તારીખ : 09-11-2021
રૂપકડી નેહાની ઊંઘ તો મમ્મી અડધો કલાક તેને લાડ લડાવે એ પહેલાં ખુલતી જ નહીં. પણ, આજે આ શો અવાજ સંભળાઈ રહ્યો હતો? મમ્મીનો અવાજ તો નથી જ. આ તો દાદી છે. અને નેહા આંખો ચોળીને આજુબાજુ જૂએ છે તો તેના પલંગની નજીક તો શું તેના ઓરડામાં પણ કોઈ નથી. હવે, તેની આંખો ચોમેર મમ્મીને શોધવા લાગી અને કાન પણ મમ્મીનો મીઠો અવાજ સાંભળવા તત્પર થયા. દાદીનો સૂર ઊંચો જઈ રહ્યો હતો. નેહા માંડ છ વર્ષની. તેને એટલું જ સમજાતું હતું 'નેહાની મમ્મી', 'નેહાની મમ્મી'.
નહોતું જવું, પણ ઓરડાનું બારણું ખોલી તે બેઠકમાં આવી. તેને જોતાં જ દાદી લગભગ ચીસ પાડતાં હોય તેવા સ્વરે બોલ્યાં, "જો, એને આવડી નાની છોકરીનીયે પડી નહોતી. તે તેનેય રેઢી મૂકીને જતી રહી? " ત્યાંતો ક્યારના ચૂપચાપ ઊભેલા પપ્પાએ નેહાને તેડી લઈ તેના માથે પોતાનો બીજો હાથ ફેરવવા લાગ્યા. નેહાને આ સમજાયું નહીં. સવારે તો પપ્પા ક્યારેય આટલું વહાલ કરવા નવરા જ ન પડે. મમ્મી જ તેને ગેલ કરી ઉઠાડે, શાળાએ જવા તૈયાર કરે. પપ્પાનો વારો તો પછી આવે, ઓફિસ જતાં નેહાને શાળાએ મૂકતાં જતાં. પણ આજે બધું જુદું જુદું હતું.
પપ્પાએ નેહાને બાજુવાળા રીયાદીદીના હાથમાં સોંપતા કહ્યું, "નેહાને બહાર પક્ષીઓ બતાવ, તે ચણ ખાવા આવી ગયાં હશે. હું પણ થોડીવારમાં બહાર આવું છું." રીયાદીદી કૉલેજમાં ભણતાં. મમ્મીએ કહેલું. તેમની કૉલેજ તો ખૂબ ખૂબ દૂર. છુક છુક ગાડીમાં જવું પડે. આ તો હમણાં રજાઓ છે એટલે અહીં છે. આ પણ મમ્મીએ જ કહેલું. નેહા તો તેનાં રોજના મિત્રો એવાં કોયલ, દરજીડો, મેના, પોપટ, ઢેલ, બુલબુલને ચણ નાખતી ગઈ. કોઈ કૂંડામાંથી, તો કોઈ પાણીના મમ્મીએ બનાવેલા નાના ધોધમાંથી પાણી પીતાંયે હતાં ને નહાતાંયે હતાં. રિયાદીદી તેને લઈને આ બધું બતાવતા હતાં પણ, નેહાની આંખો ચારેકોર મમ્મીને જ શોધતી હતી.
