પ્રવિણની વાતને સમજીને ડૉકટર અને સ્ટાફને એમની ભૂલ સમજાઈ ગઈ. પોલીસના આવે એ પહેલા તેમણે યોગીની ટ્રીટમેન્ટ આઈ.સી.યુ.મા ચાલુ કરાવી દીધી. સારવાર ચાલુ હતી એ સમયે ઈન્સ્પેકટર એમની ટુકડી લઈને પ્રવિણ અને યોગીના પરિવારના લોકો પાસે આવી પહોચ્યા.
"સિવિલમાંથી કોઈએ પોલીસ સ્ટેશને કોલ કરાવીને જણાવ્યું કે તમે એક સ્યુસાઈડ કેશ લઈને અહીં આવ્યા છો ?" ઈન્સ્પેકટરે પ્રવિણ સામે જોઈને કહ્યુ.
"હા સર, એની ટ્રીટમેન્ટ અંદર ચાલુ છે." પ્રવિણે વોર્ડ તરફ ઈશારો કરીને જવાબ આપ્યો.
"મારે પેશન્ટના પરિવારના લોકોથી જરૂરી પુછતાજ કરવી છે. તમે એ પેશન્ટને શુ થાવ છો ?"
"હું તો તેમનો પાડોશી છું. માણસાઈને ખાતર હું તેમની હેલ્પ કરવા આવ્યો છું. આ કાનો પેશન્ટનો મિત્ર મને બોલાવવા આવ્યો ત્યારે જ મને ખબર પડી કે તેણે ઝેર પીધું છે. આમાં એક પેશન્ટના પિતા છે જે ગવાહી આપી શકે એવી હાલતમાં મને લાગતા નથી. તે તેનો મોટો ભાઈ તમારે જે કાંઈ પુછતાજ કરવી હોય તેને કરી શકો છો." પ્રવિણે દરેકની ઓળખાણ કરાવી.
યોગીના પિતા યોગીની ખરાબ હાલત જોઈને સાવ ઢીલા પડી ગયા હતા. પ્રવિણની વાત સાચી હતી. તે કાંઇપણ યોગી વિશે બોલી શકે એના માટે સક્ષમ હતા નહિ.
"હમ્મ.." ઈન્સ્પેકટરે હવલદારને સુચના આપી દીધી કે અહીં જે કાંઈ ઈન્કવારિ કરવામાં આવે, એ શબ્દશ: નોટ કરીને લખી લે. ત્યારબાદ ઈન્સ્પેકટરે યોગીના ભાઈને ઉદેશીને કહ્યુ, "પેશન્ટનુ નામ શુ છે?"
"યોગી નામ છે, તેનુ."
"તમારુ નામ."
"જી દેવરાજ."
"યોગીએ અચાનક ઝેર પીવાનું કારણ જણાવશો."
"સાહેબ, આજની યુવાપેઢી તમે જાણો છો. સહનશક્તિના અભાવને કારણે તેણે આવુ પગલુ ભર્યુ હશે."
"મે તમને જે સવાલ પુછ્યો એનો સીધો જવાબ આપો. ઝેર પીવા માટે તમે તો દબાણ કર્યું નથી ? જે હોય એ એનો સાચો જવાબ આપો."
"સાહેબ, આમા મારો કે અમારા પરિવારનો કોઈ વાંક નથી. વાસ્તવિકતા એ છે કે યોગી ઘણા સમયથી બેચેન રહેતો હતો. તેને અમે લોકો ઘણી વાર પૂછતા કે તને કોઈ તકલીફ છે તો અમને કહે. જેટલી વાર તેને પૂછીએ તો એ એમ કહેતો કે ના મને કોઈ તકલીફ નથી. તેના વર્તનમાં અને ખાવા પીવામાં ઘણો ફરક આવી ગયો હતો. સાચુ કારણ તેણે કોઈ દિવસ પરિવારને આપ્યુ નહિ." દેવરાજે સીધી વાત કરી.
"તેના વર્તનમાં બદલાવ આવી ગયો હતો તો તમારે એની કોઈ સારવાર કરાવી જોઈએ."
"અમને તેની સારવારનો વિચાર આવ્યો હતો પણ પછી જો સમાજમાં એવી ખબર ફેલાય કે યોગી પાગલ છે. ભવિષ્યમા તેના લગ્ન કરવામાં કોઈ અડચણ ઊભી થવાનો ડર સતાવવા લાગ્યો."
