medha no prem ke prem ni medha in Gujarati Short Stories by Alpa Bhatt Purohit books and stories PDF | મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા

સર્જક : અલ્પા મ. પુરોહિત (વડોદરા)


(જ્યોતિકળશ વાર્તા મેગેઝિનમાં પ્રોત્સાહન ઈનામ પ્રાપ્ત કરેલ વાર્તા)

તારીખ : ૧૫-૦૨-૨૦૨૨

ભલે કહે ઈતિહાસ, પ્રેમમાં કામ નથી બુદ્ધિજીવીનું
પણ, જ્યારે બુદ્ધિથી જ થઈ જાય પ્રેમ તો પ્રેમ શું કરે?

પ્રેમ સાંજે ચાર વાગ્યાનો ઓરડાની સજાવટમાં પરોવાઈ ગયો હતો. ઓવનમાં બેક થઈ રહેલાં વેજીટેબલ્સ વીથ ચીઝ સોસની સોડમ આખાંયે ઘરમાં ફેલાઈ ચૂકી હતી. ફ્રીઝરમાં મેંગો અને ગ્વાવા આઇસ્ક્રીમ ચર્ન કરીને સેટ કરી દેવાયાં હતાં. બાર્બેક્યુઝ તે બંનેની પસંદનું સ્ટાર્ટર હતું. તેના માટે પણ ચીઝ, પનીર, ટામેટાં, કેપ્સીકમ, બટાટા, એકદમ એક-એક સ્કવેર ઇંચનાં ટુકડામાં કાપી મેરીનેટ કરવા મૂકી દીધાં હતાં. બસ આથી વધારે કાંઈ બનાવવાની જરૂર ન હતી. આટલામાં તો મેધા ખુશખુશાલ થઈ જશે. પ્રેમને આજે મેધા સાંજે સાડા આઠે ઘરે આવે એ પહેલાં ઓરડાની સજાવટ, મેધાની પસંદનુ રાત્રિભોજન અને એક નાનકડી ફક્કડ કવિતા તૈયાર કરવાનાં હતાં. હા, કવિતા તે આજે જે વાતાવરણ રચાય તે જોઈને લખવા માંગતો હતો એટલે કોઈ પૂર્વ તૈયારી કરી ન હતી.

પણ, તેણે તેમનાં નાનકડાં, માંડ અગિયાર માસના હેત માટે ખીચડી અને વાવડિંગ - ગંઠોડા નાખી થોડી સાકર સાથે દૂધ ઊકાળી લીધું હતું. તેને સાડા સાતે જમાડીને સાસુમાને આજની રાત્રે સોંપી દેવાનો હતો. હેત જન્મથી આજ સુધી દિવસે ભલે નાના-નાની કે દાદા-દાદી પાસે રહે, પણ, આજે રાત્રિ રોકાણ માટે પહેલી વખત નાની સાથે જઈ રહ્યો હતો. અને કેમ ન હોય, આજે પ્રેમ અને મેધાને પ્રથમ વખત મળ્યાને કુલ છ વર્ષ પૂરાં થતાં હતાં, ઉપરથી આજે તેમની ચોથી લગ્નતિથિ પણ હતી. વળી, આજે લગ્ન પછી પહેલી જ વખત તેઓ બંને સાથે હતાં. તો ઉજવણીનો પ્રસંગ તો બને જ છે ને? હા, તમને સવાલ જરૂર થશે કે, ‘આમ કેમ?’ તો એનોય જવાબ આપી દઉં. આ મારો ભાઈ પ્રેમ, હવે તમે પુછશો કે, ‘નાનો કે મોટો?’ તો હું કહીશ કે, ‘ નહીં નાનો નહીં મોટો, અમે બંને તો જોડિયાં, એ પ્રેમ અને હું પ્રીત. અરે હું પ્રેમનો ભાઈ નહીં, બહેન પ્રીત.' હવે, લગ્ન કરીને તરત પ્રેમ ઇન્ટર્ન શીપ કરવા બેંગ્લોર જતો રહેલો. અને મેધાને તો મુંબઈમાં જ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઇન્ટર્ન શીપ સાથેની નોકરીની ઓફર આવી ગયેલી. આવી ઓફર કોણ છોડે,વળી? અને મને, હા, હુંય તે વળી તેમની જ સાથે સી.એ. કરતી. મારી ઇન્ટર્ન શીપ મેધાની જ કંપનીમાં. એટલે મમ્મી પપ્પા, હું ને મેધા બધા ખુશ.
હવે, તેમનાં લગ્નનાં છ મહિના પૂરાં થયાં અને તેનાં બરાબર દસ દિવસ બાદ અમારી ઈન્ટર્નશીપ પૂરી થઈ. પ્રેમ તો ઘરે આવી ગયો. પણ, મેધાને એક મહિના પહેલાં જ કંપનીએ ઈંગ્લેન્ડ અને પછી સ્વિત્ઝર્લેન્ડની ઓફિસમાં ત્યાંની સિસ્ટમનો અનુભવ લેવા મોકલેલી. અરે, મેધાની તો જોબ જ પાક્કી થઈ ગયેલીને, એટલે.