રિયાદીદીનાં મમ્મી અને સામે રહેતાં માધવી કાકી આવ્યાં. બંન્નેની આંખો ભીની હતી. તેઓ અંદર ન ગયાં અને માધવી કાકીએ રોજ કરતાંય વધુ વહાલથી નેહાને રિયાદીદીનાં હાથમાંથી લઈ લીધી. એટલામાં પપ્પા ફોન ઉપર વાત કરતાં કરતાં બહાર આવ્યાં. તેઓ માધવીકાકી અને રિયાદીદીનાં મમ્મીને જોઈ ઉંબરો ન હોવા છતાં દરવાજે ઠેસ ખાઈ ગયાં. સામાન્ય રીતે બંન્ને પાડોશણો પાસેથી ભાભીઓ જેવો અદકેરો સ્નેહ મેળવતી તેમની આંખો પહેલી વાર ઝૂકી ગઈ. બંન્ને પાડોશણ ભાભીઓ પપ્પા પ્રત્યે રોષ હોવાથી તેમને અવગણી નેહામાં ધ્યાન પરોવી રહી. હજુયે દાદીનો પ્રલાપ ચાલી રહ્યો હતો. કોઈ સાંભળનાર નહોતું, તો તેઓ ઈશ્ચર, જગતનિયંતાને સંભળાવી રહ્યાં હતાં.
અચાનક મુખ્ય દરવાજે કોઈ ગાડીની બ્રેક જોરથી વાગવાનો અવાજ સંભળાયો. ગાડીમાંથી કોઈ ઊતર્યું અને તેણે આખો ગેટ ખોલ્યો જેથી ગાડી અંદર આવી શકે. ગાડી અંદર આવવા લાગી. પપ્પા ના ચહેરા ઉપર તે જોઈ થોડી શાંતિ છવાઈ ગઈ. પણ એ શાંતિનું બહુ જલ્દી બાળમરણ થઈ ગયું. જે વ્યક્તિ ગેટ ખોલવાં ઊતરી હતી એ ગાડીમાં ફરી ન બેસતાં ગેટ બંધ કરી ખૂબ જ ઝડપથી દોડીને નેહા તરફ થોડું રડમસ સ્મિત કરી તેના વાળમાં પોતાનો હૂંફાળો હાથ ફેરવી પપ્પા તરફ ધસી ગયાં. તે તો મીની ફોઈ હતાં. પપ્પાના મોટાં બહેન. એટલામાં તો ફુઆ પણ ગાડી બંધ કરી આવી ગયાં. મીની ફોઈએ ત્યાર સુધીમાં પપ્પાને બેય બાવડેથી પકડી હચમચાવી નાખ્યાં. તેમના મોંમાંથી સતત નીકળતું હતું, 'અમે બંન્નેએ તને કહ્યું હતું ને શૈલાને મમ્મીની વાતોમાં આવી બહુ દબાણ ન કર. મમ્મી જૂનવાણી છે. તું તો નહીં. તારા વિચારો આધુનિક છે પણ, તું મમ્મી સામે હંમેશા હથિયાર હેઠાં નાખી દે છે. કાલે રાત્રે પણ મેં તને કહ્યું, તારાં જીજુએ તને સમજાવ્યો. શૈલાને તારી હૂંફ અને મમ્મીના આ વટહૂકમો સામે તારા નિર્ણયના ઢાલની જરૂર છે.' અને ધમકી પણ પાડોશણોની હાજરીમાં જ ઉચ્ચારી દીધી, 'જો આજે શૈલાને કાંઈપણ થઈ ગયું તો હું તને આ નાનકડી નેહાથી દૂર કરી દઈશ. તેને મારું જ ત્રીજું બાળક ગણી પ્રેમથી સીંચીશ. અને, આ મમ્મીને તો ખરેખર કાંઈ જ સમજ નથી. મારાં સાસરિયાંની સારપથી તો કાંઈ શીખે. આ જો તારાં જીજુ. મારે ક્યારેય કોઈ વાત સમજાવવા કે મારી તરફ કરવાનો પ્રયાસ નથી કરવો પડ્યો. સંયુક્ત કુટુંબ હોવાં છતાં ઘરમાં અમને ત્રણેય વહુઓને ત્રણ દીકરીનું સ્થાન મળ્યું છે. અને તમે બે, એક સીધી સાદી શૈલાના મનને સાચવી શકતાં નથી?' ફુઆ પણ ગાડી પાર્ક કરી આવી ગયા હતાં. તેમના હાથમાં આજે નેહાની ફેવરિટ ચોકલેટ ન હતી. નેહાની નજીક આવી તેમણે ધીમેથી કહ્યું, ‘હમણાં આપણે ગાડી લઈને સાથે બહાર જઈશું અને આખું બોક્સ લઈ આવીશું.’ નેહાએ તેનું હંમેશનું ભોળું સ્મિત વેર્યું. ફુઆ પપ્પાની બાજુમાં જઈ ઊભા રહી ગયાં.
ફુવા હજી કાંઈ બોલવા જાય એ પહેલાં દરવાજે પોલીસ વાનની સાયરન ગૂંજી. બધાં થોડાં ભયભીત નજરે અને બમણા જોશથી ધડકતાં હ્રદયે વાન તરફ જોઈ રહ્યાં. હજી સુધી અંદર બેસી બબડાટ કરી રહેલાં દાદી પણ બહાર આવી ગયાં. બોલવાં લાગ્યાં,' હાય હાય, આ શું? અરે, તારી આ શૈલાએ નવી ઉપાધિ કરી કે શું? ક્યાંક સ્કૂટી લઈને કોઈને મારી તો નથી નાખ્યું ને? આ પોલીસ તેને જ પકડવા આવી હશે.' પછી ફુઆ તરફ ફરીને બોલ્યાં, 'અરે જમાઈરાજા, તમે તો કાળા કોટવાળા છો. જો જો આ મારો દીકરો કશે ન ફસાય.' દાદીની વાતો પૂરી થાય ત્યાં સુધીમાં તો ગેટ ખોલી વાન અંદર આવી, છેક બધાં ઊભાં હતાં ત્યાં સુધી. તેમાંથી બે લેડીઝ કોન્સ્ટેબલ, એક લેડી સબ-ઇન્સ્પેક્ટર ઊતર્યા. અને બેમાંની એક લેડી કોન્સ્ટેબલે એક સ્ત્રીને ખૂબ સાચવીને ટેકો આપીને ઉતારી.' અરે, આ તો મમ્મી', નાનકડી નેહા માધવી આંટીનાં હાથમાં જ ખુશીથી ટહૂકી ઊઠી. મમ્મીએ નેહા તરફ જોઈ ભીની આંખે સ્મિત વેર્યું અને નેહાએ માધવી કાકીના હાથમાંથી અણધાર્યો જ કૂદકો માર્યો, આમ તો એ ત્રણેય માટે અપેક્ષિત જ હતો. પણ, માધવી કાકીએ નેહાને થોડી વધુ સાવચેતીથી પકડેલ હતી તેથી તેઓ સાવધ જ હતાં. અને મમ્મી પણ હવે બંન્ને હાથ નેહા તરફ લંબાવીને ઊભી હતી. નેહા મમ્મીની પાસે જતાંમાં જ વાંદરાના બચ્ચાની પેઠે તેને વળગી પડી.
