દલપતદાદાની વાતો સાંભળીને પ્રવિણ શરમાઈ ગયો. એમના સવાલોના જવાબમાં એણે ખાલી એટલું કહ્યું કે, એને કોઈ ખબર નથી કે પારુલને કોઈ પ્રસંગમાં જવાનું છે કે નહીં ?
પ્રવિણ દલપતદાદાની રજા લઈને ચાય પીવા જતો રહ્યો. ત્યાં એણે પારુલ સાથે ધીમેકથી ઝઘવાનું ચાલું કરી નાખ્યું.
"તારે લીધે મારે પિતાજીનો ગુસ્સો સહન કરવો પડ્યો."
"એમાં, મેં તમને શું કર્યું કે તમે મારાં પર ખીજ ઊતારો છો. આ લ્યો છાનામાના ચાય અને ખાખરા ખાઈ લ્યો." પારુલે ચાય અને નાસ્તો આપતાં કહ્યું.
"તારે કારણે જ થયું છે. મેં તો તને ખાલી એમ કહ્યું હતું કે મને મહેંદીની સુગંધ ગમે છે. તું તો મહેંદીનો મોટો કટોરો લઈને મારી સામે આવી પહોચી હતી કે લ્યો મને મહેંદી મૂકી દ્યો." પ્રવિણે મોં વાકુ કરીને પારુલની એક્ટીંગ કરતાં બોલ્યો.
"હું તો તમને એમ કહીશ કે અડધી રાત્રે ઘાટ પર જઈને નદીમાં ડુબકી લગાવો તો તમે લગાવા જાવાના હતા ?"
"એવાં હું ગાડાં જેવાં ખેલ કરતો નથી."
"હા તો તમારે મને હાથમાં મહેંદી મૂકી દેવી ના જોઈએ."
"હવે તું બીજી વાર કહીશ ત્યારે હું ધ્યાન રાખીશ."
પ્રવિણ પારુલ સાથે દલીલબાજી કરતો ચાય પીવાં લાગ્યો. દલપત દાદાએ રૂમમાં એનો અવાજ સાંભળીને ત્યાંથી બોલ્યા : "ચૂપચાપ બોલ્યા વિના ચાય પી લે. ક્યારનો પારુલ વહુ સામે દલીલો કરે છે સંભળાઈ રહ્યું છે, મને."
દલપતદાદાએ પાંત્રીસ વર્ષમાં પહેલી વાર તેઓ બન્ને વચ્ચેની આવી મીઠી નોકઝોક જોઈ રહ્યાં હતાં. એમને આ રીતે બન્નેનું ઝઘડવું ખૂબ જ ગમ્યું હતું. એ તો પ્રવિણને ખીજાવાનું ખોટુ નાટક કરી રહ્યા હતા.
"હે સોમનાથ દાદા, હવે મને મારો પહેલાંનો પ્રવિણ મળી ગયો હોય એવું લાગી રહ્યું છે. આ બન્નેનાં મીઠાં ઝઘડાઓને મારાં મર્યાં પછી પણ આવાં જ અકબંધ રાખજો." દલપતદાદાએ સોમનાથ દાદાને પ્રાર્થના કરી લોધી.
પ્રવિણ ચાય પી લીધા પછી એનો પૂજાનો સામાન લઈને ઘાટ પર પૂજા કરાવવાં નીકળી ગયો. પારુલ તેણીનાં રોજનાં કામોમાં વ્યસ્ત થઈ ગઈ.
ઘાટ પર પહોંચતા પ્રવિણને રોજ કરતા મોડુ થઈ ગયું. કોઈ પૂજા કરાવનાર યજમાનો પ્રવિણને મળી રહ્યાં ન હતાં. પ્રવિણ એક છાયડે જઈને બેસી ગયો. યાત્રાળુઓની અવરજવર ચાલુ હતી. પ્રવિણને હાર્દિકે ગિફ્ટ કરેલો મોબાઈલ યાદ આવ્યો. એણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ડેટા ઓન કર્યો. ડેટા ઓન કર્યાની સાથે ધડબડાટ ચતુર્ભુજ ગ્રુપમાં મેસેજીસનો ખડકલો થઈ ગયો.