હવે, મારે અને પ્રેમને નોકરી શોધવાની હતી. પણ, હું કોઈ કંપનીમાં અરજી કરું તે પહેલાં જ મને મારી ઈન્ટર્નશીપ વાળી કંપનીમાંથી જ કોલલેટર આવી ગયો. એટલે આપણે બંદા તો ખુશખુશાલ. મમ્મીને પણ એક સંતાન તો નજીક રહે એવી ઇચ્છા. એટલે, મેં તો પાંચ વર્ષના કોન્ટ્રાક્ટથી નોકરી લઈ જ લીધી. અરે! હું તો મારી વાત માંડી બેસી ગઈ. આજે તો મારે તમને મારા ભાઈ પ્રેમ અને તેની મેધાની વાત કરવાની છે. જો જો હું પાછી આડે પાટે ચઢું ને, તો મને વાળી લેજો.

હવે, જ્યાં સુધી મેધા પાછી ફરી, પ્રેમને પણ મુંબઈમાં જ નોકરી મળી ગઈ પણ, તેને ઝાઝું ગોઠતું નહીં. તેનું મન થોડું અશાંત રહેતું. એકવાર તે પંદર દિવસની ઓફિસ બ્રાન્ચની ટૂર કરી પરત ફર્યો તે રવિવારે તેની બ્રીફકેસ ખાલી કરતાં મને ને મેધાને તેની અશાંતિ, ઉચાટનું કારણ પકડાઈ ગયું. મેધા તો માથે હાથ દઈ બેસી આંખમાંથી આંસુડાં પાડવા લાગી. હું ગભરાઈ, મેં મમ્મી - પપ્પાને બૂમ મારીને બોલાવ્યાં, તો પ્રેમ સાથે એ બેય સીધાં પ્રેમનાં રૂમમાં. પોતાનો ખજાનો ફેલાયેલો જોઈ પ્રેમ થોડો ઓજપાઈ ગયો. મેધાને જોઈ બોલ્યો, 'અરે, તું રડ નહીં.' અને મને સંબોધીને, 'શું ઊતાવળ હતી તને મારી બેગ ખોલવાની?' હું ફરી વળી, 'ચાલ, ચાલ. ચોરી પોતાની પકડાઈ અને ખીજાય છે મારા ઉપર?'

હવે, વાત એમ બની હતી કે છ મહિના મેધાથી દૂર રહીને ભાઈસાહેબનાં મનમાં નવા પ્રેમનાં ફણગા ફૂટ્યા હતાં. અરે, ના ના. કોઈ યુવતી સાથે નહીં. લેખન સાથે. તેણે સુંદર મઝાનાં કાવ્યો, મેધાને ઉદ્દેશીને લખ્યાં હતાં. અને ઘણી બધી વાર્તાઓ પણ. એક બે પબ્લિકેશન સાથે તેની વાર્તાઓનું પુસ્તક છપાવવાની વાત ચાલી રહી હતી. પણ, કદાચ એક પુરુષ નોકરીમાં ઉર્ધ્વગતિના વિચારને બદલે મનનાં વિચારોને ઉર્ધ્વગતિ આપે એ તેનાં સમાજજીવન માટે થોડું અસહજ લાગે. એટલે જ ભાઈએ હજી સુધી આ વાત છુપાવી હતી.

હવે, મેધાનાં રડવાનું કારણ પૂછતાં તેણે અમને બધાંને કહ્યું, 'એને મારા માટે એટલી લાગણી છે કે એ મારા ઉપર કવિતાઓ લખે. પણ, મને જ નહી કહેવાનું?' વળી, ઊમેર્યું, 'હું જો ગૃહિણીજીવન જીવવા માગતે, તો તમે બધાં મને આટલાં જ ઉમંગે સ્વીકારતે કે નહીં?'