ફોઈ અને ફુઆના ચહેરા પર સંતોષસભર આછું સ્મિત ફરી વળ્યું. મીની ફોઈએ મમ્મીની પીઠ ફરતો હાથ મૂકી તેને રવેશમાંની જ આરામ ખુરશી પર બેસાડી દીધી. દાદી તો આટલાં ગણવેશધારી પોલીસકર્મીઓને જોઈ સ્તબ્ધ હતાં પણ હજીયે તેમનો ધીમો, અસ્પષ્ટ ગણગણાટ ચાલુ જ હતો. પણ, કોઈ તેમને ગણકારીયે રહ્યું નહોતું. નેહાના પપ્પા પણ નહીં. દાદીના મોંની રેખાઓ તેમનો અણગમો છતો કરી રહી હતી. રિયાદીદી, તેમનાં મમ્મી અને માધવી કાકીને હવે પારિવારિક ચર્ચા અને પોલીસની વાતો વખતે ઉપસ્થિત રહેવું એક સારા પાડોશી તરીકે યોગ્ય ન લાગ્યું એટલે તેઓ નેહાના મમ્મી પપ્પાને બે હાથ જોડી જવાની મૂક સંમતિ માંગી. પણ, બંન્નેએ અનાયાસ, એકસૂરે જ તેમને અહીં જ રોકવા કહ્યું. તેઓ થોભી ગયાં. હવે, પાડોશીઓ આગળ પોતાના ઘરનું રહસ્ય છતું પડશે એ બીકે દાદી મોટે મોટેથી બોલવા લાગ્યાં, 'સવાર સવારમાં આ શૈલાયે નવરી, આ પાડોશણોયે નવરી અને મારી દીકરી તો તેનું ઘર ભૂલી તેના વરને તેડી અહીં સુધી આવી પહોંચી. જાણે શું યે...' ત્યાં જ લેડી ઈન્સ્પેક્ટર બોલી ઊઠ્યા, 'માંજી, શાંત થઈ જાવ. અમને સહકાર આપો અમારા કામમાં.' દાદી વધુ ઊકળ્યા અને લેડી ઈન્સ્પેક્ટરને સંબોધી કહેવા લાગ્યા, 'તે હેં, તમારે ય કોઈ કામકાજ નથી તે સવારમાં આમ પોતાનાં ઘર છોડી બીજાને ઘેર નીકળી પડ્યાં? ' લેડી ઈન્સ્પેક્ટરે કરડી નજરથી દાદી અને પપ્પા તરફ જોયું. પપ્પાએ દાદીને પહેલીવાર થોડા ઊંચા સાદે ચૂપ રહેવાનું કહ્યું. દાદી કાંઈ પણ બોલે એ પહેલાં ફુઆએ દાદીને કહ્યું, 'આ કાળા કોટવાળાની વિનંતી માનો અને શાંતિથી આ સબ ઈન્સ્પેકટર મેડમની વાત પહેલા સાંભળો.' દાદી જમાઈના ટોકવાથી થોડાં છોભીલા પડ્યાં, પણ ચૂપ થઈ ગયાં.
સબ ઈન્સ્પેકટરે પપ્પા તરફ ફરીને પૂછ્યું, 'શું આપને જાણ છે કે આપની પત્ની માતા બનવાની છે?'
પપ્પાએ માથું હલાવી હકારમાં જવાબ વાળ્યો.
સબ ઈન્સ્પેકટરે ફરી પપ્પાને પૂછ્યું, 'શું આપને એ પણ જાણ છે કે આપની પત્નીની શારિરીક હાલત સારી નથી, તેને આરામની જરુર છે?
પપ્પાએ આ વખતે બોલીને જવાબ વાળ્યો,' હા, મને ડૉક્ટરે જ જણાવ્યું હતું.'
સબ ઈન્સ્પેકટરે ફરી પૂછ્યું કે શું આવનાર બાળકમાં કોઈ શારિરીક કે માનસિક ખામી છે?'
આ વખતે પપ્પા થોડાં અચકાઈને બોલ્યા,' ના, એવી કોઈ જ ખામી હજી સુધી રિપોર્ટમાં આવી નથી. '
સબ ઈન્સ્પેકટરે હવે થોડાં ઉંચા સૂરમાં પૂછ્યું કે, 'તો શું તમારા ડૉક્ટરે તમને બીજા ડૉક્ટરનો અભિપ્રાય લેવાનો કહ્યો છે કે પછી તમને તમારા ડૉક્ટર ઉપર વિશ્વાસ નથી? '
પપ્પા બધું સમજી ગયા હતાં એટલે સીધો જવાબ ખૂબ નમ્રતાથી વાળ્યો,' ના, ના, મેડમ. ડૉક્ટર મારો જ મિત્ર છે અને તેના પર મને અને શૈલાને પૂરો વિશ્વાસ છે જ. આ તો મમ્મીનો આગ્રહ છે એટલે જ બીજા તેના ઓળખીતા ડૉક્ટરને બતાવવું છે. '
સબ ઈન્સ્પેકટર દાદી તરફ ફરીને બોલ્યાં, 'ઓળખીતા કે પછી ભ્રષ્ટ ડૉક્ટર, કે જે થોડાં રૂપિયા માટે બાળકનું જાતિ પરિક્ષણ કરી, સ્ત્રીભૃણ હોય તો સ્ત્રીના સ્વાસ્થ્ય, લાગણી અને એક અણજ્ન્મ્યા બાળકનો હક, કશાયની પરવા કર્યા વિના તે બાળકને માતાના ગર્ભમાં જ મૃત્યુ આપવાનુ કુકર્મ કરે?'
