13. આખરે મળ્યો ખજાનો !
દીપડાએ એ મોટા પથ્થર પરથી નીચે છલાંગ લગાવી. હું ફફડી ગયો. પણ અમારે ચિંતા કરવા જેવું નહોતું, કારણ કે અમારી પાસે પિસ્તોલ અને છરી હતાં. જોકે બને ત્યાં સુધી અમે એ વન્યજીવને કોઈ નુકસાન પહોંચાડવા માગતા નહોતા.
મેં થેલો ખોલીને ધીરેથી પિસ્તોલ કાઢી થોમસને આપી. મેં અને જેમ્સે હાથમાં છૂરી પકડી લીધી.
દીપડો અમારાથી દસેક કદમ દૂર હતો. હજી પણ એ દાંત બતાવી અમને ત્યાંથી ચાલ્યા જવા ચેતવણી આપતો હતો. અમે જો પ્રવાસીઓ હોત તો એની ચેતવણીને માન આપીને ચાલ્યા જાત, પણ અત્યારે અમારી મજબૂરી હતી.
મેં ઈશારો કર્યો એટલે જેમ્સ અને થોમસ મારાથી થોડા દૂર ખસીને દીપડાને બંને તરફથી ઘેરવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
દીપડાને પોતાના પર હુમલો થવાનો અણસાર આવી ગયો એટલે એણે મારા ઉપર કૂદવા માટે પેંતરો ભર્યો. મેં મનોમન એનો સામનો કરવાની તૈયારી કરી લીધી.
‘કંઈ પણ થાય, એને જીવલેણ ઈજા ન કરશો. એણે આપણું કંઈ બગાડ્યું નથી. બસ, આપણે આપણો બચાવ કરવાનો છે.’ મેં થોમસ-જેમ્સને સૂચના આપી. ‘જેમ્સ, તું પાણીમાં કૂદીને જો. આ ચળકાટની આસપાસ ક્યાંક-કંઈક દેખાશે.’
માથું હલાવીને જેમ્સે પાછાં ડગલાં ભરવાનું શરૂ કર્યું. સરોવરનો છેડો એનાથી સાવ નજીક જ હતો. એના પગલાંના અવાજથી દીપડો એકાએક એના તરફ ધસ્યો. જેમ્સ ડરી ગયો. એ ઝડપ કરવા ગયો એમાં પગ લથડ્યા અને એ સીધો જ પાણીમાં પડ્યો. દીપડો પણ એની પાછળ પાણીમાં કૂદે એ પહેલાં મેં એનું ધ્યાન ભટકાવ્યું.
‘હેય...હેય...હેય...’ છરી હવામાં લહેરાવતો હું એની પાસે દોડી ગયો. એ મોઢું ફેરવી અમારી તરફ ફરી ગયો. એનાથી સલામત અંતર રાખીને હું થોડો પાછો હટ્યો. એણે મારી તરફ દોટ મૂકી. મારી પાસે પહોંચીને એ ઊછળ્યો. એ જ વખતે હું નીચે વળીને બીજી બાજુ ખસ્યો. એનો વાર ખાલી ગયો અને એ મારી પાછળ ઊતર્યો. હવે થોમસ એની સાવ નજીક હતો. એની પાસે પિસ્તોલ હતી. મારા કરતાં એ વધારે સુરક્ષિત હતો.
છતાં દીપડો ફરી મારી સામે જ ખુન્નસભરી આંખો કાઢી દોડ્યો. હવે પહેલાં જેવી યુક્તિ અપનાવી શકાય એમ નહોતું. હું થોડો ગભરાયો. હું હજી કંઈ પણ સમજી-વિચારી શકું એ પહેલાં તો એણે મને નીચે પાડી દીધો અને મારી છાતી પર એ સવાર થઈ ગયો. મારી ઉપર જાણે મણ-મણ વજનનો મોટો પથ્થર આવી પડ્યો હોય એટલી ભીંસ વર્તાતી હતી. મારું હૃદય ધબકારો ચૂકી ગયું. એના ખૂંખાર અને અણીદાર દાંત અને નહોર જોઈને મને લાગ્યું કે મારું જીવન ત્યાં જ પૂરું થઈ જશે.