પ્રવિણે ગ્રુપ ખોલ્યું તો ગઈ રાતના મેસેજથી અત્યાર સુધીના એમના મિત્રોના દોઢ સો જેવા મેસેજ હતા. પ્રવિણે એક પછી એક દરેક મેસેજીસ વાંચવાનાં ચાલુ કર્યા. જેમાં સૌથી પહેલા નિસર્ગ વડોદરા પહોચી ગયો હતો એનો મેસેજ હતો. એ પછી સાંજના સમયે હાર્દિકે પાટણ જઈને ક્ષેમ કુશળ પહોચી ગયો એનો મેસેજ હતો.
રાતના સમયે ત્રણેય જણાયે બીજી આડી અવળી ઘણીય વાતો કરી. જેમાં એક મેસેજ હાર્દિકનો આમ હતો : "પ્રવિણભાઈ તો ઘડિયાળને કાંટે ચાલનાર છે. એ હજુ ઓનલાઈન આવેલા નથી, તો સમજી જવાનું કે દસ વાગ્યાના ટકોરે એ સૂઈ ગયા હશે."
એ પછી રાતના બાર વાગ્યે રાજને ભુજનું સ્ટેશન આવી જતા એણે ગ્રુપમાં લાસ્ટ મેસેજ કરી દીધો. ભુજથી માધાપર જતા એને બીજી પિસ્તાળીસ મિનિટ જેવી થઈ ગઈ હતી. રાતના પૂણા એક વાગ્યે એ હેમખેમ એના ઘરની અંદર પ્રવેશ કરી દીધો છે એવો બીજો મેસેજ ગ્રુપમાં એણે કરી નાખ્યો.
પ્રવિણ હાર્દિકનો મેસેજ વાંચીને મુખમાં હસવા લાગ્યો અને મનમાં કહેવા લાગ્યો : "વાહ બે દિવસમાં તું મને ઓળખી ગયો પણ તે મને ઓળખવામાં ઊતાવળ કરી નાખી. રોજ રાત્રે સૂઈ જનાર તારો આ દોસ્ત કાલ પૂરી રાત તારી ભાભી સાથે જાગીને વાતો કરી હતી. તમને લોકોને કહીશ તો તમે ખૂશ થઈ જશો."
પ્રવિણને ગ્રુપમાં મેસેજ કરવું યોગ્ય ના લાગ્યું. એણે ગ્રુપમાં વિડિયો કોલ ચાલુ કરી નાખ્યો. હાર્દિક ચાય બનાવીને પી રહ્યો હતો. પ્રવિણના કોલની રીંગ વાગતા એણે પહેલો કોલ ઊપાડ્યો.
"પ્રવિણભાઈ, તમે અમને છોડીને ખુશ થઈ ગયા લાગો છો. એ પછી તમારો એક કોલ તો શું મેસેજ પણ નથી આવ્યો."
"અરે હાર્દિક કાલ પૂરો દિવસ અને રાત હુ ફ્રી રહ્યો નથી."
"કેમ ગોરબાપા ફ્રી હતા નહીં ? કોઈનું ભુત ઊતારવા પૂરી રાત ગયા હતા ?" હાર્દિક ચાયની ચુસકી લેતા બોલ્યો.
"કોઈનું ભુત નહીં પણ મારી અંદર એકલતાનું મેં ભુત કાઢી નાખ્યું છે."
"તમારી વાત ચાયની વરાળની જેમ મારા મગજથી બાષ્પીભવન થઈને ઊડી રહી છે. ચોખવટ કરો તો ખબર પડે."
પ્રવિણ હાર્દિક સાથે આગળ કાંઇ વાત કરે ત્યાં રાજ એમની સાથે જોઈન થયો. રાજ નિંદરમાંથી હજુ ઊઠ્યો હતો. એ ત્રણેય વાતો કરતા હતા ત્યાં નિસર્ગ ઓફીસ જઈને એમની સાથે વિડિયો કોલ પર વાતો કરવા લાગ્યો.
લગભગ અડધી કલાક સુધી ચાલેલા વિડીયો કોલનો પ્રવિણે વિરામ આપ્યો. સૌને પોતાના પર્સનલ કામ વિશે વિચારીને એણે વધુ વાત ના કરી.
વિડિયો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયા પછી હાર્દિકે પ્રવિણ સાથે વાત કરવા કોલ કર્યો. એક રીંગ વાગતા જ પ્રવિણે કોલ ઊપાડી લીધો.
બન્નેએ કોલ પર ઘણી બધી વાતો કરી. પ્રવિણે પૂરી રાત પારુલ સાથે જાગીને વાતો કરી. એણે એનાં મનની અંદર ચાલતી દરેક દ્વિધા જણાવી દીધી. હાર્દિકને કોઈ ઈમ્પોર્ટન્ટ કોલ વચ્ચે આવવાથી એને પ્રવિણનો કોલ ડિસ્કનેક્ટ કરવો પડ્યો.
