Aekant - 83 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 83

Featured Books
Categories
Share

એકાંત - 83

પ્રવિણે વત્સલની સાથે પારુલને સંદેશો મોકલી દીધો કે એને  પારુલનું જરૂરી કામ હોવાથી તાત્કાલિક રૂમમાં આવી જાય. વત્સલ આટલો સંદેશો આપીને બહાર રમવા જતો રહ્યો. 

પારુલ તેણીનાં સર્વે કામો પડતાં મૂકીને એના રૂમ તરફ ગઈ. પ્રવિણ રૂમના દરવાજા પાછળ સંતાઈને એની રાહ જોઈ રહ્યો હતો. એના એક હાથમાં કાંઈક છુપાયેલું હતું.

પારુલે રૂમની અંદર પ્રવેશ કર્યો. પ્રવિણે તેણીનો પાછળ હળવેકથી આંખો દબાવી દીધી. પારુલ કોઈના હાથનો સ્પર્શ થતાં જોરથી બોલવાની હતી, ત્યાં જ પ્રવિણે તેણીના કાનમાં હળવેકથી બોલ્યો, "ચૂપચાપ ઊભી રહેજે. કાંઈ બોલતી નહીં."

પ્રવિણનો અવાજ કાને પડતાં તેણી બોલી : "આ તમે શું નાટક માંડેલાં છે ? મારે ઘરનાં દરેક કામો બાકી છે. મને તમે અહીં કેમ બોલાવી છે ?"

"શ....."

પ્રવિણ આટલું બોલીને તેણીને બંધ આંખોએ અરીસાની સામે લઈ ગયો. એની સાથે લાવેલ મોગરાની કળીની વેણી એણે પારુલનાં નાક પાસે રાખી. પારુલ મોગરાની કળીની સૌમ્ય ખુશ્બુને પારખીને હોઠ મલકાવ્યા.

"કેટલાં વર્ષો પછી તે આ સુગંધને માણી છે ?"

"આ સુગંઘ માણવાનો સમય યાદ નથી, પણ એ ચોક્કસ કહીશ કે આ સુગંધ મને પહેલાનાં મોગરાની કળી કરતાં વધુ સૌમ્ય લાગે છે."

"એવું કેમ ?"

"કારણ કે આ કળીએ તમારાં હાથનો સ્પર્શ કરેલો છે. હવે તો મારી આંખો ખોલો. મને અંધારાં આવી જશે."

"એમ કાંઈ હું તારી આંખોને નહીં ખોલું. આંખો બંધ કરીને ઊભી રહેજે. ખોલીશ તો તને મારાં સમ છે."

છેલ્લું વાક્ય ખૂબ જ પ્રેમથી પ્રવિણ બોલ્યો. એ પછી પ્રવિણ એનો હાથ તેણીનાં આંખેથી લઈ લીધો. પ્રવિણના સમ લાગવાથી તેણીએ એની આંખો બંધ જ રાખી હતી. પ્રવિણે પોતાના બન્ને હાથોથી પારુલનાં માથાના વાળમાં વેણી લગાવી દીધી. 

"હવે, તું તારી આંખો ખોલીને દર્પણમાં જોઈ શકે છે."

પ્રવિણના કહેવાથી પારુલે હળવેકથી આંખો ખોલીને અરીસામાં જોયું તો એનાં ચહેરાનો નિખાર ખીલી ઊઠ્યો હતો. તેણીએ શરમથી એનો ચહેરો બન્ને હાથો વચ્ચે સંતાડી દીધો.

પ્રવિણે તેણીનો ખભો પકડીને પોતાની સામે ચહેરો કરી દીધો. તેણીનાં હાથોને એણે ચહેરાથી દૂર કરી દીધા.

"કેવી લાગી મારી સરપ્રાઈઝ ?" પ્રવિણે સવાલ કર્યો.

"બહું જ સુંદર. જો હું કવિયિત્રી હોઉં તો આ લાગણીભરી ઘટનાને ગઝલમાં કેદ કરી દઉં."

"તું ખુશ તો છે ?"

"તમને લાગે છે કે હું ખુશ નથી ?"

પ્રવિણ પાસે કોઈ જવાબ ન હતો. આંગણે કોઈએ દરવાજાને ટકોર મારી. અવાજ આવતાં પારુલ દરવાજે કોણ આવ્યું હશે એ જોવાં નીકળી ગઈ.

