarna par Chandlo in Gujarati Short Stories by Alpa Bhatt Purohit books and stories PDF | ચાંદરણા પર ચાંદલો

Featured Books
Categories
Share

ચાંદરણા પર ચાંદલો

*વાર્તા:ચાંદરણા પર ચાંદલો*

લેખન - અલ્પા ભટ્ટ પુરોહિત

alpapurohit4@gmail.com

©તમામ કોપીરાઈટ આરક્ષિત(લેખન-મુદ્રણ, અનુવાદ, ઓડિયો-વિડીયો) 

ચાર ગામનાં રસ્તા ભેગા થતા હતાં એની જમણી કોર દેવાભાઈનાં ખેતરની પડતર જમીન હતી. વર્ષોથી તેમનાં બાપદાદા જાતજાતના કીમિયા અજમાવી ચૂક્યા હતાં પણ, એક ત્યાં એક થોરિયોય ફળતો નહીં. જમીન એટલી સખત કે ન તો બાળકો ત્યાં રમવા જતાં કે ન ઢોર ત્યાં આરામ ફરમાવતાં. બીજી બિનખેતરાઉ જમીનો ઉપર પોંકનાં કેન્દ્રો થતાં કે શેરડીનાં રસનું કોલુ થતું. પણ  આ ખેતરમાં એવુંય કશું થતું નહીં. જાણે કોઈનો પગ જ ન ટકતો  ત્યાં. દેવાભાઈ અને તેમનાં ત્રણેય ભાઈઓએ આ જમીન વેચવાની ઘણી કોશિશ કરી પણ તેમની કોઈ કારી ફાવી નહીં. વર્ષો વીત્યાં , હવે તો દેવાભાઈની પાઘડીમાંથી છૂટાછવાયાં ચમકીલા વાળ ફરફરી જતાં. એક દિ’ મોંસૂંઝણે બાજુના ગામે પરણાવેલી પોતાની દીકરીને વેવાઈના કહેણે મળવા જતાં હતાં. ત્યાં જ પોતાની એ પડતર જમીન ઉપર એક સ્ત્રીને બેઠેલી જોઈ. એક તો અજવાળું પૂરું થયું ન હતું અને ધોળા લૂગડાંમાં ફરફરતા વાળે બેઠેલી એ સ્ત્રી જોઈ પળવાર તો એ ધીંગો આદમી પણ હબક ખાઈ ગયો. પછી હનુમાન દાદાને યાદ કરી, જીપ ઉભી રાખીને નીચે ઉતરી તે સ્ત્રી તરફ આગળ વધ્યા.જીપનું એન્જિન બંધ થવાનો અવાજ, કોઈનો પગરવ પોતાના તરફ વધવાનો આભાસ, એ સ્ત્રીને મોં એ તરફ ફેરવવા મજબૂર કરી ગયો. દેવાભાઈ એટલા નજીક આવી ગયાં હતાં કે તે સ્ત્રીનો ચહેરો તેમને આછેરો દેખાયો – તેની કથ્થાઈ રંગની કીકીઓમાં પરવશતાની સાથે એક બંડખોરી પણ ઝળકતી હતી. ઉપરથી તે આંખોએ પારદર્શી પડળો પહેર્યા હતાં. તેનાં શરીર ઉપર કોઈ ઘરેણાં દેખાતા ન હતાં. તેનાં શ્વેત વસ્ત્રો બતાવતાં હતાં કે તે પોતાનો પતિ ખોઈ ચૂકી હશે. તેની આંખોથી થોડે ઉપર જોતાં દેવાભાઈને તેનાં અહીં વેરાન સ્થળે અટૂલા હોવાનું કારણ કદાચ સમજાઈ ચૂક્યું હતું. હાલ દીકરીના ઘરે જલ્દી પહોંચવાનું હોઈ તેમણે તે સ્ત્રીને અહીં ન બેસી તેમનાં ઘરે જઈ, પોતાનું નામ આપી બેસવા કહ્યું અને તેને સાંત્વના આપી કે પોતે પાછા ફરીને તેની સમસ્યા જાણશે અને તેનો ઉકેલ લાવવાની કોશિશ કરશે. એટલામાં દેવાભાઈનો નાનો ભાઈ પોતાની બાઈક લઈ શેરડીનાં વાઢ ઉપર જઈ રહ્યો હતો તે ભાઈની જીપ ત્યાં જોઈ ઉભો રહ્યો. નાનો: ભાઈ, હજી તમે અહીં જ છો? દીકરીબાને ત્યાં પોંચવાનું નથી? મોડું થશે. તમને તો ખબર જ છે કે એમનાં સાસરીયા કેટલાં દોહ્યલાં છે? આપણી મૂછોના પાણી તો લગનટાણે જ ઉતારી દીધાં હતાં, યાદ નથી?દેવાભાઈ: હા, નાનકા, એ તો શેં ભૂલાય? એવડું અપમાન તો બાપજિંદગીમાં કોઈએ નથ કર્યું. પણ, જરા જો ને આ બચારી વખાની મારી લાગે છે. ચૈતર તપે છે. સૂરજ દેખાય ને ધરતી બળવા માંડે છે. આ બાઈને ઘેર પહોંચાડી દે. આવીને હું એની સાથે વાત કરું – કારણ હું છ તે એને રાત માથે લઈનં ભાગવું પયડું.પેલી બાઈ બોલી: બાપા, મનં કોઈન ઘેર નથ જાવું. આંય જ બેહી રેવા દ્યો. મું અભાગણી છું એમ બધાં કેય છે. ને અવ તો...એ વિરમી ગઈ.નાનો પોતાના બાઈક ઉપર બેસી કીક મારતાં બોલ્યો: ‘મોટાભાઈ, હવે મદદ આવીન’ કરજો. એ ક્યાંય જાય એમ લાગતું નથ. પેલાં દીકરીબાને તિયાં ઝટ ઉપડો.’દેવાભાઈનાં મનમાં કૈક વિચાર આવીને થોભી ગયો પણ, પછી ન જ રહેવાતાં જીપની પાછળની સીટ નીચે મૂકેલ એક તાડપત્રી કાઢીને પેલી સ્ત્રીને આપી અને કહ્યું, ‘આ બાજુના ખેતર પાસે ઝાડની મોટી ડાળીઓ સુકાઈને પડી છે. થોડી મહેનત થશે પણ, તારે માથે છાપરું બનાવી લે. આ સૂરજદાદો થોડી વારમાં તોબા પોકરાવી દેશે.’સ્ત્રી તાડપત્રી હાથમાં લેતાં બોલી, ‘ભાઈ, હું જે સ્થિતિમાંથી નીકળી છું એની આગળ સૂરજનો તાપેય તે શીળી છાયા છે. તોયે તમારો ઘણો પાડ. મને હક તો નથી ને કારણનીયે ખબર નથી પણ, વિનવું કે તમાર દીકરીનાં ઘેર ઝટ પોંચો.’દેવાભાઈ માથું ધુણાવતા જીપમાં બેઠા અને સ્ટાર્ટર માર્યું. થોડી પળોમાં તો પાછળ ધુમાડાના ગોતા જ રહી ગયાં અને જીપ સબે રસ્તે વળીને આંખથી ઓઝલ થઈ ગઈ.