આમ જ પ્રવિણનો પૂરો દિવસ મિત્રો અને ઘરનાં સભ્યો સાથે પૂરો થઈ ગયો. બીજે દિવસે એ વહેલો ઊઠીને નાહી ધોઈને ઘરની બહાર કોઈને કહ્યા વિના નીકળી ગયો. પારુલ સવારનાં ચાય અને નાસ્તામાં વ્યસ્ત થઈ ગઈ.
પ્રવિણ બહારથી ઘરની અંદર આવીને એક પડીકું લઈને એના રૂમમાં જતો રહ્યો. તીરછી નજરથી પારુલને પણ એણે જોઈ લીધી. પારુલ ચાયનો કપ લઈને બેઠક રૂમમાં જતી હતી.
પ્રવિણે વત્સલને એના રૂમમાં બોલાવ્યો અને જણાવ્યુ : "વસુ બેટા, અહીંયા આવ. આ લે તને ચોકલેટ બહું ભાવે છે તો તારા માટે કેડબરી લેતો આવ્યો છું."
વત્સલ ખુશ થતા એના દાદાના હાથમાં રહેલ ચોકલેટ લઈ લીધી. ચોકલેટ મળતા એ બહાર રમવા માટે નીકળતો હતો ત્યાં એના દાદાએ એનો હાથ પકડી લીધો : "જો બેટા, હું તારા માટે ચોકલેટ લઈ આવ્યો તો તારે મારું એક કામ કરવું જોઈએ."
"એટલે દાદા, તમે ચોકલેટ આપીને મારી પાસે કામ કઢાવવા માંગો છો. આ લ્યો, તમારી ચોકલેટ. અમારા સ્કુલનાં મેડમે અમને શીખવ્યું છે કે કોઈ ઉપહાર આપીને તમારી પાસે કામ કઢાવે એને ભ્રસ્ટાચાર કહેવાય. મારી પાસે નાની ઉંમરથી ભ્રષ્ટાચાર કરતા શીખવો છો."
વત્સલે ચોકલેટ બેડ પર મૂકીને ચાલતી પકડી. પ્રવિણે એને પાછળથી ઊંચકી લીધો : "મારા દીકરા, આ ચોકલેટ હું પ્રેમથી તારી માટે લાવેલો છું. મારે તારું નાનુ કામ છે. તારાથી કામ ના થાય તો ઠીક છે. એ ચોકલેટ હું ખાઈ લઈશ. તું સત્યવાદીના બેટા બહાર રમવા જતો રહે."
પ્રવિણે વત્સલને નીચે ઊતારીને બહાર રમવા જવાનું કહી દીધું. વત્સલને ચોકલેટ જોઈને લાલચ આવી ગઈ. એની ઈચ્છા ચોકલેટ લઈને બહાર નીકળવાની હતી.
"તમે કોઈ કામ કહેતા હોય એ ભ્રસ્ટાચારથી કરેલું કામ ના કહેવાય. આ ઉંમરમાં તમે ચોકલેટ ખાશો તો તમારા દાંત સડી જવાનો ડર રહેશે."
"મારી ઉંમર થઈ છે તો આમ પણ મારા દાંત પડવાના છે. એના કરતા ચોકલેટ ખાઈને પડે તો ચોકલેટ ના ખાવાનો અફસોસ તો નહીં રહે."
પ્રવિણ ચોકલેટ હાથમાં લઈને એનું રેપર ખોલવા ગયો, ત્યાં જ વત્સલે તરાપ મારીને ચોકલેટ ઝુંટવી લીધી.
"દાદા, તમે શું કામ કરવાનું કહેતા હતા ? હું એક મિનિટમાં તમારું કામ કરી આપીશ. આ તો તમે મારા માટે પ્રેમથી લઈ આવ્યા છો તો હું તમારા માનનો અનાદર કરવા માંગતો નથી."
વત્સલની બુધ્ધિ ચાતુર્ય જોઈને પ્રવિણ ખુશ થઈ ગયો અને એણે વત્સલને એની દાદીને એના રૂમમાં બોલાવવા માટે જણાવ્યું.
વત્સલે આપેલો સંદેશો મળતાં પારુલ ચિંતામાં આવી ગઈ. આવાં સમયે પ્રવિણે એને રુમની અંદર કેમ બોલાવી હશે ?
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"