એ દિવસથી પ્રવિણ પારુલની પસંદનું વધુ ધ્યાન રાખવાં લાગ્યો હતો. આ તરફ પારુલ પ્રવિણની પસંદ અને નાપસંદ દલપતદાદા પાસેથી જાણીને રોજ એને ખુશ કરવાં નીતનવીન વાનગી બનાવતી રહેતી હતી.

હેતલને પિયર ગયાને બે મહિના થઈ ગયા હતા. તેણીને રવિએ ઘણાં ફોન કોલ કરીને ઘરે આવવાનું જણાવ્યું પણ હેતલે ઘરથી અલગ થવાની જીદ્દ પકડી રાખી હતી. રવિ કોઈપણ ભોગે અલગ રહેવાં નહીં જાય એવી સુચના આપી દીધી. આ વાતની જાણ રવિએ ઘરમાં કોઈને જણાવી નહીં.

રાતના સમયે સૌ એક સાથે જમવા બેસી ગયા હતા. દલપતદાદા જમીને પ્રવિણ અને રવિ સાથે વાતો કરવા એક ખુરશી લઈને બેસી ગયા હતા. પારુલ વત્સલને જમાડતી હતી.

"પપ્પા, મમ્મીને નાનીને ઘરે ગયાંને ઘણાં દિવસ થઈ ગયાં છે. મને એમનાં વિના હવે નિંદર પણ આવતી નથી. એમને કોલ કરીને અહીંયા બોલાવી લો. એમને હજું ત્યાં રોકાવું હોય તો મને તેમની પાસે મૂકી આવો." વત્સલને હેતલની યાદ આવતાં રવિ પાસે ફરિયાદ કરી.

"વત્સલની સાચી વાત છે, રવિ. એને પિયર ગયાંને બે મહિનાની ઉપર થઈ ગયું છે. હવે તો એને આવી જવું જોઈએ. એનાં પિયરમાં બધાં ક્ષેમ કુશળ તો છે ?" પારુલે ચિંતાનાં સ્વરે સમાચાર લીધાં.

"એ બધા લોકોની તબિયત સારી છે. હેતલને એની સહેલીની ઘરે પ્રસંગ હોવાથી એ રોકાઈ ગઈ છે. તેણીને આવવું હતું, પણ મેં કહ્યું કે પ્રસંગ છે તો તું પતાવીને આવજે." રવિએ સાચી વાત છુપાવીને ખોટું બોલ્યો.

"એની સહેલીની ઘરે ક્યારે પ્રસંગ છે ?"

દલપતદાદાએ વચ્ચે સવાલ કર્યો. રવિએ કોઈ પ્રત્યુતર આપ્યો નહીં, કારણ કે એ દાદા સામે ખોટું બોલી શકે એમ ન હતો. મૂંગે મોઢે એ જમીને થાળીમાં હાથ ધોવાં લાગ્યો.

"પિતાજીએ તને કાંઈક પૂછ્યું." પ્રવિણને જવાબ ના મળતા અકળાઈને કહ્યું.

રવિએ નીચું મોઢું કરીને વાતને છુપાવતા ઊતાવળમાં જણાવી દીધું કે એક અઠવાડિયાની અંદર જ પ્રસંગ છે. બીજું કાંઇ બોલ્યા વિના રવિ વત્સલને લઈને એના રૂમમાં જતો રહ્યો. 

દલપતદાદાની સામે પહેલી વાર ખોટું બોલતા રવિને ખૂબ દુઃખ થયું. સાચું જો એ દરેકને જણાવે તો બીજા સભ્યો દુઃખી થઈ શકે એમ હતાં. રવિએ કોઈપણ રીતે એક અઠવાડિયા સુધીના પ્રસંગનું બહાનું જણાવીને હેતલની વાતને ત્યાં જ સ્ટોપ કરી દીધી. રવિને એમ હતું કે એ હેતલને એક અઠવાડિયામાં મનાવીને એને ઘરે લઈ આવશે અને કોઈને જાણ પણ થશે નહીં.

દલપતદાદાને રવિનું વર્તન અજુગતુ લાગ્યું. આ રીતે એણે કોઈ દિવસ એમને આવો જવાબ આપેલો ન હતો. એમણે એક ઊંડો શ્વાસ લઈને બેઠક રૂમમાં જતા રહ્યા.