અમે બધાં એકસૂરે બોલ્યાં, 'હા, હા, કેમ નહીં?' અને પપ્પાએ વાતનો તંતુ પકડી રાખી અનુસંધાને કહ્યું,' બેટા, મારી દ્રષ્ટિએ ઘર ચલાવવાની જવાબદારી પ્રેમની જ છે. તું ખૂબ હોશિયાર છે. તારી નોકરી, પ્રગતિ અને હોદ્દો બધું જ ખૂબ સરસ છે. પણ, તું જ્યારે ઈચ્છે, નોકરી તારી મરજીથી છોડી પણ શકે છે.'

મેધાએ નાનાં બાળકની જેમ તેનાં આંસુથી ખરડાયેલાં ગાલ, હથેળીઓ ઘસડીને સાફ કરી મરકતાં કહ્યું,' પપ્પા, હું આ જ ઓફર પ્રેમને આપવા માંગુ છું. અને તે પણ, આજથી પૂરાં પાંચ વર્ષ માટે. તે નોકરી છોડી, પોતાની લેખનકળા પૂરજોરમાં વિકસાવે અને એક ખૂબ સારો લેખક બને એવું હું ઈચ્છું છું.' આ મારી જ નહીં, પ્રેમની પણ પહેલી ઈચ્છા હતી. પણ અમારાં લગ્ન અભ્યાસ પૂરો થતાં જ થઈ ગયાં એટલે તે જીવનઘરેડમાં જોતરાઈ ગયો. જેમ, હું મારી પસંદનું કામ કરી રહી છું અને તમે બધાં મને સહકાર આપો છો, ચાલો એવો જ સહકાર આપણે પ્રેમને આપીએ.' અને બધાંને મેધાના આ વિચાર માટે ખૂબ જ માન થયું ને તેનો વિચાર વધાવી લેવાયો. અને આમ, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેનાં લેખન પ્રત્યેના અસીમ શોખને લઈ સી. એ. તરીકેની પ્રેકટીસ છોડી, એક ફુલટાઈમ લેખક બનવા તરફ દોરાઈ ગયો. અને કેમ ન હોય, તેના જીવનસાથીનો તેના આ શોખ ઉપર ભારોભાર ભરોસો કે એક દિવસ પ્રેમનું નામ ઉત્તમ સાહિત્યકારોની હરોળમાં લેવાશે. પછીનાં વર્ષોમાં, મેધાને ચાર વિદેશી ટૂર્સ આવી અને તે બધી જ તેને એક નવી અને ઉચ્ચ પદવી તરીકે દોરતી ગઈ. પણ, તેમણે તેમની પ્રથમવારના મિલનની અને લગ્નની તીથીના દિવસે હંમેશા ભૌતિક રીતે દૂર હતાં.

'હાં, શું પૂછ્યું તમે? હા ભાઈ, મારાં લગ્ન પણ થઈ ગયાં. ત્રણ વર્ષ થયાં. અને મારાં 'એ' ઈન્ડિયન નેવીમાં છે. અને હું સાસરેથી પિયર અને પિયરથી સાસરે કર્યા કરું. અમે એક જ સોસાયટીમાં છીએ ને? ના, ના, હું સાવ એકલી નથી, મારી જોડે મારાં સાસુમા અને સસરાજીયે ખરાં.' જુઓ, પાછી મને તમે આડે પાટે ચઢાવી દીધી. આપણે મેધા અને પ્રેમની જ વાત કરવાની છે. સમજ્યાં? યાદ રાખજો, હં.
અને આખરે બારણાની ઘંટડી રણકી. પ્રેમે બારણું ખોલ્યું અને સુંદર મઝાનાં શણગારેલાં ઓરડાને જોઈ મેધા લાગણીવશ થઈ કિંકર્તવ્યમૂઢ ઊભી રહી. તેણે આ દિવસ સજોડે ક્યારેય ઊજવ્યો જ નહોતો. ધીમું સંગીત વાગી રહ્યું હતું, પ્રેમ તેને જોઈને પોતાની તાજજી જન્મેલી કવિતા બોલી રહ્યો હતો. એક મઝાનો ગુલદસ્તો મધુરાં લાલ ગુલાબની શોભાને અનેકગણી વધારી રહ્યો હતો. ઓરડામાં આછું ભૂરા રંગનું અજવાળું ફેલાયું હતું. પ્રેમ જેવો એક લાલ ગુલાબ લઈ મેધાની નજીક તેને આપવા ઝુક્યો., મેધા પણ તેની સામે ઘૂંટણિયે બેસી ગઈ અને તેમની પ્રથમ મુલાકાતના દિવસની લટારે પહોંચી ગઈ.