"જુઓ દેવરાજ, યોગી પાગલ નથી. તમારી વાતથી એવુ લાગે કે એ કોઈ વાતને લઈને સતત ટેન્શનમાં રહેતો હતો. જેને કારણે એ ડિપ્રેશનનો શિકાર બની ગયો. વધુ વિચાર એ સહન ના કરી શક્યો. આથી તેને આવુ પગલુ ભરવુ પડ્યુ."
ઈન્સ્પેક્ટરને દેવરાજ પાસેથી જોઈ એવી સાચી માહિતી ના મળી. તેણે તેની સાથે પુછતાજ પૂરી કરી લીધી અને કાનાની સામે જોયુ.
"તમે યોગીના મિત્ર છો ?"
"હા સર."
"કેટલા વર્ષથી તમે એને ઓળખો છો ?"
"અમે નાનપણથી સાથે ભણીને મોટા થયા છીએ. એમ જ માની લો કે એ મારો લંગોટ્યો યાર જ છે."
"એ તમારો ખાસ મિત્ર થયો. યોગી દરેક એના મનની વાત તમને કહેતો હશે. તમે જણાવી શકશો કે એ કઈ વાતને કારણે ટેન્શનમાં રહેતો હતો ?"
"માફ કરજો સર. મે તેને પૂછવાની ઘણી ટ્રાઈ કરી હતી. તે એમ જ કહેતો કે ના મને કોઈ તકલીફ નથી. તેની માનસિક હાલત ઠીક થાય એને કારણે અમે ગયા અઠવાડિયે શિવરાજ દરિયે ફરવા ગયા. ત્યાંનો દરિયાકિનારો એકદમ મુંબઈના મોટા દરિયાકિનારા જેવો રઢિયામણો છે. કોઈપણ બિમાર વ્યક્તિ ત્યાં જાય તો એ સ્વસ્થ થઈ જાય. યોગીએ એવો સુંદર નજારો જોયો તો પણ તેના વર્તનમાં કોઈ ફેરફાર જોવા ના મળ્યો."
ઈન્સ્પેકટરને કાના પાસેથી કરેલી પુછતાજમા પણ અસફળતા પ્રાપ્ત થઈ નહિ. સોમનાથ દાદા યોગીને ઠીક કરી દે અને જો તેની પાસેથી કોઈ બયાન લેવામાં આવે તો કદાચ સાચી હકીકતની જાણ થાય. અમુક જરૂરી સવાલોના જવાબ કાના પાસેથી જાણીને વોર્ડમાંથી ડૉકટરના આવવાની રાહ જોવા ઈન્સ્પેકટર ત્યાં જ રોકાય ગયા.
બધી ઈન્કવાયરી થઈ ગયા પછી પ્રવિણ યોગીના પરિવારને અને પોલીસ ઓફીસરને ચાય પીવડાવી. પંદર મિનિટ પછી ડૉકટર યોગીની ટ્રીટમેન્ટ કરીને વોર્ડમાંથી બહાર નીકળ્યા. તેમણે સરસ મજાના સમાચાર આપ્યા કે સોમનાથ દાદાના સાનિધ્યમા યોગી મૌતને હાર આપીને જીતી ગયો છે. તે આંખો ખોલીને ભાનમાં આવી ગયો હતો. કોઈને તેને મળવા જવુ હોય એ પણ અંદર જઈને મળી શકે. એવી મંજુરી આપી દીધી. યોગીના પિતા અને એના ભાઈએ ડૉકટરનો આભાર માન્યો. પ્રવિણ ડૉકટરની કામગીરીથી ખૂબ ખુશ થઈ ગયો હતો. યોગીની મુશ્કેલ ઘડીમા ડૉકટર સાક્ષાત્ સોમનાથ દાદાનુ રુપ ધરીને આવેલા હોય એવી લાગણી પ્રવિણને મહેસુસ થઈ.
"જુઓ, આ કેશ સ્યુસાઈડનો છે. હું અંદર જઈને પેશન્ટ પાસેથી પુછતાજ કરી લઉં. એ પછી તમારે કોઈને તેને મળવા જવું હોય તો જઈ શકો છો." આટલુ કહીને ઈન્સ્પેકટર એક હવલદારની સાથે વોર્ડની અંદર જવા પગ ઊપાડ્યા.
"સર, તમારી કામગીરીમાં દખલગીરી ના થતી હોય તો હુ તમારી સાથે અંદર આવી શકું છું."
પ્રવિણે ઈન્સ્પેકટરની સાથે અંદર જાવાની ઈચ્છા વ્યક્ત કરી. ઈન્સ્પેકટરે ઈશારેથી તેને તેની સાથે લઈ ગયો.