પેલી સ્ત્રીએ શ્રમયજ્ઞ આરંભ્યો. ઝાડના ચારપાંચ સુકાયેલા મજબુત લાકડા અને સુકાયેલી વેલીઓ લઈ એક માળખું બનાવ્યું અને બીજા એક ડાળખાની મદદથી તેની ઉપર તાડપત્રી નાખી છાપરી જેવું બનાવી લીધું. બાજુના ખેતરે ઊગેલ થોડી શીંગો જે જમીન ઉપર પડી હતી તે વીણી છાપરીમાં નાનો ચૂલો બનાવી તેની આગમાં શેકીને ખાધી. હવે ગળું સુકાતું હતું પણ દૂર ખેતરોનાં કૂવા સુધી જવાની હિંમત ન હતી. તેની મેલીઘેલી ઝોળીમાંથી કાનાની મૂર્તિ કાઢી, તેને એક પથરા ઉપર બેસાડતાં મીરાબાઈનું પદ ગણગણી રહી હતી, ત્યાં જ એક મશકવાળો પ્રગટ્યો. તે સ્ત્રીને જોઈને તેની આંખોમાં સામાન્ય માનવી જેવી જીજ્ઞાસા કે અધમ આદમી જેવી વાસના ન ઝળકી. પગરવ ઉપર બાઈનું ધ્યાન પડતાં તેણે તે તરફ જોયું અને તેની નજર સાથે સંધાન થતાં બોલી, ‘તું મારો બાપ હોય ઈમ મનં જુએ સ.’મશકવાળો બોલ્યો, ‘તે તુંય તો દીકરી જ સો નં. લે, થોડું પાણી પીશ?’બાઈ બોલી, ‘જે બાપ હતો એણેય જાકારો દીધો. તું તો પાણીય પૂછેછ. તું છે કોણ? દેવતાઈ આંખો લાગે છ તારી!’મશકવાળો બોલ્યો, ‘તો દેવતા જ સમજી લે બાઈ.’ પછી જરા મરક્યો. ફરી બોલ્યો, ‘થોડું પાણી કોઈ વાસણમાંય તે ભરી લે. અહી જ્યાં રોકાણી છું ને ત્યાં તો કૂતરા-બિલાડાંને ય પાણી નથી મળતું. ને પાછો ધોમ ધખે છે. માણહ ભૂખે નઈ, પણ તરસે જરૂર મરી જાય’બાઈ નિસાસો નાખતી બોલી, ‘હા, દેવતાઈ આદમી, પણ જાકારો, હવ જ કોરોકટ જાકારો ને તિરસ્કાર, એ તો પાણીની તરસથી યે ભૂંડા. કોઈને કારણેય ખબર ન પડે ને આદમી જીવતે જીવત મરી જાય.’, તે પોતાની ઝોળીમાંથી એક પાવળું કાઢી રહી.મશકવાળો બોલ્યો, ‘ આટલું પાણી તે કેટલું ચાલે બાઈ? મોટું વાસણ નથી?’બાઈ બોલી, ‘દેવતાઈ આદમી, મારે હવે જીવવું કેટલું? આ કપાળ નથી જોતો મારું? એક તો મોટા ઘરની વિધવા, મોટા ઘરની દીકરી પણ નથી ભાઈ-બાપને પોસાતી કે ન તો સાસરાને. મારાં પાલન પોષણ માટે ભાગ કાઢવો પડે ને? એટલે મારી ખોડ જ કાઢી દીધી – આ કપાળેથી લાલચટક ચાંદલો ભૂંસતા સાસુને દેખાયો સફેદ ચાંદલો. કોઢ... કોઢ...ની રાડો મેલી મને ઘરનાં ઢોરની કોઢમાંય પડી રહેવા ન દીધી.’મશકવાળો બોલ્યો, ‘તે તારા આદમીને...?’બાઈ બોલી, ‘એને તો હંધીય ખબર હતી. એણે જ આ ચાંદલો વધારે મોટો કરવાનો કહેલો એટલે, કોઈને આ ચાંદરણું દેખાય નહીં. એ ભણેલો ને, એને ખબર ઉતી કે, આ કાંઈ ચેપી રોગ નથી. એ જ તો શે’રમાં પિચ્ચર જોવાના બા’ને મને દાગતરને દેખાડવા પણ લઈ જતો. દવાય ચાલતી હતી. પણ દવાઓ અસર કરે એ પહેલાં જ મને ઓલા દિ’ લીમડા હેઠળ દબાતી બચાવવા એ વચ્ચે આવી ગયો અને એ જરીપુરાણા લીમડાએ મારા ભરથારનો ભોગ લીધો. આ કાનાએ એને પોતાને દરબાર...’, હવે તેનાં અશ્રુનો બંધ વછૂટી પડ્યો.