દાદી કાંઈ બચાવ કરવા જાય તે પહેલાં જ સબ ઈન્સ્પેકટરે પપ્પાને, મમ્મીએ પોતાને અને પોતાના અણજ્ન્મ્યા બાળકને બચાવવા માગેલી પોલીસની મદદની લિખિત નકલ બતાવી. પપ્પા એ વાંચતા સ્તબ્ધ રહી ગયાં કારણ કે આ બચાવ શૈલાએ પોતાના પતિ અને સાસુમા તરફથી માંગ્યો હતો.
વાત જાણે એમ હતી કે નેહાના જન્મ પછી શૈલાનો બે વખતનો ગર્ભ તેની મરજી વિરુદ્ધ જાતિપરિક્ષણ કરાવ્યું હતું. સ્ત્રીભૃણ હોવાથી, દાદીએ દીકરા પર દબાણ લાવી, આવનાર પૌત્રીઓથી છૂટકારો મેળવી લીધો હતો. અને આ માટે, પપ્પાના મિત્ર એવા ડૉક્ટરની સખત મનાઈ હોવાથી દાદીના ગામના એક ઓળખીતા ડૉક્ટરની મદદ લેવાતી હતી.શૈલાની શારિરીક અને માનસિક હાલત કથળતી જતી હતી. તેને પોતાની દીકરીના અવતરણ પહેલાંના જ મૃત્યુથી તેમને બચાવી ન શક્યાનો પારાવાર અફસોસ રહેતો હતો. એટલે આ વખતે તે મક્કમ થઈ પોતાના ગર્ભમાં ઊછરી રહેલ બાળકનું જાતિપરિક્ષણ ન કરાવવાં. પતિ તો તેની માતાની ઈચ્છાને શિરોધાર્ય ગણી, તે જે કહે તે કરવું એ જ પોતાની અને પોતાની પત્નીની એકમાત્ર ફરજ સમજતો હતો. તે વ્યવસાયે જીવવિજ્ઞાનનો પ્રાધ્યાપક હતો પણ, કર્મે માત્ર પોતાની માતાનો પડ્યો બોલ ઝીલતો પુત્ર હતો. રિસર્ચ પેપર રજૂ કરી તેની સાબિતી માટે મુદ્દાસર ચર્ચાઓ કરનાર તે વાસ્તવમાં વિના વિરોધ માતા આગળ હથિયાર હેઠાં ધરી દેતો. જો કે, મન તો તેનું પણ ઘણું અશાંત થઈ જતું પોતાની અણજ્ન્મી પુત્રીઓને મૃત્યુ આપતાં પણ, તે માત્ર અંદરથી વલોવાયા કરતો.
