Aekant - 106 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 106

Featured Books
Categories
Share

એકાંત - 106

રવિ અને વત્સલે હેતલને ખૂબ મનાવી પણ હેતલ જિદ્દ પર અડી ચૂકી હતી. તેણીએ થોડાંક સમય માટે એની જિદ્દ બાજુ પર મૂકી. રવિ અને વત્સલને જમવાનું બનાવીને જમાડી દીધું. વત્સલ જમીને નિંદ્રાધીન થઈ ગયો હતો. હેતલ બાકીનાં કામો કરીને રૂમની અંદર આવી તો રવિ હજું જાગી રહ્યો હતો.

હેતલને રૂમની અંદર જોતાં રવિ બોલ્યો, "મારે તારી સાથે થોડીક એકાંતમાં વાતો કરવી છે. આપણે બીજાં રૂમમાં વાતો કરવાં જઈ શકીએ છીએ ? અહીં આપણી વાતોથી વસુ જાગી જશે એનો ડર રહેશે."

હાર્દિકની વાત સાંભળીને હેતલે હકારમાં માથુ હલાવ્યું. એ રૂમમાંથી તેઓ બન્ને બહાર નીકળીને આગળ આવેલ તેણીનાં પપ્પાના રૂમમાં વાતો કરવા જતા રહ્યા. 

રૂમની અંદર પ્રવેશતા રવિએ પ્રેમથી હેતલને બાથ ભીડી લીધી અને કાનમાં પ્રેમની મીઠી વાતો કરવાં લાગ્યો, "એય..હેતલ આટલાં દિવસો મને તારી બહું જ યાદ આવતી હતી. સવારનો સાંજે ઘરે આવું. તને ના જોતા મારું મન ઉદાસ થઈ જતું. તને એક નજર નિહાળતા મારી દિવસભરની થકાવટ દૂર થઈ જતી."

રવિની વાત પૂરી થતાં હેતલ એનાથી દૂર થવાં માટે પ્રયાસો કરવાં લાગી, "તમારી આવી વાતોથી મને કોઈ જ ફરક પડવાનો નથી. મારી જિદ્દ અટલ છે અને એ જિદ્દ પૂરી કરીને રહીશ. મહેરબાની કરીને તમે મારાથી દૂર થઈ જાઓ."

હેતલની વાતથી રવિ એનાથી થોડોક દૂર થઈ ગયો. એણે હેતલનો ચહેરો પોતાના બન્ને હાથોમાં લઈ બોલ્યો, "તું થોડીક મિનિટો માટે તારી જિદ્દ ભૂલી શકતી નથી ? તારી જિદ્દનું આપણે પછી વિચારશું. આટલાં સમય પછી આપણને એકાંત મળ્યું છે. આપણે થોડીક ક્ષણો પ્રેમમાં વિતાવવી શકીએ છીએ. હું તારી બાહુમાં મારી બધી ચિંતાઓ પળ ભરમાં ભૂલી ગયો હતો. તારી બાહુમાં મને જે સૂકુન મળે છે એ બીજે ક્યાંય મળતું નથી."

રવિની પ્રેમભરી વાતો હેતલ ધ્યાન દઈને સાંભળી રહી હતી.
એ બીજી વાર હેતલની નજીક જવાનો પ્રયાસ કર્યો. હેતલ પણ રવિના પ્રેમમાં ઓગળવા માટે ઉત્સુક થઈ રહી હતી. તેણી એની નજીક જવાં માટે પોતાને રોકવાં માટે અસમર્થ થઈ રહી હતી.

તેઓ બન્ને એકબીજા પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયાં. અડધી કલાક પછી હેતલ રવિના બન્ને હાથો વચ્ચે છાતી પર માથુ રાખીને આંખો બંધ કરીને વિતાવેલી અમુલ્ય ક્ષણને માણી રહી હતી. રવિ એક નજરે છત પર ચાલુ પંખાને જોઈ રહ્યો હતો.

"હેતલ, તને યાદ છે.! હું જ્યારે તને પહેલી વાર મળવાં આવ્યો હતો. એ સમયે આપણી પહેલી મિટીંગ આ રૂમની અંદર થઈ હતી. આપણા માટે આ રૂમ એ દિવસથી નસીબદાર થઈ ગયો હતો." રવિની વાત પર હેતલ મૌનમાં હુકારો આપી રહી હતી.