પ્રવિણ જમીને એના રૂમમાં જઈને મોબાઈલમાં ન્યુઝ જોવા લાગ્યો. થોડીક વાર પછી પારુલ એનું કામ પતાવીને રૂમમાં જતી રહી. અંદરથી દરવાજો બંધ કરીને તેણી પ્રવિણના પગ પાસે વાતો કરવાં બેસી ગઈ. પ્રવિણનું પૂરું ધ્યાન મોબાઈલમાં ન્યુઝ જોવા પર હતું.

"તમને એવું નથી લાગતું કે રવિ આજ કાંઈક આપણાથી છુપાવી રહ્યો હતો ! એ જે વાત કરવાં માટે નજર ચોરાવી રહ્યો હતો એના પરથી એવું લાગે છે કે એ ખોટું બોલી રહ્યો છે."

પારુલે એની ચિંતા જણાવી. પ્રવિણ તેણીની વાત સાંભળીને મોબાઈલ બંધ કરીને એની સાથે વાત કરવાં સરખો બેસી ગયો.

"મને પણ આજે રવિની વાતમાં દાળમાં કાંઈક કાળુ લાગી રહ્યું હતું !"

"તમને પણ એ જ વિચાર આવતો હતો જે મને આવી રહ્યો હતો તો તમારે એની સાથે વાત કરવી જોઈએ."

"એ હવે નાનો રહ્યો નથી કે એ ખોટું બોલે તો એની પાસેથી સાચી હકીકત જાણી શકું. એ જો કાંઈ છુપાવી રહ્યો હશે તો એમાં કોઈ કારણ હશે. કારણ વગર એને પણ ખોટું બોલવું ગમ્યું નહીં હોય. હું મારા દીકરાને સારી રીતે ઓળખું છું. વધુ ચિંતા કર્યા વગર લાઈટ બંધ કરીને સુઈ જા."

"તમે અને પિતાજીએ જ એને માથા પર ચડાવીને બેઠા છો. એ નાનો નથી એટલે તો એને કહેવાની ફરજમાં આવે છે. હજું, હેતલ કેમ એનાં પિયરથી આવી રહી નથી ?" પારુલ ગળગળા અવાજે કહ્યું.

પ્રવિણે તેણીનાં હાથને પોતાના હાથમાં લઈને શાંત રાખતાં સમજાવી, "તું જરૂરથી વધારે ચિંતા કરે છે. એણે એક અઠવાડિયાની અંદર પ્રસંગ છે એમ જણાવ્યું છે. બે મહિના હેતલની રાહ જોઈ છે તો એક અઠવાડિયું વધુ રાહ જોઈ લે. જે સાચું છે એ આપણી સામે જરૂર આવશે."

પ્રવિણની વાત પારુલને યોગ્ય લાગી. તેણીએ હેતલની વધારે ચિંતા કરવાનું છોડી દીધું. લાઈટ બંધ કરીને તેઓ બન્ને સોમનાથ દાદાનું નામ સ્મરણ કરીને સૂઈ ગયાં.

બે મહિનાની અંદર રાજે નોકરીની શોધ ચાલું કરી દીધી. માધાપર નામથી એ હતું ગામડું; પણ એની અંદર શિક્ષિત વર્ગની સંખ્યા વધુ જોવા મળતી હતી. લંડન વસતા માધાપરના લોકો ત્યાંથી કમાણીને આવક તેઓ માધાપરની અંદર શાળાઓ, હોસ્પિટલ અને બગીચાઓની સુવિધામાં ખર્ચી નાખતા હતા. આમ, માધાપર ગામડુ હોવા છતાં સુખ સુવિધાને એકદમ સ્વચ્છ લાગી રહ્યું હતું. પૂરાં ભારતભરમાં સૌથી વધુ પૈસા સાચવવા માટે વધુ બેન્કનું નિમાર્ણ માધાપર થયું હતું.

રાજ દસ પાસ હોવાથી એને સરળતાથી બેન્કની નોકરી મળવી અશક્ય હતી. બેન્કમાંથી ચોકીદાર તરીકેની નોકરીની ઓફર આવી પણ એને એ નોકરી શરમજનક જેવી લાગતી હતી. એની ઈચ્છા લંડન જઈને પૈસા કમાવાની હતી. એણે એકવાર એના પિતાનો સારો મુડ જોઈને લંડન કમાવા જવાની ઈચ્છા જણાવી દીધી.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"