છ વર્ષ પહેલાં, ૧૪ ફેબ્રુઆરીએ જ્યારે રસિકજનો પોતાનાં પ્રિયજન સમક્ષ પ્પોતાની લાગણીઓનો ધોધ વહેતો મૂકવાનાં હતાં, ત્યારે પ્રેમ પણ કોલેજમાં એક મઝાનું ગુલાબ અને બે બ્રેસલેટ્સ લઈને આવેલો. 'અરે, મને તો ખબર જ હોયને. એક તો અમે જોડિયાં, કાંઈ છુપાવીએ નહીં. બીજું, અમે કોલેજ એક જ કારમાં જઇએ, તે ઈચ્છે તો યે છુપાવાય નહીં.' કોલેજ કેમ્પસ આવતાં જ તેને તેના મનની સામ્રાજ્ઞી, સૌંદર્યા દેખાઈ. પ્રેમે મને ઈશારાથી કાર થોભાવવા કહ્યું. 'હા, તે હું તો જાણે એની ડ્રાઇવર જ હતી. આ તો તે પવનવેગે કાર ચલાવે એટલે મને પપ્પાની કડક સૂચના. કોલેજ જતાં - આવતાં તો કાર મારે જ ચલાવવાની.' ચાલો ચાલો પાછાં મુદ્દા ઉપર આવીએ.

પ્રેમ પોતાની આજની સૌથી કીમતી સંપત્તિ, પેલું ગુલાબ અને બંને બ્રેસલેટ્સ લઈ કારનો દરવાજો ખોલી નીચે ઊતર્યો અને લાટસાહેબ દરવાજોય બંધ કર્યાં વિના સૌંદર્યા તરફ ચાલવા લાગ્યાં. તે દસેક ડગલાં ચાલ્યો હશે કે પવનવેગે એક મઝાની ઓડી કાર આવીને સૌંદર્યાની પાછળની તરફ ઊભી રહી અને સ્ટાઈલમાં દરવાજો ખોલી એક કરોડપતિ નબીરો, સામ્રાજ્ય તેમાંથી ઊતર્યો. સૌંદર્યાને મોટ્ટો લાલ ગુલાબનો સહેજે પાચેક હજારનો ગુલદસ્તો, એક મઝાની ડાયમંડના ઇન્ફીનીટીનાં પેન્ડન્ટ વાળી ચેઇન અને વિદેશી ચોકલેટસનું મોટ્ટુ બોકસ, એક પછી એક તેને ધરી દીધું. સૌંદર્યા બધું પકડી શકે તેમ નહોતી, એટલે સામ્રાજ્યનાં ચમચા બધું પકડવા તેની પાછળ હાજર થઈ ગયાં. સૌંદર્યાનું રૂપ અભિમાનનો અંચળો ઓઢી, સામ્રાજ્યની ઓડીમાં બેસી જતું રહ્યું. ભાઈને તો તેણે જોયો સુદ્ધાં નહોતો.

અને આ તરફ ભાઈ, આંખોમાં આંસુને પરાણે પકડીને ઊભો હતો. તેની ઇચ્છા કોઈ પત્થર પર પછડાયાં વિના જ ચૂર ચૂર થઈ ગઈ હતી. એમ નહતું કે સૌંદર્યાએ કોઈ લાગણીઓ જાહેર કરી હતી. પણ, તે પોતાની નોટ્સ કમ્પલીટ કરવા હંમેશા ભાઈની નોટ્સ લઈ જતી. એસાઈન્મેન્ટ તૈયાર કરવા પણ લાયબ્રેરીમાં તેની જોડે જ બેસતી. પોતાનાં પરિવારનાં જન્મદિવસની શુભકામનાઓનાં સંદેશા પણ તે ભાઈ પાસે જ લખાવતી. અને કામ પૂરું થયાં બાદ એક હૂંફાળું સ્મિત અને હસ્તધૂનનની ભેટ આપતી જતી. અને પ્રેમ બિચારો, આને જ પ્રણયનું પ્રથમ પગથિયું સમજી બેઠો.