ત્રીજી વખત ગર્ભ પરિક્ષણ માટે સખત વિરોધ શૈલાના મનમાં જન્મ્યો હતો. તેને લાગતું હતું કે તેના આવનાર બાળકની રક્ષાની જવાબદારી તેની પોતાની જ છે. માટે તેણે મક્કમ બનવું જ પડશે. તેથી તેણે પોતાના નણંદ મીની બેન અને તેમના વકીલ પતિની ઓથ લીધી. બન્નેએ તેને સહારો આપી તેની મકકમતાને વધુ મજબૂત કરી. સમય જતાં મીનીએ જ રિયાદીદીની મમ્મી અને માધવીકાકીની મદદ લીધી જેથી અચાનક માતા અને ભાઈ શૈલજાને તપાસ માટે લઈ જાય તો તેઓ એને જાણ કરી શકે. મીનીને ખબર જ હતી, તેની માતા સીધી રીતે નહીં માને. આખરે એ દીકરી ખરીને? પોતાની મા ને સૌથી સારી રીતે તેની દીકરી જ જાણતી હોય. આજે સાંજે શૈલાને દાદીના ડૉક્ટર પાસે પપ્પા અને દાદી લઈ જવાના હતાં. માટે મીનીબેનની વ્યવસ્થા મુજબ સવારે રોજ દૂધ લેવા જતી શૈલા બધાં મેડિકલ રિપોર્ટ અને પોતાના ભૃણ તેમજ જીવનની રક્ષાની અરજી લઈ પોતાના વિસ્તારના પોલિસસ્ટેશનમાં પહોંચી ગઈ જ્યાં મીનીબેન, તેમના વકીલ પતિ અને ડૉ. રાય, જે શૈલાનું રેગ્યુલર ચેકઅપ કરતાં હતાં તેઓ હાજર હતાં. તેઓની વ્યવસ્થિત કરેલ રજુઆતથી પોલીસ પણ પ્રભાવિત થઈ અને તુરત એક્શનમાં આવી ગઈ.
સબ ઈન્સ્પેકટરે દાદી અને પપ્પાને કડક ચીમકી આપી અને એક લેડી કોન્સ્ટેબલને મમ્મી ની સલામતી માટે અમારા ઘરે જ છોડવાની વ્યવસ્થા ગોઠવી, જેથી મમ્મી માટે નેહાના નાનકડા સહોદરના આગમનનો રસ્તો સાનુકૂળ બની રહે. પપ્પાએ મમ્મી સહિત બધાં આગંતુકોને બે હાથ જોડી માફી માગી. દાદી ડઘાઈને પોતાના પરિવારજનોને અને લેડી કોન્સ્ટેબલને જોઈ રહ્યાં. તેમને હવે સમજાઈ ગયું હતું કે આથી વધુ જોર પુત્ર ઉપર નહીં ચાલે. તેમણે પણ પોતાની દીકરીના માથે હાથ મૂકી શૈલાનું પૂરું ધ્યાન રાખશે અને આવનાર બાળકને હોંશભેર અપનાવશે એવી ખાતરી આપી. બધાંનાં ચહેરા પર હળવું સ્મિત પથરાયું અને આંખોમાં આછું પાણીનું આવરણ છવાયું.
ફરિયાદીને ન્યાય અપાવી જઈ રહેલ લેડી સબ ઈન્સ્પેકટરે પોલીસવાન તરફ વળતાં કોઈ ન જુએ તેમ પોતાની ડાબી આંખનું ટપકવા આવેલ આંસું જમણા હાથની ટચલી આંગળીથી લૂછ્યું અને તરત જ પોતાના કાળા ગોગલ્સ આંખે ચઢાવી દીધાં. તેને આઠ વર્ષ પહેલાં આવાં જ સતત થયેલા ગર્ભપાતથી મૃત્યુ પામેલ પોતાની ભાભી યાદ આવી ગઈ હતી. પોતાની ભાભીને તો બચાવી ન શકી, પણ નેહાની મમ્મીને બચાવી તેને એક આત્મસંતોષ થયો હતો જે તેની ચાલમાં વર્તાઈ રહ્યો હતો...
લિખિત બાંહેધરી: ઉપરોક્ત વાર્તા ' નેહાની મમ્મી', મારી એટલે કે અલ્પા મ. પુરોહિતની સ્વરચિત કૃતિ છે. આ કૃતિ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનું કથાનક કે પાત્રો સાથે કોઈપણ જીવંત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિસમૂહને કોઈ સંબંધ નથી. અને જો આવું જણાય તો તે એક સંયોગમાત્ર હશે.
આભાર
અલ્પા મ. પુરોહિત
વડોદરા