ત્યાં જ થોમસે પાછળથી ગોળીનો એક બાર ફોડ્યો. વાતાવરણ ધડાકા સાથે ગૂંજી ઊઠયું. ગોળીબારથી દીપડો સહેજ વિચલિત થયો. મેં લાગ જોઈને એના પગમાં છરીથી ઘસરકો કર્યો. તેથી તો એ વધારે ઝનૂને ચડ્યો. મને ફાડી ખાવા જ જતો હતો ત્યાં જ બરાબર એના પગ પાસે થોમસે બીજી ગોળી છોડી. ‘ધડામ !’
દીપડાના પગ પાસેના બે-ચાર કાંકરા ઊડ્યા. ફરી મેં છરીથી એના પડખામાં ઘા માર્યો. પગથી એને હડસેલવાની પણ કોશિશ કરી. બે બાજુથી હુમલો થતાં એ ગભરાયો. મારા નસીબમાં જીવવાનું લખાયેલું હતું. મને છોડીને એ ભાગવાનું કરતો હતો ત્યાં થોમસે ત્રીજો રાઉન્ડ પણ ફાયર કરી દીધો. એ છેલ્લો ભડાકો થયો અને દીપડો પેલી ભેખડ ઉપર થઈને પાછળ જંગલમાં નાસી ગયો. સહેજ લંગડાવા સિવાય એને કોઈ તકલીફ નહોતી પડી એ જોઈને મને ધરપત થઈ કે એને મામૂલી ઘાવ જ થયા હતા.
મેં છુટકારાનો મોટો નિઃશ્વાસ નાખ્યો. મારા હૃદયના ધબકારા થોડી વારે નિયંત્રિત થયા. હું પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.
‘તું ઠીક છે ને, એલેક્સ ?’ થોમસે મને ઊભો કરતાં પૂછ્યું.
‘હા ભાઈ ! આજે તો હું માંડ માંડ બચ્યો છું. થેન્ક્સ યાર !’ મેં એનો ખભો થપથપાવ્યો.
અમે પેલી છાજલી પાસે ગયા. જેમ્સને તરતાં આવડતું હતું એટલે બીજો કોઈ ડર નહોતો. એ જ ક્ષણે એણે શ્વાસ લેવા પાણીની બહાર માથું કાઢ્યું.
‘મળ્યું કાંઈ ?’ મેં પૂછ્યું.
‘ના, હજી સુધી તો નહીં. પણ હા, આ છાજલીની નીચે પાણીમાં સાવ નાના ગોખલા જેવું મને દેખાયું છે. એમાં જોઈ જોઉં.’ કહીને એ પાછો ડૂબકી મારી ગયો.
હું અને થોમસ થડકતા દિલે રાહ જોવા લાગ્યા. જો બધું જ સાચી રીતે પાર ઉતર્યું હોય તો હવે પછીની ક્ષણો આનંદની હતી. એક-એક સેકન્ડ એક-એક કલાક જેવડી લાગતી હતી. મને આ વખતે લાગતું હતું કે અમે નિષ્ફળ નહીં જઈએ. પાણીમાં સતત નજર રાખીને અમે એકદમ થાંભલાની જેમ ઊભા રહી ગયા હતા.
બે મિનિટે જેમ્સ વળી ડોકાયો. બે પળ એનો ગંભીર ચહેરો જોઈને મારો ઉત્સાહ ઘટવા લાગ્યો. હવે નવેસરથી ખજાનો શોધવાની મારી ત્રેવડ નહોતી. પણ ત્યાં તો જેમ્સનું મોં મલકાવા લાગ્યું. એનું સ્મિત જોઈને મારા જીવમાં જીવ આવ્યો. મેં થોમસની સામે જોયું અને અમે બંને આનંદમાં આવી ગયા.
જેમ્સ પાણીની બહાર આવ્યો ત્યારે એના હાથમાં એક સ્ટીલની નાનકડી પેટી હતી. પાણીમાં ખવાણ ન થાય એ માટે કદાચ સ્ટેઇનલેસ સ્ટીલનો ઉપયોગ કરાયો હશે. પેટી ઊંડી નહોતી, સપાટ હતી. અમે વિચારમાં પડ્યા. બે હાથે સહેલાઈથી પકડી શકાય એટલી નાની પેટીમાં એવું તે શું હશે કે જેના લીધે પેલા મવાલીએ વોટ્સનનું અપહરણ કરવું પડ્યું.