લાગતું હતું કે, પતિના મૃત્યુ બાદ આ બાઈને પહેલી વખત કોઈ સાંભળનાર મળ્યું હતું.મશકવાળો છાપરીની બહાર થોડે દૂર ઉભડક બેસી ગયો અને બોલ્યો, ‘તે બાઈ, તને એમ નથી લાગતું કે તારા આ કાનાએ કોઈ બાકી કામ પૂરું કરવા જ તને જીવતી રાખી અને તારા ધણીને બોલાવી લીધો?’બાઈનું રુદન ધીમાં ડૂસકાંમાં ફેરવાયું અને આંખો જાણે વિચારમાં પડી. થોડીવારે તે બોલી, ‘હેં, એવુંય હોય? મનં તો ઝાઝી ખબર નઈ. પણ એ હોત તો એને આવી ભેદભરમવાળી વાતો બૌ હમ્જાતી. ને એ કરતોય ખરો. પણ હું બુડથલ, મને એની વાતો ગમે બોઉ, પણ હમજાય નઈ.’મશકવાળો બોલ્યો, ‘તો સાંભળ બાઈ, તારો પતિ તારાં કપાળના આ ચાંદરણાંને સહજ લેતો’તો. આજથી તારેય આવું કોઈ દુખિયું આવે તો એને બેસાડવાનું, હૈયાધારણ આપવાની, પાણી અને ખાવાનું ધરવાનું અને કાનાની ભગતી કરવાની.’બાઈ બોલી, ‘આ હું બોયલા? મારી પાંહે તો ખાવા જોગ કાંઈ ની મલે. કોઈને ઉં હું ખવડાવા?’મશકવાળો બોલ્યો, ‘તારો કાનો તારી સાથે જ છે અને તારા પતિની આત્મા પણ. એનું જ કામ તું પૂરું કરશે. અને ખવડાવવાવાળો, એ તો જો હમણાં જ આવી પુગશે. તું ખાલી કાનાની માયા અને દુખિયાની સેવામાં મન પરોવ.’ પછી તેણે ઉભા થઈ પોતાની કેડે બાંધેલ પટકામાંથી એક નાનીશી પોટલી કાઢી, એની અંદરથી ચપટી ભરી કાંઈક માટી જેવું કાઢ્યું અને પેલી બાઈના ચાંદરણા ઉપર લગાવી દીધું. બાકી પોટલી તેને ઝલાવી કહ્યું, ‘ આમાંથી ચપટી ભરીને માટી રોજ એક પ્યાલામાં નાખી તારા કાનાને ભોગ ધરાવજે, અને આનો ચાંદલો દરેક દુખિયાને કરજે. બાકી, એ જ સાંભળી લેશે.’મશકવાળો તેની મશક ઉપાડી પાંચ-સાત ડગ ચાલીને અદૃશ્ય થઈ ગયો.બાઈની તંદ્રા તૂટી ત્યારે દેવાભાઈ જીપનું એન્જિન બંધ કરીને તેની તરફ આવી રહ્યાં હતાં. બાઈ પોતાના હાથમાં પેલી માટીની પોટલી જોઈ આભી બની શૂન્યમાં જોઈ રહી હતી.દેવાભાઈ તેની નજીક આવીને બોલ્યાં, ‘દીકરી, આજથી જમીન તને આપી. તારા માથે છાપરું કરવા તાડપત્રી આપતો ગયો તે મોરલીવાળાએ મારી દીકરીને કૂવામાં પડતી બચાવી લીધી. આહીં જ તને ઓરડી બાંધી આપીશ, તું તારા આ કાનાની સેવા કરજે. તને રોટલેય ખોટ નહીં પાડવા દઉં.’, જીપ તરફ આંગળી ચીંધી બોલ્યાં, ‘જેમ ગૌરીબા મારી દીકરી, એમ જ આજથી તુંય મારી દીકરી.’