"તેં રાણી ગુલાબી કલરની બાંધણી પહેરેલી હતી. તારા લાંબા અને કાળાં વાળને તે ખૂલ્લાં કરીને રાખ્યાં હતાં. તારાં વાળમાંથી નીકળતી લટને તું તારી નાજુક આંગળીથી કાનની પાછળ કરી રહી હતી, ત્યારે જાણે મેં આકાશમાં રહેલી પરીને મારી નજરેથી નિહાળી કેમ ના રહ્યો હોય ! એવું મને મહેસુસ થયું. હું તો પહેલી વાર તને જોઈને તારાં પ્રેમમાં પડી ગયો હતો. એ દિવસે ખરેખર તારાંથી વિખૂટું પડીને ઘરે જવાની મરજી થઈ રહી ન હતી. માનો કે આ ચાર ફેરા ફરીને મેરેજ કરવાની રસ્મ સમાજે બનાવી ના હોય તો હું તને પહેલી મુલાકાતે જ તારો હાથ પકડીને મારાં ઘરે લઈ જવાં માંગતો હતો."

"સાચે જ ! તમને હું પહેલી મુલાકાતે એટલી પસંદ પડી ગઈ હતી ?" આંખો બંધ કરીને હેતલે કહ્યું. 

"અરે ! કોઈ પરીના પ્રેમમાં પડી ના જાય, એ તો મહામુર્ખ હોવો જોઈએ. તું એ દિવસે મારાં દિલની રાણી બની ગઈ હતી. એક વર્ષ પછી તું મારી કાયદેસરની પત્ની બનીને આપણાં ઘરમાં આવી હતી. એક વર્ષ સુધી મેં આ સુંદર પરીને પોતાની બનાવવાં માટે તપસ્યાં કરેલી હતી."

હકીકતમાં હેતલ તેણીની બાકીની સહેલીઓ કરતાં બહું સુંદર હતી. તેણીનો દૂધ જેવો મખમલી બદન જોઈને સૌ કોઈને પળમાં એવું લાગે એ કોઈ વિદેશથી આવેલી સ્ત્રી તો નહિ હોય ! તેણીએ એનું બોડિ પણ એટલું મેઈન્ટેન કરીને રાખેલું હતું. વત્સલનાં જન્મ પછી પણ એણે પૂરી પરેજી સાથે એનાં વજનમાં વધારો કરેલો ન હતો.

હેતલ અને રવિ મેરેજ પછી ફરવા ગયાં એની વાતોએ લાગી ગયાં. રવિ પાસે એમણે વિતાવેલી પ્રેમની ક્ષણોમાં હેતલ તેણીની જિદ્દ ભૂલી ગઈ હતી. અમુક વાતો રવિને યાદ આવી રહી ન હતી તો હેતલ એને યાદ કરાવવાની ટ્રાઈ કરી રહી હતી.

રવિ જ્યારે જાન લઈને હેતલને લેવાં આવ્યો. એ સમયે હેતલની સહેલીઓએ રવિ સાથે મસ્તી કરી રહી હતી. જે હેતલને જરાય પસંદ આવી ન.હતી. હેતલ એની સહેલીને ખિજાઈને પોતાનાં થનાર પતિને એમની સહેલીથી બચાવ્યો. એ હાસ્યાસ્પદમાં હેતલને રવિ માટે કેટલો પ્રેમ હતો એની ઝલક દેખાઈ આવતી હતી.

સાંજનાં પાંચ વાગી ચુક્યાં હતાં. વત્સલ જાગી ગયો હતો. રવિને હેતલનાં ગામમાં પહાડ પર આવેલ શિવજીનાં મંદિરે જવાની ખૂબ ઈચ્છા થઈ ગઈ હતી. જ્યાં તેઓ બન્ને સગાઇ પછી અવાર નવાર શિવજીનાં દર્શન કરવાને બહાને મળવા જતાં હતાં.