અમે પેટી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ રીતે એ ખૂલી નહીં. પાછળ ફેરવીને જોયું તો તળિયે વાક્ય કોતરેલું હતું:
ફ્રેડી જોસેફના અઢળક અભિનંદન ! તમે ખજાનો શોધી લીધો છે. જરા પણ સમય વેડફ્યા વગર મારી પાસે આવો !’
‘આ પેટી આપણાથી નહીં ખૂલે.’ મેં કહ્યું, ‘આપણે હવે ફ્રેડી સાહેબ પાસે જ પહોંચવું પડશે.’
‘પણ વિલિયમ્સ અને ક્રિક ક્યાં હશે ? એ લોકોને આપણે કઈ રીતે શોધીશું ?’ જેમ્સે ચિંતા વ્યક્ત કરી. એ બંનેને પણ શોધવા જરૂરી હતા.
‘આપણે એક કામ કરીએ. એ લોકોની અહીં સુધી આવવાની કોઈ શક્યતા નથી. આપણે આવ્યા હતા એમ પાછા જઈએ અને પેલો ક્રિકના ટીશર્ટનો ટૂકડો મળ્યો હતો ત્યાંથી તપાસ આગળ વધારીએ.’ થોમસે માર્ગ બતાવ્યો, ‘કેમ કે અહીં આપણને એવી એક પણ નિશાની નથી દેખાઈ જે એ લોકો સુધી દોરી જાય.’
‘હા, એમ જ કરીએ. પણ જલદી. આપણી પાસે ખોરાક ઓછો છે.’ મેં કહ્યું.
વળતી જ પળે અમે આવ્યા હતા એ રસ્તે પાછા ચાલી નીકળ્યા. ખજાનો મળી ગયો હતો, પણ ક્રિક અને વિલિયમ્સનો પ્રશ્ન હજી ઊભો જ હતો. આ પહાડી પ્રદેશમાં એ બંનેને અમે ક્યાં શોધીશું ? એ લોકો પણ જ્યાં હશે ત્યાંથી નીકળવાની તજવીજ કરતા જ હશે. પણ જો અમારો મેળાપ નહીં થાય અને એ લોકો ખોવાઈ જશે તો મુસીબત થશે.
પાછા ઉપર ચડતી વખતે અમે સહેજ જુદો રસ્તો પકડ્યો. દિશા એક જ હતી. ગમે તેમ કરીને અમારે પેલી કરાડની ટોચે પહોંચી ત્યાંથી ફરી દોરડા-પિટનના સહારે નીચે ઊતરવાનું હતું.
એક જગ્યાએ આવીને અમે થંભી ગયા. સામેનું દૃશ્ય જોઈને અમે ધ્રૂજી ઊઠ્યા.
સામે ઝાડીમાં પિન્ટોનું અડધું ખવાયેલું શરીર પડ્યું હતું. ઠેકઠેકાણેથી માંસના લોચા બહાર આવી ગયા હતા. જોઈને જ અનુમાન લગાવી શકાતું હતું કે એ દીપડાનો શિકાર બન્યો હશે.
‘ચાલો, ઈશ્વરે આને બદલો આપી દીધો ખરો !’ જેમ્સ બોલી પડ્યો.
પિન્ટોનો થેલો બાજુમાં પડ્યો હતો. મેં એ ઊઠાવી લીધો. અંદર જોયું. અમને માટે વધુ એક દિવસના ખોરાક-પાણી મળી ગયા હતા. મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો. કંઈક સારું તો કંઈક માઠું બની રહ્યું હતું. હવે વિલિયમ્સ અને ક્રિક મળી જાય તો બધું જ હેમખેમ પાર પડે. અને પછી આ પેટીનું ફ્રેડી જોસેફને અને પેલા બદમાશને જે કરવું હોય એ કરે. અમને અમારો વોટ્સન મળી જશે. પણ એ બધાં માટે પહેલાં તો આ પહાડથી છૂટવું પડશે.
દોઢ-બે કલાકે અમે પેલી કરાડ પરથી નીચે ઊતરીને અમારા તંબૂ પાસે આવી પહોંચ્યા. ત્યારે સાંજ પડી ચૂકી હતી. ત્રીજા દિવસની આ રાત કાઢીને ફરી સવારથી ઉતરાણ કરવા માંડવાનું હતું.