વોર્ડની અંદર યોગી બેડ પર સુતો હતો. નર્સ તેને ઓક્સિજન માસ્ક ચડાવતી હતી. એક હાથમા ગલૂકોઝની બોટલ લગાવેલી હતી. ઈન્સ્પેકટરને જોઈને યોગી ગભરાઈ ગયો. ઈન્સ્પેકટરે નર્સને ઈશારેથી વોર્ડની બહાર મોકલી દીધી.
"યોગી, મને જોઈને ગભરાતો નહિ. હું થોડાંક સવાલના જવાબ પૂછવા આવ્યો છું. જો તુ ઠીક હોય તો મને જવાબ આપીશ ?"
ઈન્સ્પેકટર એક સ્ટુલ યોગીના બેડ પાસે રાખીને બેસવાની સાથે પૂછ્યું. યોગીએ ઈન્સ્પેકટરને પૂછાયેલ સવાલથી હકારમાં માથુ હલાવ્યું. યોગી તેમના સવાલના જવાબ સરળતાથી આપી શકે તેના માટે ઈન્સ્પેકટરે યોગીના મોઢા પરથી ઓક્સિજન માક્સ કાઢી લીધું. સાથે આવેલ હવલદાર અને પ્રવિણ બેડની પાસે ઊભા હતા.
"યોગી, તારી તબિયત હવે કેમ છે ?"
"સારી છે." યોગીએ ધીરેકથી જવાબ આપ્યો.
"યોગી, તે આટલું મોટું પગલું ભર્યું. જીવ ટુંકાવી નાખવાની જેવી ઘટના તે કરી. તેના માટે તને કોઈએ દબાણ કર્યુ છે ?"
"ના સર, મને કોઈએ કાંઈ દબાણ કર્યું નથી. હું મારા જીવનથી હારી ગયો એટલે દૂનિયા છોડવા તૈયાર થઈ ગયો."
"કોઈ તો કારણ હશે. જેને કારણે તારે ઝેર પીવું પડ્યું. ફેમિલીથી કોઈ પ્રોબ્લેમ છે ?"
"ના એ તો બધા ખૂબ સારા છે."
"એક્ઝામનું કોઈ ટેન્શન છે ?"
"હું સ્ટડિમાં ખૂબ હોશિયાર છું. એવી સમસ્યા આવે જ નહિ."
"તો પછી તારે કોઈ કુટેવ છે ? જુગારમા તુ હારી ગયો હોય ?"
"હું જુગાર વિશે સપને વિચાર ના કરું. મને એનાથી નફરત છે."
"તારી ગર્લ ફ્રેન્ડ તને છોડીને જતી રહી?"
ઈન્સ્પેકટરના છેલ્લા પૂછાયેલા સવાલથી યોગીની આંખોમાંથી આંસુઓ સરવા લાગ્યા. આગળ કાંઈ એ બોલે એવી સ્થિતિમાં જ ના રહ્યો.
"ઈન્સ્પેકટર સર, કદાચ પ્રેમ પ્રકરણને કારણે તેણે તેનુ મૌત વ્હાલુ કર્યુ લાગે છે ! મને લાગે છે કે યોગી હવે આગળ કાંઈ કહી નહિ શકે. તમે તમારી ઈન્કવાયરી અહી જ સ્ટોપ કરી શકતા હોય તો તમારી ખૂબ મહેરબાની રહેશે."
પ્રવિણે ઈન્સ્પેકટરને ઈન્કવારિ બંધ કરવા માટે બે હાથ જોડીને વિનંતી કરી. યોગી રડવાનું બંધ કરી રહ્યો ન હતો. પ્રવિણ યોગી પાસે જઈને તેને છાનો રાખવા લાગ્યો.
"પ્રવિણભાઈ, તમે મારા કામમાં રુકાવટ પેદા કરો છો. મારે પૂરી વિગત યોગી પાસે લેવી જરૂરી છે. હજુ તેણે અધુરી વિગત આપી છે. તમારે મારા કામમાં રુકાવટ પેદા કરવી હોય તો તમે વોર્ડમાંથી જઈ શકો છો." ઈન્સ્પેકટરે કડકાઈથી પ્રવિણને વોર્ડમાંથી બહાર જવા માટે ફરમાન આપી દીધું.
"પ્રવિણકાકા, હું ઠીક છું. તેમને જે પૂછવુ હોય એનો હુ સાચો જવાબ આપીશ."
યોગીના કહેવાથી પ્રવિણ આગળ કશુ કાંઇ ના બોલ્યો. તેણે ઈન્સ્પેકટરને કહી દીધુ કે એ યોગીને મુકીને વોર્ડમાંથી નહિ જાય અને એ તેમના કામમાં હવે કોઈ અડચણ ઊભી નહિ કરે.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"