રવિ ત્યાં જવા તૈયાર થઈ રહ્યો હતો. હેતલ વત્સલને તૈયાર કરીને ખુદ તૈયાર થવાં પોતાના રૂમમાં જતી રહી હતી. પંદર મિનિટની અંદર તેણી તૈયાર થઈને બહાર આવી પહોંચી હતી.

હેતલને તૈયાર થઈને રવિની સામે ઊભી રહી ગઈ. રવિ તેણીનાં રૂપને જોતો રહી ગયો. એ જ ખુલ્લાં વાળ અને એ જ તેણીની લટ કાનની આગળ આવી રહી હતી. હેતલ એ લટને ફરી કાનની પાછળ કરી રહી હતી. એની પાતળી કટી જ્યારે ચાલે તો લટકાં મારી રહી હતી.

આમ તો હેતલના શ્વેત રંગ પર કોઈપણ કલરનાં કપડાં સુંદર લાગતાં હતાં. રવિ સાથે ઘણાં સમયે બહાર જવાં માટે તેણીએ રવિનાં પસંદનો બ્લૂ રંગનો ડ્રેસ પહેરેલો હતો. એ જ રંગના બ્લૂ રંગના દુપટ્ટાને હવાઓમાં ખૂલ્લો લહેરાતો મૂકી દીધો હતો.

જમણા હાથે રવિએ વત્સલનો હાથ પકડી લીધો હતો અને એની ડાબા હાથની આંગળીઓ હેતલનાં હાથોમાં લોક કરીને તેઓ પહાડ પરનાં રસ્તે જવાં નીકળી ગયાં. આસપાસ તેઓને કોઈ જોઈ જશે એવા સંકોચ સાથે તેઓએ એમનો હાથ રસ્તાઓની વચ્ચે પબ્લીકની નજરોની સામે છોડી દીધો હતો. આખરે તેઓ ચાલતાં ચાલતાં પહાડ પર પહોંચી ગયાં.

પહાડ પર ચઢવા માટેનાં પગથિયા સાવ જુનવણી હતા. વરસાદના મારણથી સાવ ભાંગી ગયેલા હતા. પગથિયેથી ઉપર ચડવું મુશ્કેલ હતું, પણ તે છતાં રવિએ પહાડ પર જવાની ઈચ્છાને પૂરી કરવી જ હતી.

થોડાંક અંતરે વત્સલ પગથિયા ચઢતો થાકી ગયો. રવિએ તેને ઊચકી લીધો. હેતલ રવિના હાથને પકડીને સાવચાતીથી પગથિયાં ચઢી રહી હતી. ચડાવ એવો હતો કે ધ્યાન રાખવાં છતાં હેતલનું બેલેન્સ ડગી ગયું. તેણી સાવ રવિ તરફ નમી ગઈ. સમય સુચકતા જાળવીને રવિએ વત્સલને નીચે ઊતારીને હેતલને પોતાનાં બન્ને હાથેથી પકડી લીધી.

રવિ અને હેતલ બન્ને એકબીજાંની આંખો વડે જોવાં લાગ્યાં. ત્યાં જ વત્સલનો અવાજ તેઓના કાને અથડાયો, "યેહ...પપ્પાએ મમ્મીને બચાવી લીધી. પપ્પાએ મમ્મીને બચાવી લીધી."

વત્સલ તાળી પાડવા લાગ્યો. વત્સલનો અવાજ સાંભળીને હેતલ રવિથી અલગ થઈને ચાલવાં લાગી. છેવટે તેઓ શિવજીનાં મંદિરે જઈ પહોચ્યાં.

શિવજીનાં દર્શન કરીને રવિ હેતલ અને વત્સલને લઈને રાત્રે બહાર હોટલમાં જમી લીધું હતું. હેતલને શરૂઆતથી હોટલમાં જમવાનો શોખ હતો. સાસરિયા તરફથી મહિને એકવાર તેઓને બહાર હોટલમાં જમવાં જવા મળતું હતું. 

હેતલનો સ્વભાવ સવાર કરતાં સાંજે અલગ લાગી રહ્યો હતો. રવિને વિશ્વાસ બેસી ગયો કે હેતલે તેણીની જિદ્દ છોડીને એની સાથે આવવાં તૈયાર થઈ જશે.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"