ત્યાં મેં ગાડીનો હોર્ન વગાડ્યો. અમારો હોર્ન થોડો અલગ હતો, સેંકડોમાં પરખાઈ જાય એવો. તે સાવધ થઈ ફૂલને ખૂબ નફરતથી ફેંકવા જતો હતો. ત્યાં પાછળના ઝાડ નીચેની બેંચ ઉપર બેસી આ દ્શ્ય જોઈ રહેલી મેધા આવી. આ તો એ જ મેધા જે દસમા અને બારમા ધોરણમાં રાજ્ય પ્રથમ, વક્તૃત્વ સ્પર્ધામાં અવ્વલ, કોલેજમાં દરેક વિષયમાં પ્રથમ અને એસાઈન્મેન્ટમાં ઊડીને આંખે વળગે તેવી ચીવટ અને સાચી બુદ્ધિશક્તિનો પરિચય કરાવતી યુવતી. તેણે પ્રેમને ખૂબ જ ધીમા સ્વરે, અચકાતાં કહ્યું, 'આ ગુલાબનું ફૂલ જો તમે ફેંકવા જ જઈ રહ્યાં હોય તો મને આપી દો. મારાં આ કદરૂપા ચહેરાને જોઈ કોઈ ક્યારેય મને ફૂલ આપવાનું નથી. મારા જીવનસાથી બનવાની વાત તો દૂર, કોઈ મારી સાથે કોલેજ કેમ્પસમાં પણ બે ડગલાં ચાલવાનું નથી. આ ફૂલ તમે મને હાથમાં ન આપશો, ત્યાં બેંચ ઉપર મૂકીને ચાલી જાવ, હું ઊપાડી લઈશ. મને ખોટેખોટું ખુશ થવા દેશો કે આજે મારાં હાથમાંયે મારાથી ન ખરીદાયેલ એવું એક ફૂલ છે?'

ભાઈ આ શબ્દો સાંભળતાં જ આંસુઓને રોકી ન શક્યો અને ઘૂંટણિયે બેસી ગયો. આપોઆપ તેનાં હાથમાંનું ફૂલ મેધાને ધરાઈ ગયું. હવે, મેધા અચકાઈ રહી હતી આ ફૂલ લેતાં. અમે પાંચ-સાત લોકો જે બંનેને ઓળખતાં હતાં તેમણે બેયને ચિયર અપ કરવા માંડ્યાં. મેધાએ ત્રણ મિનિટ સુધી ઘૂંટણિયે બેઠેલાં પ્રેમનાં હાથમાંથી ગુલાબ લઈ લીધું. અને તે જળભરેલી આંખે પ્રેમને જોતી ફૂલ ઉપર અશ્રુનો અભિષેક કરી રહી. અમે બધાંએ તેમને વધાવી લીધાં. મેં બંનેને ભેટીને કારની ચાવી તેમને આપી દીધી. મેધાની બૌદ્ધિક સુંદરતાએ સૌંદર્યાના શારિરીક સુંદરતાના આકર્ષણને ત્વરિતપણે ધોઈ નાખ્યું. મેધાને પ્રેમ અને પ્રેમને મેધા મળી ગઈ.

અને આજે આ દિવસને છ વર્ષ પૂરાં થયાં. બંને સહજીવન જીવતાં એકબીજાનાં પૂરક અને મૂલાધાર સમ બની રહ્યાં. સૌંદર્ય મનનું અને મેધાનું સાચું. અને પ્રેમ તો વળી પ્રેમનો જ. જ્યાં આજના દિનની ઉજવણી થઈ રહી છે ત્યાંથી એક ભાવસંગીત વહી રહ્યું છે. બંને એકબીજાંને મેળવીને નહીં, પામીને ખૂબ જ ખુશ છે. અને હુંયે. મમ્મી પણ કહે છે, 'મેધા જેવી વહુ તો હું યે ન શોધી શકતે જે મારા પ્રેમને આટલું સમજે.'

હા, એક વાત કરી દઉં. કાલે બેય પહેલીવાર એક સમારંભમાં સાથે જવાનાં છે. જ્યાં ભાઈનાં પુસ્તકને 'બેસ્ટસેલર' નો એવોર્ડ મળનાર છે. તેનું શીર્ષક છે, 'મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા?'
અને ભાઈએ તે સમર્પિત કર્યું છે, મેધાને. તેની પંક્તિ છે, 'મેધા, મારાં લેખનજગતનો મૂલાધાર.'

બાંહેધરી: આ વાર્તા, 'મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા', મારી એટલે કે અલ્પા મ. પુરોહિતની સ્વરચિત કૃતિ છે. તે આજ પહેલાં ક્યાય મોકલવામાં નથી આવી અને તેથી સંપૂર્ણપણે અપ્રકાશિત છે.

અલ્પા મ. પુરોહિત
વડોદરા