બાઈ આ સાંભળતા સાંભળતા ઊભી થઈ ગઈ, ‘બાપ, તમે સાચે જ મોટા મનના છો. બાકી, મને તો સગાં ભાઈ-બાપે પણ આ ચાંદરણાને કાજ ત્યજી દીધી છે. પણ હવે પેલા મશકવાળાની વાત મને સમજાય છે, હું આંહીં જ રહીને ભજન-કીર્તન જ નહીં, મારા એમની જેમ ગનાનની વાતો ય કરીશ. આ ચાંદરણુ એ ચેપી નથી એ બધાયને સમજાવીશ.’ત્યાં સુધી જીપમાં બેસીને બેયની વાતો સાંભળી રહેલ ગૌરીબા પણ પિતાની નજીક આવ્યાં. તેમનાં આખાયે ઢંકાયેલા શરીરમાંથી માત્ર રૂપાળું મોઢું અને કોણી નીચેનાં બેય ગૌર હાથ દેખાતા હતાં. તેમનાં મોઢા ઉપર હોઠની બરાબર જમણે ખૂણે ઉપર કાળો મજાનો તલ શોભતો હતો. અને એ સિવાય ઠેર ઠેર તેમના ઉજળા વાનથીય વધુ સફેદ ચાંદરણાં સર્વત્ર છવાયેલા હતાં.પિતા સામે જાણે આજ્ઞા માંગતી હોય એવી નજરે જોઈ તે બાઈને સંબોધી, ‘બેન, મારાં આ ઉજળા અંગ અને કાળા તલ ઉપર મારો પરણ્યો મોહી પડેલો. પણ લગનનાં એક જ વર્ષની અંદર મારા અંગ ઉપર એથીય વધુ ધોળું ટીલું દેખાતા હું કો’ ભૂત થઈ વળગી હોઉ એમ મારાથી  આઘો ને આઘો  રહેવા લાગ્યો. રોગ એને ઘેર ગયા પછી વળગ્યો પણ... ’, તેની આંખો બળપૂર્વક આંસું રોકીને બેસવા થોડી વધુ પહોળી અને સ્થિર થઈ ગઈ. પછી તેણે ગળું ખંખેરીને ઉમેર્યું, ‘ઓલી ભગરી ભેંસે પાડું જણ્યું, એનાંય માથે ધોળોધબ્બ ડાઘ, તે એને ચાંદરી, ચાંદરી કહી બધાંય ખોળે લે, લાડ કરે... ને હું, મારા બાપ ને કાકાઓની આંખની કીકી, મને હાવ જનાવરથી ય...’ બાઈ બોલી, ‘બેન, ધોળા ડિલે કાળો તલ સૌને ગમે પણ ડિલથીય  ધોળો આ ચાંદલો જોઈ  સૌ ભડકે.’ પછી દેવાભાઈ તરફ જોઈને બોલી, ‘એ આવેલ જણ કાનાએ  જ મોકલ્યો હશે. જુઓ, નથી એની મશકનાં  નિશાન કે નથી એના પગલાંની  છાપ.’, અને તે મશકવાળાએ આપેલ પોટલી ઉઘાડી ગૌરીબા તરફ ધરી રહી.બેય સ્ત્રીઓનાં મનમાં કાના પ્રત્યેની ભક્તિ વધુ પ્રબળ થઈ અને દેવાભાઈ બેય સમદુ:ખિયણોને મા જેવી મમતાભરી નજરે નિરખી રહ્યા.🙏🏻લેખન: અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાalpapurohit4@gmail.com©તમામ કોપીરાઈટ આરક્ષિત(લેખન-મુદ્રણ, અનુવાદ, ઓડિયો-વિડીયો)